૧૦૪. કોઈ નહીં આવે?

તરસ્યું પાણિયારું,
ભૂખ્યું રસોડું,
ટાઢે થરથરતો ચૂલો,
અંધાપામાં અટવાયેલો ગોખલો,
આંખો ફાડી ફાડી રાહ જોઈ જોઈ ઢબી ગયેલી બારીઓ
અને ઉંબરાયે બારણે બેઠા બેઠા કંટાળેલા – થાકેલા!
ક્યાં સુધી આમ મારે પડ્યાં રહેવું પડછાયાના પડદે?
શું ચણિયારેથી ઊતરી પડેલું બારણું મારે ચડાવવાનું નહીં?
ઊખડેલા પગથિયાને ફરી પાછું સરખી રીતે ગોઠવવાનું નહીં?
ગાડીને તો ચડાવવી પડશે પાટે!
પગને દોડાવવા પડશે ઊભી વાટે!
હવે આ રીતે બેઠાં બેઠાં રહેવાય નહીં…
આંગણે તુલસીક્યારાને હિજરાતો રખાય નહીં…
ક્યાં સુધી કોડિયું પડ્યું રહે શગ વિના?
દેવદિવાળી ઢૂંકડી છે…
કોઈ નહીં આવે અહીં દીવો થઈને?

૨૭-૧૦-૨૦૦૯

(ચિદાકાશનાં ચાંદરણાં, ૨૦૧૨, પૃ. ૧૨૪)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.