૬૧. નીકળ્યો!

સાવ હું ખાલી છતાં બ્રહ્માંડ ભરવા નીકળ્યો!
હું બૂઝેલું કોડિયું તે સૂર્ય સ્રજવા નીકળ્યો!

સર્વ જાણે છે : નથીયે ચીંથરું મારી કને,
તોય હું પાંચાલીઓનાં ચીર પૂરવા નીકળ્યો!

એક મીઠું બોર પણ ના મેં હજુયે મેળવ્યું,
તોય પેલા રામને મહેમાન કરવા નીકળ્યો!

‘ઝેર’નાયે નામથી જ્વર પંડમાં પેસી જતો,
હું મીરાંને વાદ એનું પાન કરવા નીકળ્યો!

ઘર સુધીના એક રસ્તાનીય ક્યાં સાચી ખબર?
તોય માનવજાતને સૌ પંથ ચીંધવા નીકળ્યો!

એક કીડીને ચલવવી એય મારે વશ નથી;
તોય ઈશ્વર, જો, તને આજે ચલવવા નીકળ્યો!

પાંખ તો સધ્ધર નથી ને આભમાં અધ્ધર જવું!
મૂળ પોપટ પાંજરાનો બાજ બનવા નીકળ્યો!

એકબે શબ્દો ગઝલના માંડ આ હોઠે ચડ્યા,
ત્યાં જ હું ગાલિબ મિયાંની હોડ બકવા નીકળ્યો!

(એક ટહુકો પંડમાં, ૧૯૯૬, પૃ. ૯૪)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.