બંદા બનશે

લાંબી લાંબી અક્કડ મૂછો,
લાંબી સફેદ દાઢી,
બંદા ફકીર બનવા માગે,
કફની આપો કાઢી.

માથે રાતી ગોળ પાઘડી,
ગોળ વધેલું પેટ,
લાંબો ડગલો લાવી દો તો,
બંદા બનશે શેઠ.

પોપટ જેવું નાક વાંકડું,
કોડા જેવી આંખો;
બંદા બનશે જોકર જૉલી,
સરકસમાં જો રાખો.

લાંબી લાંબી લાકડી ને
ટૂંકો પ્હેર્યો કચ્છ;
બંદા બનશે ગાંધી બાપુ,
બધું જોઈશે સ્વચ્છ.

*

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.