આસ્થા અને ઇતિહાસનું સાયુજ્ય – વિપુલ કલ્યાણી

When Hope and History Rhyme – Amina Cachalia

Picador Africa, Pan Macmillan, Johannesburg, 2013

Of all Amina Cachalia’s distinctions and achievements, the greatest is her identity, lifelong, active in past and present, as a freedom fighter, now needed as much, believe me, in the

aftermath of freedom as in the struggle. –- Nadine Gordimer

(અમીના કાછલિયાની શ્રેષ્ઠતા તથા સિદ્ધિમાં એમની વ્યક્તિતા, ભૂતકાળ તેમજ વર્તમાન કાળમાંની એમની જીવનભરની કર્મશીલતા, સ્વાતંત્ર્યસૈનિકપણું બેલાશક છે જ છે; અરે, મને કહેવા દો,આઝાદીની લડત વેળા તે જેટલાં આવશ્યક હતાં તેટલાં આજેય આવશ્યક છે. – નદીન ગોડિર્મર)

અહમદ કાછલિયા તથા ઇબ્રાહિમ અસ્વાત દક્ષિણ આફ્રિકાના આંદોલન વેળા ગાંધીભાઈના નજીકના સાથીદારો હતા. ઇબ્રાહિમભાઈ ઓગણીસમી-વીસમી સદીના સંધિકાળે સુરત પાસેના કફલેટાથી દક્ષિણ આફ્રિકે નસીબ અજમાવવા ગયેલા. જ્યારે અહમદભાઈ 1880માં કછોલીથી દક્ષિણ આફ્રિકા ગયેલા. બન્ને જહોનિસબર્ગ ચોપાસ જ ઠરીઠામ થયા હતા. મો. ક. ગાંધીના સહવાસે આંદોલનમાં બન્ને સક્રિય બન્યા. આગેવાન થયા. જેલ પણ ભોગવી. એકમેકને પરિચિત થયા, અને પછી વેવાઈ પણ. ઇબ્રાહિમભાઈનું નવમું સંતાન એટલે અમીનાબહેન. જ્યારે અહમદભાઈનું બીજું સંતાન એટલે યુસૂફભાઈ. અમીનાબહેન અને યુસૂફભાઈ પરણ્યાં અને માવતરની પેઠે આઝાદીની લડતમાં પૂરેવચ્ચ રહ્યાં, જેલવાસ પણ વેઠતાં રહ્યાં. એક અજીબોગરીબની ખુમારીવાળાં, પહેલી હરોળના આઝાદી આંદોલનના સૈનિકો શાં આ દંપતીની વાત આ આત્મકથામાં વહેતી રહી છે. અને એ જીવનીની સાથેસાથે દક્ષિણ આફ્રિકાની આઝાદીની લડતના વિવિધ આગેવાનોની વાત, રાક્ષસી રંગભેદ,તેમ જ હિન્દવી જમાતના ત્યાગની દાસ્તાઁ જોડાજોડ, જુલમી સરકારના કાળા કેરની અધમ વાતો ય અહીં હૂબહૂ ગૂંથાઈ છે.

જાણીતા આયરિશ કવિ અને નાટ્યકાર તેમ જ સાહિત્યનું નોબેલ પારિતોષિક મેળવનાર શેઈમસ હીની[Seamus Heaney]ની એક જાણીતી કવિતાની ત્રીજી કડી છે:

History says, don’t hope

On this side of the grave.

But then, once in a lifetime

The longed-for tidal wave

Of justice can rise up,

And hope and history rhyme.

[ઇતિહાસ જણાવે છે, છેલ્લા શ્વાસ સુધી આશામાં ગરકાવ રહેવું નહીં. તેમ છતાં, જીવનમાં એકાદ વાર ઇનસાફની કોઈક ભરતીછાલક આવી ચડે છે, અને ત્યારે બસ, આસ્થા અને ઇતિહાસનું સાયુજ્ય રચાઈ શકે છે.]

