૧૭

મેં એક મંગલ પ્રભાતે કપિલાને કહ્યું: ‘જીવનવન અતિ વેગે વટાવ્યું’નો અર્થ હું ‘જીવનના, એકાવન બાવન આદિ વરસો મેં ઝડપથી વિતાવ્યાં અને સાઠ થતાં થતાંમાં તો હું તારી પાસે આવી ગયો છું’ એવો કરું છું.’

મારી આ વાત સાંભળતાં જ કપિલાથી એકદમ હસી દેવાયું. પછી ચિડાવા જેવું કરીને કહેઃ ‘ભાઈસા’બ, હવે ખમૈયા કરો! તમારો આ બુદ્ધિનો વ્યભિચાર બંધ કરો. તમે કઈ રીતે કવિ થયા એ જ મને તો સમજાતું નથી!’

‘એટલે? તું શું કહેવા માગે છે?’ મેં જરા કડકાઈથી પૂછ્યું.

‘તમને એક કાવ્ય પણ સરખી રીતે કેમ સમજવું તે આવડતું નથી. તમે આટલીક આવડતે કઈ રીતે કવિતા લખતા હશો?’

‘આમાં અર્થઘટનનો પ્રશ્ન છે, ઇન્ટરપ્રિટેશનનો, સમજી? એ કાવ્યને મારી રીતે સમજવાનો મને પૂરો અધિકાર છે!’

‘છે જ, પણ તે એના કવિને અન્યાય થાય એ રીતે તો નહીં જ!’

‘એટલે?’

‘એટલે એમ કે પહેલાં તમે એ તો જાણે કે ‘મંગલ મંદિર’ કાવ્ય નરસિંહરાવે એમના યુવાન પુત્ર નલિનકાંતના અકાળ અવસાન નિમિત્તે લખેલું! એટલું જાણશો તોયે ‘જીવનવન’નો અર્થ તમે કરો છો એવો નહીં થાય!’

‘સમજ્યા સમજ્યા હવે! પણ એટલું તો ખરું જ કે દરેક તેજસ્વી ભાવક તો પોતાની રીતે જ કાવ્યનો અર્થ કરવાનો!’

‘પણ તેથી અર્થનો અનર્થ તો ન જ કરાય ને!’

મને થયું, સ્ત્રી જ્યારે મુખર થાય ત્યારે સુજ્ઞજને વિવાદ પરહરી મૌન જ ધારણ કરવું હિતાવહ છે. હું મનોમન એકાવન, બાવન, પંચાવન એ રીતે ઉંમરના ગણિતમાં ચડી ગયો! મારી નજર સામે એકદમ સાઠનો આંકડો ઝળહળવા લાગ્યો! મનેય એક દિવસ સાઠ થશે? ને ત્યારે આ ગુજરાત મારા માટે શું શું નહીં કરે? મને તો પાકો ભરોસો છે કે આ ચારપાંચ કરોડની ગુજરાતની જનતામાં સાઠસિત્તેર એવા સમજદાર સજ્જન તો નીકળવાના જ, જે કહેશે, અમારે અમારા આ લાડીલા કવિની ષષ્ટિપૂર્તિ ઊજવવી છે ને ત્યારે મારા જેવા સંવેદનશીલ જીવથી કંઈ એમના ઉમંગનો ભંગ ઓછો જ થઈ શકવાનો છે.

