૭. નંદ – અર્થથી શબ્દ સુધી

નંદ લગભગ પોતાની જ વાતો કર્યા કરે છે. શું સમજે છે નંદ એના મનમાં? એના સિવાય બીજાની હસ્તી જ નથી શું? એ શું એમ માની બેઠો છે કે અનેક શ્રોતાઓ કાન માંડીને એની વાતો સાંભળવા માગે છે? નંદનો આત્મવિશ્વાસ ભારે કહેવાય! ભૂલ્યો – આત્મવિશ્વાસ નહીં, આત્મરતિ!

ભાઈ નંદ! આ આક્ષેપ વિશે તારે કંઈ કહેવાનું છે? અથવા તેઓની ઉપેક્ષા કરી તું તારી વાતો કરતો જ રહેવાનો છે? નંદ કેવળ હસે છે: ‘હું મારી જ વાત કરું છું, કેમ કે હું એ જ વાત કરી શકું એમ છું. મારામાંથી ‘હું’ને બાદ કરી દઉં તો મારે કશું કહેવાનું રહેતું નથી, બલ્કે સંભળાવવાનું રહેતું નથી. હું બીજાને નામે બોલીશ અથવા બીજાઓ વતી બોલીશ તોપણ છેવટે તો હું જ બોલ્યો હોઈશ અને તેથી જ બહેતર એ છે કે હું ‘હું’ના નામે બધું બોલું. જ્યારે જ્યારે હું બોલું છું ત્યારે કેવળ કોઈને સંભળાવવાના હેતુથી જ બોલું છું એમ શા માટે માની લેવું જોઈએ? હું ન બોલું ત્યારે પણ મૌન છે એ મારું છે; જેમ બોલું છું ત્યારે બોલ મારા હોય છે. આમાંથી હું નીકળી શકું એમ છું? તમે જો રસ્તો જાણતા હો તો મને જણાવો.’

નંદ કોઈ રસ્તાની ખોજમાં જ નીકળ્યો છે. રસ્તાની ખોજ કરતાં જે ભૂલો, ભ્રમો, મંથનો વગેરે એ અનુભવે છે એની જ એ સૂઝી તે રીતે વાત કરતો હોય છે. એ રીતે વાત બીજા અનેક જણા કરતા હોય તોય શું? એ વાત એની છે એનું મહત્ત્વ છે. એ વાત નંદ બોલે છે – પોતાની છે માટે જ બોલે છે અને એટલે જ એ બોલવા જેવી હતી એ સૌ માનશે. સૌ એટલે જેઓ નંદની જેમ પોતાને યથાશક્તિમતિ જાણવા નીકળી પડ્યા છે એવા–ભોળા કહો તો ભોળા એવા લોકો. નંદને આવા લોકોનો મિજાજ જોઈ, પુરુષાર્થ જોઈ આનંદ થાય છે. નંદ ઇચ્છે છે કે આવા લોકો સતત બોલે અને પોતે એમનો મૂક શ્રોતા બને; પરંતુ ઇચ્છા હોવી-થવી એ એક વાત છે; એની પરિપૂર્તિ થવી એ બીજી વાત છે.

નંદને ઘણી વાર પોતાનો અવાજ ગમે છે, પોતાની ભાષા ગમે છે. એકાંતમાં એ જરા મોટેથી બોલે છે અને એ એકેએક બોલને અવધાનપૂર્વક ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન પરમ રોમાંચક હોય છે. નંદ પોતાની હાજરીનો વિશિષ્ટ રીતે અનુભવ કરી શકે છે. પોતે એકલો નથી એમ એને લાગે છે અને પોતાનું બોલવું જરૂરી હતું એમ પણ લાગે છે.

નંદને એની ભાષાનો એકેએક શબ્દ મુક્તિની દિશામાં ગતિપ્રેરક – ગતિપોષક લાગે છે, શબ્દ બાંધનાર છે એમ મુક્તિપ્રદ પણ છે. શબ્દે શબ્દે નંદ એના એકાંતમાં અનેક પદાર્થોને – ચહેરાઓને – દેશ અને કાળને પ્રવેશતા, આકાર ધારણ કરતા જુએ છે. શબ્દ શૂન્યમાં કશું સર્જતો હોય છે આવું નંદે અનેક વાર સાંભળેલું; આજે એનો એ અનુભવ કરે છે. નંદને લાગે છે કે શબ્દની સહાયથી અહીં થોડાક વર્ષો ટકી રહેવું શક્ય છે. નંદ ‘અનંત વર્ષો’ એમ નથી કહેતો કેમ કે એ અનંતતાનો અનુભવ એને નથી; અનુમાનને અનંતતા સુધી વિસ્તારો કે ન વિસ્તારો, નંદની લાગણી ‘થોડાંક વર્ષો’ એમ કહેવામાં પૂરી પ્રગટ થાય છે.