અમીના કાછિલયાએ હીની પાસેથી આત્મકથાના પુસ્તકનું નામ ઉછીનું લઈ, આપણી સામે આસ્થા ને ઇતિહાસનાં વિવિધ પાસાં ચીતરી આપ્યાં છે.

અમીનાબહેનનો જન્મ 28જૂન 1930ના રોજ ટ્રાન્સવાલ પ્રાન્તમાં. ગાંધીભાઈની આગેવાનીમાં રંગભેદ સામે બાપે ટક્કર લીધેલી. ખૂબ સહી લીધેલું. ‘ટ્રાન્સવાલ ઇન્ડિયન કોંગ્રસ’માં ઇબ્રાહિમભાઈ એકદા અધ્યક્ષપદેય હતા. બસ તેવા જ કોઈ ચીલે મહિલાઓના અધિકાર સારુ, રાજકીય આઝાદી માટેના સંગ્રામમાં દીકરી અમીના ખૂંપી ગયેલાં.

પ્રિટોરિયા ખાતે આવેલા યુનિયન બિલ્ડીંગ સામે 09ઓગસ્ટ 1956યોજાયેલી મહિલાઓની જંગી કૂચમાં અમીનાબહેન સામેલ હતાં, ભારે સગર્ભાવસ્થા છતાં. સન 1963માં વળી એમને 15વરસનો પ્રતિબંધ વેઠવો પડ્યો હતો. એમના પિતા યુસૂફભાઈને તો 27વરસનો પ્રતિબંધ આવી પડેલો. દંપતીએ આ સમયગાળામાં કઈ રીતે સંસાર ચલાવ્યો હશે? કઈ રીતે બાળકોનો ઉછેર કર્યો હશે? આની વિગતે વાત આ ચોપડીમાં છે.

અમીનાબહેનને નેલસન મન્ડેલા સાથે નજીકનો તથા ઘનિષ્ઠ સંબંધ હતો. નેલસન મન્ડેલા અને યુસૂફ કાછિલયા મિત્રો અને વળી આઝાદીની લડતના અગ્રિમ લડવૈયા ય ખરા. મન્ડેલા 1990માં લાંબો કારાવાસ વેઠીને બહાર આવે છે. આઝાદ દક્ષિણ આફ્રિકાના પહેલા રાષ્ટ્રપતિ બને છે તે વેળા આ દંપતી સાથે અને તેમાં ય ખાસ કરીને યુસૂફભાઈના દેહાંત પછી અમીનાબહેન જોડે રસબસતો નિજી સંબંધ વહે છે તેની રોચક વાતો ય વાચકને અહીં જડે છે.

મોહનદાસ ગાંધીએ, 1915માં, દક્ષિણ આફ્રિકાથી વિદાય લીધી, તે પછીના આગેવાનોની બીજી ત્રીજી પેઢીના મૂળ ગુજરાતી આગેવાનોએ – ‘એ ફોરચ્યુનેટ મૅન’ નામથી ઈસ્માઈલ મીરે તેમ જ ‘મેમોયર્સ’ નામથી અહમદ કથરાડાએ – પણ આત્મકથાઓ આપી છે અને તેની જોડાજોડ મણિલાલ ગાંધી વિશે એમની દોહિત્રી, ઉમા ધૂપેલિયા-મિસ્ત્રીએ લખી ‘ગાંધીઝ પ્રિઝનર?’ નામક જીવનકથા પણ જોવી જોઈએ. અમીના કાછિલયાની આત્મકથાની સાથેસાથે,આ દરેકમાં દક્ષિણ આફ્રિકાની આઝાદીની લડતની લંબાણભરી વિગતો મળે છે. હિન્દવી નસ્સલનાં પણ મૂળ ગુજરાતી થોકબંધી નામો આ લડતમાં સક્રિય હતાં અને તે દરેકની દાસ્તાઁ એક ગુજરાતી તરીકે ગૌરવ બંધાવી આપે છે. આ અને આવી બીજી ચોપડીઓનો સંશોધક અભ્યાસ થવો જોઈએ. આ બધું ગુજરાતી ડાયસ્પોરાનું પોરસ ચડાવતું જરજવાહિર છે.