અમારા મંછારામ માસ્તર સાઠે નિવૃત્ત થયા ત્યારે ગાંઠનું રોકાણ કરીને ભાડૂતી પ્રશંસકો ભેગા કરીનેય તેઓ પોતાની ષષ્ટિપૂર્તિ ઉજવાવીને જંપ્યા. કેટલાક વાંકદેખાઓ એમની ષષ્ટિ પૂર્તિના એ સમારંભને સાઠે બુદ્ધિ નાઠાના સંકેતરૂપ—પાકટ બુદ્ધિના વિદાય-સમારંભરૂપ લેખે છે! ભલે લેખે! પણ ષષ્ટિપૂર્તિ તો ઊજવાઈ! જૂના વખતમાં કેટલાક વડીલોને પોતાનું જીવતિયું થતું જોઈને દૈવી સંતોષનો ભાવ થતો હતો. કંઈક એવો જ ભાવ અમારા મંછારામ પણ ષષ્ટિપૂર્તિનો સમારંભ ટાણે માણે તે એમાં ખોટું શું? અમારા એ મંછારામ વિશે ષષ્ટિપૂર્તિના પ્રસંગે બે પાંચ દસ બાર બોલ પણ બોલાયેલા! તે હું પૂછું છું, આપણે સાઠે પહોંચીશું ત્યારે એવું કશું નહીં થાય? ગુજરાતની કદરદાન જનતા શું એકાદ અભિનંદન ગ્રંથ, એકાદ થેલી પણ આપણા માટે નહીં કરે? હું પહેલેથી જ પરમ આશાવાદી છું. ક્યારેક તો મારો ભરોસો મારા સંતાનો કે શ્રીમતીજી પ્રત્યે છે તેથીયે વધારે આ ગુજરાતની સારી રસિક જનતા પ્રત્યે હોવાનું લાગી આવે છે! મને થાય છે, જ્યારે મારે સાઠ થશે ત્યારે આ છાપાને, રેડિયોને ટી.વી. વગેરેને કેટલું બધું ઊંચુંનીચું થવું પડશે? મને લાગે છે કે સાહિત્યિક સંસ્થાઓ તો મારી ષષ્ટિપૂર્તિના કાર્યક્રમો ગોઠવવાની લાયમાં છેક જ ઘાંઘી થઈ જશે! ખેર! આપણે એમાં શું કરી શકવાના?

આપણે તો એક જ વાત કરવાની રહે છે, સાઠના આંકડે મક્કમતાથી પહોંચી જવાનું! સૂર્ય એની ગતિ ચૂકી જાય તો ભલે, આપણે આપણી ગતિમાં જરાયે ચૂકવાનું નહીં. સાઠે અડીખમ રીતે પહોંચીને જ રહેવાનું અને અનુભવનાં મોંઘેરાં નવનીત પણ અમૃતવાણીમાં પીરસવાનાં. જે કરવું તે મન દઈને કરવું. ખૂલીને કરવું. આપણી ષષ્ટિપૂર્તિ જો ઊજવાય તો બરાબરની જ ઊજવાય. એ માટે જે તૈયારી કરવી પડે તે બધી જ આજથી જાગ્યા ત્યારથી જ તનમનધનથી કરવા માંડવાની જ વળી!

મને તો સતત લાગતું રહ્યું છે કે મારું શરીર ખરેખર સારસ્વત સેવા માટેનું એક અમોઘ ધર્મ સાધન છે. એને મારે કમમાં કમ સાઠ સુધી તો બરાબર જાળવવું જ રહ્યું. મારી ષષ્ટિપૂર્તિ ઊજવવા ચાહનારાઓને હતાશ કે નિરાશ કરવાનો મને કોઈ અધિકાર નથી! કહેનારે ખોટું નથી જ કહ્યું ‘શિર સલામત તો પઘડિયાં બહોત.’ આપણે સાઠે પહોંચીશું તો ષષ્ટિપૂર્તિ ઊજવાશે ને? મેં તેથી જ શરીરની જાળવણી માટે ચાંપતાં પગલાં લેવાનો તાકીદનો સંકલ્પ કરી લીધો છે અને પાછો મારો સ્વભાવેય એવો ખરો કે એક વાર સંકલ્પ કરું તો કોઈક રીતે વળગી તો રહું જ.

આ બાબતમાં એક દાખલો મને યાદ આવે છે. એક વાર મેં શિયાળામાં રોજ સવારે વહેલા ઊઠવા સંકલ્પ કરેલો. ઍલાર્મ મૂકું ને તે પ્રમાણે ઊઠું. ઊઠું એટલે ઊઠું જ! ઊઠ્યા પછી સવારની ઠંડીમાં પથારી છોડીને બહાર નીકળવાની ઇચ્છા ન થાય ને તેથી રજાઈમાં જ શરીર લપેટીને પડ્યો રહું એ વાત જુદી છે. બાકી નક્કી કરેલા વખતે ઊઠવાનો સંકલ્પ તો પાળીને જ રહેતો. એ જ રીતે મેં પૂ. રવિશંકર મહારાજનું વ્યાખ્યાન સાંભળીને પૂરાં બે વરસ માટે ચાનો પરિત્યાગ કરેલો છે તે બરોબર કરેલો! હા, પછી એની અવેજીમાં મારે કૉફીથી ચલાવવાનું થયું તેનાં કારણો વળી વિશિષ્ટ છે.

