૧૯. ચશ્માં

આંખ જાય એને અંધારું. ચશ્માં ગુમ થાય એને બધું ધૂંધળું. એક વાર હું મારાં ચશ્માંની દાંડી ઠીક કરવા મથતો હતો. ચશ્માંને ત્યારે કોઈ પોતાનો કાન આમળતો હોય તેવું કદાચ લાગ્યું હશે ને તેથી રોષના માર્યાં કે બીજા કોઈ કારણે તે મારા હાથમાં ઝાલ્યાં ન રહ્યાં. મોક્ષની મહેચ્છાથી કોઈ ભૈરવજપ કરે તેમ મારાં ચશ્માંએ કઠિન ભૂમિતલ પર પડતું મૂક્યું. એના કાચ શતધા – સહસ્રધા ચૂર્ણવિચૂર્ણ થઈ ગયા. એક રોનકદાર, દર્શનીય દુનિયા એકાએક જ મારાથી ઓઝલ થઈ ગઈ હોય એવો ભાવ થયો. હવે મને આઘેનું જોઈએ તેવું ભળાતું નહોતું. ટી.વી. જોવામાં અંતરાય આવ્યો. જાણે કે હું મચ્છરદાનીમાં ભરાઈને ટી.વી. ન જોતો હોઉં! આંખો જાય ત્યારે ખરેખર શું થાય તેનો સાક્ષાત્ અનુભવ નથી; પરંતુ ચશ્માંના તૂટવાથી હાલ જે કંઈ મને થઈ રહ્યું છે તે પરથી આંખોના અભાવે શું શું થાય તેનો અંદાજ બરોબર આવે છે. પત્ની જાય એટલા દહાડા મુશ્કેલી જરૂર પડે છે. પણ એવી મુશ્કેલી પડતી નથી, જેવી ચશ્માં જતાં પડે છે. પત્નીની આંખે બધું જોવાની ટેવ આપણે પાડીએ તોયે ચશ્માંની મદદથી જોવાની ટેવ આપણાથી ભુલાતી નથી. પત્ની જ્યારે મનમાન્યા સાજ સજીને તૈયાર થઈ હોય ત્યારે તેના સૌંદર્યદર્શનમાં ચશ્માંની મદદ કંઈ ઓછી હોતી નથી!

ચશ્માંની શોધ કોણે કરી હશે એ વિશે મારા મનમાં અપાર કુતૂહલ છે. એણે ચશ્માંના આકાર, પ્રકાર ઇત્યાદિનો નિર્ણય કઈ રીતે લીધો હશે તે વિશેય મારા મનમાં અદમ્ય જિજ્ઞાસા છે. ભલે આજીવન સંશોધનયજ્ઞ ચલાવ્યા છતાં એના શોધક વિશે હું ન જાણી શકું, પરંતુ એટલું તો નિશ્ચિતપણે અનુમાન કરી શકું છું કે એનો શોધનાર સુખી દાંપત્યજીવનનો માણનારો હશે; સહકાર-સહચાર-સહવાસની મંગલ ભાવનાઓમાં દૃઢ શ્રદ્ધા ધરાવનારો હશે. એણે આંખ ઠરે એવાં ચશ્માં તો બનાવ્યાં પણ તે આંખ પર ઠરીને રહે એવાંય બનાવ્યાં અને એ માટે આંખ, નાક અને કાનનો પ્રણયત્રિકોણ – મંગલત્રિકોણ પણ કેવો સંવાદાત્મક રીતનો રચ્યો! ચશ્માં આંખ પર સ્થિર-સલામત રહી શકે તે માટે તેણે નાસિકાદંડ અને બેય કાનના ઘટાટોપનો કેવો સુંદર સહકાર સાધ્યો! ચશ્માં આ પ્રકારે જે એકતાની ભાવનાનો સંકેત કરે છે તેમાંથી રાષ્ટ્રીય એકતાની ઝુંબેશ ચલાવનારાઓએ ધડો લેવો જોઈએ.

