કીડીબાઈએ નાત જમાડી!

 

એક કીડીબાઈ. બહુ કામઢાં. આખો દિવસ કંઈ ને કંઈ કામ કરતાં જ હોય. થાકનું નામ નહીં. આડીઅવળી વાતોમાં સમય વેડફે નહીં. હંમેશાં ભવિષ્યનો વિચાર કરીને જ વરતે. વરસાદ આવવાનો હોય અષાડમાં, પરંતુ તેની સામે સાવચેતીનાં પગલાં લેવાનું શરૂ કરે ચૈતરથી. ચૈતર બેસે કે ચોમાસા માટેનો ખોરાકનો પુરવઠો જમા કરવા માંડે.

કીડીબાઈનો જીવ ભારે ઝીણો. કંઈ પણ કામ કરતાં તેનાં હજાર ગણિત માંડે. સગાંવહાલાંય તેમની ચીપાશ ને ચીકાશથી કંટાળી જતાં. કોઈ કહેતુંય ખરું: ‘આ કીડીબાઈનો જીવ કેવો છે! ગમે તેટલું મળે પણ મૂઈનું મન જ એવું છે કે એનાથી જરાયે ભોગવાશે નહીં. નર્યો અજંપાનો જ અવતાર જ એનો.’ આવી વાતો કીડીબાઈના કાને નહોતી આવતી એમ નહીં, પણ એ સાંભળી ન-સાંભળી કરીને, થોડો બડબડાટ કરીને મૂંગાં રહી જતાં.

એમ કરતાં કીડીબાઈને ઉંમર થઈ. હવે પહેલાં જેવું કામ ખેંચાતું નહોતું. એમને થયું, ‘મેં આજ સુધી ઘણો ઢસરડો કર્યો, હવે જીવનનો છેડો હાથવેંતમાં છે ત્યારે થોડું કાયાનું કલ્યાણ થાય એવું કરું.’ એમણે પોતાની બહેનપણીઓ – સહીપણીઓમાં પણ વિચાર મૂકી જોયો. સારા વિચારમાં કોણ સાથ ન આપે? સૌએ કહ્યું, ‘વાત સાચી છે. તમારી ઉંમર થઈ છે. હવે તમારે કંઈ દાન-પુણ્યનાં કામ કરવાં જોઈએ.’ ને આ દાન-પુણ્યની વાત આવતાં આપણા દેશની કીડીને તો જાત્રાની કે જમણવારની જ વાત સૂઝે! કીડીબાઈને થયું, ‘પહેલાં હું નાત જમાડું ને પછી સાકરિયા મહાદેવની જાત્રાએ જઈશ.’ આ સાકરિયા મહાદેવ કીડીબાઈના ઘેરથી થોડા દૂર હતા; પણ ત્યાં ઘણી કીડીઓ જતી. ત્યાંના મહાદેવને સાકરનું પાણી ચડાવાતું ને કીડીઓ ત્યાં પવિત્ર પાણી પ્રસાદી રૂપે લેવા ખાસ જતી.

