પાત્રો: સોનાં, પોપટ – રાજકુમાર, રાજકુમારી, રાજાજી
[રાજકુમારીનો શયનખંડ. સોનેરી પિંજરમાં એક પોપટ. એના પગમાં કાળો દોરો. રાજકુમારીની દાસી સોનાં પોપટની સાથે વાત કરે છે. શરૂઆતમાં પ્રકાશ થોડો ઝાંખો; પછી વધે છે.]
સોનાં : કુંવરબાપુ! કુંવરીબાને આપ તો જીવથીયે વધારે વહાલા છો!
પોપટ : મને ક્યાં ખબર નથી? રાતદહાડો જે રીતે મારી કાળજી લે છે એ જ બતાવી આપે છે એ.
સોનાં : અવારનવાર કુંવરીબા તો કહે છે: શું થાય? રાજાજી માનતા નથી; નહીંતર હમણાં હું રૂપકુમારને પ્રગટ થવાનું કહું.
પોપટ : એનું, અલબત્ત, કારણ છે. મારા પિતા ને રાજકુમારીના પિતાને જૂનાં વેર છે. એ જાણે કે રૂપકુમારનાં પગલાં આ ફરસ પર પડ્યાં છે તો ફરસ પણ ઉખેડાવી ફેંકાવી દે!
સોનાં : ને એમનાં પુત્રી – આ કુંવરીબા તો રાતદી તમારી જ માળા જપતાં હોય છે. એમને તો શ્રદ્ધા છે કે એક દિવસ તો પોતે કુંવરબાપુની રાણી બનશે જ.
પોપટ : ભવિષ્યનો પ્રશ્ન જ નથી. રૂપકુમાર પરણશે તો આ રાજકુમારીને… નહીંતર ભેખ લેશે. મેં તો રાજકુમારીનેય કહ્યું છે: તમે તૈયાર હો તો અહીંથી ભાગી છૂટીએ; પણ કોઈ ગુપ્ત ભયની શંકાથી એ ના પાડે છે એમ કરવાનું!
સોનાં: એ ના પાડે જ! હું જાણું છું એ વાત! આજથી સાતેક વર્ષ પહેલાં એક દિવસ એક સાધુ મહારાજ આવેલા…
પોપટ : કેમ અટકી ગયાં તમે?
સોનાં : જવા દો એ વાત! સાંભળીનેય શું?
પોપટ : તો તો કહેવાથીયે શું? કહેવા માંડી છે તો કહી દો…
સોનાં : જવા દો બાપુ, એ વાત! ખરું કહું છું.
પોપટ : નહિ, હવે તો કહો જ…
સોનાં : લો, ત્યારે કહી દઉં… હં… ને: આજથી સાતેક વર્ષ પહેલાં એક દિવસ એક સાધુ મહારાજ આવેલા. એમણે કુંવરીબાનું ભવિષ્ય ભાખ્યું હતું કે – કુંવરી જીવશે તો આ ખંડમાં રહીને જ… બહાર પગ મૂકવા જશે તો…
પોપટ : એટલે જીવનભર આ ખંડમાં જ રહેવાનું, એમ જ ને? આ ખંડ જ રાજકુમારીનું તો પિંજર!
સોનાં : આમ તો પિંજર જ! પણ રાજાજીએ રાજકુમારીની ઇચ્છાનુસાર એમનાં સ્વપ્નોને અહીં ઉતારવાની ભારે કાળજી લીધી છે!
પોપટ : તો તો કુંવરીબા રાજાજીને ઘણાં વહાલાં તો ખરા જ
સોનાં : ખરા જ! પણ લગ્ન બાબતે, કોણ જાણે શાથી; પણ રાજાજી જરાય મચક આપતા નથી કુંવરીબાને.
પોપટ : કારણ?
સોનાં : કદાચ કોઈ અમંગળની શંકા રાજાજીને છે લગ્ન બાબતે!
પોપટ : લો! કેવી વાત?! લગ્નથી મંગળ કે અમંગળ?
