૯૩. તેં તો મને…

તેં તો મને
હડસેલો દઈને ફંગોળ્યો આ ઊંડા કૂવામાં
પણ પંડને તરતું રાખવા
જીવ પર આવીને
પાણી સામે ઝૂઝવું તો મારે જ પડે છે હવે.

તું ભલો તો ખરો જ,
મને ફંગોળતાં પહેલાં
મારી કૅડે મજબૂત દોરડું તો તેં જ બંધાવી રાખેલું.

પણ ક્યાં સુધી ડૂબકાં ખાતાં
આ કૂવાના પાણીમાં
મારે કર્યા કરવાની છબાછબ ને ધબાધબ?

મારી જાતને આમ તરતી રાખવાનોયે
થાક લાગે છે મને!
કાં તો તું હવે ખેંચી લે તારી કને ઉપર મને,
અથવા મને ડૂબવા દે અહીં ડુબાય એ રીતે…
તું મને દરિયાના મોજે ઉછાળ
કે મને વંટોળિયાના માથે ચડાવી ઉડાડ
પણ આમ મને રાખ નહીં
કૂવાના પાણીમાં છટપટાહટ કરતો…

જે દોરડે બાંધીને મને ફંગોળ્યો
એ જ દોરડે ખેંચીને બહાર કાઢવાનો છે મને;
તેં જો મને દાવ દીધો
તો હવે તારે નહીં લેવાનો?

૧૪-૭-૨૦૦૫

(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૨૪)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.