ટૂંકીવાર્તાની સ્વરૂપમીમાંસાનો આલેખ – જયેશ ભોગાયતા

Short Story Theories: A Twenty-First-Century Perspective

Ed. Viorica Patea. New York, 2012

આ સંપાદનગ્રંથમાં કુલ ચાર પ્રકરણ છે. પ્રથમ પ્રકરણનું શીર્ષક છે: The Beginnings of the Short Story and the Legacy of Poe. આ પ્રકરણમાં કુલ ચાર લેખો છે તેમાં પહેલો લેખ સંપાદક Viorica Pateaનો છે. આ લેખ ટૂંકીવાર્તાના સ્વરૂપગત વિકાસનું વિહંગાવલોકન છે. ઉપરાંત ગ્રંથમાં સંપાદિત લેખોની વિચારણાનું સંકલન છે.

બીજા પ્રકરણનું શીર્ષક છે: The Linguistic Turn: Discourse Analysis, Cognitive Theories and Pragmatism. તેમાં ત્રણ લેખ છે. આ ત્રણેય લેખમાં ટૂંકીવાર્તાના સ્વરૂપગત અભ્યાસ માટે વિકસેલી નૂતન મીમાંસાનો પરિચય મળે છે. બર્નાર્ડ માલામૂડ અને સૅન્ડ્રા સિસ્નોરસ (Sandra Cisneros)ની વાર્તાઓનું જ્ઞાનાત્મક અભિગમથી વાચન કર્યું છે.

ત્રીજા પ્રકરણનું શીર્ષક છે: Borders, Post colonialism, Orality and Gender. આ પ્રકરણમાં પાંચ લેખો છે. બધા જ લેખોની સામગ્રી અનુઆધુનિક ટૂંકીવાર્તાની સમજ માટે ખૂબ જ મહત્ત્વની છે. નારીવાદી, દેશીવાદી, દલિતવાદી, મૌખિક પરંપરાનું કથાસાહિત્ય, તેમ જ સ્વરૂપલક્ષી સીમા-ઉલ્લંઘનોના સંદર્ભો ધરાવતી અનુઆધુનિક ટૂંકીવાર્તાના વાચન માટેનો એક વ્યાપક દૃષ્ટિકોણ અહીં મળે છે.

ચોથા પ્રકરણનું શીર્ષક છે: Postmodernism and the Twenty First Century: Intertextuality, Minifiction, Seriral Narration. આ પ્રકરણમાં ચાર લેખો છે. વિષયસામગ્રી અને વાસ્તવ પ્રત્યેના અલગ પ્રતિભાવથી સર્જાયેલ અનુઆધુનિક ટૂંકીવાર્તાના અભ્યાસમાં આપણે ત્યાં ખાસ કરીને દલિતચેતના, નારીચેતના, ગ્રામચેતના (કે દેશીવાદી) નગરચેતનાપ્રધાન વાર્તાઓની ચર્ચા થતી રહે છે પરંતુ આધુનિક ટૂંકીવાર્તાના લેખનમાં પ્રયોગશીલ સર્જકતાનું વર્ચસ્વ હતું તેવી જ પ્રયોગશીલ સર્જકતાનું વર્ચસ્વ કેટલાક અનુઆધુનિક ગુજરાતી વાર્તાકારોએ દર્શાવ્યું છે પરંતુ એમની સર્જકતાના યોગ્ય વિશ્લેષણ માટે યોગ્ય ઓજારો નીપજાવી શકાયાં નથી તેથી આ વાર્તાઓ હાંસિયામાં જ રહી છે. તેથી એવા વાર્તાકારોની વાર્તાના વિશ્લેષણ માટે જરૂરી એવાં ઓજારો આ પ્રકરણના લેખોમાંથી મળી રહે છે. તેમાંય ખાસ કરીને અમેરિકન વાર્તાકાર ડોનાલ્ડ બાર્થેલમની વાર્તાઓનો આંતરકૃતિત્વ અને કોલાજની ભૂમિકાએ જે પદ્ધતિએ અભ્યાસ થયો છે તે પદ્ધતિ ઉપયોગી બને તેવી છે. એ જ રીતે એકવીસમી સદીની અમેરિકન ટૂંકીવાર્તા વિશેનો અભ્યાસલેખ પણ એટલો જ અગત્યનો છે. આ બે લેખ વિશે મેં અંતે ટૂંકમાં ચર્ચા કરી છે.