સોનાં : આ તો જે વાતો હવામાં છે તે મેં કહી…
[રૂમઝૂમતે પગલે રાજકુમારીનો પ્રવેશ.. રાજકુમારી સઘસ્નાતા… સુંદર…]
રાજકુમારી: [આવીને] સોનાં! લે! આ મારા વાળ જરા સરખા કર ને!
પોપટ: રાજકુમારીને વાળ વાળે મોતી પરોવો!
રાજકુમારી: [હસીને] એટલાં મોતી તો પકવો પહેલાં!
પોપટ : મોતી તો તમારે પગલે પગલે પાકે છે!
રાજકુમારી: [હસીને] કોઈ સાંભળશે…
પોપટ: તો પ્રસન્ન થશે!
રાજકુમારી: પછી તમારું શું થશે?
પોપટ: તમે તો એ જ ચિંતા કરો છો સતત!
રાજકુમારી: કુમાર! મહામહેનતે કોઈ ધન્ય દહાડો ને ધન્ય ઘડી કે એક સાવ એકલી-અટૂલી રેતીમાં જ અલોપ થવાનું ભાગ્ય લઈ જન્મેલી સરિતામાં એના સદ્ભાગ્યે રસ્તો ભૂલીને એક રાજહંસ આવી ચઢ્યો! એ રાજહંસને કલ્લોલે સરિતા જાણે મસ્તીમાં છલકાઈ રહી છે. હવે એ સરિતા રાજહંસને ખોવા માગતી નથી!
પોપટ: એ રાજહંસ તો ઊડી ગયો! રહ્યો છે પિંજરનો એક પોપટ, તમારા સ્વપ્ન-પિંજરનો પોપટ!
રાજકુમારી: બસ, સોનાં! તું જા! જો બારી-બારણાં બધું બંધ હોય, પડદા નાખેલા હોય – બધું બરોબર જોજે! (સોનાં જાય છે. દરમ્યાન રાજકુમારી પોપટના પગનો દોરો છોડે છે… અંધકાર… પ્રકાશ થાય છે ત્યારે પિંજરની પડખે એક સુંદર રાજકુમાર બેઠો છે. એની પડખે સોનેરી પિંજર ખાલી લટકે છે ને થોડું થોડું હાલે છે.]
રાજકુમારી: કુમાર! તમે મારા સ્વપ્ન-પિંજરના પોપટ, તો હું મેના તો ખરી ને!
રાજકુમાર: હું ક્યાં નથી જાણતો તમારી પ્રીતિને? એ પ્રીતિથી તો આ પિંજરમાંય મેં રહેવાનું સ્વીકાર્યું છે.
રાજકુમારી: બીજો ઉપાય નથી…
રાજકુમાર: ઉપાય છે…
[એટલામાં સોનાં આવે છે… રાજકુમારીને પડખે લઈ જઈ કાનમાં કંઈક કહે છે. રાજકુમારીના ચહેરા પર ભય… ચિંતા-વિમાસણ… રાજકુમારી પાછી આવે છે ત્યારે ઉદાસ..]
રાજકુમાર: કેમ કંઈ ઉદાસ થઈ ગયાં, કુમારી? કંઈક છે ચિંતા જેવું?
રાજકુમારી: ના, ના… એવું કશું નથી…
રાજકુમાર: તમે મારાથી કંઈક છુપાવો છો, કુમારી! પણ કંઈ નહિ! ચાલો તમારી ઉદાસી કાઢી નાખે એવી એક રમત મેં શોધી કાઢી છે!
રાજકુમારી: એમ કે?
રાજકુમાર: જુઓ, હું બોલું કે તરત તમારે મારી વાતની પૂર્તિ કરવાની! એકદમ! તો શરૂ… આ પિંજર છે.
રાજકુમારી: પિંજર સોનાનું…
રાજકુમાર: એમાં પોપટ છે!
રાજકુમારી: ખોટું! ખોટું! પોપટ તો છે જ નહીં! પિંજર તો ખાલીખમ છે!
રાજકુમાર: પોપટ નહિ તો મેના તો છે જ..
રાજકુમારી: કયા પિંજરમાં?
રાજકુમાર: [રાજકુમારીને બતાવી] આ પિંજરમાં!