કેટલાક લોકો – ખાસ તો ઉપયોગિતાવાદીઓ – ‘ચશ્માં એટલે આંખોને જોવા માટેના નંબરવાળા કાચ’ એટલો જ ગાણિતિક અર્થ સમજતા હોય છે. તેઓ ચશ્માંની ફ્રેમ કેવી છે, ચહેરા પર તે કેવી લાગે છે વગેરે બાબતો વિશે સાવ લાપરવા હોય છે. ચશ્માંની દાંડી વાંકી વળેલી હોય કે તૂટેલી, એમને મન બધું ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં – જેવું હોય છે! ક્યારેક તો તેઓ એમની નરસિંહ મહેતાની વહેલ જેવી ફ્રેમની દાંડી તૂટી ગયેલી હોય તેને દોરીથી તાણી બાંધીને આંખે ચડાવી દેતા હોય છે. એવે વખતે મને એમનાં એ ચશ્માં અંબોડા વગરની વેણી સરખાં નિરાધાર ભાસતાં હોય છે. જાણે કોઈ રૂડોરૂપાળો ચહેરો ફાંસીના ગાળિયામાં મરવાના વાંકે લટકતો હોય એવો દોરી બાંધેલાં ચશ્માંમાં એના પહેરનારાનો ચહેરો મને લાગે છે!

‘यदा यदा मुंचति वाक्यवाणं तदा तदा जातिकुलप्रमाणम्।’ — એમ કહેવામાં આવે છે. હું તો કહું કે, માણસ કયા પ્રકારનાં ચશ્માં ચડાવે છે તે પરથી તેનાં જાતિ, કુળ વગેરે સહેલાઈથી વરતાઈ આવે છે. ચશ્માંધારીનું ભવિષ્ય જોવા માટે કોઈ કાચનો ગોળો લાવવો જરૂરી હોતો નથી. એનાં ચશ્માંના ગોળાકાર કાચ જ કાફી હોય છે. કાળી જાડી ફ્રેમનાં ગાલ, નાક, ભમ્મર આદિના ઠીક ઠીક સરહદી વિસ્તારને પોતાના પ્રભાવ તળે ઓળવી દેતાં ચશ્માં પહેરનારને તમે ‘ઇન્ટેલેક્ચ્યુઅલ’ (બૌદ્ધિક), કોઈ એકેડેમિક લાઇનમાં પડેલો માણસ કહી શકો. ઈંડા આકારનાં દોરી બાંધેલાં જૂનાં ચશ્માં ચડાવનારો, વનપ્રવેશની તૈયારી કરનારો કે વન વટાવી ચૂકેલો, કંજૂસ ને વેપારી લાઇનનો માણસ હોવાનું ધારી શકો. ઝગારા મારતી, કાંગરિયાળી ભાતની સોનેરી ફ્રેમ ચડાવનારાંને કોઈ મહાજનની હવેલી અજવાળનારાં શેઠાણી હોવાનું કલ્પી શકો. ચારછ મહિને ચશ્માંની ફ્રેમો બદલતાં રહેનારાંઓ ગર્ભશ્રીમંતો કે લગ્નોત્સુક તરુણ-તરુણીઓ હોવાનો સંભવ વધારે! ‘શામ ઢળે, ખીડકી તળે’ ઊભાં હોય ને છતાં ગૉગલ્સ પહેરી રાખતા હોય તેમને તમે ડભોઈ લાઇનવાળા અથવા આંખમાં ફૂલું પડ્યું હોય એવા કે એકઆંખાળા ધારો તો તેમાં તમે ભાગ્યે જ ખોટા પડો!

