૨૪. ભીડ વિશે

જેમ એકલપેટા થવું સારું નહીં તેમ એકલમૂડા રહેવું યે સારું નહીં. સંતપુરુષો ભલે એકાન્તનો મહિમા કરે, રવીન્દ્રનાથ ઠાકુર જેવા કવિ ભલે ‘એકલો જાને રે’ની વાત રટ્યા કરે, પણ આપણે તો ‘એકથી બે ભલા’માં માનવું સારું. અમે તો એકથી બે શું, બાવીસ ભલામાં માનનારા છીએ! અમને ચારેય બાજુ જમાવટ જોઈએ, માણસો માણસો જોઈએ. જેમ મેદની જોઈને નેતાને વ્યાખ્યાન આપવાનો પોરસ વધી જાય તેમ અમનેય અમારી આસપાસ માણસો જોતાં કંઈ કંઈ કરી બતાવવાનો પોરસ ચડી જાય છે.

અમારી પોળમાં અભેસિંહ અખાડિયન રહે છે. રોજ દંડબેઠક ને મલ્લકુસ્તીના દાવ કરે; પણ એમાં જે ઊલટ આવવી જોઈએ, જે તેજ આવવું જોઈએ તે તમને ન દેખાય. એ તો દેખાય દશેરાની સવારી કે રથયાત્રામાં, જ્યારે રસ્તા પર ચિક્કાર મેદની જોતાં જ એનામાં એવું તો શહૂર ઊઠે કે પોતેય ન ધાર્યા હોય એ રીતના દાવપેચ પોતાના થકી અજમાવાઈને રહે! એકાન્તનો નશો કેવો હોય તે તો સંતો જાણે, પણ ભીડનો નશો ભારે હોય છે એમાં શંકા નથી. અનેક નેતાઓ, નટો ને સાહિત્યકારો – કવિઓ પોતાને જોવા-સાંભળવા આવેલી ભીડને જોઈને ભરતી પર સવાર થયા હોય એમ ભાવાવિષ્ટ બની જાય છે. અમને એક સાહિત્યકાર શ્રી ‘ભર્ગવરેણ્ય’નો દાખલો તો બરોબર યાદ છે. તેઓશ્રીએ ‘એકાન્તનું અમૃત’ નામે એક ગ્રંથ લખેલો, જેના માટે એક સખીદાતારે એમને ચંદ્રક આપવાનું ઠરાવ્યું. પોતાની કૃતિની આમ સાહિત્યજગતમાં કદર થઈ એનો આનંદ એમને અઢળક હતો. ચંદ્રકપ્રદાનવિધિ થાય ત્યારે શું શું ને કેમ કહેવું તેનાએ સરસ ખ્યાલ મનમાં બાંધી રાખેલા. એ રીતે એમને વ્યાખ્યાન દેવાનું ટેન્શન તો જરાયે નહોતું. ટેન્શન હતું આ સાહિત્યિક દષ્ટિએ મહામૂલ્યવાન એવા અવસરે કેટલા સાહિત્યરસિકો પધારશે ને કયા કયા સાહિત્યરસિકો પધારશે તેનું. તેઓશ્રી આ પ્રસંગ આવ્યો તે પૂર્વે ક્યાંય કોઈના વ્યાખ્યાનમાં કે સમારંભમાં ગયેલા નહીં, તેથી જ એમના દિલને ભારે ઉચાટ હતો કે ચંદ્રકપ્રદાનવિધિમાં કાગડા ઊડશે કે શું? આમ તો તેઓ ખુમારી ને સ્વમાનમાં ચટ્ટાન-શા હતા, છતાંય સમોં વિચારી સો-દોઢસો ફોન કરી, સો-બસો ચિઠ્ઠી-ચબરખીઓ લખી પોતાના સમારંભમાં શ્રોતાઓની ભીડ થાય એ માટેનો મજબૂત પુરુષાર્થ એમણે કર્યો. એમના પુરુષાર્થની કક્ષા ઘણી ઊંચી છતાં એનું ફળ જોઈએ તેવું ન જ આવ્યું. શ્રોતાઓ આવ્યા, પણ સભાનું કહો કે માંડ કોરમ થાય એટલા જ!