રાજકુમારી: આ તો સાવ ખોટું! આ પિંજરમાં તો પોપટ છે!
‘રૂપકુમાર’ નામનો પોપટ!
રાજકુમાર: ‘રૂપકુમાર’ બસ છે!
રાજકુમારી: કેમ! તમારે પોપટ થવું નથી ને મને મેના કરવી છે!
રાજકુમાર: મારી પાસે કાળા દોરાની વિદ્યા ક્યાં છે?
રાજકુમારી: તમારી પાસે તો એથીયે ચઢિયાતી વિદ્યા છે!
રાજકુમાર: પણ મારી એકેય વિદ્યા મને પોપટ બનતાં અટકાવી શકી નથી!…
રાજકુમારી: ને હુંય તમને પોપટ બનાવ્યા વિના રહેતી નથી ને!
રાજકુમાર: તમે કાળો દોરો ન બાંધો તો… તો પોપટ થવાનું મટી જાય…
રાજકુમારી: ને કદાચ ન થવાનુંયે થાય!…
રાજકુમાર: કુમારી! મૃત્યુ વિના બીજું શું થઈ થઈને થાય? શું મૃત્યુ અકારું હશે આ પોપટ બનવાની સજાથી!
રાજકુમારી: આ પોપટ બનવાનું એ સજા લાગે છે, કુમાર, નહીં?
રાજકુમાર: સજા સ્તો! એક નાનકડું પાંજરું! એમાં રહેવાનું! જગાડે ત્યારે જાગવાનું! નચાવે ત્યારે નાચવાનું! આપે તે ખાવાનું, બોલાવે તે બોલવાનું! રાજકુમારી! આ બધું રૂપકુમાર કરી શકે? આ તો પોપટ જ કરી શકે!
રાજકુમારી: ને હું?… [આગળ કહેવા જાય છે ત્યાં જ એક વિશાળ સોનેરી પિંજર આકારનું ટોપકું ઉપરથી ઊતરી રાજકુમારીને ઢાંકી દે છે.] હું તમને મુક્ત લાગું છું, નહિ? કુમાર! તમને કાળો દોરો બાંધતાં હું મને કેટલી રૂંધું છે, તેની તમને જાણ છે? હું ઇચ્છા મુજબ ફરી શકતી નથી, ઇચ્છા મુજબ તમને ફરવા દઈ શકતી નથી! હું કશું જ જાણી શકતી નથી કે કરી શકતી નથી… મને ડગલે ને પગલે સાંકળ ને સળિયા દેખાય છે. સલામતીની કેટકેટલી ગાંઠો મારીને તેઓ મને બચાવવા માગે છે. ફૂલને તેઓ પેટીમાં, તાળાકૂંચીમાં સાચવવા માગે છે! કુમાર! આ રંગમહેલનું એક એક પગથિયું ચોકી છે. એક એક બારણું જાસૂસના ચહેરા જેવું છે! મને ખબર નથી કે આવતી કાલ તમારી પાસે રહેશે કે નહિ? મારી શય્યામાંથી તમે આવતી કાલ જોવા હસતા હસતા ઊઠશો કે નહિ, મને ખબર નથી! મને ખબર છે તમને પોપટ બનાવી હું જીવનભર સાચવી શકીશ.. પણ તમને રૂપકુમાર તરીકે કેટલી ઘડી – તેની મને ખબર નથી! ને હુંય તે તમને – રૂપકુમારને સાચવનારી! હું તો એક જાદુગરણી જેવી જ ને! કાળા દોરાથી કામ લેનારી… રૂપકુમાર… તમને ખરેખર કાળો દોરો…
સોનાં: [દોડી આવીને] કુંવરીબા! કુંવરીબા! કોઈ આ તરફ આવતું લાગે છે! કદાચ રાજાજી જ!
રાજકુમારી: ભલે!
સોનાં: પણ આ રૂપકુમાર?
રાજકુમારી: તે શું છે?
સોનાં: જો કોઈ પરપુરુષને તમારા શયનખંડમાં જોશે…
રાજકુમારી: જે છે એ જોશે!
