શ્રી ચંદ્રકાન્ત શેઠનું બાળસાહિત્ય -ડૉ. શ્રદ્ધા ત્રિવેદી

ઈ.સ. ૨૦૧૮નો, દિલ્હી સાહિત્ય અકાદેમીનો ‘બાળસાહિત્ય પુરસ્કાર’ ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત કવિ, નિબંધકાર અને વિવેચક ડૉ. ચંદ્રકાન્ત શેઠને મળે છે ત્યારે એમના બાળસાહિત્યના પ્રદાનને જાણવામાણવાનો આ ઉપક્રમ છે. આપણે ત્યાં ઘણી વાર એવું થયું છે કે કોઈ સર્જકને જો કવિ, વિવેચક કે નિબંધકારનું લેબલ લાગી જાય તો પછી તેણે બીજાં ક્ષેત્રોમાં કરેલાં પ્રદાનને બહુ લક્ષમાં લેવાતું નથી. શ્રી ચંદ્રકાન્ત શેઠની બાબતમાં પણ કંઈક એવું થયું છે. તેથી તેમના બાળસાહિત્યક્ષેત્રના પ્રદાનનો અત્રે પરિચય રજૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

બાળસાહિત્યની વિભાવના લેખકના ચિત્તમાં સ્પષ્ટ છે. તેઓ કહે છે, ‘ભાવકના સ્પષ્ટ સ્વીકાર સાથે કેટલુંક સાહિત્ય સર્જાય છે. પ્રૌઢસાહિત્ય, મહિલાસાહિત્ય, યુવાસાહિત્ય, કિશોરસાહિત્ય ને બાળસાહિત્ય આ પ્રકારમાં આવે… બાળસાહિત્ય બાળશિક્ષણના ખ્યાલથી જ પ્રેરિત હોય એ જરૂરી નથી; એનો સર્જક બાળક હોય એ પણ જરૂરી નથી; પણ એ સાહિત્ય બાળકોને રસપ્રદ-આનંદપ્રદ થવું જોઈએ એ મહત્ત્વની બાબત છે. મુદ્દાની વાત એ બાળકોના સંવેદનવિશ્વમાં સ્વીકાર્ય થાય એવું લીલારમ્ય હોવું જોઈએ.’ આવી પાકી સમજ હોવાથી તેમનું બાળસાહિત્ય બાળભોગ્ય અને બાળપ્રિય થયું છે. મૂળભૂત રીતે – હાડે તેઓ કવિ. તેથી તેમનાં બાળકાવ્યો વધુ પ્રભાવક રહ્યાં છે. એમનાં કાવ્યોમાંથી પસાર થયા બાદ એમ કહી શકાય કે ગુજરાતી બાળકવિતામાં ત્રિભુવન વ્યાસ, ચં. ચી. મહેતા, સુન્દરમ્‌ની કક્ષામાં આવે તેવાં કાવ્યો તેમની પાસેથી મળ્યાં છે.

તેમની પાસેથી ‘ચાંદલિયાની ગાડી’, ‘હું તો ચાલું મારી જેમ!’ અને ‘ઘોડે ચડીને આવું છું’ (ત્રણેયની પ્ર. આ. ૨૦૦૧) – એ ત્રણ સંગ્રહો મળ્યા છે. હવે આ કાવ્યો ઉપરાંત તેમણે રચેલાં અન્ય બાળકાવ્યોનો એક સંપુટ થોડા જ સમયમાં આપણને મળશે. બાકી જે ત્રણ સંગ્રહો મળ્યા છે તેમાંની રચનાઓ ભાવ, લય, પ્રાસ, ભાષા – આ સર્વ રીતે બાળમનને પ્રસન્ન કરે તેવી છે.

