મારું હોવું
જ્યારે ભારરૂપ લાગે આસપાસનાં સૌને,
ત્યારે મનેય લાગું છું હું ભારરૂપ!
મારા જ ભારથી ભીંસાતો હોઉં,
પિસાતો હોઉં,
– એવું લાગ્યાં કરે છે મને!
જે જે મને દેખાય છે તે નથી દેખવું કોઈને;
જે જે મને સંભળાય છે તે નથી સાંભળવું કોઈને;
જે જે છે મારી પાસે તેનો ખપ નથી કોઈને.
મને ફૂલ તો અડે,
શૂળ પણ બિનધાસ્ત અડી શકે છે મને!
જેની જેની સાથે પનારું પડે છે મારે,
તેમને નથી લાવી શકતો નિકટ,
નથી હડસેલી શકતો દૂર!
હું તો પારદર્શક પડદાવાળી પેટીમાં બંધ!
ડૂબવાના વાંકે તરતો રહું છું
માછલીઘરના કોઈ માછલાની જેમ!
હું તો છતે પગે પંગુ,
છતી આંખે અંધ!
મારી જીભે ચડીને પડતા – પછડાતા શબ્દોનો
જાણે કોઈ અવાજ જ નથી!
અર્થના મામલાની વાત તો પછીની છે.
આમ તો હાલેચાલે છે મારા હાથપગ,
પણ તસુયે ક્યાં વધાય છે આગળ?
એક ફૂટું ફૂટું થતો માસૂમ અવાજ
વીખરાઈ જાય છે પડઘાઓના પડછંદી પથરાટમાં!
એક ખીલવા કરતી કળી
પીંખાઈ જાય છે પડછાયાની પૃથુલ પથારીમાં!
આમ તો છું હું ઘરમાં જ,
ફાલીફૂલી લીલી વાડીની વચાળે;
એ રીતે હું આગળ ઉલાળ ને પાછળ ધરાળવાળો પણ છું!
છતાં,
હું કોઈ પિરામિડમાં હોઉં એમ,
કોણ જાણે કેમ મને લાગ્યાં કરે છે?!
જોકે હજુયે કંઈક કવિતા જેવું અલપઝલપ
મને સૂઝતું તો રહે છે…
એટલે બળ્યોજળ્યો પણ કવિ તો ખરો જ!
આપણો રહ્યોસહ્યો સંધોય ભાર હવે એના માથે!
૨૬-૦૯-૨૦૧૩
(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૭૬)