મેં નક્કી કર્યું કે શરીરમાં હવે જરા પણ ચરબી વધવી ન જોઈએ. શરીરમાંની સ્ફૂર્તિ હવે ઘટવી ન જોઈએ. એ માટે વ્યાયામ તો કરાય જ; પણ એમાં ડાયટિંગ એક મહત્ત્વની બાબત છે. ગાંધીજીના આહારના પ્રયોગો કરવામાં ગાંધીજીને અને મને-અમને બંનેને એકસરખો સાચો ને ઊંડો રસ. એક દિવસે સાયંકાલે બીજા દિવસથી આમરણાંત ઉપવાસ પર ઊતરવાનો હોઉં એવી પ્રાર્થનાની પવિત્ર ગંભીરતાથી મેં શ્રીમતીજીને નિકટ બોલાવી, ધીમેથી હળવો ખોંખારો ખાઈ કહ્યું:

‘બરાબર સાંભળ, આવતી કાલથી હું એક પ્રયોગ કરવા માગું છું.’

‘એમાં નવું શું છે? આજ દિન સુધી તમે પ્રયોગ સિવાય બીજું કર્યું પણ શું છે?’

‘પણ આ તો ગંભીર પ્રયોગ છે?’

‘સત્યના પ્રયોગ જેટલો?’

‘એવો જ વળી. હું હવે આહારના પ્રયોગમાં જવા માગું છું.’

‘ચાલો નિરાંત થઈ, મને રસોડામાંથી રજા મળશે.’

‘તારી કંઈક ગેરસમજ થઈ રહી છે. હું રસોઈ કરવાના નહીં, અમુક પ્રકારની રસોઈ જમવાના પ્રયોગમાં જવા માગું છું.’

‘હાય રામ! ત્યારે તો તમે મારું કામ વધારવાના!’

‘ના ના! ખાસ કામ નહીં વધે. તમે દાળ કરો છો તેમાંથી મારા માટે દાળ કાઢી લેવાની. તમે રોટલી કરો છો તો મારા માટે ગણીને ત્રણ ખાખરા કરી આપવાના!’

‘પણ એય કરવાનું ને!’

‘જે ઇષ્ટ હોય તે તો કરવું જ રહ્યું. વળી તાજાં ને કાચાં ખાઈ શકાય તેવાં શાકભાજીનાં કચુંબર લેવાના, હવેથી તળેલું બંધ, ઘી-તેલ-મલાઈ-માખણ બંધ, તીખું ને ગળ્યું પણ બંધ.’

‘આમ બધું બંધ કરવામાં ક્યાંક લોચવાઈ કે ગૂંગળાઈ ન જાઓ! ‘

‘જે થવાનું હોય તે થાય. પણ હવે આ શરીરને બરાબર સાચવવું છે. સાઠ કે સિતેરે જરાયે તલીફ ન પડે તેવું એને કસવું છે.’

‘પણ એ બાબતમાં તમે ગાડી ચૂક્યા હોય એવું નથી લાગતું?’

‘એ ગાડી ચૂક્યો હોઈશ તો દોડીને પકડી લઈશ, તું તો મારો જુસ્સો જાણે છે ને?’

‘જાણું છું, પણ તે પેલા નર્મદના જેવો નહીં, એવો હોત તો તમે ન્યાલ થઈ જાત!’

‘તે શું આજે હું બેહાલ છું?’ મેં પ્રશ્ન કર્યો.

શ્રીમતીજીએ કાન ઢાંકી જરાક જીભ કાઢી નકારમાં ડચકારો બોલાવતાં કહ્યું, ‘હું છું ત્યાં સુધી તે તમને બેહાલ ન થવા દઉં ને!’

‘ઠીક છે ઠીક છે! વહાણું તો સૂરજથી વાય છે, છતાં કોઈ કુક્કુટરાણીને વહાણું વાયાનો જશ લઈને રાચવું હોય તો ભલે રાચે!’

‘એમાં મુદ્દાની વાત એટલી કે પેલો સૂરજ ક્કુટરાણીના કહ્યા પ્રમાણે કરતો હતો!’

‘એ કહેતો હશે, હું નહીં; હું તો મારી કલમના ટેકે ચાલનારો છું.’

‘સાચી વાત, ને કલમને મારો ટેકો લીધા વિના ચાલતું નથી!’

‘મને આવી નકામી જીભાજોડી પસંદ નથી. આપણે ટપટપથી નહીં, મમ્‌મમ્‌થી કામ છે. જુઓ. આવતી કાલ સવારથી મારા આહારનો પ્રયોગનો આરંભ થાય છે.’

‘આરંભ કે સમારંભ?’ કપિલાએ જરાક ટોળ કરતાં પૂછ્યું.

