૩૧. આઠ સંવેદન-ચિત્રો

૧. નાગ

તમિસ્રની બખોલમાંથી પ્રગટતો ફુત્કાર :
એક જીવલેણ લિસ્સો સ્પર્શ,
હવામાં વળાંક લેતો લય
ને આંખમાં બંધાતો જતો આકાર ડંખીલા સંબંધનો.
સમયના મધમીઠા સૂરમાં
હિલ્લોળાતો લીલોછમ પડઘો મૃત્યુનો,
શય્યાના શાંત જલમાં
લિસોટાતો પ્રકાશ વેદનાની પરાકાષ્ઠાનો.
એક સ્વપ્ન
વિષકન્યાની આંખમાંથી છટકી
ફેનિલ નૃત્ય કરતું આ એકાંતના અંતરીક્ષમાં,
ને મૂર્ચ્છાવશ શ્વાસ
વિખેરાઈ જતો ધૂમ્રલેખાની બંકિમ ગતિમાં, શૂન્યમાં.

૨. મગર

આળસુ હવામાંથી અજગર
ને આળસુ જળમાંથી મગર.
હિંસક અગ્નિનું ગંઠાયેલું ઠંડુંગાર રૂપ.
ઊંડાણનું વિકરાળ મુખ પાણી બહાર પથ્થર પર.
સંવેદનશૂન્ય પીઠ પર તરંગિત અડીખમતાની
મોજાંની કરોડરજ્જુ પર નિર્ભર નિઃસ્તબ્ધતા.
ભોળી સરલ વિશદતાને ભરખતું
કઠોર સંકુલતાનું પંકિલ મૌન.
અર્થનો અનુદાર ખરબચડો પડઘો
જલની સમુદાર સંદર્ભ-સૃષ્ટિમાં.
ઊંડાણના આંતરિક હિંસક દિમાગમાંથી પ્રભવેલ નિષ્ઠુર ઉન્મેષ
કૃપણ કાળના ભીંસેલા હોઠ પર.

૩. મહિષ

પ્રમાદની ભીનીભદ્દ માટી
ને આંખમાં ઘેરાયેલી અકળામણ જાગૃતિની.
ફાંદાળી ભૂખનો ભાર ચાલમાં
ને
અ-ગતિનો એક સંકુચિત આકાર ખ્યાલમાં.
સગર્ભ તમિસ્રોનો તોતિંગ આધાર
ને
હાંફતા સમયનો સ્થગિત વિકાર.

લીલગ્રસ્ત અસ્તિત્વનો અકરાંતિયો વિસ્ફોટ
ને ઘનતાનો રેખાશૂન્ય ગોરંભ અંધ અવકાશને ભીંસતો
દૃષ્ટિને અવરોધતો
ને પગલાંને ભીંતમાં ધરબતો
દુર્દિનતાનો કલ્પનાશૂન્ય સંદર્ભ હવાયેલ છાયામાં.

૪. કાચિંડો

પલટાતા રંગમાં અટવાયેલી હસ્તી.
એક ભુલભુલામણી આંખની અંદર ને બહાર.

બુનિયાદી અવિશ્વાસની બરડ ભેખડ પર તોલાતો
રંગીનતાનો ભ્રામક સેતુ!
સંચરતો આકાર અકળ જિજીવિષાનો.
વંચનાની વાણીનો નિર્જળ નિર્ઝર!
તૃષ્ણાનો ઉજ્જડ આલોક!
પર્ણમાં પર્ણ, મૃત્તિકામાં મૃત્તિકા.

અનુકૂલનનો એક આત્મવિલોપક અર્થ.
રક્તમાં પ્રસરતો આભાસ ક્ષણિક રંગીનતાનો;
ને અંધ ભિત્તિ પર ઊઘડતી બિંબલીલા નિયતિની ચિત્રકવિતાની.
કોક વિ-પક્ષ વ્યંજનાનો વ્યર્થ વિલાસ ઉડ્ડયનનો,
ને આ નિષ્પક્ષ ગતિનો સમર્થ ઉપહાસ આત્મધારણનો.

૫. કરોળિયો

શૂન્યની લિસ્સી અરીસાઈ દીવાલ પર
આસ્તે આસ્તે ઊપસતો ઊર્ણનાભ.
હવામાંથી કંતાઈને આવતા રેશમી તાર તૃષ્ણાના,
ને ચૈતસિક ઘટનાનો એક સમતોલ પ્રતિધ્વનિ
મૂર્તિમંત લૂતાતંતુમાં.
એક અકલ અજંપામાં ગ્રસ્ત મક્ષિકા નાભિકેન્દ્રે.