વળી ત્રણેયનાં શીર્ષકો જ બાળકોને આકર્ષે તેવાં અને બાળમાનસને વ્યક્ત કરે એવાં છે. આપણને ખબર છે કે બાળક માટે આ સમગ્ર વિશ્વ ચેતનમય છે. પ્રકૃતિ સાથે બાળક એકરસ થઈને આનંદ લે છે. આપણાં બાળકો માટે ચંદ્ર ‘ચાંદામામા’ છે. ‘મા’થી બમણું વહાલ કરે તે ‘મામા’. કેવો આત્મીય ભાવ! તેથી જ કવિ ‘ચાંદલિયાની ગાડી’ આકાશમાંથી બાળકો માટે ધરા પર લાવ્યા છે. વળી ચંદ્રમાં જે કાળો ડાઘ છે તે કોઈના મતે ડોશીમા છે, તો કોઈના મતે હરણું છે. તેથી ‘ચાંદલિયાની ગાડી’ને હરણું હંકારે છે તેવું રમેશ પારેખે કરેલું મુખપૃષ્ઠ ખૂબ આકર્ષક અને પ્રતીકાત્મક છે. બાળક માટે ચંદ્ર મામા છે તો સૂરજ ‘દાદા’ છે. બાળકને પ્રકૃતિનાં આ બધાં તત્ત્વો, જેમ કે, સાગર, ધરતી, ડુંગર ને ગંગા જેવી નદીઓ પ્રત્યે ખૂબ મમતા છે. બાળક તેથી કહે છે:

‘દુનિયા ને દરબાર સાચવે જે રાખીને સમતા,
એ જ સદાયે અમને ગમતા ગમતા ગમતા ગમતા.’
(એથી અમને ગમતા).

આ છે બાળકની કુદરત સાથેની પ્રીતિ! કવિ પાસેથી કુદરતનાં અનેક કાવ્યો મળ્યાં છે. એક કાવ્યમાં કવિ કહે છે:

‘પંખી, પંખી, ગાતાં કેમ? સવાર છે.
ફૂલ, તમે સૌ હસતાં કેમ? સવાર છે.’

‘સોના જેવી સવાર’માં પરોઢની સૃષ્ટિનું આહ્લાદક ચિત્રણ છે:

‘ભરી ભરીને સવાર પીધી,
સોના જેવી સવાર છે જી.’

* * *

ટહુકે ટહુકે ચોગમ રણકી,
સોના જેવી સવાર છે જી.
હસતાં હસતાં મનમાં ઊગી,
સોના જેવી સવાર છે જી.’

‘ઝાડ રે ઝાડ!’માં બાળક ઝાડને કહે છે:

‘તું ધરતીનું બાલ, તને કરતાં સૌ વ્હાલ…’ ને એમ ધરતીના સંતાન જેવા વૃક્ષને માટે તે કહે છે:

‘તું ઈશ્વરનો પાડ!’… ‘સમગ્ર વિશ્વ વતી ઝરમર વરસું છું…’ કાવ્ય તો તેમાંના દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દપ્રયોગોને કારણે તથા પ્રાસાનુપ્રાસને કારણે બાળકને સાભિનય ગાવું ગમે તેવું છે:

‘ઝરમર ઝરમર વરસું છું, વાદળ છું.
ઝળહળ ઝળહળ ઝળકું છું, ઝાકળ છું.’

*

‘સર સર સર સર સરકું છું, ઢાળ છે,
થર થર થર થર થથરું છું, ટાઢ છે.’

અહીંનાં મોટાભાગનાં કાવ્યોમાં પ્રાસાનુપ્રાસ સહજ પ્રાપ્ત થાય છે. તેથી કંઠસ્થ કરવાં સહેલાં છે. દા.ત.ઃ

‘નાજુક નમણું હરણું છે,
ખીલતું ખૂલતું સમણું છે,
ચંચળ કો ચાંદરણું છે,
રમતું ભમતું ઝરણું છે.’

અન્ય ઉદાહરણ: ‘હો હા હો હા’ કાવ્યમાં મધ્યપ્રાસ પ્રાપ્ત થાય છે:

‘જોરશોરથી બોલો રે, હો હા હો હા;
હોંશે હોંશે ડોલો રે, હો હા હો હા.’

એ જ રીતે ‘બગલું’, ‘સસલું’, ‘ચકલી’, ‘બબલી’, ‘મોર-બોર’ વગેરેના મધ્યપ્રાસ પ્રાપ્ત થયા છે.

વર્ણાનુપ્રાસનું ઉદાહરણ જોઈએ:

‘તેજ-તરાપે તરતાં બાલ,
છોળે છલબલ કરતાં બાલ,

*

ગાનભર્યાં ગુંજરતાં બાલ’ (‘બાલ બરાબર’)

અન્ય:

‘ભૂખ્યાં પાસે ભોજન ત્યારે
આવે ઉજાસ મુખે;
માથે જ્યારે મળે છાપરી
નીંદર આવે સુખે!’