આપણા સંસારજીવનમાં એક નહીં પણ અનેક એવા પ્રસંગો આવે છે જ્યારે આપણને અનેકાનેક માણસો જોઈએ છે. આમ આપણે ભીડથી ત્રાસીએ છીએ. બસમાં કે ટ્રેનમાં ભીડ જોતાં કેટલીક વાર આપણે ભીડભંજન હનુમાનનેય યાદ કરી લઈએ છીએ! એના જેવો આપણને ઊંચકીને આકાશમાર્ગે લઈ જનારો કોઈ ભક્ત સાથી હોય તો બસ-ટ્રેનની ભીડના ત્રાસથી તો છુટાય! પણ બીજી બાજુ એવા અનેક પ્રસંગો આપણે જોઈએ જ્યારે પોતાની આસપાસ ભીડ જોઈને માણસ રાજી થાય છે; દા.ત., અમારા વૉર્ડમાં જ્યારે કોઈ ઉમેદવાર ચૂંટણીપ્રચાર માટે નીકળે છે ત્યારે અહીંથી-તહીંથી અનેક માણસો વીણી વીણીને એકઠા કરે છે. જેમ એની પોતાની આસપાસ માણસોનો જમેલો વધે છે તેમ એને વધુ ને વધુ આનંદ થાય છે. અમારા દાદા આગળ કોઈના વરઘોડાની કે સ્મશાનયાત્રાની વાત કાઢીએ ત્યારે એમનો પ્રથમ પહેલો પ્રશ્ન તો આ જ હોય: ‘વરઘોડામાં માણસ કેટલું હતું?’ ‘સ્મશાનયાત્રા લાંબી કેટલી હતી?’ મેં જોયું છે કે કેટલીક વાર વરઘોડામાં આવનારને વરમાં નથી હોતો એટલો રસ વરના સાજનમહાજન તરીકે કોણ કોણ આવ્યા ને કેટલો સમય રોકાયા એમાં હોય છે. સ્મશાનયાત્રામાં આવનાર કેટલાક સજ્જનોનેય મરનાર પ્રત્યેની હમદર્દી કરતાં મરનાર પ્રત્યે કોણ કોણ હમદર્દ છે તે જાણાવાજોવાની જિજ્ઞાસા પ્રબળ હોય છે! અરે! મરનારના સ્વજનોનેય કેટલીક વાર સદ્ગતની સ્મશાનયાત્રા કે બેસણામાં કોણ કોણ આવ્યા તે કહી બતાવવામાં ભારે રસ પડતો હોય છે! આવા પ્રસંગોના આધારે સુજ્ઞ જન સહેજેય મનુષ્યની પ્રકૃતિમાં ભીડરસ કેવો પ્રબળ હોય છે તેનો અંદાજ બાંધી શકે.

અમારા દાસકાકાને વારતહેવારે પોતાની આસપાસ પાંચ-પચીસ માણસોનો જમેલો ન હોય તો મજા જ ન આવે. પોતાની એકસઠમી વર્ષગાંઠ પણ પોતાના પ્રથમ પુત્રના જન્મોત્સવ જેટલા જ ઉત્સાહથી તેમણે ઉજવાવેલી. અનેકને તેઓ જાતે જઈને બોલાવી લાવેલા. પોતાની બર્થડે પાર્ટીમાં માણસો વધતાં ખર્ચ વધે તો ભલે, પણ વટ પણ વધે ને! તેઓ જ્યારે નાતમાં જમવા જાય ત્યારે હજાર-પંદરસો જમનારાંઓની પંગતમાં વચ્ચોવચ પાટલો મંડાવે ને પોતાની આસપાસ દસ-વીસ જમનારાઓનેય આગ્રહપૂર્વક બેસાડે. આસપાસ પિરસણિયાઓ ટોળે વળી ‘દાસકાકા માટે ભજિયાં લાવો’, ‘દાસકાકા માટે ઠંડું પાણી આવે’, ‘દાસકાકાને બે લાડુ તો વધારાના મૂકો જ’ – આવી આવી હાકલો કરે, એ બધું એમને ભરપેટ ગમે. તેઓ પોતાની સફેદ મૂછો સરખી કરતા જાય, લાડુની કટકી ને દાળનો સબડકો લેતા જાય ને પોતાની આસપાસ તહેનાતમાં. ઊભેલી મંડળીને કૃપા ને સંતોષભરી લાગણીથી જોતા – બિરદાવતા જાય. દાસકાકાને એકલા સૂમડા જેવા બેસી રહેવાનું જરાયે ન ફાવે. એ તો કહે: ‘એ માણસનું જીવ્યું શું કામનું જેની મૈયતમાં દોઢસો માણસોનો જમેલો ન હોય!