કેટલાક માણસો આજીવન બ્રહ્મચારી અર્થાત્ વાંઢા રહેવા જ સર્જાયા હોય છે. તે જ રીતે કેટલાક ચહેરા ચશ્માં વિના રહેવા સર્જાયા હોય છે. કેટલાક ચહેરા ચશ્માં માટે હોતા જ નથી. અમે નાના હતા ત્યારે બાપુજીએ (ગાંધીબાપુ નહીં, અમારા શુભ અવતાર માટે જવાબદાર બાપુજી) અમને સત્યમય જીવનની પ્રેરણા મળે એવા શુભાશયથી ત્રણ વાંદરાઓવાળું પેલું પ્રસિદ્ધ રમકડું ભેટ આપેલું. એમાં ખોટું નહીં જોવાની અને ખોટું નહીં સાંભળવાની પ્રતિજ્ઞા કરનારા બે વાંદરાઓને અમે અમારાં રમકડાંનાં પ્લાસ્ટિકનાં ગૉગલ્સ સરખી રીતે પહેરાવી ન શક્યા, પરંતુ ખોટું નહીં બોલવાની પ્રતિજ્ઞા કરનાર વાંદરાને અમે હોંશથી ગોગલ્સ પહેરાવ્યાં, પરંતુ પરિણામ? વાંદરાનો ચહેરો ગૉગલ્સના કારણે અને ગૉગલ્સ વાંદરાના ચહેરાના કારણે અમને ઘણા વરવા લાગ્યા. વાનરવરનો ચહેરો ક્યારેય કોઈ ચશ્માં માટે અમને અનુકૂળ લાગ્યો જ નથી, પરંતુ વાનરવરની વાત જ શા માટે? અમારા એક નિકટના દોસ્તનો ચહેરોયે કોઈ પણ ચશ્માંમાં સેટ ન થાય એવો હતો. વાનરોમાંથી નરો ઊતરી આવ્યાનો ડાર્વિનનો સિદ્ધાંત એમને જોતાં તુરત જ ગળે ઊતરી જાય! એક વાર એમણે બે-ત્રણ ટૉપ ફિલ્મોમાં એમના લાડીલા ઍક્ટરોને ચશ્માં પહેરીને ઍક્ટિગ કરતા જોયા. બસ! ખલાસ! ત્યારથી જેમ બાળક રામચંદ્રજીએ ચાંદલિયા માટે રઢ લીધેલી એમ એમણે ચશ્માં પહેરવાની રઢ લીધી. અમે એમને ઘણું સમજાવ્યા. આંખે નંબર ન હોય ત્યારે ચશ્માં પહેરવામાં કેટલી હાનિ છે તેનું વળીવળીને ભાન કરાવ્યું, પણ બધું વ્યર્થ. બાળહઠ, રાજહઠ ને સ્ત્રીહઠ જેવી જ એમની હઠ હતી. અમે નાછૂટકે એમને અમારા એક ઓળખીતા ચશ્માંવાળાની દુકાને લઈ ગયા. દુકાનદારે પ્રેમથી અમારું સ્વાગત કર્યું. ઉત્સાહથી એક એકથી ચડિયાતાં ચશ્માં બતાવ્યાં. પણ એકેય ચશ્માં એમના ચહેરે સેટ જ ન થાય. છેવટે દુકાનદાર થાક્યો ને એય થાક્યા. એમને અનુભવે પ્રતીત થયું કે, તેમનો ચહેરો સર્વ પ્રકારનાં ચશ્માંથી પર છે. તેથી આ જન્મે કદી ચશ્માં નહીં પહેરું એવી ભીષ્મપ્રતિજ્ઞા સાથે ખાલી આંખે તેઓ એ દુકાનેથી પાછા ફર્યા. એ પછી કદી કોઈ ચશ્માંવાળાની દુકાને ગયા નથી. અરે! બધી રીતે સારી છતાંય એકમાત્ર ચશ્માં હોવાના વાંકે જ એમણે એક કોડીલી કન્યા સાથે પોતાનું સગપણ નહીં થવા દીધું!

