૩૩. એક દોઢડાહી કાબરની વાત

કાબર થોડી દોઢડાહી તો ખરી જ!
હમણાં જ કઢાવી લાવી ટિકિટ એક ઍરલાઇન્સની
અને પછી સૌને કાનમાં વારાફરતી કહે :
‘જુઓ, ચેતતું પ્રાણી તો સદાય સુખી!
કેટલી ઝડપથી બદલાય છે દિવસો!
ગઈ કાલે દિવસ હતો ખાદીનો,
આજે છે ટેરેલીનનો
ને આવતી કાલે તો શી ખબર?

હું તો કહું છું :
તમારે સૌએ પાઇલટની તાલીમ પણ લઈ લેવી ઘટે!
શી ખબર, કાલે આપણી પાંખોનું શું થાય?’

કેટલાંક પંખી ઍરલાઇન્સ તરફ દોડવા માંડ્યાં છે…
કેટલાંક પાંખ ફફડાવીને વિચાર કરે છે…
કેટલાંક તો જાણે પાંખો હોવાનુંયે ભૂલી જવા માંડ્યાં છે…
(કદાચ આવાં પંખીઓને જ ઍરલાઇન્સની આંતરિક રીતે જરૂર પડે!)
એક પ્રશ્ન થાય છે:
જો પંખીઓને પાંખ-વિહોણાં થવું પડશે,
તો આકાશ જેવી ચીજ શી રીતે બચવાની છે?
ને
પંખીઓ નહીં હોય તો વિમાનોને એકલાં ઊડવાનું ગમશે?

(પડઘાની પેલે પાર, ૧૯૮૭, પૃ. ૫૯)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.