૧૦૮. એક તાંતણો એવો વણીએ –

એક તાંતણો એવો વણીએ જેમાં વણાય જગ;
એક જ એવું ડગ ભરીએ જ્યાં સઘળા સમાય પથ! –

આસમાન અંજાતાં આંખો તારા સમી ચમકશે!
સૂર પાછળનો સૂર પમાતાં છાતી ઘણું છલકશે!
પરમાણુમાં પરમ પેખતી પેટવીએ કો શગ! –

બુન્દે બુન્દે સિન્ધુ છલછલ, પથ્થર પથ્થર મેરુ;
સાત રંગની રમણા વચ્ચે ઝળહળ ભભૂત-ગેરુ!
ઊબડખાબડ વાટ ભલે ત્યાં ચલો ખેડીએ રથ! –

પલકે પલકે સ્વપ્નો એની કસબી કાઢે કોર!
નવી નવી કળીઓનો મઘમઘ શ્વાસ મહીં કલશોર!
ઘટમાં એવું થાય વલોણું, ગોરસ દે મબલગ! –

૧૯-૦૮-૨૦૧૩

(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૫૩)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.