Folk Tales of Forgotten Folk – Samuel Dani
Authors Press, New Delhi, 2015
અંગ્રેજીમાં લખાયેલા સંશોધિત-સંપાદિત આ ગ્રંથમાં ઓડિશાની ‘કમર’ અથવા પહાડિયા/પહારિયા તરીકે ઓળખાતી ભૂલાયેલી/હાંસિયામાં ધકેલાયેલી (માર્જીનલાઇઝડ્) જનજાતિની કંઠપરંપરાની કુલ 40 લોકકથાઓનો છે. બી. પી. કોલેજ બોડેન, નુઆપાડા ઓડિશાના અંગ્રેજીના અધ્યાપક અને ઇન્ડિયન ફોકલોર કોંગ્રેસના સક્રિય લોકવિદ્યાવિદ્ એવા પ્રો. દાણીએ ઈ. 2006 થી 2008 સુધીના સમયગાળામાં યથાવકાશ, પોતાની આ જનજાતિના એક છાત્રનો સાથ લઈ, તે ક્ષેત્રમાં જ રહી, તેમની જીવનસંસ્કૃતિને તેમજ લોકજીવનવિદ્યાને બરાબર માણી-જાણીને વિવિધ વયસ્ક કથકો પાસેથી કથાઓ સાંભળી ધ્વનિમુદ્રિત કરી, નોંધી અને મૂળ કથાનક અને કથનશૈલી બન્ને જાળવીને આ લોકકથાઓનું પૂર્ણ અભ્યાસ-ભૂમિકા સાથે (અને પ્રેમ કુમારી શ્રીવાસ્તવના પ્રાસ્તાવિક સાથે) પ્રકાશન કર્યું.
કોઈપણ નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્રના સમાન ભાષા-સંસ્કૃતિ-પરંપરા ધરાવતા જાતિસમૂહના એકમમાં લોકકથાઓ કાલનિર્ગમન-મનોરંજન માટે, તો કેટલીક કોઈ ધાર્મિક-સામાજિક વિધિવિધાન-પ્રસંગાદિએ કહેવાતી હોય છે, પરંતુ આવી પ્રત્યેક લોકકથામાં, ચાહે તો તે મનોરંજક પરીકથા, દંતકથા કે પુરાણકથા (ફેયરી ટેઇલ, લિજન્ડ કે મિથ) પ્રકારની હોય, લોકજીવન અને માનસ બન્નેનું, વ્યથા-વેદના અને આશા-અપેક્ષાઓનું કથાશ્રયી રૂપ બાંધીને આવે છે. એમાં તેમની નાડીનો ધબકાર હોય. એના મૂળમાં ભૌગોલિક પર્યાવરણ, આજીવિકા, જીવનનાં આનંદ-વ્યથાદિ સાથેનાં આશા-અપેક્ષા-ઝંખના કથાશ્રયી રસાયણરૂપે એકરૂપ બની ગયાં હોય છે. આથી જ કથાનક મૂળભૂત અનેક પ્રદેશો-જાતિઓમાં પ્રવર્તતું હોય એ જ હોય, પરંતુ એ મૂળ હાડપંજિર કે માળખા ઉપર જે સ્નાયુબદ્ધ દેહપંડિ, મન અને આત્મા ધબકવા લાગે તે પ્રદેશે-પ્રદેશે ભિન્ન અને સહુનાં પોતીકાં હોય છે. આગવાં હોય છે. કથાનક એક હોય, કથાપંડિ જુદો જ હોય. અહીં જે કુલ 40 લોકકથાઓ છે તે માંહેની કેટલીક તો છઠ્ઠી સદીના કે તે પછીના પ્રાકૃત ભાષાના સાહિત્યમાં પણ મળે છે, કેટલીક કથાઓ એવી છે કે જે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, બંગાળ, કાશ્મીર કે દક્ષિણ ભારતીય રાજ્યો અને ભાષાઓમાં પણ મળે છે, પરંતુ અહીં એ જ કથાઓ, વ્યાપક રૂપમાં સમ્પ્રસારિત એવી ભારતીય લોકકથાઓ એક પ્રાદેશિક જાતિગત કોઈ નવી-જુદી જ ઓળખ અને સ્વાદ લઈને આવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિમાં લગભગ 62 જનજાતિઓ (માર્જીનલાઇઝ્ડ ટ્રાઇબ્સ’) એવી છે જે લુપ્ત (લોસ્ટ/ફરગોટન) લોક જેવી છે. એમનો સમૂહ પ્રમાણમાં નાનો છે. આ સમૂહ ભીલ કે અન્ય ભારતીય જનજાતિની જેમ પાલ/પલ્લી જેવા મોટા સમૂહમાં વસનારો કે પ્રમાણમાં નિશ્ચિત એવી ખેતી કરનારો નથી પરંતુ નિર્જન ગણાતા અરણ્યમાં કે પહાડોમાં છૂટક છૂટક વસનારો છે. માઈલોના માઈલો સુધી બીજાં કોઈ ગામ, નગર ન હોય એમાં વસે છે, અન્ય જેમ જેમને કોઈ સુખદુ:ખના સાંસારિક-ધામિર્કાદિ અવસરે પણ ગણ્ય એવા જાતિ-જ્ઞાતિકુટુંબગત સમૂહમાં મળવાનાં માત્ર ન-જેવાં જ નિમિત્તો છે, એમની એકલતા, સહ્યતા જ બધી કથાઓનાં પર્યાવરણ(એનવાર્યમેન્ટ ઓફ ફોકટેઇલ) અહીં છે. આથી મોટાભાગની કથાઓમાં ભૂતપ્રેતની વાત છે, બાર ભાઈઓ અને તેમની એકમાત્ર એવી બહેનની વાત છે, વાઘ-વરુ અને ડાકણ-શાકણ જેવાં સંલગ્ન કથાપાત્રો છે! આ પ્રજાનો એક માત્ર આધાર પ્રકૃતિ છે, વનપેદાશ અને યથાવકાશ. યથાશક્ય એવી ખેતી. વનઉપજની વસ્તુઓ ગામડાં-શહેરોમાં વેચવા જાય એટલો જ મર્યાદિત એમનો બહારના સમાજનો પરિચય છે. એ સુખી ભદ્ર સમાજ માટે એમને આદર સાથે પરવશતાનો ભાવ છે, કેટલોક ભય પણ છે. ઘણું બધું એમને અજ્ઞાત-અકળ રહ્યું છે.
મોટાભાગના આદિવાસી અને ગ્રામીણ એવા બધા જ સમૂહો ધર્મનો, વિધિનો, માન્યતાઓનો આધાર લે છે. અનેક વિધિવિધાનો આ માટે યોજે છે, એ દ્વારા જે ઝંખે છે તે પામવા મથે છે, ઇચ્છે છે! ગુજરાત રાજસ્થાનના ભીલો કે દક્ષિણ ગુજરાતના તડવી-ચૌધરી-કુંકણા જેવા આદિવાસીઓના કંઠપ્રવાહની સંપદા જોઈશું-તપાસીશું તો આ બાબત સ્પષ્ટ થશે. એની સરખામણીએ જો કમર-પહાડિયાને, એમની કથાના માધ્યમે સમજવા મથીશું તો સ્પષ્ટ થશે કે એ લોકોને જીવનનાં જગતનાં આવાં કોઈ જ અકળ રહસ્યોને ઉકેલવાની મથામણ કરવી નથી પડી. મસમોટાં વિધિવિધાનો યોજવાં નથી પડ્યાં. આનાં બે કારણો આ લોકકથામાંથી મળે છે: એક તો જીવનને જીવવાની જ એટલી મથામણ છે કે આવી આધિભૌતિક (મેટા-ફિઝિકલ) એવી ધારણાઓને એમાં કોઈ અવકાશ નથી. અને બીજું, કુદરતને જ એમણે એના પૂરા-સાચા રૂપમાં ઓળખી છે, અને બધાં જ રહસ્યો એ પ્રકૃતિ અને એના તત્ત્વોમાંથી ઉકેલ્યાં છે. મૃત્યુ પછીના પ્રેતરૂપ જીવન અને વ્યાઘ્રાદિ હિંસક ગણાતાં પ્રાણીઓ સાથેનો પણ જીવનગત સંબંધ, ડાકણ-શાકણ-વૃક્ષ-વેલા-ફળ-તૃણ એ બધું જ અહીં એમનાં ભૌતિક માનવીય જીવનનું અભૌતિક છતાં અનુભવગમ્ય એવું વિશ્વ છે.
આ બધું આ લોકકથાઓના માધ્યમે કોઈ પણ સંવેદનશીલ અભ્યાસી પ્રતીત કરી શકે છે. વાર્તાએ વાર્તાના મૂળ સાથે અને એનાં કથાનક સાથે સંકળાયેલાં સાંસ્કૃતિક પર્યાવરણને પ્રગટ કરવાનું, એક લેખમાં શક્ય નથી તેથી કેટલાકનો નિર્દેશ જ કરું છું.