ખેર, આસ્વાત-પરિવારને ટ્રાન્સવાલથી જહોનિસબર્ગ સ્થળાંતર કરવાનું થયું. અહીં હિન્દવી જમાત માટેની નિશાળમાં અમીનાબહેનને દાખલ થવાનો વારો આવ્યો ત્યારે જ એમને રંગભેદ શી બલા છે તેનો અનુભવ થવા લાગ્યો. આ નિશાળના એક શિક્ષક, મેરવી થંડરાયની અસર હેઠળ એ ધીમેધીમે આવતાં ગયાં. થંડરાય દક્ષિણ આફ્રિકાના સામ્યવાદી પક્ષ જોડે સંકળાયેલા હતા. પોતાના વિદ્યાર્થીઓ દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિથી માહિતગાર બને તેની એ ખાસ કાળજી લેતા. પિતાના અવસાન બાદ, આ શિક્ષક સ્વાભાવિકપણે અમીનાબહેનના વિશ્વાસુ માર્ગદર્શક બની રહેલા. તેવાકમાં, પરિસ્થિતિવશાત્ એમને ડરબનમાં ભણવા જવાનું થયું. અને બીજી પાસ, મુલકમાં નિ:શસ્ત્ર પ્રતિકાર-આંદોલનનો આદર થયો. અને તેમાં ભાગ લેવાનો અમીનાબહેને નિર્ધાર કર્યોર્. એ નાની વયનાં હતાં અને એથી એમને ભાગ લેવા દેવાયો નહીં. પરંતુ આ આંદોલન ચાલ્યું ત્યાં લગી એ ડરબનથી ખસી શક્યાં નહીં. છેક 1947માં ડરબનથી એ જહોનિસબર્ગ પરત થઈ શક્યાં હતાં. પણ હવે એમણે ઔપચારિક શિક્ષણ લેવાનું માંડી વાળ્યું અને ‘શોર્ટહેન્ડ’ અને ‘ટાયપંગિ’ શીખવાનું ચાલુ કર્યું. એમને નોકરી તો મળી, અને બીજી પાસ,એ પણ રાજકીય રીતે સજ્જધજ્જ બની જાહેર જીવનમાં કાર્યશીલ બની ગયાં. ટ્રાન્સવાલ ઇન્ડિયન યૂથ કોંગ્રેસમાં જોડાયાં, અને બીજી પાસ મુલકની પરિસ્થિતિનો સામનો કરવા સામ્યવાદી પક્ષમાં ય સક્રિય બની ગયાં.

ઘર ઘર પત્રિકા, સંદેશા વહેંચવાનું કામ મુખ્ય રહેતું. તેમાં અમીનાબહેનને ‘આફ્રિકન નેશનલ કોંગ્રેસ’નો ય સંપર્ક થયો. આ સક્રિયતા વેળા, વળી, એમનો યુસૂફ કાછિલયા જોડેય પરિચય થયો. જે પાછળથી પરિણયમાં પરિણમ્યો. અહમદ કથરાડાનેય અમીનાબહેનને પરણવાની લાલસા રહેલી, પરંતુ તે બર ન આવતાં કથરાડાને નિજી સંબંધમાં ખટાશ સતત વર્તાયા કરી છે. અમીનાબહેનની આ આત્મકથામાં તેની છાંટ વર્તાય જ છે. જ્યારે, કથરાડાએ પોતાનાં સ્મરણોની ચોપડીમાં તેનો ઉલ્લેખ જ ટાળ્યો છે – અમીના ને યુસૂફ કાછિલયાનાં નામોલ્લેખ સુધ્ધાં!

