૧૦૭. ક્યારે જોવા મળશે?

મૂળ હોય તો ક્યાં છે? ક્યાં છે સરહદ?
હદમાં ક્યારે જોવા મળશે અનહદ?

કોણ આપણી માટીને મ્હેકાવી,
કોણ આપણાં ગહ્વર સૌ ગ્હેકાવી,
કોણ વિખેરી વાદળ, કરી નિરાપદ,
પૂનમ સરખી ઊજળી કરી જશે વદ? –

રૂપરંગના સાગર દૃગ છલકાવી,
સૂર-તાલથી મૌન મધુર ઝણકાવી,
કોણ પારસે કરી વિપદને સંપદ,
આપણને સથવારો દેશે પદ પદ? –

ઘડી ઘડીના ઉત્સવ થાશે ક્યારે?
હંસ આપણા મુક્ત વિહરશે ક્યારે?
ક્યારે ખોટું-ખૂટલ બધું થતાં રદ,
જોવા મળશે અંદર एतद्…एतद्…एतद्…एतद्? –

૦૬-૦૫-૨૦૧૩

(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૪૦)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.