પહેલી લોકકથા ‘ધ બૅરક્વિન’ માનવ-પશુ-અનુબંધની છે. રીંછણ વનમાં લાકડાં લેવા આવેલી કઠિયારણ પાસે સાડી, બંગડી વગેરે પડાવી લઈ પહેરે છે. કઠિયારણ નગ્નદશામાં વૃક્ષની બખોલમાં છુપાઈને રહે છે. સ્ત્રીવેશે છેતરતી આ રીંછણરાણીમાં ચાલાક અને ભદ્ર મનાતા લોકોનું કથાશ્રયી પ્રતિરૂપ છે. અહીં ત્રણેક કથામાં માબાપનાં મૃત્યુ પછી સાત-આઠ ભાઈઓના આશ્રયે વનમાં રહેતી અને કોઈ એક ભાઈનાં પ્રેમ-લાગણી-સહકાર અને અન્યના શોષણ અત્યાચારનો ભોગ બનતી એક માત્ર એવી નિરાધાર બહેનની છે. આવું કથામાળખું ધરાવતી અનેક કથાઓ ભારતીય લોકકથાધનમાં છે પરંતુ આ જૂથનો જ તુલનાત્મક અભ્યાસ થાય તો એક જ કથામાળખાની વિવિધ કથાઓ ક્યાં-કેમ બદલાય છે તે સ્પષ્ટ થશે. આવી આ સંગ્રહની એક કથામાં બાર બંધુઓ વચ્ચે એક બહેનડી છે. બધા જંગલવાસી અને એકલાં-અટૂલાં વસવાસી છે. મોટોભાઈ સુવરનો શિકાર કરે છે. બધા ભાઈઓ શિકારના ખાદ્ય અવશેષો પૂરા કરે છે – બહેનના ભાગે આવે છે માત્ર પૂંછડી. બહેન તે સાચવી મૂકી રાખે છે, પૂંછડીનું કદાવર ઉંદરમાં રૂપાન્તરણ થાય છે. શિકારે ગયેલા ભાઈઓ રાત પડતાં એક નિર્જન સ્થળે આવેલા મકાનમાં આશરો લે છે, તેમાં રાક્ષસ રહે છે. તેને બાર કન્યાઓ વરાવવાની છે તેમાં લગ્નની લાલચે ભાઈઓ રાક્ષસના છળમાં ફસાય છે. રાક્ષસને તો આવી લાલચે રોકી તેમનું માંસ ખાવું છે. પરંતુ ઉંદર શૌર્યચાતુર્યે એમને બચાવે છે.
ત્રીજી એક વાર્તામાં પણ બાર ભાઈ, એક બહેન છે. ભાઈનાં કપડાં ધોતી અને પછી સ્નાન કરતી યુવાન બનેલી બહેનને જોતાં કદાવર વાંદરો કામુક બની બહેન અને ભાઈઓનાં કપડાં ઉઠાવી જાય છે અને ‘રીંછરાણી’ જેમ એ ‘મંકીકિંગ’(વાનરરાજ) બને છે, બહેન એની રાણી બને છે. ભાઈઓ આ વાત જાણે છે ત્યારે નાનો ભાઈ બહેનને બચાવવા વાનરનો ઘાત કરે છે, અગ્નિમાં બાળે છે ત્યારે બહેન કહે છે: ‘તમારો બનેવી તમારું કશું અહિત કરતો ન હતો છતાં તમે માર્યો,’ અને ચિતામાં કૂદી પડી સતી થાય છે. આ વાત જાણતાં બીજા ભાઈઓ નાનાને મારવા પાછળ પડે છે, ગુસ્સે થઈ એનો ઘાત કરે છે તે સાથે નાના ભાઈનું વાઘમાં અને શેષ અગીઆર ભાઈઓનું કૂતરામાં રૂપાન્તરણ થાય છે – ત્યારથી વાઘ કાયમ કૂતરાને જોતાં પાછળ પડી તેને મારી નાખે છે. કૃષ્ણકથાનો ગોપીવસ્ત્રાહરણનો ઘટક, વિવિધ લોકકથાઓમાં પ્રયોજિત સ્નાન કરતી અપ્સરાનાં વસ્ત્રો ચોરી એને લગ્ન માટે મજબૂર બનાવવા કે એની જોડે લગ્ન કરવાની કથાયુક્તિનો કથાઘટક પ્રયોજતી વિવિધ લોકકથાઓ, અનેક ભાઈના આશરે એક અનાથ નિ:સહાય બહેનની કથાઓ, લગ્નસંસ્કારના, દામ્પત્યભાવનાના પ્રભાવે બળજબરીવાળા લગ્ન પછી પણ દૃઢ થતો પતિપ્રેમ, અમુક પશુ-પક્ષી-પ્રાણી અમુક કેમ, ક્યારે, ક્યારથી કરે છે તેનાં કારણને લગતી (હાઉ ઇટ હેપન્ડ, વ્હાય ઇટ્સ સો – પ્રકારની) વ્યુત્પત્તિમૂલક કારણદર્શી કથાઓ: આવા વિવિધ પાર્શ્વે આ લોકકથાઓ તપાસી શકાય એવી અભ્યાસક્ષમ છે.