છઠ્ઠા પ્રકરણમાં, ‘ધીસ ઇઝ ધ વુમન આઈ વોન્ટેડ ટુ મેરી’ નામનું પેટા પ્રકરણ છે. તેમાંથી આટલું ઉદ્ધૃત:

During one of the breaks at the conference, we were on our way to the Ladies when wevirtually bumped into Nelson and Oliver returning from the Gents. Nelson put his arm around me and, addressing Oliver said: ‘Oliver, this is the woman I wanted to marry.’

I raised my hand to remonstrate with Nelson at the same time as I heard a voice saying:

‘Oh! I didn’t know about that!’ It was Ahmed Kathrada, who always seemed to be within earshot and had taken exception to Nelson’s declaration. I turned to Kathy and said to him sweetly: ‘There are many things that you know nothing about.’ And I then proceeded to the loo.

[પરિષદ વખતે એક વિશ્રાન્તિમાં અમે મહિલાઓ માટેનાં પાયખાનાં ભણી જઈ રહ્યાં હતાં, ત્યારે પુરુષો માટેના શૌચાલયથી નેલસન (મન્ડેલા) અને ઓલિવર (ટામ્બો) આવતા સામે ભટકાયા. નેલસને મારા પર પોતાના હાથ પ્રસારી ઓલિવર ભણી જોઈ કહ્યું, ‘ઓલિવર, આ બાનુને હું પરણવા ચાહતો હતો.’ નેલસન સામે વિરોધ દર્શાવવા મેં મારો હાથ ઊંચો કર્યો તે જ વખતે એક અવાજ સંભળાયો, ‘અરે! તેની તો મને ખબર જ નહોતી!’: અવાજ અહમદ કથરાડાનો હતો. સાંભળી શકાય તેટલે છેટે તે હતા,અને લાગતું હતું કે નેલસનના એકરાર સામે તેને હરકત હોય. હું કેથી (કથરાડાનું હૂલામણું નામ) તરફ વળી, અને બહુ જ હળવાશે તેને કહ્યું: ‘એવી ઘણી બધી વસ્તુ છે તેનાથી તમે માહિતગાર જ નથી.’ બસ આટલું કહીને શૌચાલય ભણી હું ફંટાઈ ગઈ.]

દરમિયાન, અમીનાબહેન ‘આફ્રિકન નેશનલ કોંગ્રેસ’માં જોડાઈ ગયાં અને સક્રિયતાથી આહ્વાન આંદોલનોમાં, પ્રચારપ્રસારનાં કામોમાં રત રહેવા લાગ્યાં. મહિલાઓની આવી એક રેલી ઓગસ્ટ 1952માં નીકળેલી. તેમાં 29મહિલાઓ જ સામેલ હતી. આ દરેકની ધરપકડ થઈ, અમીનાબહેનનેય જેલવાસ કરવો પડ્યો. આ સૌમાં એ સૌથી નાનાં તો હતાં જ,પણ સાથેસાથે હૃદયની નબળાઈને કારણે એમને ખૂબ વેઠવાનું થયું. જોકે બાકીની બહેનોએ એમની કાળજીસંભાળ લીધેલી. મહિલાઓનાં મંડળ રચાતાં ગયાં, મહાસંઘ પણ રચાયો. તે દરેકમાં અમીનાબહેન અગ્રેસર હતાં. અનેક પ્રકારના દેખાવો યોજાયેલા, અને તે દરેકમાં એ સક્રિયપણે સામેલ. સન 1956ના અરસામાં પોલીસે આ સૌની ધરપકડ કરી અને એમના પર રાજદ્રોહનો આરોપ ઘડી કાઢેલો. અદાલતમાં કામ ચાલ્યું. આ વેળા પણ અમીનાબહેનનાં મોટાં બહેન ઝૈનબ અસ્વાત સહાયક જ નહોતાં, સક્રિય પણ હતાં. આવી એક સજામાં અમીનાબહેન અને એમના પતિ યુસૂફ કાછલિયાને પોતાના મકાનમાં જ સ્થાનબદ્ધ (નજરકેદી) કરાયાં હતાં અને પાછાં એ બન્ને એકબીજાંને હળેમળે નહીં તેવીય સજા તેમાં ઉમેરાઈ હતી! આમ એમણે બધું મળીને આવી સજા 15વરસ ભોગવવી પડેલી.