0

સંપાદક વોરીકા પૅટિયાનો અભ્યાસલેખ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી શરૂ કરીને એકવીસમી સદીપર્યંત વિકસેલી ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણાનો આલેખ રજૂ કરે છે. એમણે એડગર એલન પો-થી શરૂ કરીને સતત વિકસતી જતી સ્વરૂપવિચારણાના માઈલસ્ટોન વટાવતાં વટાવતાં એકવીસમી સદીના મુકામ સુધીની લાંબી યાત્રાનું ચિત્ર રજૂ કર્યું છે જેમાં બદલાતી સિદ્ધાન્તવિચારણાનો પરિચય આપતા અનેક મૂલ્યવાન ગ્રંથોના સંદર્ભો છે. એ સ્વરૂપવિચારણાનાં ઊંડાણ અને વ્યાપ રજૂ કરે છે.

ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણા એટલે Poetics of Brevity (લાઘવનું કાવ્યશાસ્ત્ર) એવું કળાનું સત્ય અહીં કેન્દ્રમાં છે. લેખના આરંભે Flannery O’Connorનું એક અવતરણ મૂક્યું છે જે વાર્તાવાચનના અનુભવને ખૂબ મહત્ત્વ આપે છે:

A story is a way to say something that can’t be said only other way, and it takes every word in the story to say what the meaning is. You tell a story because a statement would be inadequate. When anybody asks what a story is about, the only proper thing is to tell him to read the story, The meaning of fiction is not abstract meaning but experienced meaning, and the purpose of making statments about the meaning of the story is only to help you to experience that meaning more fully.

(વાર્તા એ અમુક રીતે કશુંક કહેવાની રીત છે. જેને બીજી કોઈ રીતે કહી શકાય નહીં; અને વાર્તામાં પ્રત્યેક શબ્દની પસંદગી કરવા પાછળનો હેતુ તેનો જે કંઈ અર્થ છે તેને માટેનો છે. તમે વાર્તા કહો છો કારણ કે એક વિધાન માત્ર કશુંક કહેવા માટે પૂર્ણ નથી. જ્યારે કોઈ એવો પ્રશ્ન કરે કે વાર્તા શાના વિશે છે તો તેનો યોગ્ય ઉત્તર એ છે કે પૂછનારને વાર્તાનું વાચન કરવાનું કહેવાનું. કથાસાહિત્યનો અર્થ એ સાર રૂપ અર્થ નથી પણ તે અનુભવ વડે પ્રાપ્ત થતો અર્થ છે. અને વાર્તાના અર્થ વિશે જે કોઈ વિધાનો કરવામાં આવે છે તેનો પણ હેતુ એ જ છે કે તમે અર્થને વધુ સારી રીતે અનુભવી શકો.)

ઈ.સ. 1937માં Elizabeth Bowenનો દાવો હતો કે ટૂંકીવાર્તા એ યુવા સાહિત્યસ્વરૂપ છે. સિનેમા અને ફોટોગ્રાફીની કળાનો આરંભ થયો એ સમયમાં ટૂંકીવાર્તાનો વિકાસ થયો. ટૂંકીવાર્તાના સ્વરૂપની સૈદ્ધાંતિક ચર્ચા કરનાર Mary Rohrberger કહે છે કે સાહિત્યના ઇતિહાસ જેટલું જૂનું ટૂંકી કથાવાર્તાનું સ્વરૂપ છે. પણ ટૂંકીવાર્તા એ તદ્દન નવું સાહિત્ય સ્વરૂપ છે. ટૂંકા કે લઘુ કદના સ્વરૂપનાં મૂળ પુરાકથા અને બાઇબલની પદ્યકથાઓમાં છે. પરંતુ એના પુરાકથાસ્વરૂપનું મૂળ રંગદર્શી વાતાવરણના પ્રભાવથી પરિશુદ્ધ થયું અને Mimesis (પ્રતિનિધાન)ની પરંપરાના સંપર્કમાં આવ્યું; અઢારમી અને ઓગણીસમી સદીના વાસ્તવવાદ સાથે સંપર્કમાં આવ્યું. Charles Mayનું નિરીક્ષણ છે કે ટૂંકીવાર્તા તેના આરંભકાળનું એક Hybrid (સંકર) સ્વરૂપ છે. જૂની રંગદશિર્તાની રૂપકાત્મક પદ્ધતિ અને નવા વાસ્તવવાદ સાથેની વક્રોક્તિ એમ બે પદ્ધતિનું સંયોજન છે.