(‘સારું સારું સદાય કરીએ’)

બાળકોની સૃષ્ટિમાં પશુ-પંખી પણ મહત્ત્વનાં છે – તેમનાં કુટુંબીજન જેવાં. ત્રણે ભાગમાં ‘ખિસકોલી’વિષયક કાવ્યો છે. આ કાવ્યોમાં રમતીલી ચટાપટાવાળી ખિસકોલીની વાત તો છે જ, સાથે જ રામકથાનો સંકેત પણ છે.

આ ઉપરાંત કીડી, ચકલી, બિલાડી, હરણ, ઘોડો, હાથી વગેરે પણ કવિની કલ્પના ને બાળભોગ્ય ભાવ-ભાષામાં રજૂ થયાં છે. વળી અનેક કાવ્યોમાં કહેવતો કે સમાજમાં પ્રવર્તતી માન્યતાઓને પણ લેખકે વણી લીધી છે.

વળી અહીં ક્યાંક આધ્યાત્મિકતા તરફની ગતિનો અણસાર પણ પ્રાપ્ત થાય છે. દા.ત.ઃ ‘ચાંદલિયાની ગાડી’ કાવ્યમાં છેલ્લે કવિ કહે છે:

‘હરણ, મને બસ, લાવી દેજો ચાંદલિયાની ગાડી,
હરણ, મને ઠેકાવી દેજો અંધકારની ખાડી.’

આમ, અહીં બાળકની ‘ચાંદલિયાની ગાડી’ની માંગણી સાથે બાળક નિમિત્તે માનવમાત્રની ‘અંધકારની ખાડી’ ઓળંગી જવાની ઇચ્છાને સહજ રીતે સાંકળી લીધી છે. આવી વિચારધારાનું અન્ય ઉદાહરણ જોઈએ:

‘સૌની સાથે, અનેક વેશે, અનેક રૂપે, રમવું છે;
પ્રભુની પાતર મળી જાય તો હોંશેહોંશે જમવું છે.
સૂરદાસનાં નયણાંથી, અંદરની સારપ જોવી છે;
નારાયણને પડખે રાખી આંખ ગરીબની લ્હોવી છે.’

(‘રમવું છે.’)

‘હું તો ચાલું મારી જેમ’ કાવ્યમાં માતા-પિતા, અન્ય સ્વજનોની તેમની ખાસિયતો પ્રમાણે ચાલ વર્ણવ્યા બાદ અંતે બાળક કહે છે:

‘ઈશ્વર ચાલે સૌની જેમ,
હું તો ચાલું મારી જેમ!’

તો અહીં બાળક ઈશ્વરથીયે મોટેરો થઈ તેની ખુમારી દર્શાવે છે.

ત્રણેય સંગ્રહમાં જુદાં જુદાં શીર્ષક નીચે કક્કો રજૂ થયો છે, પણ ત્રણેયની રજૂઆતરીતિ જુદી છે. એક સ્થળે કવિ લખે છે:

રસન પાસે લકલતાં
o o o
ચકોર પાસે ચમચમતાં
o o o
બ્બુ પાસે ણકતાં.’

એમ આખી વર્ણમાલામાં નામ અને ક્રિયાવાચક પદને જોડતાં રહ્યાં છે. તેની મજા છે. અંતે કવિ કહે છે:

‘ઝીલે એનાં જોડકણાં, જોડે એનાં જોડકણાં’

– એ રીતે બાળકને પણ નવાં નામો મૂકી નવાં જોડકણાં બનાવવાની પ્રેરણા આપે છે. તો અન્ય વર્ણમાલામાં માનવસ્વભાવ કે વસ્તુઓની વિશેષતાઓ સાંકળી છે.

કેટલાંક કાવ્યો ખાસ ધ્યાન ખેંચે તેવાં છે, વિશિષ્ટ છે; ઉદા. ત.: ‘સમજણ તે આપણા બેની.’ અહીં સહજીવનના પાઠ કવિ બહુ રમણીય અને સહજ રીતે ભણાવે છે. કવિ કહે છે:

‘તારી તે હોડી ને મારાં હલેસાં છે;
દરિયો તે આપણા બેનો.’