આ રીતે મોટાભાગની લોકકથાઓ વન્યજીવન અને માનવ-પ્રાણી-અનુબંધ દર્શાવે છે. એ જ રીતે મૃત્યુ પછીની આત્માની ગતિ વિશેની લોકમાન્યતા તથા માનવેતર અદૃશ્ય એવાં તત્ત્વોના અસ્તિત્વ અને પ્રભાવને વાચા આપતી ત્રણ-ચાર પ્રેતકથાઓ પણ વિશેષ અભ્યાસક્ષમ છે. આમાં એક કથા એવી છે કે, વચ્ચેના સ્મશાનને કારણે જ જુદાં પડતાં બે ગામોમાં રહેતી મા-દીકરી પરસ્પરને મળી શક્યાં નથી. રૂબરૂ જઈ કંઈ જાણી શકતાં નથી. માત્ર લાંબા સમય પછી જ કોઈ સમાચાર મળે છે. આવી સ્થિતિમાં માતાનું મૃત્યુ થયું છે. બીજા ગામમાં રહેતી પુત્રીને કંઈ ખાવાનું, શાકભાજી પણ ન મળતાં અંતે મચ્છી પકડવા ઝરણાએ જવું પડે છે. આથી મૃત્યુ પછી પ્રેતયોનિમાં ભટકતી માતા પુત્રીને મળે છે, આગ્રહ કરી રોકી પોતાના નિવાસે લાવે છે, અને જમાડવા માટે પ્રેત-ડાકણ બનેલી માતા નવી તાજી કબર ખોદી કોહવાતી લાશ લાવી રાંધવા બેસે છે ત્યારે જ હવે પુત્રીને માતા પ્રેતરૂપે હોવાની જાણ થાય છે અને એ જીવ બચાવી ભાગે છે – માતા રાંધવા માટે જે લાશ કબર ખોદીને લાવી તે એની પુત્રીના જ ગામના ત્રણેક દિવસ પહેલાં મૃત્યુ પામેલા એક લંગડા માણસની હતી! જીવનનો અંત, મૃત્યુ અને પછી જીવની ગતિ અને એનું જીવન, વૈશ્વિક બૃહદ્ માનસનો શાશ્વત પ્રશ્ન છે, જેના ઉકેલની મથામણ જ કોઈ લોકમાન્યતાનો આધાર લઈ પ્રેતકથા બને છે.
