૫૭. – તો આવ્યાં કને

શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. –

ક્યાંક રે આંબો ટહુક્યો
એની વનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત.
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. –

આંખ મીંચું ત્યાં
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.
શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૧૭)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.