ઠળિયા દેખાતા નહોતા ત્યાં સુધી તો
ખૂબ આકર્ષક હતાં બોર!
પેલી શબરી તો
પંડે જ મીઠાશ પરખી પરખીને
રામને ધરતી હતી એનાં બોર!
હુંયે એમ ધરવા ચાહતો હતો
બોર મારા રામને!
પણ મારાથી તો
બોર ચાખતાં ચાખતાં જ
ઊતરી જવાયું ઠેઠ ઠળિયા સુધી
ને મીઠાશ ફાડી નાખતી તૂરાશમાં જ
અટકી જવાયું!
એક બાજુ તૂરાશમાં તૂટતી મારી હસ્તી
ને બીજી બાજુ રામની મારી અંદરના ઉંબરે ઉપસ્થિતિ!
બોરની છાબ જોઉં છું તો
એમાંયે બોર બોરમાં ડોળા કાઢતા નકરા ઠળિયા જ!
હવે કેમ ચાખવાં એ બોર
ને કેમ ચખાડવાં એ બોર મારા રામને?
હું વિવશતામાં વિમાસું છું
ને ત્યારે જ પેલી શબરીની નજર
સતત મને ચંપાયાં કરે છે અંદર!
(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)