સોનાં: કુંવરી બા! વિચાર કરો! પલેપલ કટોકટીની છે; રાજાજી હમણાં આવી લાગશે! આ કુંવરબાપુનો તો વિચાર કરો!… આ કુંવરબાપુને પોપટ બનાવી દો તો…
રાજકુમારી: હવે એમને પોપટ બનાવવાની મારી હિંમત રહી નથી કાળો દોરો હું તો હવે નહિ જ બાંધી શકું.
સોનાં: કેમ? તો મને દોરો આપો, હું બાંધું એમને પગે.
રાજકુમારી: તારો પ્રયત્ન મિથ્યા જ થાય.
સોનાં: તો ઉતાવળ કરો! જુઓ આ બારણે અવાજ…
અવાજ-૧: રાજકુમારી, બારણું ખોલો.
અવાજ-૨: કુંવરીબા, બારણાં ઉઘાડો.
અવાજ-૩: બા, બા, જલદી કરો… રાજાજી પધાર્યા છે…
સોનાં: કુંવરીબા! હવે જલદી નિર્ણય કરો! નહીંતર આપણે ત્રણેય હવે સલામત નથી…
રાજકુમાર: [દીવાલ પરથી તલવાર લઈ] મારા જીવતાં તમે બંને સલામત જ રહેશો; ખાતરી રાખજો..
સોનાં: પણ પછી!
રાજકુમારી: સોનાં! ખબરદાર! હવે બોલી તો..
રૂપકુમાર: [ક્ષણાર્ધ અટકી, તલવાર ફેંકી] રાજકુમારી, આ લો મારો
પગ… મને દોરો બાંધો… જલદી બાંધો… મને પોપટ બનાવો… ને બારણાં ઉઘાડો…
રાજકુમારી: કુમાર! હવે પડદા ઊપડશે, બારીઓ ને બારણાં ખૂલશે.. હવે કોઈ બંધન ને બાધા નહિ હોય… પણ હવે રાજકુમાર પોપટ નહિ બને… રાજકુમાર રાજકુમાર છે. રાજકુમાર રૂપકુમાર છે.. એ પોપટ નથી… એ ઘોડેસવાર છે, એ શૂરવીર છે, ક્ષત્રિય છે; રાજકુમારીનો પ્રિયતમ પોપટ તો નથી જ… એનું પિંજર તો ગયું! મુઠ્ઠી તો ઊઘડી ગઈ છે કુમાર! રાજકુમાર! કદાચ ને હવે શું થાય એની મને ખબર નથી. મને ક્ષમા કરજો… તમે અમારે ખાતર પોપટ થવા માગો છો એ હું જાણું છું! મારાથી એ નહિ બને!
[ક્રમશઃ આ સંવાદ ચાલે તે દરમ્યાન બારણે અવાજ વધતો રહે. વચ્ચે સંવાદમાં ખલેલ પડતી લાગે… પણ આ પાત્રો એ વિશે બેધ્યાન.]
રાજકુમારી: હું તમને પિંજરમાં રાખીને, પોપટ બનાવીને તમારું અને મારું અપમાન કરવા માગતી નથી…
સોનાં: કુંવરીબા! જલદી કરો ને! પેલા આવી લાગશે હવે…
રાજકુમારી: મારી હવે દોરો બાંધવાની તૈયારી નથી..
[કાળો દોરો તોડીને ફેંકી દે છે; રાજકુમારીને ઢાંકતું સોનેરી પિંજર અદૃશ્ય થઈ જાય છે.]
સોનાં: કુંવરીબા! આ તમે શું કર્યું? કુંવરી… બા…!
