૧૩. હાન્સદાદાની જાદુઈ લાકડી

હાન્સ ઍન્ડરસનની જાદુઈ લાકડી મારા માથા પર ફરી ગઈ છે ને તેથી જ હવે હું નંદ સામવેદી નથી, હું ૧૫૦ રતલ વજન ધરાવતો હાડમાંસનો કોથળો નથી. હું પ્રાધ્યાપક કે રીડર નથી. હું નાગર કે હિન્દુ નથી. હું ફલાણા કે ઢીંકણાનો પતિ કે પિતા નથી. હું છું આ અનુભવ લખવા બેઠેલ ‘હું’. હું છું પેનથી આલેખાતી લીટીમાં સરકતી ચેતના. હું છું પીપળાના પાન પર થરકતી કીડી – હું છું કબૂતરના ઘૂઘૂકારમાં પડઘોતો અવાજ. હું ફૂલની અંદર છું. હું ફૂલ ઉપર ઊડનાર છું. મારો રંગ આ તડકામાં છે. મારી ચાલ આ પવનમાં છે. ખૂલ જા સિમ સિમ. ને ખૂલી જાય છે દીવાલો ને એમાંથી ધસી આવે છે આંબાવાડિયાની મહેક, કોયલનો અવાજ ને રાતા ગવનનો ઊડતો ગુલાબી મિજાજ. મારો પલંગ ઊડતો ઘોડો થઈ શકે છે. આ દીવાલો દોડી શકે છે. આ બારીઓ આંખો ચમકાવતી હસી શકે છે. પેલી શો-કેસમાંની ઢીંગલીઓ મારી સાથે વાત કરી શકે છે. પેલું જડ લાગતું તાળું! ક્યાં છે જડ? ચાવીથી એ વાસું છું ને એ હોઠ ભીંસીને એવો તો ચાળો કરે છે કે… પેલી સાણસી! કેવી ખબરદાર છે! પક્કી. જે એની ચપટીમાં આવે એને છોડે જ નહીં! આ સમય ઘડિયાળમાં બેસીને કંઈક ટક ટક કર્યા કરે છે. એ ટકટકિયો ને જિદ્દી છે. એ સતત પોતાની યાદ આપ્યા કરે છે. પેલો ટેબલ-લૅમ્પ! બસ, મશાલ લઈને, ઊભા છે સાહેબ ટેબલ પર! કાગળ પર જમા થયેલા કીડી-મકોડાના ટોળાની (કે ધણની?) રખેવાળી કરે છે! એનાં પાઘડી-બુકાની એવાં કે ચહેરો દેખાય જ નહીં જાણે ને તોય તેની ખબર તો પડે જ પડે! આ ખુરશીબહેન! ખૂણામાં પડ્યાં પડ્યાં જાણે માળા ફેરવે છે! અકાળે જ ઘરડાં ને! ને આ પેલું ખીંટીએ લટકતું શર્ટ! શર્ટ શેનું? એ તો જાણે ઈશુ થવા મથતું ખોળિયું! મૂરખ નહિ તો! આ મારા ખિસ્સામાં શું છે? હા, હા, બસની ટિકિટો! તમે એ ટિકિટોને કાન આગળ લઈ જઈને સાંભળો… કંડક્ટરનો અવાજ, બસનો અવાજ તમને બરોબર સંભળાશે… અરે આ સાઇકલની ચાવી આમથી આમ ફેરવો ને રૂમમાં જ જુઓ કે સાઇકલ ફરવા માંડે છે. પેલી કૅલેન્ડરની હોડી! રાત પડે કે ધીમેથી, અવાજ ન થાય એમ, ધોળો શઢ ફરકાવતી અંધકારના શ્યામ સરોવરમાં સહેલ કરવા નીકળે છે. એનાં હલેસાંનો અવાજ, કાચના તોરણની ભૂંગળીઓમાં હું બરોબર સાંભળું છું. મારા ચરણને બાઝેલી રેતી આજે મોતી થશે! સાચુકલાં મોતી! ને એક પરવાળાંના બેટની રાજકુમારી પેલો પડદો ખસેડી રાતે અહીં આવશે…એના હાથમાં હશે ચાંદનીનું શ્વેત પીંછું…મારી મીંચાયેલી પાંપણને એ હળવેકથી સ્પર્શશે… ને આંખમાં એક મખમલી જાજમ પર રંગીન બગીચો ખડો થઈ જશે… રંગધનુષના પુલ! તારાઓનાં ફૂલ…આકાશગંગાનાં ઝરણાં… નિહારિકાઓના મંડપ… ચાંદનીના ફુવારા…તડકાની હૂંફાળી રેત… ઘાસની આકાશી બિછાત… મેષ ને વૃષભ, કન્યા ને સિંહ, વૃશ્ચિક ને મિથુન, મકર ને મીન…વાહ ભાઈ, વાહ! બધું જ રોશનીમય – ચમકતું… બધું જ ભીતરના અંધકારને આનંદનું પ્રકાશરૂપ બક્ષતું! મારા પડછાયાને કાઢી નાખીશ. મારા પગને બાંધેલી દોરીઓ છોડી નાખીશ. હું સાવ નગ્ન થઈ, સાથળ પર હાથ પછાડતો, તબડક તબડક કરતો નાગોડિયા વરસાદમાં કાગળની હોડી લઈને નીકળી પડીશ…હું નહિ હોઉં તો મારામાંથી જ કોઈ બાળક ઊઠીને એવું કરશે!