કીડીબાઈએ નાત જમાડવાનો વિચાર કરતાં, પાછું ગણિત ગણવા માંડ્યું. એમની પાસે જે પુરવઠો જમા હતો તેમાંથી એક લાડુ તો થાય જ. ને એક લાડુમાંથી હજારેક કીડીઓને તો જમાડાય જ. ને તોય થોડો લાડુ તો વધવાનો. કીડીબાઈને થયું, ‘કીડીઓ ભેગું કોઈ પવિત્ર પ્રાણીનેય જમાડું તો ખોટું નહીં. નાત જમાડતાંય થોડો લાડુ તો વધવાનો જ છે.’ કીડીબાઈએ પવિત્ર પ્રાણીઓને યાદ કરવા માંડ્યાં. દેખીતી રીતે ગાય પહેલી યાદ આવી, પણ એક ગાયે જ પોતાના વડવાઓને કચડી નાખેલા એ વાત કીડીબાઈથી ભુલાઈ નહોતી. તેમણે ગાયનો વિચાર જતો કર્યો. ત્યાં એક ટીખળી કીડીએ કહ્યું, ‘તમે પેલા ગોસાંઈ બાવાના મદનિયાને બોલાવો. મદનિયાનું તો મોઢુંય ગણપતિનું. ગણપતિને જમાડ્યા જેટલું પુણ્ય લાગશે.’ ને કીડીબાઈને તો આ વાત એકદમ ગમી ગઈ. મદનિયાને જમાડાય તો કીડીઓની આખી નાતમાં વટ રહી જાય. તેમણે લાડુ થોડો વધારે વરે તો ભલે, પણ જમાડવો તો મદનિયાને જ એમ નક્કી કર્યું. એક-બે શાણી કીડીઓએ પણ બાબતે શાંતિથી વિચારવાની સલાહ આપી જોઈ, પણ આપણાં કીડીબાઈ કંઈ માને? ઊલટું, એમણે પેલી સલાહ આપનાર કીડીઓનો ઊધડો જ લઈ નાખ્યો.

કીડીબાઈએ તો નાત જમાડવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી. આમ જાય ને તેમ જાય. કોઈને આ વાત કહે, કોઈને બીજી વાત કહે. પૂરું ખાય નહીં કે પૂરું ઊંઘેય નહીં. કોઈએ તો કહ્યું પણ ખરું, ‘આ ડોશલી નાત જમાડતાં જમાડતાંમાં જ અધમૂઈ થઈ ન જાય તો સારું.’ કીડીબાઈએ નાતની અંદર સૌને પૂનમના દિવસે જમવાનું નોતરું ફેરવાવ્યું. એ પછી બે કેડીઓની સંગાથે ગોસાંઈબાવાના અખાડે મદનિયાને નોતરું આપવા ઊપડ્યાં. મદનિયો ત્યારે વડના ઝાડ તળે ઊભો ઊભો ડાળાંપાંખડાં ભાંગી ભાંગીને મોઢામાં ઓરતો હતો. કીડીબાઈ તો તેનું ગુફા જેવું મોઢું જોઈને જ હેબતાઈ ગયાં. ક્ષણવાર તો એમ થયું કે ‘હું ક્યાં આને નોતરું દેવા આવી?’ પણ પાછી મનમાં હિંમત એકઠી કરી ને જોરથી ખોંખારો ખાધો. પણ આ તો કીડીબાઈનો ખોંખારો! મદનિયાના સૂપડા જેવા કાન સુધી શેનો પહોંચે? કીડીબાઈ તો ખોંખારા ખાઈ ખાઈને થાક્યાં. છેવટે કીડીબાઈએ ગોસાંઈબાવાની એક બકરી બાજુમાં બાંધેલી એને વાત કરી. બકરી કીડીબાઈની વહારે ધાઈ. એણે બેં બેં કરતાં કરતાં મદનિયાને કીડીબાઈના નોતરાની વાત કરી. મદનિયાને સાંભળતાં તો હસવું જ આવ્યું. પરંતુ કૃપાભાવથી કીડીબાઈને કહ્યું કે ‘હું જરૂર આવીશ.’