દક્ષિણ આફ્રિકાને આઝાદી મળી. નેલસન મન્ડેલા પહેલા રાષ્ટ્રપ્રમુખ બન્યા. સંસદની સાર્વત્રિક ચૂંટણીઓ સન 1994માં આવી. અને તેમાં અમીના કાછલિયા જરૂર ચૂંટાઈ આવ્યાં. એમને દેશના એક રાજદૂત પણ બનવાનું આમંત્રણ આવી મળ્યું. જે એેમણે આદરપૂર્વક પાછું ઠેલેલું. યુનિવર્સિટી વીટવોટર્સરેન્ડે એમને માનદ્ ડીલિટની ડિગ્રીથી નવાજ્યાં અને સરકારે એમની ‘ઓર્ડર ઓવ્ લુથૂલી’ ચંદ્રકથી નવાજેશ કરી. ત્યાસી વર્ષની પાકટ વયે એમનું અવસાન 2013ની 31જાન્યુઆરીએ જહોનિસબર્ગમાં થયું.

ચારસો ચોત્રીસ પાનમાં પથરાયેલી આ આત્મકથાને સાત વિભાગમાં વહેંચી દેવાઈ છે. દરેક વિભાગને વળી નાનાંમોટાં અનેક પ્રકરણોય છે. સાહિત્યનું નોબેલ પારિતોષિક મેળવનાર દક્ષિણ આફ્રિકાના જગમશહૂર સાહિત્યકાર નદીન ગોડિર્મરે [20.11.1923 – 13.07.2014] આત્મકથાને પોરસાવતું આવકાર આપતું પ્રાસ્તાવિક લખાણ કર્યું છે તે આરંભે અપાયું છે. વળી વચ્ચે વચ્ચે છબિઓ મૂકી પુસ્તકને વિશેષ સમૃદ્ધ અને રોચક બનાવાયું છે.

આત્મકથાના ઉપોદ્ઘાતમાં લેખિકા લખે છે:

કેટલાંક વરસો પૂર્વે, જેલમાંથી છૂટ્યા પછી, નેલસન મન્ડેલા એક વાર ભોજન લેવા ઘેર આવ્યા હતા. એમની આ મુલાકાત સમયે મેં એમને વાકેફ કરેલા કે હું એક પુસ્તક લખવાનું ગંભીરપણે વિચારી રહી છું.

‘તું શું લખવાની છે?’ એમણે પૂછ્યું.

મેં જવાબ વાળ્યો: ‘મારું જીવન… તમે પ્રાસ્તાવિક લખાણ આપશો ને?’

‘એક શરતે,’ એમણે કહ્યું, ‘તું મને બહાર રાખજે.’

હું હસી અને એમની ટીખળી કરતાં કહ્યું: ‘તમને શેનો ડર છે? તમને ડર લાગતો હોય તો તમારું આ પ્રાસ્તાવિક લખાણ આપવાનું જ ટાળજો.’

એમણે રમૂજમાં કહ્યું, ‘મારા પુસ્તકમાં મેં તારો ઉલ્લેખ કર્યો જ નથી.’

‘શાથી? તમે તેનો આગોતરો વિચાર કરેલો કે?’

એમણે જવાબ આપ્યો: ‘હું ઇચ્છતો હતો કે તેમ કરું, પણ ન કર્યું. વારુ, હું ચોક્કસપણે તારા માટે લખાણ કરીશ. પરંતુ તું મને બાકાત રાખજે.’

