૬૭. કેમ ઊઘડે શબ્દ?

કેમ ઊઘડે શબ્દ?
– અરે! જો અંદરથી હું બંધ!
કેમ ઊઘડે રંગ?
– અરે! જો અંદરથી હું અંધ!

કેટકેટલાં પંખી આવે?
ડાળે ડાળે કલરવ!
સવારનાં કિરણોનો કેવો
પાને પાને પદરવ!
કેમ લ્હેરખી અડે?
– શ્વાસ જો રાખે નહિ સંબંધ! –

કેટકેટલાં ચાંદરણાં લઈ
રૂમઝૂમ આવે રાતો!
કેટકેટલી દરિયાઓના
દિલની ઊછળે વાતો!
કેમ ખાલીપો ખસે?
– રહે જો હૈયે હિમ અકબંધ? –

૨૦-૧૦-૧૯૯૫

(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૩)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.