જેમ ‘જક્ષણી’ વાર્તામાંનો પેલો જમાદાર કહે છે નેં યે બોજ સે ઠીક ચલા જાતા હૈ’ એમ ‘યે ભીડ સે ઠીક જમતા હૈ’ – એવું કહેનારાયે તમને મળી રહેવાના! આપણે કોઈ પબ્લિક પ્રોગ્રામ ગોઠવીએ ને એમાં પબ્લિક જ ન હોય તો કેવું લાગે? એક વાર અમે કૉલેજમાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો યોજ્યાં અને એમાં ‘વિદ્યામાર્તણ્ડ’ને ‘સારસ્વત- પ્રભાકર’ જેવાં પ્રચંડ બિરુદો ધરાવતા આચાર્યમહોદયોને નિમંત્ર્યા, પણ ખેદ સાથે કહેવું પડે છે કે એ આચાર્યમહોદયોની ધિંગી વાગ્ધારાને ઝીલવા અમારા સરખા પાંચ-દસ પ્રાધ્યાપકો સિવાય કોઈ હાજર નહોતું. આવું અમારે ત્યાં જ બને છે એમ ન માનશો, અન્યત્ર પણ બને છે. જેમના માટે કાર્યક્રમ હોય તેઓ જ હાજર ન હોય! ઘણી વાર દીવાને આમ દીવાને-ખાસ બની જાય એવુંયે થાય! ‘લોકકવિતા’ના નામે ચાલતી -પ્રવૃત્તિમાં ‘લોક’ પણ ન હોય ને ‘કવિતા’ પણ ન હોય એવુંયે બને! ખેર! જવા દો એ વાત! મુદ્દો છે ભીડનો! ભીડનો એક પ્રભાવ હોય છે, ભીડનું માનસ હોય છે. કેટલાંક વ્યક્તિત્વો ભીડમાં જ, સરોવરમાં જેમ કમળ ખીલે તેમ ખીલી રહેતાં હોય છે. અમારા દેવીપ્રસાદ આમ તો એમના કાતરિયામાં બેઠાં બેઠાં માખો જ મારતા હોય છે; પણ ત્રણ વરસ પહેલાં એક આંદોલન થયું એમાં તમે એમનો રોફરુઆબ જોયો હોય… લાંબા હાથ કરીને ઘાંટા કાઢી કાઢી સભા-સરઘસને એ જે રીતે ચલાવતા એમાં એમના વ્યક્તિત્વની બધી બુલંદીનો અનેકને સાક્ષાત્કાર થયેલો. એ સભાસરઘસની ભીડ ગઈ ને હવા વિના પતંગ જેમ ધાબે પડી જાય એમ પાછા એ કાતરિયામાં ભરાઈ પડ્યા.

કહેનારે સમજીને જ કહ્યું છે, ‘સંઘે શક્તિઃ કલૌ |’ – કલિયુગમાં શક્તિ સંઘમાં કે સંગઠનમાં હોય છે. એકલી લાકડી તૂટે છે, પણ એ જ લાકડીઓનો ભારો તૂટતો નથી. ઊલટું કેટલાકનો તો એ ભારો જોઈને જ લાકડી તોડવાનો વિચાર તડાક તૂટી જાય છે!

આપણે વર-કન્યાના વિવાહલગ્નમાં સાથસમુદાય લઈને જઈએ એ તો બરાબર, પણ પરીક્ષા આપવા કે ઇન્ટરવ્યુ આપવાયે સાથસમુદાય લઈને જઈએ તો કેવાં લાગીએ? દસમા-બારમાની પરીક્ષા વખતે કેટલાક વડીલો પોતાના સંતાનની સાથે પરીક્ષા-હૉલ સુધી જતા હોય છે. પરીક્ષાર્થીઓ કરતાં પરીક્ષાર્થીઓનાં સગાંવહાલાં ને મિત્રોની ગિરદી ત્યાં વધારે હોય છે! આવી ગિરદીથી પરીક્ષાર્થીનું હિત સધાતું હશે કે કેમ એ વિશે શંકા છે. આમ છતાં ક્યારેક કેટલાક પરીક્ષાર્થીઓનેય એમ થતું હોય છે કે ફલાણાભાઈ ને ઢીંકણીબહેનને મૂકવા આટઆટલાં સગાંવહાલાં આવે તો અમને મૂકવા અમારાં સગાંવહાલાં કેમ ન આવે?