નંદ કેટલીક વાર પોતાને શબ્દના કે વાક્યના કે પ્રકરણના કોઈ અર્થ રૂપે, વાણીના અર્થ રૂપે પ્રતીત કરે છે. નંદ મોજમાં હોય તો કહે છે પણ ખરો अहमर्थो़ऽस्मि પણ પછી તરત કહે છે ‘હું જે શબ્દથી — વાક્‌રૂપથી પ્રગટ થઈ શકું એ શબ્દની શોધમાં છું. આજ લગીના મારા બધા જ વ્યાપારોનું લક્ષ્ય એ રહ્યું છે અને રહેશે. હું તો કોઈ શબ્દથી છૂટો પડી ગયેલો અર્થ છું; જન્મથી વિરહી એવો અર્થાત્મા. હું મારા શબ્દને શોધું છું – અત્ર, તત્ર, સર્વત્ર. એ શબ્દ પોતાનું રૂપ-પોતાનો આકાર સંગોપીને અહીં બેઠો છે. કળે કળે એ આકારને – એ રૂપને પામવાનો મારો ઉત્સાહ છે, પુરુષાર્થ છે. હું હતાશ કે નિરાશ નથી. કેમ કે મારું અસ્તિત્વ જ એના અસ્તિત્વનું સતત સમર્થન કરે છે. એ નિગૂઢ શબ્દનું એ સ્પષ્ટ પ્રમાણ છે. હું જાણું છું, મારું અર્થરૂપ સંકુલ છે અને તેથી જ એનું ઇંગિત આપનાર શબ્દ સહેલાઈથી મળનાર નથી; પણ તેથી હું મારો પ્રયત્ન છોડનાર નથી; કેમ કે, એ ‘શબ્દને પામવો’ — એનો પર્યાય ‘મને પામવો’ એવો થાય છે. મારા અસ્તિત્વના કેન્દ્રની ખોજમાં એનો આનંદપૂર્વક સ્વીકાર કરવો એ જ આત્મ-ધર્મ — જીવનધર્મ છે. પથ્થર દ્વારા પણ ઈશ્વર સુધી પહોંચાતું હોય તો પથ્થરને નમવામાં મને શરમ-સંકોચ નથી. પથ્થરથી મારી જાતને જુદી જોવાથી મારું અભિમાન જાળવી શકું કદાચ; મારું સત્ય જાળવી શકાશે કે કેમ એ વિશે મને ભારે શંકા છે – કહો કે અશ્રદ્ધા છે. શબ્દથી મને પૃથગ્ માનવાની પણ વૃત્તિ નથી. હું અર્થ છું એમ તો કહું છું; હું શબ્દ છું – अहं शब्दोऽस्मि। કહેવાનો સમય આવે એની રાહ જોઉં છું. જ્યારે શબ્દ દ્વારા હું મને પહોંચી શકીશ; શબ્દ અને હું એવું દ્વૈત વિલુપ્ત થશે, અર્થાત્ શબ્દ રૂપે મને પ્રતીત કરી શકીશ ત્યારે મારે બોલવાનું હશે નહિ, મારી પાસે મહામૌન હશે, હું મુનિ બન્યો હોઈશ! આ બહુ વિચિત્ર બાબત છેઃ શબ્દબ્રહ્મનો સાક્ષાત્કાર થાય અને તમે પછી મૌનરૂપ પરા વાણીના જ ઉપાસક બની જાઓ!– આ પણ મારું આમ તો અનુમાન છે કે કેમ કે આજે हुं अहं शब्दोऽस्मिની ભૂમિકાએ પણ પહોંચ્યો નથી.’

નંદ આ પછી અશબ્દ બની રહે છે. એ જાણે આંખથી – સમગ્ર ચહેરાથી પોતાને અભિવ્યક્ત કરવા મથે છે. નંદનું લખાણ વાંચવું, નંદની વાણી સાંભળવી અને નંદની પ્રત્યક્ષ બેસી એના સમગ્ર વ્યક્તિત્વથી અભિવ્યક્ત થતી એની માનસી સૃષ્ટિનો ભાષા દ્વારા સ્પર્શ કરવો — આ ત્રણેય ભિન્ન બાબતો છે. આ હકીકત નંદ માટે સાચી છે એટલી જ મારા, તમારા કે ઇતર જનો માટેય સાચી છે.

(‘નંદ સામવેદી’, પૃ. ૪૯-૫૨)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.