૨૩. આકાશનો સોદો

સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળેલો હું!
મને સાંકડી શેરીના લોકોએ ગાંડો માન્યો,
મારો હુરિયો બોલાવ્યો,
મને ધક્કે ચઢાવ્યો,
મને પથ્થર માર્યા,
મારાં લૂગડાં ફાડ્યાં,
મારી મુઠ્ઠી છોડાવવા પ્રયત્ન કર્યો,
પણ આકાશ ઓછું જ હોઈ શકે મુઠ્ઠીમાં?

બિચારા સાંકડી શેરીના લોકો!

એમને ખબર નથી
કે આકાશ કંઈ ખિસ્સામાં, પોટલીમાં કે પેટીમાં કે મુઠ્ઠીમાં
આવી શકતું નથી!
આકાશ તો એમની આંખોનાં ઢળેલાં પોપચાં ઊંચાં કરીને
હું બતાવવાનો હતો.
આકાશ તો એમને મળવાનું હતું એમનું એમ!
આકાશ વેચવાનું તો એક બહાનું જ હતું માત્ર!
પણ સાંકડી શેરીના લોકો!
મને શેરી બહાર કાઢી
સૂઈ ગયા બારી-બારણાં વાસી ગોદડામાં મોં ઘાલી.

હું ફરીથી ઘસડાતો ઘસડાતો
આકાશ આજ નહીં તો કાલે વેચાશે એવી આશાએ
સંકલ્પપૂર્વક લેવા લાગ્યો સુદીર્ઘ શ્વાસ!

આ તો સાંકડી શેરીના લોકો
ને આકાશનો સોદો!
સહેજમાં પતે કે?

(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૭૫)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.