૨૮. વાચા અને વાચસ્પતિનું સાયુજ્ય

(जायेव पत्य उशती सुवासाः…)

ઋગ્વેદના દસમા મંડળના ૭૧મા સુક્તમાં ચોથી ઋચા આ પ્રમાણે છે:

उत त्वः पश्यन् न ददर्श वाचमृत त्वः शृण्वन् न शृणोत्येनाम् ।
उतो त्वस्मै तन्मु वि सस्रे जायेव पत्य उशती सुवासाः ।।૪।।

કોઈક વાણીને જોવા છતાં પણ જોતો નથી, કોઈક એને સાંભળવા છતાં પણ સાંભળતો નથી; પરંતુ કોઈને એ વાણી પોતાનું શરીર એવી રીતે ખોલીને બતાવે છે, જેવી રીતે ભોગેચ્છાપ્રેરિત સુવાસિની સ્ત્રી પોતાના પતિને.

ઉપર્યુક્ત ઋચામાં વૈદિક ઋષિએ દાંપત્યસંબંધની ઉપમાથી વાક્પ્રયોજક — વાક્સર્જકનો વાગ્ — વાણી સાથેનો જે અંતરતમ નિગૂઢ સંબંધ છે તેનું માર્મિક રીતે નિરૂપણ કર્યું છે. જે વાણી સાથે અંતરતમ સંબંધ ન બંધાયો હોય એ વાણી સર્જકને શું ફળ આપી શકે? વાણીની સર્જનાત્મકતાના મૂળ સુધી જે પહોંચી ન શકે એ વાણીનો સર્જનાત્મક વિનિયોગ કેવી રીતે કરી શકે? વાણી સાથે એનો પ્રયોજનારો સર્જક તાદાત્મ્ય ન અનુભવે, એની સાથે એકાકારતા ન સાધે, એકરૂપ ન બને ત્યાં સુધી એના માટે તો વાણી સાંભળ્યા છતાં ન સાંભળ્યા બરોબર અને એને જોયા છતાં ન જોયા બરાબર — એના સંપર્કમાં આવ્યા છતાં, એના સંપર્કમાં ન આવ્યા બરોબર જ લેખાય. વાણીને માટે સર્જક અજાણ્યો, સર્જકને માટે વાણી.

સર્જકે વાણી સાથે એકાકારતા — તદાકારતા અનુભવવાની સાધના કરવી જોઈએ. વાક્સર્જક પોતે વાણીના — તેના શબ્દાર્થ-સંદર્ભના હાર્દમાં ઊંડે ને ઊંડે ઊતરતો સ્વયં વાગ્-રૂપ — વાઙ્મય-શો પોતાને પ્રતીત કરતો થાય એ એના વાક્સંબંધની સર્વોચ્ચ ભૂમિકા છે. વાણી સર્જકને વશ વર્તે, એનું કહ્યું કરે, તે એના નિરતિશય આનંદ માટેનું કારણ બને — સાધન બને અને અંતતોગત્વા સાધન, સાધક અને સાધ્યની એવી સંવાદમયતા — એકાત્મતા સધાય કે એ અનિર્વચનીય ભૂમિકાનો ખ્યાલ તો માત્ર પ્રત્યક્ષ અનુભવે જ પામી શકાય. જે રીતે નારી પૌરુષયુક્ત પ્રેમાળ પતિને પામ્યાથી પોતાને સૌભાગ્યવતી સમજે છે, એની આગળ પછી કોઈ ભેદભાવજનિત અંતરપટ રાખતી નથી, બલકે પોતાનું જે ગુહ્યતમ હોય તે પણ ગોપી-કૃષ્ણ-ન્યાયે તેને સહર્ષ સમર્પી દેવામાં પોતાની સાર્થકતા—ધન્યતા અનુભવે છે તે રીતે વાણી પણ પ્રતિભાવંત કવિપુંગવને-સર્જકપ્રવરને પામીને સર્વથા કૃતાર્થ થાય છે. કવિચેતનાનું વાક્ચેતનામાં રૂપાંતરિત થયાનો આહ્લાદક ભાવ થાય છે. વળી સ્નેહાળ પતિ આગળ સમાગમવેળાએ નારી જે રીતે પોતાનો સમસ્ત વૈભવ ખોલી ખીલે-ખૂલે છે એમ જ વાણીયે સર્જનપ્રેરણાની ઉદાત્ત અને ઉત્કટ ક્ષણે કવિ સમક્ષ સોળે કળાએ ખીલે-ખૂલે છે. એનું અભૂતપૂર્વ ચારુતમ રૂપત્યારે પ્રગટ થઈને રહે છે. આ એવી સ-ફળ ક્ષણ હોય છે જ્યારે કવિનું વાણી સાથે અનોખું એકાંત — અદ્વૈત સર્જાઈને રહે છે. બેયનું સાયુજ્ય ત્યારે પરાકોટિએ પહોંચેલું પ્રતીત થાય છે. આ જ કવિનો વાગવતાર; આ જ કવિનો વાઙ્મય સ્વરૂપે આત્મસાક્ષાત્કાર.

આપણે ઇચ્છીએ કે કવિ મુક્તપણે, સંનિષ્ઠાથી — એકાગ્રતાથી, સમર્પણબુદ્ધિથી વાણીનો અનુનય કરતાં, એનું સંવનન કરતાં એવો અધિકાર, એવી કક્ષા પ્રાપ્ત કરે કે જેથી તેની આગળ વાણીના અનેકાનેક સૂક્ષ્માતિસૂક્ષ્મ સૌન્દર્યમય ને રસમય સ્થાનો — રહસ્યો પરસ્પરના સ્નેહયોગે કરીને ઉદ્ઘાટિત થવા માંડે અને એ ક્ષણે એને એવો તો સમાધિયોગ લાગે કે તે અભિનવા આનંદે ‘અગોચર ગોચર હવું’ એમ બોલતો હોય એ રીતે — એ જ પરંપરામાં લીલામય ભાવે બોલી ઊઠે: अहं वागस्मि। — હું જ વાણી છું. આ રમણીય ચમત્કાર તો અનવરત આત્મસાધનાથી વાક્ચેતનાને ઝીલવાની અને એનું પાણિગ્રહણ — મનોગ્રહણ — સર્વસ્વગ્રહણ કરવાની સુ-પાત્ર-તા સિદ્ધ થાય ત્યારે જ સંભવે.

(વાણીનું સત, વાણીની શક્તિ, પૃ. ૨૨-૨૪)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.