ઓગણીસમી સદીના મધ્યમાં ટૂંકીવાર્તાના સર્જકોમાં એડગર પો, હરમાન મેલવીલ અને એન્તન ચૅખવે સ્વરૂપચર્ચા કરી. વીસમી સદીમાં હેન્રી જેમ્સ, ફ્લેનરી ઓંકોનેર, જુલિયો કોર્ત્તાઝર, યુડોરા વેલ્ટી વગેરેએ ચર્ચા કરી.

એડગર એલન પોએ ઓગણીસમી સદીના મધ્યમાં ટૂંકીવાર્તા વિશે જે વિવેચનાત્મક વિચારણા કરી તેને કારણે એક સઘન સાહિત્યસ્વરૂપ તરીકે ટૂંકીવાર્તાનો જન્મ થયો. પોએ પોતાની સ્વરૂપવિચારણામાં આકાર, શૈલી, લંબાઈ, આકૃતિ, સર્જકના હેતુઓ અને વાચક પર પડતો પ્રભાવ વગેરે પ્રશ્નોની ચર્ચા કરી. ટૂંકીવાર્તાને એક સાહિત્ય સ્વરૂપનો દરજ્જો આપીને તેનું મૂલ્યાંકન કરતાં કરતાં એમણે કલાજગતમાં એને બહુ ઊંચું સ્થાન આપ્યું. એમનું મહત્ત્વનું પ્રદાન એ છે કે એમણે તનાવ કે તાણ (tension)ને ટૂંકીવાર્તા સાથે જોડવાનું કર્યું. ટૂંકીવાર્તામાં Tension – તાણનું તત્ત્વ. ટૂંકીવાર્તાનું ચુસ્ત અને એકતાપૂર્ણ સ્વરૂપ ઊમિર્કાવ્ય સાથે એકરૂપતા ધરાવે છે. નવલકથામાં જે અપ્રાપ્ય છે તેવી અસરો પ્રાપ્ત કરવા માટે એ ટૂંકીવાર્તાને સ્વતંત્રતા આપે છે. એમણે ભારપૂર્વક નોંધ્યું છે કે ટૂંકીવાર્તામાં લાઘવ (Brevity) અને તીવ્રતા (Intensity) એ બે ગુણોને કારણે ગૂઢ વ્યંજના જન્મે છે. પો એ ટૂંકીવાર્તાની રચનામાં અંતને એક અતિ મહત્ત્વનું ઘટક ગણાવેલું. ટૂંકીવાર્તાની વ્યાખ્યા એમણે વાચકના અનુભવના સંદર્ભે આપી હતી.

ટૂંકીવાર્તાની વ્યંજનાસિદ્ધિ માટે ચૅખવે આપેલું દૃષ્ટિબિંદુ ખૂબ મહત્ત્વનું છે: ‘In the Short story it is better to say not enough than to say too much’ (ટૂંકી વાર્તામાં અતિકથન કરતાં તો અપર્યાપ્ત કથન વધુ સારું.)

ચૅખવની આ આધુનિકતાવાદી રસકીય વિભાવના સાથે અર્નેસ્ટ હેમંગ્વિની iceberg theoryને સંબંધ છે. આધુનિક ટૂંકીવાર્તાની વિભાવના એઝરા પાઉન્ડની કલ્પનવાદી વિભાવનાથી પણ પ્રેરિત હતી.

ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણામાં ‘લાઘવરીતિ’નો સંપ્રત્યય મહત્ત્વનો છે. તેને ‘The Aesthetics of Brevity’ લાઘવના સૌંદર્યશાસ્ત્ર તરીકે રજૂ કરવામાં આવે છે. લાઘવ કે કરકસરનું કાવ્યશાસ્ત્ર સ્વરૂપના રહસ્યની અને એના અધ્યાહાર હોવાની પ્રકૃતિનું કારણ બને છે. ટૂંકા સ્વરૂપની મર્યાદાઓ અને બંધનને કારણે લેખક વિગતોમાં જઈ શકતો નથી. એનું વલણ હંમેશાં પ્રક્રિયાને બદલે ક્ષણોનું વર્ણન કરવાનું છે.