જેમ કેટલાક ચહેરા ચશ્માં માટે નથી હોતા, તેમાં કેટલાક જાણે ચશ્માં પહેરવા માટે જ હોય એવાય જોવા મળે છે. કર્ણ કુંડલ સાથે જન્મેલો એમ આ ચહેરા ચશ્માં સાથે જન્મ્યા હોતા નથી એટલો જ ફેર! જેમ કોઈ સુંદર ફોટો ફ્રેમમાં મૂકતાં ઓર સુંદર લાગે છે તેમ કેટલાક સુંદર ચહેરા ચશ્માંમાં ઓર સુંદર લાગતા હોય છે. એવા ચહેરાઓ કંઈ આંખોને નંબર આવે ત્યાં સુધી ચશ્માં વિનાના રહે? તેઓ તો મોઢું ધોવા જાય ને ચશ્માં પહેરીને પાછા આવે! અમારી પડોશમાં સુલોચનાબહેન રહે છે તે તો સત્રે સત્રે જેમ ચૂની ને એરિંગ બદલે તેમ ચશ્માંની જોડી બદલતાં રહેતાં હોય છે.

ચશ્માં કઈ ઉંમરે પહેરવાં એ સૌંદર્યશાસ્ત્રનો એક પેચીદો પ્રશ્ન છે. બાળપણમાં આંખો બગડતાં માબાપ પરાણે ચશ્માં પહેરાવે તેમાં કંઈ મજા હોતી નથી. મોટપણે, તરુણાઈનો તોખાર જ્યારે ઘટમાં થનગનતો હોય ત્યારે, બુલેટ કે જાવા મોટરસાઇકલ પલાણવાની હોય ત્યારે કોઈ મદીલી લોચનબાલા સાંજને ઝરૂખે ઝૂકીને રાહ જોતી હોય ત્યારે પસંદગીનાં ચશ્માં પહેરીને પિયામિલનકો જવામાં જીવનનો અનેરો લહાવો હોય છે. મારું ચાલે તો જેમ જનોઈ પહેરવાનો પ્રસંગ તેમ આ ચશ્માં પહેરવાનો પ્રસંગ પણ શાનદાર રીતે ઊજવાય એવું હું તો કરું. જેમ બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર તેમ સમીસાંજે જીવાતવાળા રસ્તેથી પસાર થનારા સ્કૂટરસવારો માટે ચશ્માં સાચે જ આંખનું ઢાંકણ પણ બની રહે છે. જેના ઘટમાં યૌવનનું પલાશવૃક્ષ મહોર્યું હોય એ નરબંકડો જો સુંદર ચશ્માંને દાંડીથી પકડી હાથમાં ગોળ ગોળ ઘુમાવે નહીં તો એનું નરબંકાપણું ક્યાં? ગામડાગામના કૂવેથી બાર બેડાં પાણી ખેંચી આણનારી મંછી શહેરમાં પરણીને કારવાળી મનીષા શેઠાણી થઈ એની ખબર તો ક્યારે પડે? જ્યારે આંખે ગોલ્ડન ફ્રેમનાં ચશ્માં ચડાવે ત્યારે જ. પચાસ વરસેયે મોતિયાળી આંખે ને કરચળિયાળા ચહેરે નવી ફૅશનનાં ચશ્માં ચડાવી જ્યારે કોઈ પ્રૌઢા એમના પતિદેવને હું કેવી લાગું છું?’ એવો રસિક પ્રશ્ન કરે ત્યારે તે કેટલું બધું રોમાંચક લાગે છે! આપણને ભલે તે વેળાએ ઘરડી ઘોડી ને લાલ લગામ યાદ આવી જતાં હોય!