પાંખોનો નિરુપાય સંચાર.
ઊર્ણનાભનો આસુરી ઉન્માદ.
હથેલીમાંથી ફેલાતી લંબાતી ચીસ છૂટવાની
ને ઊર્ણનાભથી ઘૂંટાતી ભીંસ નાડીઓમાં.
એક સુકુમાર તંતુએ નિરુદ્ધ ગતિનો
અવિશ્રાંત વિદ્રોહ નિષ્ફળ મુષ્ટિમાં.

ઊર્ણનાભની અપ્રતિહત ગતિનો આક્રમક કંપ ભીતરમાં.
કશીક અનિવાર્ય વેદનાની વિમૂક સ્વીકૃતિ!
ને એ જ તો પ્રકૃતિ લૂતાતંતુબદ્ધ મનોમક્ષિકાની.

૬. પતંગિયું

એક ચાંદનીનું સ્મિત, હવામાં હિલ્લોલાતું,
ઝિલાઈ ગયું કોઈ ફૂલથી મધરાતે આંખમાં;
ને મોહક સ્વપ્નમાં પલટાઈ
લઈ પાંખ
માંડ્યું પમરવા હવામાં રંગોથી આમતેમ.
એક મુગ્ધ ઘેલછાનું રમણીય રૂપ.
એમ જ નર્તી ઊઠ્યું કોક સ્વર્ણિમ ઝાંઝરમાં
ને પડઘી ઊઠ્યું એનું રમતિયાળ સંવેદન
હવાના રંગીન ફૂલમાં આમતેમ.

હવે બાળકની મૃદુલ હથેલીમાં
પ્રભાતના પ્રથમ કિરણને સ્પર્શ
પુનઃ પ્રગટશે પતંગિયું,
મનના રંગીન ખ્યાલોની ઉત્કટ સ્ફૂર્તિ લઈ.
અને ત્યારે
શબ્દમાં છલક છલક થશે અંજવાશ
ને આંખમાં બાલરવિ રમશે ફુવારે
સાત સાત રંગધારે,
ધવલ અંતરપટમાં.

૭. હસ્તી

વનાંચલે મંથર લયે સરતા પહાડનો એક ઉત્તુંગ આવિષ્કાર!

સૂક્ષ્મતાની અણી પર
ગંજાવર સ્થિતિની લીલામય સંતુલા.
હવાના અભેદ્ય પડખામાં અંકાયે જતો દંતૂશળનો શ્વેત વળાંક,
અને અંતરીક્ષને મંદ મંદ આંદોલાવતી સચેતતા સૂંઢમાં.
પહોળાતા, આછા આછા વીંઝાતા કર્ણપટલે
ભવ્ય ગરિમાનું અવકાશભારે ઉચ્ચાલન!
સ્થૂલત્વના કીલક પર ઝૂમતી એક વિરાટ હસ્તની
મનસ્વી રહસ્યમયતા!

પિંડીભૂત દેશકાળનો પ્રસન્નગંભીર સ્તૂપ!
એક અડીખમ સંકેત રાજવંશી રોનકનો!
શૈલ સુનિકેત શિવભદ્ર જિજીવિષાનો!
અંતર્ગત સૂક્ષ્મતાનો ભર્યો ભર્યો પ્રતિઘોષ
જીવનપ્રવાહને તોતિંગતા બક્ષતો.

૮. ઊંટ

રણની અગાધ તૃષ્ણાનો ચંચળ આરોહ-અવરોહ.
એકલતાની અણનમ ગતિનો બદામી લિસોટો મૃગજળમાં.

ઉજ્જડતાનું ઉત્કટ લીલું સંવેદન શ્વાસના ઊંડાણમાં,
ને આંખમાં એક લીલોછમ વિસ્તાર ભવિષ્યનો.

ખડકાળ સંકલ્પનો મખમલી પડછંદ એનાં પોચાં પગલાંમાં,
અને શૂન્યતાનું તીક્ષ્ણ રૂપ
રણવાટે સંચારિત એક ઉભડક રેખામાં.

અપરાજિત જિજીવિષાનું સોંસરું સંક્રમણ.
ચક્રવાતની અંતર્ગૂઢ સુરાવટનો તાલબદ્ધ સંકેત
– રણમાંથી રણની પાર જલાશય પર્યંત
એક લંબાતી ડોકે વક્રતામાં વિસ્તરતો…

(પડઘાની પેલે પાર, ૧૯૮૭, પૃ. ૪૨)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.