અનુઆધુનિકતાવાદી જોન બાર્થનું મંતવ્ય છે કે એક સદી પછી નવલકથા કરતાં જુદી રીતે ટૂંકીવાર્તા exclusion (બાકાત, નિષેધ) તરફથી પાછી વળે છે. પો(Poe)થી શરૂ કરીને પેલે (Paley) સુધીના વાર્તાકારો એઓ કેટલું છોડી શકે છે એ દિશા તરફ વળેલા છે જ્યારે પેટ્રોનિયસ (Petronius)થી શરૂ કરીને થોમ પંચિન સુધીના નવલકથાકારો એઓ કેટલું સમાવી (inclusion) શકે છે તેનું ધ્યાન રાખે છે.

ટૂંકીવાર્તાના સ્વરૂપની ગતિશીલતાનો આધાર સામાન્ય દૈનિક જીવનના અનુભવો અને અદૃશ્ય, અજાગ્રત, અને વિચિત્ર વાસ્તવિકતા વચ્ચેના દ્વન્દ્વમાં છે. વોલ્ટર બેન્જામિનનું આ સંદર્ભે ખૂબ મહત્ત્વનું દૃષ્ટિબિંદુ છે:

Short story dwells on the mysteries of human experience that go against our Logico-rational frame of contradicting the laws of plausibility and Verisimilitude

(ટૂંકીવાર્તા એ માનવ-અનુભવનાં રહસ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે પરસ્પરથી જુદા પડતા સત્યાભાસ અને સંભાવના વિશેનાં આપણાં તાકિર્ક-બૌદ્ધિક ચોકઠાંથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે.)

ટૂંકીવાર્તા વિશિષ્ટ પ્રકારની અર્થપૂર્ણતા ધરાવે છે જે અર્થપૂર્ણતા પરંપરાગત સત્યને પડકારે છે. અને આપણી અનુભવપરક નિશ્ચિતતાઓને ઉલટાવી નાખે છે. ટી. એસ. એલિયટ અને મોરિસ શેડબોલ્ટ ભારપૂર્વક જણાવે છે કે ટૂંકીવાર્તા એક એવા ભ્રમણાયુક્ત (hallucinatory) બિંદુનું સર્જન કરે છે કે જેમાં ભૂતકાળનો સમય અને ભવિષ્યનો સમય વર્તમાન સમય સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. Cortazar કહે છે કે ટૂંકીવાર્તા એ એક સજીવ સંયોજન છે જાણે કે ગ્લાસમાં આછું ચમકતું પાણી, ક્ષણમાં શાશ્વતનો ઝબકારો!