અને પછી મને સમજાતું ગયું, ગયા સમયની કેટલીક ઘટનાઓ ઉપાડી આંચકીને લખાણ કરવાને બદલે તેથી ફંટાઈ જઈ મારે ગંભીરપણે કામ પાર પાડવું રહ્યું. મારાં પૌત્રપૌત્રીઓ, દોહિત્રદોહિત્રોને માટે તેમ જ એમનાં સંતાનો માટે કંઈક લખવું રહ્યું કે જેથી પોતાનાં મૂળ વિશેની પહેચાન એમને થાય. તદુપરાંત મારા આ અપ્રતિમ જીવનપ્રવાસની ગાથા રજૂ કરવા સારુ મારે મારી યાદદાસ્ત યારી આપે તેટલે લગી પાછા વળવું જ રહ્યું.

આત્મકથાનો આરંભ થાય તે પહેલાં લેખિકાએ એક ભાતીગળ પ્રકરણ આપ્યું છે – ‘ઓરાનિયા, ઓગસ્ટ 1995’. દક્ષિણ આફ્રિકાને સ્વતંત્રતા મળી છે. નેલસન મન્ડેલા રાષ્ટ્રપતિ નિમાયા છે. અને ખેલીદિલી સાથે એમણે રંગભેદ ને જાતિભેદ એક મહત્ત્વના સ્થંભ,હેન્ડરિક એફ. ફરવર્ડ[Hendrik F. Verwoerd]નાં વિધવા બેત્સી ફરવર્ડની શુભેચ્છા- મુલાકાતે જવાનું નક્કી કરેલું. ડો. ફરવર્ડ દક્ષિણ આફ્રિકાના એક વેળાના જાણીતા મનોવિજ્ઞાની અને તત્ત્વવેત્તા અધ્યાપક હતા. એમની 1966માં હત્યા કરવામાં આવેલી ત્યાં સુધી તે દેશના વડાપ્રધાનપદેય હતા.

મન્ડેલાએ અમીના કાછલિયાને એમની જોડે ઓરાનિયા જવાનું આમંત્રણ આપેલું. કેટલીક દ્વિધા, કેટલાક ખુલાસા પછી અમીનાબહેન પ્રવાસમાં તો જોડાયાં, પણ તે આખી ઘટનાનો બહુ જ સરસ આલેખ એમણે અહીં કર્યો છે. ‘આફ્રિકન નેશનલ કોંગ્રેસ’ના એક આદિ ઘડવૈયા અને પિતાસમ આગેવાન આલ્બર્ટ લુથૂલીનાં વિધવા વેરોનિકાની પણ વચ્ચે શુભેચ્છા મુલાકાતે જઈ આવવાનું ગોઠવાયું હતું. અને ત્યાંથી એમની સંગાથે મન્ડેલાના સાથીદાર તથા મુઠ્ઠીઊંચેરા આગેવાન વોલ્ટર સિસુલુનાં પત્ની ને જાણીતાં સ્વાતંત્ર્યસૈનિક આલ્બટિર્ના સિસુલુય જોડાયાં છે. અમીનાબહેનના મનમાં જે કંઈ ઉચાટ હતો, તે બહુ સારી રીતે એમણે આ આદર-પ્રકરણમાં છતો કર્યો છે. અમીનાબહેનના શબ્દોમાં:

પાછા ફરતી વેળા વિમાનમાં મેં રાહતનો દમ ખેંચ્યો અને ઇન્જિનના ઘરરાટ વચ્ચે મદીબાને ધીમેથી મેં કહ્યું, ‘અહીં, હવે પછી, મને ક્યારેય લાવશો નહીં.’ એમણે એમનું મસ્તક પાછું ફેંક્યું અને હસી પડ્યા.