આ જ રીતે ‘મા’ સાથેના પ્રેમભર્યા સંબંધને કવિએ અનેક રીતે વ્યક્ત કર્યો છે. ઉદા. ત.:

‘મા, મીઠું મીઠું પાણી,
જેવી તારી વાણી!
તરસ્યાને મા પાણી પાઉં,
મનમાં રાજી રાજી થાઉં.’

– અહીં મા સાથેનો પ્રેમભાવ બહુ ઉદાત્ત રીતે વ્યક્ત થયો છે. તો પશુ-પંખીને જુદાં જુદાં વાજિંત્રો આપીને ‘મારું બૅન્ડ’ કાવ્યમાં કવિએ બાળકનું પશુ-પંખી સાથેનું ભાવાત્મક ઐક્ય રજૂ કર્યું છે. ‘ભલે અમારા નાના પગ!’માં બાળક પોતાના હાથ, પગ, આંખ, કાન વગેરે નાનાં પણ કેટલાં શક્તિશાળી છે તે દર્શાવે છે. ‘બાબાભાઈની ચાલણગાડી’ પછી તો સાઇકલ, મોટર, છૂકગાડીને પાંખો આપીને વિમાન બની જાય ને ગરુડથી પણ આગળ ચાલે. બાળકલ્પનાની અસીમતા અહીં પ્રાપ્ત થાય છે. તો અન્યત્ર પણ રજૂ થયેલ બાળકલ્પના માણવા જેવી છે:

‘ઝાકળ-મોતી લણી લણી, વાયુનાં ચીર વણવાં છે.’

(‘નિરાંતથી નીંદરવું છે.’)

બાળક માટે કશું જ ‘અશક્ય’ નથી. બાળક વાયુનાં ચીર વણવા ઇચ્છે છે સાથે જ તે ધૂળની – આ ધરતીની ધૂળની કિંમત પણ સમજે છે. તેથી જ તે કહે છે:

‘આ ધરતીની ધૂળમાં પાક્યા ધાન થકી જોરાવર,
એની માટીમાંથી કીધાં અમે અહીં ઘરનાં ઘર,
મૂળિયાં ધાવ્યાં આ ધરતીને, અઢળક લાધ્યાં ફૂલ!
અમારું ઊજળું માનવકુળ!’

(‘આ ધરતીની ધૂળ’)

બાળક માટે પાંચ મંદિરની અહીં વાત છે. જેમાં પહેલું મંદિર તે ઘર. બાળક કહે છે: ‘દીવા જેવું દીપે ઘર તે પ્હેલું મંદિર!’ બીજું મંદિર ઠાકોરજીનું, ત્રીજું મંદિર વિદ્યાલય–શાળા, ચોથું તે આ વિશ્વ. પણ સૌથી મહત્ત્વનું મંદિર તે તો ઈશ્વરે આપેલો આ દેહ! માનવદેહ! જેમાં:

‘શ્વાસે શ્વાસે ચાલે એનો અજપાજાપ અખંડ!’

(‘ચાલો, આપણે મંદિર મંદિર જઈએ!’)

હવે તેમની બાળવાર્તાસૃષ્ટિનો પરિચય કરીએ. તેમની પાસેથી ‘કીડીબાઈએ નાત જમાડી’, ‘જેવા છીએ, રૂડા છીએ,’ ‘અનિલનો ચબૂતરો’ અને ‘ઝાંઝરભાઈને જડ્યા પગ’ (પ્ર. આ. ૨૦૧૨) – એ ચાર બાળવાર્તાસંગ્રહો મળ્યા છે. બધા સંગ્રહોમાં થઈ ૨૭ બાળવાર્તાઓ છે, જે ગુજરાતી બાળવાર્તાસૃષ્ટિમાં આગવી ભાત પાડે છે. તેઓ હાડે કવિ અને વ્યવસાયે અધ્યાપક-શિક્ષક તેથી તેમની વાર્તાઓમાં કવિતાના ચમકારા અને જીવનમૂલ્યોના ઝબકારા બહુ સહજ વણાઈ ગયા છે. કથાનકો અને ભાષા બાળભોગ્ય હોવા સાથે ગુજરાતી ભાષામાં રહેલી સૌમ્યશક્તિનો પણ પરિચય કરાવે છે. દા.ત.ઃ

‘બહુ મીઠડાં. પાણી તો કાચ જેવું, ચોખ્ખું ને ચમકતું.
પીઓ તો કોપરા જેવું લાગે. આંખમાં દીવા ચમકે એમ,
ઝાંઝરીના પાણીમાં નાની નાની માછલીઓ ચમકે,
ઝાંઝરીબહેન તો કલકલ ગાય ને છલ છલ નાચે!’