ઓગણીસમી સદીની ટૂંકીવાર્તા મુખ્યત્વે નાટ્યાત્મક અને પ્લોટ પર આધાર રાખતી હતી. આધુનિક ટૂંકીવાર્તાએ કથાસંરચનાને નવું રૂપ આપ્યું. કલોપકલ્પિતની પદ્ધતિમાં પણ આ પ્રકારના આધુનિકતાવાદી આકારોએ કાર્યકારણની શૃંખલાની અપેક્ષા રાખનારા વાસ્તવવાદીઓને નિરાશ કર્યા. આ સંદર્ભે વજિર્નિયા વૂલ્ફનું મંતવ્ય મહત્ત્વનું છે. સેંઝા, વાન ગોઘ અને માતિસી આ ત્રણ ચિત્રકારોનો સ્મારક સમારંભ ઇંગ્લેન્ડમાં યોજાયો હતો. આ ત્રણ ચિત્રકારો અનુ-પ્રભાવવાદીઓ હતા. આ ત્રણ ચિત્રકારોએ સમકાલીન સંવેદનશીલતામાં મૂળભૂત ફેરફારો કર્યા એની અસર માત્ર દૃશ્યકલાઓ પર નહોતી પડી, પરંતુ નવલકથા, કવિતા અને ટૂંકીવાર્તાની વિભાવના પર પણ પડી છે. આ કલાશિસ્તમાં પરંપરાગત અભિવ્યક્તિ અથવા કથનનો ત્યાગ કરવામાં આવ્યો અને તેને સ્થાને શૈલીને મહત્ત્વ આપવામાં આવ્યું. જેણે રંગદર્શી આત્મલક્ષિતા સાથે વસ્તુલક્ષી વાસ્તવવાદનું જોડાણ કર્યું. જેનો હેતુ મનોભાવ અને લાગણીના ઘેરા પડછાયાને નિશ્ચિત કરવાનો હતો. Suzanne Ferguson નોંધે છે કે આ તબક્કામાં પાત્રોને વસ્તુઓ કેવી લાગે છે અને વસ્તુઓને કેવી રીતે અનુભવે છે તે વાત મહત્ત્વની હતી. વસ્તુઓ જગતમાં જેવી છે તેવીનું અનુકરણ નહીં કે નકલ નહીં. અનુપ્રભાવવાદના ઉદયને કારણે ટૂંકીવાર્તાનાં પરંપરાગત ઘટકતત્ત્વો જેવાં કે પ્લોટ અથવા કાર્યકારણની અસરથી જન્મતા સમયાનુક્રમનો ત્યાગ કરવામાં આવ્યો અને સંવેદનાઓ તેમજ આંતરિક અનુભવની રજૂઆતને મહત્ત્વ આપવામાં આવ્યું. આધુનિકતાવાદી કથાસાહિત્યમાં આ રીતે અમૂર્ત ચિત્તદશા અને લાગણીઓના વસ્તુગત સહસંબંધકોને અગ્રતા આપવામાં આવી. વાર્તાની અસરકારકતા પ્લોટમાંથી નહીં પણ કથનકેન્દ્ર, કલ્પનાવલિ, સૂરની અસર અને શૈલીગત શાબ્દિક લાઘવથી આવી. પાત્રના ચિત્તની અવસ્થા અને વાતાવરણ ઘટનાઓને બદલી નાખે છે. (Mood and atmosphere supplant events.) ઘટનાતત્ત્વનું રૂપાંતર કરનારાં તત્ત્વો છે: કલ્પનો, પ્રતીકો, કથનકેન્દ્ર, કથકનો સૂર. રોબર્ટ લેંગબામ કહે છે કે દૃશ્યમાન જગતના પ્રગટીકરણ દ્વારા અદૃશ્ય જીવનનું પ્રગટીકરણ એટલે epiphany. આધુનિકતાવાદી ઉદાહરણમાં, આંતરદર્શનની આ ક્ષણ વાસ્તવની અજ્ઞાત સંરચનાઓને પ્રગટ કરે છે. આધુનિકતાવાદી ટૂંકીવાર્તાના સ્વરૂપમાં epiphanyએ એક કેન્દ્ર અને સંરચનાગત પ્રયુક્તિ બને છે કે જે પ્રયુક્તિથી પ્લોટ અને કથાસાહિત્યની ક્રમાનુસારી ગતિની સામે સંદેહ કે શંકા થાય છે. ખંડિતતા, સ્થિરતા, તરલ ક્ષણને પકડી લેવી, મનોભાવ કે મનોરંગ. આધુનિક ટૂંકીવાર્તા આ રીતે વાર્તા વગરની વાર્તામાં પરિણમી. એ સંપ્રજ્ઞતાની એક ક્ષણ અને માનસિકતાની ખંડિતતા – એ બન્ને પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે નિશ્ચિત, સ્થિર વિભાવનાઓથી મુક્ત છે જેના વડે આધુનિક જગતનું દર્શન રજૂ કરવાના પક્ષમાં ચુસ્ત વિભાવનાઓને છોડી દેવામાં આવી છે. આ આધુનિક વિશ્વમાં જે કંઈ નક્કર છે તે હવામાં ઓગળી ગયું છે! ટૂંકીવાર્તા માટે આ નૂતન પ્રેરકબળ ક્ષણવારમાં થતા પ્રતિભાવોની સંરચનાને મહત્ત્વ આપે છે.