નેલસન મંડેલા સાથે નિજી તેમ જ નજીકનો સંબંધ અમીના કાછલિયાને હતો. મન્ડેલા જેલમાંથી 1990દરમિયાન છૂટ્યા, ત્યારથી કાછલિયાદંપતી સાથે ખૂબ તીવ્ર સંબંધ રહ્યો. આ સંબંધનાં અનેકવિધ પાસાંઓની સમજ વાચકને આત્મકથામાં સતત થયા કરે છે. અમીનાબહેનના અસામાન્ય જીવનપ્રવાસમાં આ ઘટનાઓએ ધારદાર અસર પેદા કરી છે. જેલમાંથી છૂટ્યા પછી, નેલસન મન્ડેલા દેખીતાં અનેકવિધ કારણોવશાત્ વિની મન્ડેલાથી દૂર ને દૂર થતા ગયા છે. લગ્નવિચ્છેદ પણ થાય છે. બીજી પાસ, નેલસન મન્ડેલાની આવનજાવન કાછલિયાદંપતીના ઘેર સ્વાભાવિક પહેલાંની જેમ જ રહ્યાં કરી છે. યુસૂફ કાછલિયાના અવસાનનાં દુ:ખ અને આઘાત જેમ અમીના કાછલિયાને છે તેમ નેલસન મન્ડેલાને ય પારાવાર છે. વિયોગના એક તબક્કે તો મન્ડેલા બાકીસાકી જીવન સંગાથે ગાળવાની પોતાની મહેચ્છા પણ પેશ કરે છે, પરંતુ અમીનાબહેને તેનો સ્વીકાર કર્યો નથી.

આત્મકથાના છેલ્લા પ્રકરણમાં અમીનાબહેને દિલને વહેતું મૂક્યું છે. અને યુસૂફભાઈ તથા નેલસન મન્ડેલા માટેના એમના છલકાતા ભાવવિશ્વને છતું થવા દીધું છે. લેખિકા લખે છે:

ભૂતકાળની યાદો મારામાં ઘોડાપૂર આવી ચડે છે. ક્યારેક વિશેષ સ્વરૂપે. યુસૂફનું સ્મરણ ખાસ સ્પંદનો જગવી જાય છે. કટોકટીકાળમાં એમનું જે ડહાપણભર્યું માર્ગદર્શન રહેતું તે સતત સાંભરી આવે છે. ‘બિઝનેસ ડે’ સાથેની એમની છેલ્લી મુલાકાતમાં એમણે જે કહેલું તે ખાસ સંભારું છું. આ મુલાકાતના થોડા સમય પછી તો યુસૂફે વિદાય લીધેલી. સંપૂર્ણ સત્તા તથા લાલસાથી વેગળા રહેવાની એમણે દક્ષિણ આફ્રિકાને સલાહ આપેલી. ‘લપસણા ઢાળેથી નીચે સરકી પડવાનું બહુ જ આસાન છે’ તેમ એમણે ઠોસપૂર્વક કહેલું:

Looking back over the decades, I feel I am so blessed to have had men like Yusuf and Nelson to my life through the years, loving, guiding and inspiring me. Yusuf has gone but his wise and loving nature remains with me. Nelson is only a phone call away and I pray will remain so for a long time still.

(આ દશકાઓ ભણી નજર માંડું છું ત્યારે મને થાય છે કે હું કેટલી ખુશનસીબ રહી કે મારા જીવનનાં આ વરસો દરમિયાન યુસૂફ અને નેલસન સરીખા પુરુષો મને મળ્યા. એમણે મને ચાહી, મને માર્ગદર્શન આપ્યું અને મારામાં સતત જોમ પૂર્યું. યુસૂફ તો ગયા, પરંતુ એમની ડાહી વાતો અને હેતાળ સ્વભાવ તો મારી સાથે સતત જળવાયાં છે. અને બીજી તરફ નેલસન પણ માંડ ટેલિફોન-વા દૂર છે. લાંબા અરસા લગી આ બધું એમ જ અકબંધ વહેતું રહે તેમ આસ્થા સેવું.)