સુજ્ઞ વક્તા હોય ને એને યોગ્ય રીતે સાંભળીને સમજી શકે એવા સુજ્ઞ શ્રોતા હોય એ તો વાત જ અનોખી, પરંતુ કેટલીક વાર તો વક્તા અણઘડ હોય અને એથીયે વધારે અણઘડ એમનો શ્રોતાવર્ગ હોય. રેલીઓ કાઢવામાં ભાડે લવાતા શ્રોતાઓમાં સાંભળવાના ઉત્સાહ કરતાં તો તમાશો જોવા – માણવાનો ઉત્સાહ જ વધારે હોય છે. ‘કહ્યું કાંઈ ને સમજ્યા કશું’ –આંખનું કાજળ ગાલે ઘસાય એવું એવું એમાં વધારે તો જોવા મળે છે. વક્તા ઊછળી ઊછળીને બોલ્યે જતા હોય ને શ્રોતાઓ પોતપોતાની રીતે અંદરોઅંદર ગુસપુસ કરતા કોઈ જુદી જ વાતમાં ખૂંપેલા હોય! વક્તાશ્રોતા વચ્ચેનો સરકીટ બંધાય જ નહીં. આજકાલ આ પ્રકારની ભીડવાળી સભાઓની કમી નથી. મહાભારતમાં વર્ણવી છે તેવી, જેમાં સાધુચરિત મહાનુભાવો વિરાજમાન હોય એવી સભાઓ કેટલી?

ભગવાનનેય આપણા રાજકીય નેતાઓની જેમ ભીડ પ્રત્યે કૂણો ભાવ તો નહીં હોય ને એવું કેટલાંક મંદિરોની ભીડ જોતાં જરૂર લાગે! પડે એના કકડા એવી મેદનીમાં કેમ ઘૂસવું, ઘૂસીને ભગવાનની મૂર્તિની વધારેમાં વધારે નજીક કેમ પહોંચવું એ કળા એકાંતને જીરવવાની કળાથી જરાયે ઊતરતી તો નહીં જ! ખિસ્સાકાતરુઓને સાનુકૂળ એવી ભીડ જમાવવી, ભીડ વેઠવી ને એ ભીડ વચ્ચે રહીને ખિસ્સું સલામત રાખીને ધાર્યું કરવું કે કરાવવું એને હું પાંસઠમી કળા કહું છું. લોકશાહીનાં જે અનેક સારાં-નરસાં સ્વરૂપો છે તેમાંનું એક આજકાલ અનેક ઠેકાણે ફેલાયેલું — વકરેલું સ્વરૂપ તે ટોળાંશાહીનું છે. તમારા માથામાં શું છે એ જોવાનું જ નહીં, તમારાં – તમારે માથાં કેટલાં છે એ જોવાનું! વિશિષ્ટ અર્થમાં ‘રાવણશાહી’ની જ પ્રતિષ્ઠા! ‘રામરાજ્ય’ આવવાની આથી આશા પડે છે! આ ટોળાંશાહીના વિકાસમાં આપણી ઘાલમેલિયા વિવેકભ્રષ્ટ સ્વાર્થપટુ નેતાગીરીનો હિસ્સો નાનોસૂનો નથી જ. હાથની શક્તિ કરતાં હાથની આંગળીઓની સંખ્યા અગત્યની થાય, માથાની શક્તિ કરતાં માથાની સંખ્યા પર મદાર વધે ત્યારે શતમુખ વિનિપાત સિવાય શું થાય? ને એમાંય આ ઘટના જ્યારે સાહિત્યક્ષેત્રમાં – સારસ્વતક્ષેત્રમાં ઘટે; સસ્તી લોકપ્રિયતા જ્યારે સારસ્વતશક્તિનો માનદંડ થઈ જાય ત્યારે સાહિત્યની શી અવદશા થાય, સરસ્વતીની કેવી બેહાલી થાય એની તો કલ્પના કરતાંય કંપારી વછૂટે છે! ફલાણા સાહિત્યકારને સાંભળવા આટલી સંખ્યામાં માણસો ભેગા થયેલા, આટલી વાર એમના વ્યાખ્યાન વખતે તાલીઓ પડી – આવી આવી સ્થૂળ વિગતોની નોંધ લેનારાઓની તો આપણે કેવળ દયા જ ખાવાની રહે છે. આ સ્થૂળ મતિઓની નેતાગીરી ને પકડ જ્યારે લોકમાનસ પર વધે છે, એ જ્યારે ભીડ કે ટોળાં ઊભાં કરે છે ત્યારે જ ખરેખર તો ચેતવા જેવું ને ચિંતા કરવા જેવું બને છે.