કીડીબાઈએ ઘેર જઈ આજુબાજુથી અનેક કીડીઓને બોલાવી. ઘઉંનો લોટ કાઢ્યો. ખાંડ કાઢી. ટીપે ટીપે ઘી પણ જમા કર્યું ને મજાનો લાડુ તૈયાર કરી દીધો. સેંકડો કીડીઓ ખાવાની લાલચે લાડુની આસપાસ આંટા મારતી જાય ને લાડુને વખાણતી જાયઃ કેવો રૂપાળો લાડુ હતો! સાકર-ઘીનો પહાડ જ આ કીડીઓની નજરે તો. તેમણે લાડુની આસપાસ નાચગાનની બરોબર મહેફિલ જમાવી. સૌને કકડીને ભૂખ લાગેલી; પરંતુ મુખ્ય મહેમાન જમ્યા પહેલાં કંઈ પોતાથી જમાય? સૌ આતુરતાથી મુખ્ય મહેમાનની રાહ જોતાં હતાં ત્યાં પીઠ પર બે બાજુ લટકતા ઘંટના ટકોરા ખખડાવતો મદનિયો આવી લાગ્યો. કીડીબાઈની છાતી તો ફૂલી સમાતી નહોતી. કીડીને ઘેર કુંજર! આવું પહેલાં કદી બન્યું નહોતું ને ભવિષ્યમાં કદાચ બનશે પણ નહીં. મદનિયો તો બકરીબાઈનો દોર્યો ઘરઆંગણે આવી લાગ્યો. બકરીબાઈ કહે: ‘કીડીબાઈ, મહેમાન આવી ગયા છે, રસોઈ તૈયાર હોય તો પીરસો.’ કીડીબાઈ કહે: ‘બધું તૈયાર છે. અબઘડી પીરસું.’ ને સેંકડો કીડીઓની મદદથી પેલો તૈયાર કરેલો લાડુ મદનિયા પાસે લાવવાના પ્રયત્નો આરંભાયા. મદનિયાને તો કીડીઓનો આ પ્રયત્ન જોતાં જ ભારે હસવું આવ્યું. એણે તો સૂંઢ હલાવી ને એના એક સપાટે લાડુને કેટલીક કીડીઓસોતો ઉપાડીને મોંમાં ગોઠવી દીધો, કોઈ દવાની ટીકડી મોંમાં મૂકે એમ સ્તો. ને આ થતાં આખી કીડીઓની નાતમાં હાહાકાર થઈ ગયો. કીડીઓ માટે ખાવાનું કંઈ બચેલું નહીં. પચીસ-પચાસ કીડીઓ તો લાડવાસોતી મદનિયાના મોઢામાં ગઈ ને કેટલીક કચરાઈ ગઈ. કોઈના પગ ભાંગ્યા તો કોઈની કેડ. આપણાં કીડીબાઈ તો હેબતાઈ જ ગયાં ને ભાન આવતાં જ ભાગીને બાજુમાંના ઝાડના થડની એક તિરાડમાં ભરાઈ ગયાં. મદનિયાના ગુસ્સાનો પાર નહોતો. એક તો જમવા બોલાવ્યો ને એક લાડુથી વધારે કશું હતું નહીં! એણે તો ગુસ્સાથી કીડીની આખી વસાહતને થાંભલા જેવા પગથી ધમરોળી નાખી. બકરી પણ મદનિયાનો આ ગુસ્સો જોઈ થરથર ધ્રૂજતી હતી. પણ વળી મદનિયાને આખી પરિસ્થિતિ સમજાઈ એટલે ગુસ્સો કાબૂમાં રાખ્યો ને ત્યાંથી તે સૂંઢ વીંઝતો, આજુબાજુનાં ઝાડનાં ડાળ-પાંદડાં તોડીને મોંમાં નાખતો બકરી સાથે પાછો વળી ગયો.

પેલા ઝાડના થડની તિરાડમાં લપાઈ ગયેલાં કીડીબાઈ તો ત્રણ-ચાર દહાડા સુધી બહાર જ ન નીકળ્યાં. જમવાનું તો રહ્યું, પણ સેંકડો કીડીઓનો ખુરદો વળી ગયો હતો. કીડીબાઈ તો જે પસ્તાય, જે પસ્તાય… તેમણે જે કીડીઓ બચલી એ સૌની માફી માગી અને નક્કી કર્યું કે હવે જેટલું આયખું બચ્યું છે તેટલું એ કીડીઓની સેવામાં જ આપવું.

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.