આ પુસ્તક તૈયાર કરવામાં જેનો મહદ્ ફાળો છે, તે હેડવિગ બેરીએ નોંધ્યું છે, આ આત્મકથાને કઈ રીતે આટોપી લેવાશે તે વિશે અમીના અને હું વારંવાર વાતચીત કરી લેતાં, ગાંધી તથા ‘ઇન્ડિયન કોંગ્રેસ’ના નિ:શસ્ત્ર પ્રતિકાર-આંદોલન અંગેની એમની વાતો મને ભારે દિલચશ્પ લાગતી. અમે જ્યારે આ કામ હાથમાં લીધેલું, તે દિવસોમાં, સમાચારોમાં ચોમેર આરબ વસંતની હવા વહેતી હતી. ત્યારે હું સતત વિચારતો રહેતો કે સાત સાત દાયકા પહેલાં યુવાન કર્મશીલને માટે આ પ્રકારનું આંદોલન કેવાં કેવાં જોમ અને જોશ પૂરતું રહ્યું હશે.

અમીનાબહેન ‘ઓરાનિયા,ઓગસ્ટ 1995’ નામક આરંભના પ્રકરણમાં અંતે લખે છે:

When I got home I reflected on the events of the past 24 hours and I cast my mind even

further back. I thought about the momentous years that had passed when I had been part of the struggle. I also remember the time Nelson and I had spent together with Yusuf who was the most important person in my life. But now the personal historical and political times had changed. Or had they?

I asked myself how I, the young activist of years gone by, fitted into the present scene of

pomp and splendor. I realised that I had to reconcile myself with the present as this was a new era that was so different from that experienced by my family who had battled tirelessly to improve their lives and overcome the indignity of Apartheid.

(ઘરે પહોંચી અને છેલ્લા ચોવીસ કલાકમાં જે કંઈ વીત્યું, જોયું, અનુભવ્યું તે પર વિચાર કરતી રહી અને હું પાછોતરા દિવસોમાં જઈ ચડી. એ તે કેવા કેવા દિવસો હતા જ્યારે એ મહાકાય આંદોલનમાં હું પણ સામેલ રહી. મારી જિંદગીમાં યુસૂફનું અતિ અગત્યનું સ્થાન રહ્યું છે. યુસૂફ હયાત હતા ત્યારે નેલસન સાથે વિતાવેલી પળો સંભારતી રહી. પરંતુ આજે તો વ્યક્તિગત તેમ જ રાજકીય ફેરફારો આવી ચૂક્યા છે. ખરેખાત આવ્યા છે કે?

પાછલાં વરસો વેળાની એક યુવાન કર્મશીલ તરીકે હું મારી જાતને સવાલું છું. આજના આ દેખાડા ને ભપકામાં મને કેમ ગોઠી શકે છે. ખેર! અયોગ્ય અપાર્ટહીડનો સામનો કરવામાં મારાં પરિવારજનોએ ભારેખમ ભોગ દીધો છે અને તે સઘળાં અનુભવોની પેલી પાર જઈ મારે ગોઠવાઈ જવાનું છે, તે સમજાતું રહ્યું છે.)

સંકલિત અનુભવોની ચોપાસ અસ્તવ્યસ્ત વિચારો આવ્યા કરે છે, અને વળી, સમજાય છે કે અમીના કાછલિયાએ પોતાની પરસ્પરવિરોધી અનેક લાગણીઓને અહીં સંક્ષેપાવતારમાં વહેતી મૂકી છે. ઉત્તર અપાર્ટહીડ વાતાવરણના સમયગાળામાં લોકશાહીના જૂના જોગીને જે નૈતિક લેખાજોખાં કરવાનાં થાય છે તેની ઝાંખી પણ લખાણમાં જોવા સાંપડે છે.

*

વિપુલ કલ્યાણી

વિચારક, સંપાદક: ‘ઓપિનિયન’.

લંડન

vipoolkalyani.opinion@btinternet.com

Holly cottage, 13, Ferrings close, Harrow middlesex, HA2 OAR, U K

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.