૧૦. મુક્તિ – અમારી પ્રતીતિ – ક્યાં છે?

આકાશના કયા ખૂણામાં મુક્તિ મહારાણી સંતાઈ ગયાં છે? અમે એની નિરંતર ખોજ કરીએ છીએ! સિંહ સિંહત્વને શોધે છે અને અમે અમારી મુક્તિ શોધીએ છીએ! અમારા આંગણમાં ઉકરડા સડી રહ્યા છે. અંધકાર અમારી આંખમાંથી ખસતો નથી. વધારે ને વધારે દીવાલો વીંટાતી જાય છે. ગઈ કાલે તો એમ હતું કે ઘરની દીવાલ તૂટતાં મનની દીવાલ તૂટી જશે; પણ ઘરની દીવાલ તૂટ્યા પછી સલામતીના જીવોએ વધારે ને વધારે દીવાલો ઓઢવા માંડી છે. શરીર અકળાય છે, શ્વાસ રૂંધાય છે ને છતાંય ‘ભલે થોડો ઓછો શ્વાસ લઈશું’ – એમ વિચારી બેસી રહેવાની – પડી રહેવાની ઇચ્છા અવારનવાર થઈ આવે છે; પણ આમ ક્યાં સુધી રહી શકાય?

ગઈ કાલે રાષ્ટ્રની મુક્તિનો પ્રશ્ન હતો, આજે અમારી મુક્તિનો પ્રશ્ન છે. અમે જે ધરતી પર ઊભા છીએ એનો પણ પ્રશ્ન એ છે જ. અમને મુક્ત હવાની જરૂર છે, મુક્ત પ્રકાશ અને મુક્ત આકાશની જરૂર છે. ઉંબરા ઉખાડી ફેંકી દો, રસ્તાઓ તોડી દો, સલામતીનાં છત્રો ઉડાડી દો. મૂળભૂત રીતે અમે મુક્ત હતા. મુક્તિમાંથી અમારો જન્મ થયો છે; પણ કયા અદેખાએ જન્મતાંવેંત અમારી આંખે પાટા બાંધી દીધાં? કોણે અમને વિધિનિષેધોની શતરંજ પર મહોરાં બનાવી ગોઠવી દીધા? મૂલ્યોની રેશમ-દોરીઓથી કોણે અમારા હાથપગ જકડી અમારી લીલાગતિને રૂંધી દીધી? આ ત્રાજવાં, આ ફૂટપટ્ટીઓ, આ કાયદાપોથીઓ ને આ નીતિશાસ્ત્રો, આ સંપ્રદાયો ને આ વાદો, આ સંસ્કાર મહાવિદ્યાલયો ને આ પરિષદો – અરે, શું કરવા ધાર્યું છે અમારું આ બધાએ ભેગાં મળીને? અમને નગ્ન રહેવા દો. માટીનાં ઢેફાં રહેવા દો. અમારે નથી ઘડાવું, નથી કેળવાવું. અમને તમારાં કપડાંમાં અકળામણ થાય છે. અમે જે કંઈ હતા એ શું પૂરતું નહોતું? અમને કોણે અસંતોષનો અભિશાપ આપ્યો? કોણે અમારામાં કામનાઓના કાળઝાળ અગ્નિને ભભૂકાવ્યો? અમે એનાથી ભડભડ બળીએ છીએ. અમારામાંથી પ્રભવતો ધૂમ્ર અમારી દૃષ્ટિને ધૂંધળી બનાવી રહ્યો છે. શ્વાસ લેવાની મજા આવતી નથી. સતત અભાવની કોઈ વેદના અમને ઠરીઠામ થવા દેતી નથી. અમારાં હાથ, પગ, આંખ, કાન – સૌ પોતપોતાના તીવ્ર અસંતોષથી ખળભળીને કોલાહલ મચાવી રહ્યાં છે. અમારામાંનું સંગીત ખંડિત થયું છે, શાંતિ સરી ગઈ છે, મુક્તિ જાણે મરી ગઈ છે. કોઈ અમને ડોકમાં શિસ્તના પટા ભરાવીને ઘુમાવે છે. કોઈ અમારી દુઃસ્થિતિ પર દયા ખાઈને અમારા માટે શાસનની અનિવાર્યતા જુએ છે. અમે શાસકને જન્મ આપ્યો છે, સરમુખત્યારને જન્મ આપ્યો છે, દાસત્વ દેનારા દેવોને જન્મ આપ્યો છે. હવે અમે સ્વસ્થ નથી. તમે અમને સત્, ચિત્ કે આનંદથી ન ઓળખો. અમારી સ્વ-રૂપતાની હવે અમને પ્રતીતિ રહી નથી. અમે અમસ્તા જ શું મુક્તિ શોધવા મેદાને પડ્યા હોઈશું?

અરે રામ! મુક્તિ તે કોઈ લટકતું લીંબુ છે કે હાથ લાંબો કરીએ ને મળી જાય? કેમ જાણે મુક્તિસુંદરી અમારી રાહ જોતી ગગન-ઝરૂખે બેઠી ન હોય! કોણ આપી શકે છે મુક્તિ? સર્વસ્વ વેચીને પણ સાટામાં મુક્તિ ખરીદી શકાય છે? મુક્તિ તો પ્રતીતિ છે – શુદ્ધ સ્વર્ણિમ પ્રતીતિ; પોતાપણાની પોતાને થતી પ્રતીતિ. આ પ્રતીતિ કેમ થાય? ક્યારે થાય? કોઈ પયગંબર એવી જડીબુટ્ટીઓ આપતો નથી કે એ લો ને બધું ઝળાંઝળાં થઈ જાય – સોળે શણગારે મુક્તિ પ્રત્યક્ષ થઈ જાય એક વાર – અરે, ક્ષણવાર પણ અમે જો અમારી આંખ સામે ઊભા રહી શકીએ, અમે અમારા સાત સાત કોઠા વીંધીને જો આરપાર નીકળી શકીએ…તો…તો…અમને ચિંતા જ નથી અમારા ઘરની દીવાલો ટકી રહી છે કે તૂટી ગઈ છે તેની; અથવા ગામ ને નગરો, રાષ્ટ્ર કે રાષ્ટ્રોની સરહદો ગાઢી રીતે અંકાયેલી છે કે ભૂંસાયેલી છે તેની. રાષ્ટ્રગીતો લલકારો કે સામૂહિક રીતે મૌન પાળો – કોને પરવા છે? અમે અમારામાંના મુક્તિના અંશને પામી શકીએ તો જય જય, કેવળ અમારો – નંદકુળનો જ નહિ, તમારો – સૌનો. પછી તો ક્ષણેક્ષણ સ્વાતંત્ર્યનું પર્વ..પરંતુ યે દિન કહાઁ કિ… અત્યારે તો અમે પિંજરને સાચવીએ છીએ. અંદરનો પોપટ જીવતો છે કે મરેલો એ તો રવીન્દ્રનાથનો ભગવાન જાણે! નંદ પણ કદાચ નહિ…

(નંદ સામવેદી, પૃ. ૬૦-૬૧)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.