લેખક બાળકોને જીવનમૂલ્યોનું જ્ઞાન સાચા અર્થમાં ભાર વગર સહજતાથી આપી દે છે. એટલે કે અહીંની વાર્તાઓમાં કથાવસ્તુ અને બોધતત્ત્વનું સંમિશ્રણ બાળભોગ્ય ભાષામાં થયેલું જોવા મળે છે. ઉદા. ત.

‘મધુરી પોપટી અને પટપટ પોપટ’માં વૃદ્ધ પોપટ દ્વારા કહેવાયું છે: ‘બોલ્યા વગર ચાલે તો બોલવું જ નહીં, અને બોલવું પડે તો ઓછામાં ઓછું બોલવું.’ એ જ રીતે ‘સોનેરી માછલી ને ઘરડી કાચબી’નું કથાનક બોધથી રસાયેલું છે. સોનેરી માછલી ક્યારેક જો પોતાનો ‘સોનેરી રંગ બતાડવાના મોહમાં તળાવના કાંઠા સુધી આંટો મારતી અને ત્યારે એની નજીકમાં રહેતી ઘરડી કાચબી તેને પ્રેમપૂર્વક ઠપકોય આપતી. એ કહેતી, ‘દીકરી, ભગવાને તને સોનેરી રંગ આપ્યો છે તે સારું છે, પણ એનો ઘમંડ સારો નહીં.’ તો ‘ઝઘડે એનું બગડે’ એ શીર્ષક જ બોધ આપી દે છે.

અહીંની વાર્તાઓની એક ખાસિયત એ છે કે વાર્તાનાં પાત્રોને તે સીધાં જ બાળકો સામે લાવી દે છે અને પાત્રો સાથે ઓળખાણ કરાવે છે. ને એ રીતે વાર્તાના માહોલમાં–વાતાવરણમાં પ્રવેશ કરાવી દે છે! ઉદા.ત.

‘એક વાર ટીકુ મને કહે: ‘ચાલ નટુ! આપણે ફરવા જઈએ!’ મેં કહ્યું: ‘ક્યાં જશું ફરવા?’

ટીકુ મને કહે: ‘તળાવે જઈએ તો?’

મેં કહ્યું: ‘ભલે!’

તળાવે જઈશું, ઝબોળા લઈશું,
દાદા સૂરજને, ફૂલપાન દઈશું.’

અને પછી ટીકુ અને હું – બંનેય પહાડ પરથી ઊતરીને પહોંચી ગયાં તળાવ કને. તળાવ પહાડની વચ્ચોવચ હતું – ચમકતા આસમાની કમળ જેવું! અમે તો એનું કાચ જેવું ચોખ્ખું ને ચમકતું પાણી જોઈને નાહવા માટે તૈયાર થયા, ત્યાં તળાવભાઈએ કમળની જેમ મોઢું ઉઘાડી અમને કહ્યું: ‘અલ્યા છોકરાવ! જોજો નાહતાં! પાણી ઠંડુંહિમ છે! માત્ર હાથપગ જ બોળી લો!’ (‘વાત અમારી ફરવાની’).

અન્ય ઉદા. ‘કૃષ્ણા કાબરને બે દીકરીઓ. એકનું નામ કત્તી ને બીજીનું નામ કપ્પી! કૃષ્ણા બેઉને કહી કહીને થાકી:

‘કજિયો ન કરો. કજિયાનું મોં કાળું. ભડે એનું પડે.’ પણ કૃષ્ણાનું સાંભળે કોણ? સવાર પડી નથી ને બેયની કલબલ શરૂ થઈ નથી. પહેલી કલબલ, પછી કચકચ.’ (‘ઝઘડે એનું બગડે’).

