૨૬. મારેય હતું જન્મદિવસ જેવું કંઈક…

મારેય હતું જન્મદિવસ જેવું કંઈક…
કંઈક સવાર જેવુંયે ભળાતું હતું મને આંખોથી;
સત્ય જેવુંયે કશુંક સાંભળી શકાતું’તું મારાથી;
ને ત્યારે રસ્તાઓ બધા ખુલ્લા હતા વિશ્વાસુ મિત્રો-શા;
ને ચરણ નિર્ભય હતા, ઉત્સાહી હતા ને દોડતા હતા અવિરામ
રમ્ય, રમ્યતર, રમ્યતમની આશાએ.

ત્યારે પ્રકાશ પૂગી શકતો’તો પુષ્પ સુધી,
ને આકાશ અડી શકતું’તું ઊડવા કરતી પાંખોને.
ત્યારે સરોવર પ્રસન્ન હતું નિર્મળ મન સમું
ને હંસ પરોવી શકતા હતા સાચાં મોતી પાંપણોમાં.
ત્યારે વનની પ્રસન્ન શાંતિયે ટહુકી શકતી હતી
લીલાછમ પડઘાઓમાં, કિસલયના ફૂટવામાં;
ને ઊભરાતી હતી રંગીનતા પ્રાણમાં
રોજ રોજ નવા ઊઘડતા સૂર્યની.
ત્યારેય તે ક્રૌંચવધો તો થતા ટાણે-કટાણે,
પણ, સદ્ભાગ્યે, એકાદ ઋષિ, નામે વાલ્મીકિ,
મુક્ત હતો કથી દેવા:
मा निषाद…
આજ
ક્યાં છે મારામાંનો એ મુક્ત વાલ્મીકિ?
ક્યાં છે મારો સાદ – मा निषाद?…

આજ તો હોશ નથી આંગળીઓમાં
ચપટી ધૂળમાંથી ધરતી આખીની તાજપ ખોજવાની.
આજ બચી નથી આકાંક્ષા
આકાશને પિંજરસ્થ પંખીની પાંખ સુધી વહી જવાની.
ખબર નહોતી કે
ઘુવડિયા થયેલ આંખો
સવારની વાત સાંભળતાંવેંત જ આમ મીંચાઈ જશે
ને ખીલવાની વાતે જ
ખરવા માંડશે કળીઓ ટપોટપ વાસંતી.

એક અણઘડ પથરો પ્રત્યેક શ્વાસે ફૂલતો-ફાલતો,
પહાડનું ગજું કાઢતો,
ભીતરમાં મારાં બધાંય બારી-બારણાં પર કબજો જમાવી બેસશે
એની નહોતી જરાય કલ્પના મને.

આજે તો હવે
બહાર નહીં જવાય કે અવાય;
જીભ છતાં નહીં બોલાય
ને આંખ છતાં નહીં જોવાય;
જીવ છતાંય નથી ચસાતું આમ કે તેમ
ને આવતાં જતાં લોક પૂછે : ભાઈ, કેમ?
અરે, આ તો નિશ્ચેતન મુડદાલ!!
ભોળુડાં લોક! ક્યાં છે એમને ખબર?
કે –
મારેય હતું જન્મદિવસ જેવું કંઈક
ને મારે મરણતિથિ જેવુંયે કંઈક હશે
આજ, નહીં તો કાલ, નહીં તો પરમે દહાડે,
– કોઈ દિવસ, ક્યારેક…

(પડઘાની પેલે પાર, ૧૯૮૭, પૃ. ૧)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.