‘અરે! કોઈ ઉંદરડી પગની આંગળીને અડી સરકી ગઈ…? મારી ચેતના સરોવરમાં કેવો કંપ મૂકી ગઈ! મને લાગે છે, આજે તો સોનપરીનો સોનેરી વાળ ઊડતો ઊડતો મારા સપનામાં આવશે…મારા આ માટીના કિલ્લામાં રંગરંગના દીવા થશે! મોતીનાં ઝુમ્મર ઝૂલશે! મોટા લાવલશ્કર સાથે દેશપરદેશના રાજાઓ મારી સામે ખડા હશે…સૌની વંદના ઝીલતો હું શ્વેત ઘોડાને પલાણીશ. ને પછી તો ઘોડાની ગતિએ બધું ધસમસશે, અથડાશે, તૂટશે, જોડાશે, નવા નવા ઘાટ રચાશે.. પલંગમાંથી ઘોડો, ઘોડામાંથી ઘોડિયાં… ઘોડિયાંમાંથી સ્વપ્નપરીની શય્યા ને એ શપ્યામાંથી… દીવાલો ચિત્રોમાં ઘૂસી જશે… ચિત્રો બારીઓમાં… બારીઓ આંખોમાં પેસી જશે ને આંખો અંધારાના પહાડમાં ઊતરી જશે ઊંડે ને ઊંડે.. ને આખો અંધકારનો પહાડ ઝગારા મારશે…જાણે આગિયાનો વિરાટ મધપૂડો! ઘાસમાંથી કિરણો ફુવારાની જેમ છૂટશે ને પથ્થરમાંથી નિહારિકાઓ ઊડવા માંડશે…બધું તેજતરલ… મધુર-મોહક… અપૂર્વ-અદ્ભુત… કોઈ વિસ્મય ખીંટી પર સોનેરી ચલ્લી થઈને ગાશે; કોઈ કલ્પનાની કિન્નરી પુસ્તકના શબ્દોમાંથી અલાદીનના જાદુઈ ચિરાગનો પ્રકાશ છલકાવશે… કોઈ ભલો નિશાચર મારા પલંગ તળેથી સાત પાતાળનો ભેદી રસ્તો શોધી કાઢશે ને કોઈ વાદળપરી હળવે સૂતેલા બાળકના ઝરમર સ્મિતની હવામાંથી નંદનવનનો મઘમઘતો માર્ગ શોધી આપશે. બારીના સળિયા સંગીતના સરોદ રેલશે ને ફરસ પર સાચાં મોતીની પંક્તિઓ ઝગમગશે…હાન્સ ઍન્ડરસન આવે છે… નવા જ વેશમાં! કાળો ડગલો, કાળી ટોપી પણ ધોળાં દાઢી ને મૂછ…ખિસ્સામાં સાત પાતાળ ને સ્વર્ગ – અંતરમંતર જાદુતંતર… આયા દેખો એક સમુંદર… હાથ બીચ હૈ બડા સિકંદર…એક ફૂંક ને હવામાં રંગીન ફુગ્ગા… બીજી ફૂંક ને લાકડી પર રંગરંગનાં ફૂલ…ત્રીજી ફૂંક ને એક રૂમઝૂમ કરતી રાજકુમારી આયનામાંથી બહાર… હાન્સદાદાનો જાદુ! ચાંદનીનાં સસલાં ને રંગોનાં પતંગિયાં… અનોખો રાસ… હાન્સદાદા ઘૂમરી લે…ને ફરી જાય પૃથ્વીનો ગોળો…હાન્સદાદા ઊંધા વળીને જુએ ને બધું ઊંધું દેખાય ચારે તરફ! આકાશ નીચે, પગ ઉપર…ભાઈ, આ તો બધું હાન્સદાદા કરી શકે એવું…હાન્સદાદા! એકબે એવી ચૉકલેટ – કલ્પનાની સ્તો – અમનેય આપો…ચગળતા જઈશું ને ગાતા જઈશું… હાન્સદાદા સારા છે… સૌને દિલથી પ્યારા છે…હાન્સદાદા મૂછ થાઓ… મારું તમે પૂછ થાઓ… હાન્સદાદા મોર થાઓ…મારું મોરપીંછું થાઓ… ને હાન્સદાદા તો બસ, મરકે છે… બીજું કરેય શું? છોકરાં ગેલ કરે! મનમાં આવે તે બબડે…મનમાં આવે તે જુએ ને કહે… હાન્સદાદાનેય તો એ જ ગમે ને? હાથ લાંબાટૂંકા થાય… પગ પાંખો થાય ને હલેસાં થાય… આંખો મોતી થાય ને કોડી થાય… નાક મરચું થાય ને પોપટની ચાંચ થાય… વાળમાં સુગરીનો માળો દેખાય ને પેટની ગાગરડીમાં સાત સમુંદર ભમરડાની જેમ ચાક લેતા સમાય. આ બધું નથી ગમે એવું? હાન્સદાદા, હવે તો ડામરના રસ્તાના કાળા રંગમાં કૃષ્ણનાં મોરપીંછ દેખાય છે! નિયોન લાઈટમાંથી સપનાંની ઢગલો પાંખડીઓ ……

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.