આમ, ચાલીશમાંથી મોટાભાગની લોકકથાઓ લોકકથાના તેમ જ તેના જાતિગત પર્યાવરણીય અનુબંધની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની છે. લોકતાત્ત્વિક અધ્યયનની દૃષ્ટિએ બીજાં બે દૃષ્ટિબિન્દુએ પણ ‘ફોક ટેઇલ્સ ઓવ્ ફોરગોટન ફોક’ ભારતીય ક્ષેત્રે મહત્ત્વની અભ્યાસસામગ્રી પૂરી પાડે છે. ગુજરાત પ્રદેશના સંદર્ભે તપાસીએ તો આમાં પ્રથમ મહત્ત્વ છે તે જાતિ-જાતિગત સામ્યભેદ અને તેનાં કારણોની દૃષ્ટિએ. ભારત-ગુજરાત તેમજ વિશ્વક્ષેત્રે પણ આદિવાસી લોકાવિદ્યાભ્યાસમાં ખાસ ધ્યાનમાં લેવાની બાબત છે કે બહુ ઓછી, ન જેટલા પ્રમાણની જ જાતિઓ હકીકતે અસલ આદિવાસી –મૂળ’(એબઓરીજીન’) ધરાવતી છે. અને જે ખરેખર પ્રાથમિક રૂપમાં જ મૂળ આદિવાસી તત્ત્વ છે તે સર્વત્ર લગભગ લુપ્ત છે. એમનાં બોલી/ભાષા, સંસ્કૃતિ, ધર્મ, જીવન-જગતવિષયક ધારણા, યુગોથી ખૂણે હડસેલાઈ અંતે લુપ્ત(lost) બન્યાં. ડિએનએ ટેસ્ટ, રૂધિર પરીક્ષણ વગેરેએ પણ સ્પષ્ટ કર્યું છે કે વંશ/રૂધિર ટ્રાઇબલ/નોનટ્રાઇબલ એક જ છે, વર્ણાદિનાં બાહ્ય લક્ષણો પણ વીસમી સદી સુધીમાં બદલાયાં અને પ્રાચીન તથા મધ્યકાલીન રાજકીય પરિસ્થિતિ, યુદ્ધો, આંતરયુદ્ધો વગેરે કારણે, વિવિધ ગાળે, વિવિધ જાતિઓ જે ગ્રામીણ-નાગરિક અને સભ્ય મનાતી હતી તે વન-પર્વતાદિમાં રહેવા મજબૂર બની અને મૂળ જાતિઓમાં ભળી ગઈ. આથી કાળક્રમે ભાષા-બોલી-સંસ્કૃતિ-ધર્મ-જાતિગત લક્ષણો બધું બદલાયું. માનવવંશવિદ્યા (એન્થ્રોપોલીજીકલ સ્ટડી)ને પુષ્ટ કરવા માટે લોકવિદ્યાના અભ્યાસો દ્વારા પ્રાપ્ત સામગ્રી જ ઉપયોગી બની છે પરંતુ એમાં પ્રાણીવત્–ઘાતકી (સેવેજ-બર્બર)ની આરંભની ભૂમિકાના માનવીય વિકાસને, સંસ્કૃતિ મૂળને, જાણવાનું ઘણું ઓછું મળ્યું. આ સ્થિતિમાં, જ્યાં આ પ્રક્રિયાનું પ્રમાણ ઘણું ઓછું હોય તેમનું ‘લોર’ (મૂળ પરંપરા-કથાસામગ્રી) ઉપયોગી બને છે.
બીજું મહત્ત્વનું છે તે કથ્યરૂપ લોકકથાનું લિપિબદ્ધ થતું સંપાદન અને એનું સ્વરૂપ. કથ્યના લિખિત રૂપનું પ્રાચીન કાળથી જ, લિપિની શોધ પછી લિખિતરૂપ બંધાયું તે આજની દૃષ્ટિએ પણ પરિશુદ્ધ છે. કથાનક અને કથનશૈલી – બન્ને પૂર્ણ રૂપમાં જળવાયાં. ઉકેલ માટે ધ્વનિમુદ્રિત કથકનો પાઠ યોગ્ય મનાયો. આથી વાર્તાને અને કથનશૈલીને આત્મસાત્ કરી, ક્યાંય પણ સર્જકતા કે રસ વધારવાના વ્યામોહથી મુક્ત રહીને કરેલું કથાનું નિરૂપણ વિશેષ ઉપયોગી, પ્રમાણમાં શાસ્ત્રીય ગણાય. આ દૃષ્ટિએ પણ પ્રો. દાણીનો સંચય ઉપયોગી છે. અહીં તૂ-પી, તૂ-પી કરતાં ખાબોચિયું સૂકાતાં મરતાં હરણ-હરણીની જે કથા ગુજરાત-રાજસ્થાનમાં ‘સદેવંત-સાવલિંગા’ કથામાં છે તે અહીં સમ્પ્રસારિત થઈ છે અને અહીં ‘હરણ અને હોલો’ એવું રૂપાન્તર છે, એ પણ નોંધવું જોઈએ. [1]
*
હસુ યાજ્ઞિક
વિવેચક-સંશોધક.
ગુજરાતીના પૂર્વ અધ્યાપક
અમદાવાદ.
1, પદ્માવતી બંગલો, થલતેજ, અમદાવાદ-59
079 26853624
*
- આમાંના કેટલાક ગુજરાતી (અનુવાદ-)પર્યાયોની જવાબદારી સંપાદકની છે. – સંપા. ↵