અમારા લખમીચંદ શેઠ આમ તો રૂપિયાના ત્રણ અધેલા શોધે એવા; ભણેલાય પહેલીના બે પાઠ જેટલું! પણ ભારે ખેપાની! ધંધો બરોબરનો જમાવેલો ને વખત જતાં નાણાંના જોરે નાતના નેતા ને ગામના આગેવાન પણ થઈ બેઠા. ગામમાં જ્યારે એક સંસ્કૃત પાઠશાળા ખોલવાનો વિચાર થયો ત્યારે ખુશામતિયા ને લોભિયા એવા પાઠશાળાના ટ્રસ્ટીઓને લખમીચંદ શેઠ જ તેના ઉદ્ઘાટન માટે સર્વોત્તમ વ્યક્તિ લાગ્યા! લખમીચંદ શેઠ ઉદ્ઘાટનનું નિમંત્રણ મળતાં તો ફૂલીને ફાળકો થયા, પણ ત્યાં ઉદ્ઘાટનપ્રસંગે બે બોલ કહેવાની વાત આવતાં ટાઢાબોળ જેવા થઈ રહ્યા. તેઓ આઈસક્રીમના પાર્ટીપૅકેટ સાથે મારે ઘેર ધસી આવ્યા. કહે, ‘ચંદરભાઈ, એક કામ આપડું કરી દ્યો. મારે સંસ્કૃત સાલા ઉઘાડવાની છે, એના માટે જે બોલવું પડે તે બે પાનાંમાં લખી દ્યો. મને વાંચતાં ફાવે એવું.’ મેં એમનો પ્રેમથી આણેલો આઇસક્રીમ આરોગતાં બે પાનાં ચીતરી દીધાં. એ લઈને જતાં જતાં તેઓ પાછા કહે, ‘જુઓ, તમારે ને તમારાં ઘરનાં સૌએ આપડા એ પ્રોગ્રામમાં આવવાનું છે. આપણે બધાં સાંભળનારાંઓને લાવવા-લઈ જવાની પાકી તજવીજ કરી દીધી છે!’ મારે ના તો પાડવાની હતી જ નહીં. પણ તમે જોયું ને ગાંધીજીની સ્વાવલંબનની ભાવના કઈ ઊંચાઈએ પહોંચેલી છે તે? શ્રોતાઓ ભાડે લાવવા કરતાંય વક્તાએ પોતે જ પોતાના શ્રોતાઓ સાથે લઈને જ જવાનું; જરાય પરાવલંબન નહીં!

આજે તો ઠેર ઠેર ભીડનાં જ દર્શન! વસ્તી-વિસ્ફોટ અણુવિસ્ફોટથીયે ભારે પ્રભાવક લાગે, ને તેમાંયે આપણે ત્યાં તો ખાસ! વાહનોમાં ભીડ, રૅશનિંગની દુકાનોએ ભીડ, મંદિરોમાં ભીડ, સિનેમામાં ભીડ. માર્કેટમાં ભીડ ને જલસા ને જમણોમાંયે ભીડ! ભીડ ન મળે શુદ્ધ વિદ્યાપ્રવૃત્તિઓમાં, કલા કે સાહિત્યની પ્રશિષ્ટ પ્રવૃત્તિઓમાં, ઊંચી કક્ષાની સાત્ત્વિક ગોષ્ઠિઓમાં ને નીતિધર્મ કે ધર્મનીતિના નિર્ભેળ વ્યવહારમાં. હવે તો જે પ્રકારે બહાર ભીડ જામે તેની ભીંસ અંદર પણ વધવાની. માત્ર માણસોની જ નહીં, નિરર્થક ચીજવસ્તુઓની, ખોટાં વચનોની, પોકળ આશ્વાસનોની, નકલી ભાવનાઓની ને સંકુચિત વિચારો વગેરેનીયે ભીડ જે વધતી રહી છે તેય વેઠવાની! ભીડની વચ્ચે રહી કેમ એકાંત મળે તેની ખોજ કરશે કોઈ કવિ કે સંત; આપણે તો આ ભીડ સાથે ને ભીડ વચ્ચે જ ભડ થઈને મહાલવાના! જે રસ્તે આપણા મહાજનો હાલ જઈ રહ્યા છે એ જ રસ્તે આપણે જવું જોઈએ ને?

(વહાલ અને વિનોદ, પૃ. ૯૯-૧૦૩)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.