એ જ રીતે નાનકડાં રમણીય વર્ણનો પણ અહીં પ્રાપ્ત થાય છે. ઉદા.ત. ‘સવારનો પહોર. મીઠી મીઠી હવા. બેબીબહેન તો સૂરજમુખીની જેમ ઊઠી ગયાં. ઊઠ્યાં એવાં દોડ્યાં બહાર, ફરવા. રસ્તો ધૂળિયો પણ ચાલવાની મજા પડે એવો. બેબીબહેન તો ધૂળમાં પગલીઓ પાડતાં જાય ને એ પગલીઓ જોઈ મનમાં રણઝણતાં જાય.’ (‘ઝાંઝરભાઈને જડ્યા પગ…’). અહીં વાર્તાની રમણીયતા એ છે કે બેબીબહેને ઝાંઝર પહેર્યાં એમ નહીં પણ ઝાંઝરભાઈને બેબીબહેનના પગ જડ્યા. બાળમાનસની રમણીય કલ્પના બહુ સાફસૂથરી ભાષામાં અહીં માણવા મળે છે. વાર્તાઓનું ગદ્ય બાળકને લલિત ગદ્યનો પરિચય કરાવે છે.

અહીંની મોટા ભાગની વાર્તાઓ મુખ્યત્વે ગદ્યપ્રધાન છે. પણ જરૂર પડી છે ત્યાં કવિએ પદ્ય પણ મૂક્યું છે ઉદા.ત.:

‘માટલીનું પાણી હું થઈશ,
તરસ્યાને પીવા હું દઈશ,
ખૂબ ખૂબ રાજી હું રહીશ,
રોજ તારા મનમાં હું ગૈશ.’

(‘ઝાંઝરીબહેન પરબના ગોળામાં’)

અન્ય ઉદા.:

‘નદીમા, નદીમા, નાહવા દો,
ખોળો તમારો ખૂંદવા દો,
પોશ પોશ પાણી પીવા દો,
હોડીની સાથ સાથ ઘૂમવા દો.’

(‘વાત અમારા ફરવાની’)

‘મમતાનો મહેશ ને મહેશની મમતા’માં માસીના મોઢે એક જોડકણું મૂકવામાં આવ્યું છે:

‘બિલ્લી, બિલ્લી, મ્યાઉં મ્યાઉં,
તારી પાસે આવું આવું,
દૂધ મીઠાં લાવું લાવું,
હોંશે હોંશે પાઉં પાઉં
ખૂબ પછી ગાઉં ગાઉં,
બિલ્લી, બિલ્લી, મ્યાઉં મ્યાઉં.’

કાવ્યોની જેમ તેમની વાર્તાઓમાં પણ બાળકોનો પ્રાણીપ્રેમ સહજ અને ઉત્તમ રીતે વ્યક્ત થયો છે.

આમ અહીંની વાર્તાસૃષ્ટિમાં બાળપાત્રો છે તો સાથે પ્રકૃતિ છે, વનચર છે, જળચર છે અને પંખીઓ પણ છે. આ બધાં ભેગાં મળી એક ભાવનામય છતાં વ્યવહારુ સૃષ્ટિ સર્જે છે ને બાળકનું મનોરંજન તથા મનોઘડતર કરે છે.

આમ તેમના બાળસાહિત્યના કલાકીય આનંદ અને જીવનમૂલ્યોનો બોધ તથા વ્યવહારુ જ્ઞાન આ બધું સમરસ થઈને આવ્યું છે.

તેમના સર્જનાત્મક બાળસાહિત્ય ઉપરાંત તેમની પાસેથી બાળસાહિત્ય, બાળગીત વગેરેની સિદ્ધાંતલક્ષી ચર્ચા કરતા લેખો પણ મળ્યા છે. એમાંની કેટલીક વાત જોઈએ. તેઓ લખે છે: ‘બાળકો આવતી કાલની આશા છે.’ ‘આજના બાળક પર ભાવિ પેઢીના વિકાસનો આધાર છે’, ‘શિશુદેવો ભવ’, ‘ચાઇલ્ડ ઇઝ ધ ફાધર ઑફ મૅન’ આવાં આવાં સૂત્રોનો શુકપાઠ કરનારાનો વાસ્તવમાં બાળકોને પથ્ય અને પ્રસન્નકર વાચનસામગ્રી મળી રહે એ માટે કેટલાં સમય-શક્તિ ફાળવે છે તે પ્રશ્ન છે.’

