ઉછાળ દરિયા, ઉછાળ પ્હાડો, ઉછાળ માટી-પંડ;
ઉછાળ મનવા, મુઠ્ઠી ખોલી સકળ બ્રહ્મનું અંડ!
હોય હવે નહીં બંધન-બાધા, ધોધે ધસમસ ધસવું;
એકીશ્વાસે ચડી હવે તો મેરુ-માથે વસવું!
હૈયે બારે મેઘ ઊમટ્યા, વરસે વ્હાલ પ્રચંડ!
નાવે નાવે પાંખ ઊઘડે, ગગન ઊઘડે દરિયે!
ગ્રહ-તારાની ભીડ મચી શી! ચાંદ-સૂરજ આ ફળિયે!
વાટઘાટ-ઘર-ગામ ડૂબતાં પામું બધું અખંડ!
વામનજીના કીમિયા કેવા! કણ કણ વિરાટ ખૂલે,
શેષનાગની શય્યા છોડી અનંત અંદર ઝૂલે,
છોળે છોળે છંદ છલકતા, જલ જલ ચેટીચંડ!
(ચિદાકાશનાં ચાંદરણાં, ૨૦૧૨, પૃ. ૪૬)