ખોળામાં રણ,
ખોબામાં મૃગજળ!
જેની લાધી ઓથ
એ જ ચાહે મને ચણી લેવા ચોતરફથી!
જે મારા ઉંબર
એ જ મારા આડા ડુંગર!
બારીબારણાં ખરાં
પણ ત્યાંથી ન કોઈ આવી શકે,
ન કોઈ જઈ શકે!
બધું જ ઠરતું ને થીજતું!
હું તો આશાભર્યો દોડ્યો હતો
તાપણી કને હૂંફ મેળવવા
પણ એ તો મને જ બનાવવા ચાહે છે એનું બળતણ!
હું તરસથી સળગતો દોડ્યો એક કૂઈ કને,
પણ એ તો પાણી વગરની ભૂંડીભખ;
એના લુખ્ખા ગળાને તો ભીના થવું છે
મારા બત્રીસલક્ષણા ગરમ ગરમ લોહીથી!
મારી ભુરાટી થયેલી ભૂખના માટે તો
હું જ એનો ભર્યો ભર્યો ભાખર!
ક્ષણેક્ષણ
મારી અંદર ઊંડે ને ઊંડે ઊતરતા જાય છે ખીલા!
ક્ષણેક્ષણ
વધુ ને વધુ ઢીલા પડતા જાય છે સાંધા!
ખંડાય છે કશુંક ખાંડણિયામાં
ઊંચા-નીચા થતા સાંબેલાથી!
તાપે તવાઈ
ને વરસાદે ભીંજાઈ
ઊખડતા જાય છે પોપડા!
આ પા ઉદાસ ઉંબરા, ઓ પા ઊખડેલા ઓટલા!
આ પા ખરતા કરા, ઓ પા સડતા થાંભલા!
ચાલમાં ચોકઠાં!
તાલમાં તાળાં!
હાથમાં નહીં હાથ,
પગમાં નહીં પગ,
આંખમાં નહીં આંખ,
કાનમાં નહીં કાન!
નથી ઊપડતી જીભ;
નથી ઊઘડતી વાત.
ઘરમાં નહીં ઘર,
તનમાં નહીં તન,
મનમાં નહીં મન,
આમ જુઓ તો હું ખરો,
ને આમ જુઓ તો હું નહીં!
આ બધું શું ચાલે છે મારામાં?…
૨૦૧૧
૨૯-૩-૨૦૧૨
(ચિદાકાશનાં ચાંદરણાં, ૨૦૧૨, પૃ. ૯૪)