…‘બાળસાહિત્યના સર્જન-વિવેચન-ચિંતન-અનુવાદ-સંપાદનક્ષેત્રે કામ કરનારો સત્ત્વશીલ વર્ગ ઓછો છે એ આપણી સૌથી મોટી સમસ્યા છે.’… ‘તૉલ્સ્તૉય જેવા કે ઘરઆંગણે રવીન્દ્રનાથ ને સત્યજિત રાય જેવા ઉત્તમ કલાસર્જકો બાળકોને ભૂલ્યા નહોતા. બાળકો માટે સર્જન કરવાની તક મળે તેમાં તે ધન્યતા અનુભવનારા હતા. આપણે ત્યાં બાળસાહિત્યના ક્ષેત્રે ધૂણી ધખાવી વર્ષોથી કાર્ય કરનારા જે સર્જકો છે તેમનો સાહિત્ય ને સંસ્કારજગતમાં જે પ્રકારે ને જેટલો સમાદર થવો જોઈએ, તેમને જેવી ને જેટલી હૂંફ-સવલતો વગેરે મળવાં જોઈએ તે થતાં-મળતાં નથી. આપણી વિવેચનપ્રવૃત્તિ જે પ્રકારે બાળસાહિત્ય પ્રતિ ઉદાસીન રહે છે તે અક્ષમ્ય છે.’ …‘સોસાયટીઓમાં ક્લબહાઉસ થાય એ માટે આપણે સભાન હોઈએ છીએ પણ બાલઘર થાય, બાલગ્રંથાલય થાય એ માટે સભાન હોઈએ છીએ ખરા?’… ‘બાળસાહિત્યનું સર્જન બાળકો પ્રત્યેની જવાબદારીઓનુંયે સાચું ભાન માગી લે છે. બાળસાહિત્યનો સર્જક ભલે નિજાનંદ માટે સર્જે પણ એ સર્જન એની પોતાની અંદરના ‘શિશુભોળા’ને સ્પર્શવાની પારસશક્તિ ધરાવતું હોય એટલું તો જરૂરી છે જ. બાળસાહિત્ય દ્વારા માનવતાના વર્તમાન તેમ જ ભાવિ ગર્ભનો યોગ્ય પરિપોષ કરવાના કાર્યમાં મોટી સહાય મળશે.’ (‘સાહિત્યમાં સાત્ત્વિકતા’ અને અન્ય લેખો.)

અને હવે એક છેલ્લી કલગીરૂપ વાત. શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠ ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષો સુધી સંનિષ્ઠ અધ્યાપક તરીકે કાર્યરત રહ્યા. વયનિવૃત્તિ બાદ શ્રી ધીરુભાઈ ઠાકરની નિશ્રામાં તૈયાર થઈ રહેલા ‘ગુજરાતી વિશ્વકોશ’માં પ્રવૃત્ત થયા. અને હાલ તેઓ વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે તૈયાર થઈ રહેલા ‘ગુજરાતી બાળવિશ્વકોશ’ના મુખ્ય સંપાદક તરીકે કાર્યરત છે. તેના આઠ ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે. હાલ નવમા અને અંતિમ ભાગનું સંપાદન ચાલે છે. તેમની નિષ્ઠા, વિદ્વત્તા, અભ્યાસ ને ચીવટનો લાભ આ કોશને મળ્યો છે તેથી તેની શ્રદ્ધેયતા ખૂબ વધી ગઈ છે. આ કોશ ગુજરાતની ઊછરતી પેઢી, વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુ-અભ્યાસીઓ માટે પથદર્શક બની રહ્યો છે. આ વિશ્વકોશ ગુજરાતી ભાષાસાહિત્યને સમૃદ્ધ અને ગુજરાતને રળિયાત કરે તેવો મૂલ્યવાન સંદર્ભગ્રંથ બની રહ્યો છે. આ બાળવિશ્વકોશના ગ્રંથો ગુજરાતની અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની એક મોંઘેરી મિરાત છે. ગુજરાતી ભાષા માટે આ એક બુનિયાદી કાર્ય છે.

આ પુરસ્કાર માટે આપણા સહુ વતી તેમને અભિનંદન પાઠવું છું અને પ્રણામ કરું છું.

અસ્તુ.

-ડૉ. શ્રદ્ધા ત્રિવેદી

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.