૭૩. તું ઊંડાણમાંથી આવે

તું ઊંડાણમાંથી આવે
ને ઊંચાણમાં લઈ જાય;
તું પથ્થરમાંથી પ્રગટે
ને પ્હાડ ઉપર લઈ જાય! …

તું વાવે એક જ બિન્દુ
ને મબલખ મોતી થાય;
તું એક જ કૂંપળ કાઢે
ને ઘટા અહીં ઘેરાય!
તું કંકર લઈને આવે
ને શંકર સોંપી જાય! –

તું અંદર કમળ ઉઘાડે
ને પિંડે થાય પ્રભાત;
તું એવો ટહુકો છાંટે
કે મઘમઘ વસંત-વાત!
તું મૌને ઝબાક ઝબકે
ને ગીત પેટવી જાય! –

આ તારી એક જ ચાવી,
અહીં બધાય ખોલે સંચ;
આ તારી મળે નજર ને
અહીં મધુરજનીનો મંચ!
તું એ વેણુ થઈ વાય
કે કૃષ્ણ કૃષ્ણ સૌ થાય! –

(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૮૨)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.