ચશ્માં પહેરવાની મજા ઘરડેઘડપણ તો નહીં જ હોય, પરંતુ બાળપણમાં તો ખૂબ હતી. દાદા-દાદીનાં અઢારે વાંકાં અંગવાળાં ચશ્માં અમને ત્યારે પહેરવાનાં કેટલાં બધાં ગમતાં હતાં! બરુની સળીઓનાં ‘ગ્લાસલેસ’ ચશ્માં પહેરતાં, એ પહેરીને ફરતાં અમે જે રોફરુઆબનો સ્વાદ મેળવ્યો છે તે અમને તમારાં આ સોનાની ફ્રેમવાળાં ચશ્માં તે શું આપી શકે?

ચશ્માં રમતમાં પહેરવાં, નાટકમાં પહેરવાં ને ગંભીરપણે આંખની બીમારીના કારણે પહેરવાં – ત્રણેયના અનુભવો તો વિલક્ષણ જ. એક વખત અમારા એક મિત્રને નાટકમાં ડોસાનો પાઠ ભજવવાનો આવ્યો. એમાં ચશ્માં પહેરવાં જરૂરી હતાં. આમ તો અમારા મિત્રની આંખો સમડીના જેવી એટલે તેમને પોતાનાં તો ચશ્માં હતાં નહીં. કોઈનાં નંબર વગરનાં ચશ્માં કે કાચ વગરની ચશ્માંની ફ્રેમ એમને પહેરવાની હતી, પરંતુ એ ભાઈસાહેબ ઉતાવળમાં એ લઈ જવાનું ભૂલી ગયા ને જ્યારે એમની ‘એન્ટ્રી’ આવી ત્યારે એકદમ યાદ આવ્યું. તકે મળી તે પદમણી, એ ન્યાયે એ વખતે ગ્રીનરૂમમાં કામ કરતા એક બુઝુર્ગનાં ચશ્માં એમણે પહેરીને રંગભૂમિ પર પ્રવેશ કર્યો. બુઝુર્ગનાં ચશ્માંના નંબર વધારે તેથી એ પહેરીને રંગભૂમિ પર હરવા-ફરવામાં અમારા મિત્રને ભારે તકલીફ પડવા માંડી. મયદાનવે રચેલી સભામાં દુર્યોધનને જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ – એવો વિચિત્ર અનુભવ થયો હતો. અમારા મિત્રને પણ કંઈક એવો જ અનુભવ થવા લાગ્યો. બિચારા ભારે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયા. ઠોકર ન ખાવાની હોય ત્યાં ઠોકર ખાય અને ઠોકર જ ખાવાની હોય ત્યાં ગુલાંટ ખાય. પરિણામે, તેમનાં ચશ્માંના કાચને અને તે સાથે તેમની પાત્રભજવણીને ભગ્નાવસ્થાનો વિષમ અનુભવ કરવાનો થયો.

એક વાર તમે ચશ્માં પહેરવાનું ચાલુ કરી દો પછી એના વિના ચલાવવું મુશ્કેલ થઈ જાય છે. અફીણી-રસ કરતાંય ચશ્માં-રસનું વળગણ વધારે હોય છે. ચશ્માંના કાચ ઓથે રહીને પોતાની નબળાઈઓ પર ઢાંકપિછોડો કરવા મથતી આંખો પોતાનું અસલી તેજ ગુમાવતાં ગુમાવતાં ઊંડા કૂવાના તળિયાની દશાને પામે છે. આ પ્રકારનું વલણ ધરાવનારાઓ માટે આ સિવાય બીજું શું પરિણામ હોઈ શકે?

