૧૦. ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ…

ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ.
એના મનમાં ખાલી સમય સડે છે.

ચપટી નભ ને ચપટી માટી,
ચપટી વાયુ, ચપટી તેજ,
જરા મળ્યો જે ભેજ,
– બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે
દેશકાળને દર્પણ એના ડાઘ પડે છે:
ચંદ્રકાન્તનો ચ્હેરો ભૂંસી દઈએ;
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.

ભારેખમ એ ખડક,
નથી ઊછળવાનો મોજાંથી;
વરસે વાદળ લાખ,
છતાં કોરીકટ એની માટી!
વંટોળો ફૂંકાય
છતાંયે એનો સઢ ના હવા પકડતો!
લંગર પકડી એ તો લટક્યા કરતો!

શ્વાસ કરોડો ઢીંચી,
પડછાયા સેવ્યા છે એણે આંખો મીંચી.

ચંદ્રકાન્તના મન પર લીલ ચઢી છે;
એક માછલી વરસોથી કો ગલમાં બદ્ધ પડી છે.

કેટકેટલી તરડ પડી છે, જ્યાં જ્યાં એનાં ચરણ પડ્યાં ત્યાં!

ચંદ્રકાન્તથી હવા બગડશે,
જલમાં ઝેર પ્રસરશે.
એનાં જે ખંડેરો – એને ખતમ કરી દો વ્હેલાં પ્હેલાં.
એને અહીંથી સાફ કરી દો વ્હેલાં પ્હેલાં:
એની આંખે સૂર્ય પડ્યા છે ખોટા,
અને ત્યારથી દિવસ પડ્યા છે ખોટા,
ખોટી રાત પડી છે:

ચંદ્રકાન્તને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ,
ચંદ્રકાન્તને ભાંગી કણ કણ ખલાસ કરીએ…

(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૬૮)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.