રાજકુમારી: હું આજ દિન સુધી માનતી હતી કે તમને આપેલી સલામતીમાં સાત સ્વર્ગોનું સુખ છે… પણ હવે ગાંઠો છોડતાં-તોડતાં ખબર પડે છે કે સલામતીના પોટલામાં રૂપકુમાર નહોતો; પોપટ હતો… કદાચ પોપટ પણ નહિ; પીળાં નહિ પડી શકતાં પીંછાં… લીલાં… હલકાં લીલાં પીંછાં! રૂપકુમાર! એ દિવસ મને બરોબર યાદ છે. સ્વપ્નદૃશ્ય. છાયાઓનો ઉપયોગ થઈ શકે..] એક રાજકુમાર તબડક તબડક તેજીલા ઘોડે આવે છે… હાથમાં સાચાં મોતીની એક નથ છે… એ નથની પહેરનારીની ખોજમાં એ આવ્યો છે…સાત સાત સમુંદર વીંધ્યા છે. અગનચોકીઓ વટાવી છે… ભોંયરાં ભેદ્યાં છે ને ઘોર જંગલ વીંધ્યાં છે… એ જુએ છે એક ગવાક્ષમાં રાજકુમારીને… કેશમાં પુષ્પ ગૂંથતી કુમારીને… મળે છે દૃષ્ટ… ને…
[બારણું ખોલવાના અવાજો તીવ્રતર…]
સોનાં: બા, બા… હવે બારણું તૂટ્યું જ જાણો… બા…
કુમાર… હવે તો કંઈક કરો…
[સોનાં ત્યાંથી ગાભરી ગાભરી બારણા તરફ ધસે છે.]
રાજકુમારી: એ મને લઈ જવા માગતો હતો; હું એને રાખવા માગતી હતી! એ મને આકાશમાં ચગાવવા માગતો હતો; હું એને મારી શય્યામાં બાંધવા માગતી હતી! મેં એને બાંધ્યો… મેં એને બાંધ્યો ને સાચવ્યો! એને કોઈ મહામૂલ્યવાન રાતની જેમ રાત્રિના એકાંતમાં રત્નદીપના પ્રકાશમાં જોઈ જોઈને રાચી; અભિમાનમાં નાચી… આજે મને સમજાય છે: મેં જે દીથી રાજકુમારને બાંધ્યો એ જ દીથી એ તો ઊડી ગયો હતો મારા પિંજરની બહાર… ને મથતો હતો મનેય પિંજરમાંથી બહાર કાઢવા… રૂપકુમાર! હવે હું બહાર છું… પિંજરની બહાર… સત્યના અજવાળામાં સ્વપ્નપિંજર ઓગળી ગયું. ક્યાંક… નૂતન પ્રકાશ… નૂતન હવા! આવો રૂપકુમાર… આપણે હવે સાથે જ બારણું ઉઘાડીએ… એક છેલ્લું કામ! રૂપકુમાર! તમે નહિ ઇચ્છો તો ભલે! તમે આ શયનખંડના ગુપ્ત માર્ગેથી બહાર નીકળી જઈ શકશો. જો તમે ઇચ્છો તો… સોનાં કદાચ એ જ માર્ગેથી બહાર નીકળી ગઈ હોય.
રાજકુમાર: કુમારી! જો મારે એ ગુપ્ત માર્ગે નીકળવું જ હોત… તો મારે માટે પોપટ થવાનું કે પિંજરમાં રહેવાનું કોઈ રીતે અઘરું ન રહેત! સુખ ને સલામતી! મેવા ને મિષ્ટાન્ન! ગાનતાન ને આરામ… આ બધું… આ બધું ત્યાં હોત! પણ કુમારી! આજે તો પિંજર પડી ગયાં છે… મેનાપોપટ નીલ આકાશમાં ઊડે છે… ગઢના કાંગરા ધ્રૂજે છે ને મેના આજે ગીતના ઉલ્લાસમાં ચગી છે… હવે તો… તો… રૂપકુમાર ને રાજકુમારી! રાજકુમારી કે રૂપકુમાર!
રાજકુમારી: [હસીને] જુઓ! દરવાજોય તૂટ્યો… [બારણું તૂટવાનો અવાજ… પૂર્ણ પ્રકાશ… રાજાજીનો અવાજ…]
રાજાજી: ક્યાં છો, કુમારી! મેના! મારી મેના! ક્યાં છો?
[રાજકુમારી ને રાજકુમારના સ્નેહોન્માદભર્યા હાસ્યનો અવાજ… અંધકાર… પડદો.]