જેમ સમયની સાથે સાથે વરઘોડામાં તેમ ચશ્માંમાંય ફેરફારો થતા રહ્યા છે. પહેલાં વરઘોડામાં ઘોડો કેન્દ્રમાં રહેતો. એ પછી બગી ને કાર વગેરે ઘોડાની જગા લેતાં થયાં. પણ વર ઘોડા પર બેસીને પરણવા જાય એની તે આભા જ અનોખી. વરઘોડો તો વરઘોડો. આજે ફ્રેમવાળાં ચશ્માં ઉપરાંત હાર્ડ લેન્સ, સૉફ્ટ લેન્સ જેવાં ઘણાં સાધનો આંખ માટે આવ્યાં છે, પરંતુ ચશ્માંની તોલે કોઈ નહીં. લેન્સ પહેર્યાં દૂરથી વર્તાય પણ નહીં, ચશ્માં પહેર્યાં તો દૂરથીયે દેખાય. ચશ્માં પહેરેલાં જોઈને કોઈ દૂરથી જ આપણને કહી શકે: ‘અસ્સલ ચશ્મીશ!’ ભલે લોકો ‘ચશ્મીશ’ શબ્દ પ્રયોજતા હોય, હું તો એ ‘ચશ્મીશ’ શબ્દને બદલે ‘ચશ્મેશ’ શબ્દ જ વધુ પસંદ કરું છું અને એને હું ‘મહેશ’, ‘રમેશ’, ‘ઉમેશ’, ‘વિઘ્નેશ’ જેવાં ઈશ્વરીય નામોની હરોળમાં જ માનભેર સ્થાન આપું છું.

મને લાગે છે કે મનુષ્ય અને મનુષ્યેતર યોનિ વચ્ચે ભેદ કરવા માટેના સર્વમાન્ય માનદંડ તરીકે ચશ્માંનો ઉપયોગ કરવો જોઈએ. તેથી પ્રમાણમાં સરળતા પણ ઘણી રહેશે. જે ચશ્માં પહેરી શકે કે પહેરે તે મનુષ્ય, બાકીનાં સૌ મનુષ્યેતર! ઇન્દ્રને ભલે તમે હજાર નેત્રવાળા બતાવો, પરંતુ સમ ખાવા પૂરતું એકેય ઉપનેત્ર – ચશ્મું છે? મનુષ્યને આંખ આપી કિરતારે જો કામણ કર્યું તો એની નબળી આંખને ચશ્મું આપી માનવે સવાઈ કામણ નથી કર્યું? અમે તો મનુષ્યોનાં ઉપનેત્રોમાં સૂક્ષ્મદર્શક તથા દૂરદર્શક કાચ વગેરેનોયે પ્રેમથી સમાવેશ કરીએ છીએ.

આપણે આખી દુનિયાને ધાર્યા રંગથી રંગી શકતા નથી, પરંતુ આપણી આંખોનાં ચશ્માંને ધાર્યા રંગનાં બનાવી શકીએ છીએ અને એ પછી એ રંગે આખીયે દુનિયાને જોઈ શકીએ છીએ. દૃષ્ટિ તેવી સૃષ્ટિ એ વાત જેમ ચશ્માં વગરની તેમ ચશ્માંવાળી આંખો માટેય બિલકુલ સાચી છે.

ચશ્માંની શોધ માટે અમને ગર્વ છે, પણ ચશ્માં પહેરવાં પડે એવી પરિસ્થિતિના નિર્માણ માટે અમને ખેદ પણ છે. આપણા અમદાવાદ જેવા નગરમાં પેલા અશ્વિનીકુમારો જો આવી ચડે, પાંચ-પંદર વરસ અહીંની મજૂરવિસ્તારની ચાલીમાં કોઈ અંધારી ખોલીમાં રહી પડે, કારખાનાંની ધુમાડિયા હવા જો શ્વાસમાં ભરતા રહે અને લોજનાં અર્ધાં ભાણાં જો જમતા રહે તો નક્કી તેમને અકાળે ચશ્માં આવી જાય અને આવી પરિસ્થિતિમાં જો ચશ્માં ખરીદવાની જોગવાઈ ન થાય તો?… જવા દો એ વાત… હાલ તો મારો આ લેખ વાંચતાં તમારાં નેત્રો સાથે ઉપનેત્રો જો પ્રસન્નતાથી ચમકી ઊઠે તો આપણારામ રાજીના રેડ થઈ જાય. બીજું શું જોઈએ પછી?

(હેત અને હળવાશ, પૃ. ૧૩૪-૧૪૧)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.