મેં એના ટોળ તરફ દુર્લક્ષ કરી કહ્યું: ‘કાલથી બાફેલુંશેકેલું મોળું જ જમવાનું… બાકીનું બધું જ બંધ.’

‘તમે આમ એકાએક ખોરાકના પ્રયોગમાં ન જાઓ તો ન ચાલે? એ પ્રયોગ જરૂર કરજો પણ ત્રણેક અઠવાડિયાં બાદ કરજો. અત્યારે ભરશિયાળો છે, ઠંડી છે. મેં તમારા શરીરનો ખ્યાલ કરીને વસાણું કર્યું છે, મોહનથાળ પણ કર્યો છે ને હમણાં આ પ્રયોગ કરશો તો પછી મારે બીજાઓને ખવડાવી દેવો પડશે, છોકરાં એ ખાતાં નથી.’

હું મૂંઝાયો. આ શિયાળો ચાલે છે એનું તો મને ભાન જ નહીં. આમેય હું ભોજનપ્રેમી મોહનથાળનાં મોહબાણ આગળ તો છેક જ લાચાર. શિયાળામાં શરીરને આમ પ્રયોગોમાં ખેંચવા જતાં મારે માંડ માંડ સેટ થયેલો બૉડીનો રિધમ ડિસ્ટર્બ થવાનો સવાલ ખરો જ. મેં આ દૃષ્ટિકોણથી તો વિચારેલું જ નહીં. ધીર પુરુષો એક વાર સંકલ્પ કરે તો ન છોડે એ વાત ખરી, પણ સંકલ્પ કરતાં પૂર્વે તો સેંકડોહજાર વાર તેઓ વિચારે જ. મને લાગ્યું કે ડાયેટિંગનો જે મજબૂત પ્રયોગ કરવો છે તે ત્રણેક અઠવાડિયાં પાછો ઠેલવાથી કંઈ ખાટુંમોળું નહીં થઈ જાય. એ ઓછો જ છોકરાઓની પરીક્ષા ઠેલવા જેવો સવાલ છે?

હું આમ મનમાં જાતજાતના વિચારમાં ખોવાયેલો હતો તે જોઈ શ્રીમતીજી મોહક રીતે મલકાતાં કહે:

‘કેમ કંઈ કવિતાબવિતા સૂઝી કે શું?’

‘તારી હાજરીમાં મજાલ છે કે કવિતા મારી પાસે આવવા જેટલી હિંમત દાખવે?’

‘એમ કહોને કે પિપાસિતેઃ કાવ્યરસો ન પીયતે, ષડ્‌રસ આડે નવરસના વિચાર કયાંથી ડોકાય?’

‘ન જ ડેકાય વળી! આ ડાયેટિંગનો પ્રશ્ન ઊભો થયો તે કંઈ નાનો સુનો છે?’

‘પ્રશ્ન ઊભો કરનાર તમે જો ધારો તો એને સુવડાવી દઈ શકો એમાં આમ હૅમ્લેટની રીતે મૂંઝારામાં અટકાવવાની જરૂર નહીં!’ શ્રીમતીજી બોલ્યાં.

‘ઠીક છે મધુરી મૈયા! ઠીક છે. હાલના તબક્કે અનિવાર્ય સંજોગોને કારણે શ્રીયુત શ્રીકાંતભાઈના ખોરાકનો ભવ્ય પ્રયોગ, મોકૂફ રાખવામાં આવે છે. સૌ લાગતાવળગતાઓએ આની નોંધ લેવી.’

‘લાગતાવળગતાઓએ તો તમારી આ જાહેરાત પહેલાં જ નોંધ લઈ લીધેલી. ચાલો, ત્યારે હવે તમારું ડાયેટિંગ રદબાતલ!’

‘હાલ પૂરતું તો ખરું જ. નકામું આવા શિયાળામાં ડાયેટિંગ કરવા જતાં જો શરીર કથળે તો બકરું કાઢતાં ઊંટ પેઠાનો તાલ થાય!’

‘ના રે, આપણે બકરું કે ઊંટ કોઈની બાબતમાં કશુંયે કરવું નથી. બેસો નિરાંતે, હળવા થાઓ. સરસ મજાની આદુંફૂદીનાવાળી ચા કરું છું તે પીઓ. ‘કરું ને ચા?’

‘ચા કે ચાહ?’ મારાથી એમ પુછાઈ ગયું. શ્રીમતીજી કેવળ મલકયાં. એમના મલકાટમાં મને શું વંચાતું હશે તે તમે જ ધારી લો!

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.