વીસમી સદીના લેખકોમાં જ્ઞાનમૂલક સાપેક્ષતાવાદ અને નાસ્તિકતાવાદમાં સતત વધારો થતો રહ્યો છે. એમાંના ઘણા લેખકોએ મનુષ્યની સત્યને ગ્રહણ કરવાની શક્તિમાં ઘણી મુશ્કેલીઓ અનુભવી છે. એ લેખકો એવી સંપ્રજ્ઞતા વ્યક્ત કરે છે કે આ ખંડિત અને ભંગુર વિશ્વમાં સમગ્રતા શક્ય નથી. આધુનિક ટૂંકીવાર્તા આ જગતમાં માનવજ્ઞાનની સીમાઓને વ્યક્ત કરે છે. આ જગત પૂર્ણતાને ગ્રહણ કરી શકતું નથી. જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રતિબંધિત પ્રક્રિયાને વર્ણવતી ટૂંકીવાર્તા એવી પદ્ધતિએ જગતનું દર્શન વર્ણવે છે કે જેમાં આપણે જગતની ઓળખ મેળવીએ છીએ. પ્રસંગોપાત્ત, ટુકડાઓમાં અથવા ગોર્ડીમર લખે છે તે મુજબ ફાયરફ્લાયઝનો (આગિયાનો) ઝબકારો અંદર અને બહાર, અંધકારમાં હમણાં અહીં, હમણાં ત્યાં! આધુનિક તબક્કામાં માનવીય સંજ્ઞાન સંપૂર્ણને પામતું થંભી ગયું છે અને ક્ષણમાં જ તેનું અસ્તિત્વ છે. ગતિશીલ ઝબકારાઓ, સત્યની વિશિષ્ટ ક્ષણો.

અનુઆધુનિક ટૂંકીવાર્તાની સંરચના આગવી છે. અનુઆધુનિક વાર્તાકારો કલાપૂર્ણ પરંપરાઓ અને કલાપૂર્ણ પ્રયુક્તિઓની રચના કરે છે. અનુઆધુનિક વાર્તાકારોમાં જોન બાર્થ, ડોનાલ્ડ બાર્થેલ્મ, રેમન્ડ કાર્વર, રોબર્ટ કૂવર અને ટોબીયાઝ વોલ્ફ જાણીતા છે. આ વાર્તાકારો ઓગણીસસો એંશીની આસપાસ ટૂંકીવાર્તાના સ્વરૂપમાં પરિવર્તન લાવ્યા. તાજગી લાવ્યા. ટૂંકીવાર્તાની સ્વરૂપગત સીમાઓનો લોપ. સાહિત્યિક અને બિનસાહિત્યિક કથન અને નિબંધ, કથન અને કવિતા, ગદ્યકાવ્યો, નિબંધો, પ્રસંગકથાઓ, રૂપકકથાઓ અને ટૂંકીવાર્તાઓ. એમ સંકર રૂપોની અભિવ્યક્તિ. આ સ્વરૂપપરિવર્તનને minifiction કહે છે જેણે અનુઆધુનિકતાવાદી લેખન તરીકે ઓળખ આપી.

Minifiction વિશે Lauro Zavala નોંધે છે: જગતને લખવાનું અને વાંચવાનું નવું સ્વરૂપ! નૂતન સંવેદનશીલતાનો આરંભ. અનુઆધુનિક ટૂંકીવાર્તાની બે રચનારીતિ મુખ્ય છે. કોલાજ અને આંતરકૃતિત્વ. આ અનુઆધુનિક ટૂંકીવાર્તાનું કાવ્યશાસ્ત્ર જાણવા માટે એક પાયારૂપ સંજ્ઞા ‘minimalism’નો અર્થ સમજવો જરૂરી છે:

‘Minimalism is a tool that can assist you in finding freedom. Freedom from fear, freedom form worry, freedom from overwhelm, freedom from guilt, freedom from depression, freedom from the trappings of the consumer culture we’ve built our lives around. Real freedom.

‘મિનીમાલિઝમ (અલ્પપરિમાણવાદ, અલ્પતાવાદ) એક એવું સાધન છે જે તમને સ્વતંત્રતાની શોધ કરવામાં સહાયક બને છે. ભયથી સ્વતંત્રતા કે મુક્તિ. ચિંતાથી મુક્તિ. દબાવથી મુક્ત. અપરાધભાવથી મુક્તિ. નિરાશાથી મુક્તિ. આપણે આપણું દૈનિક જીવન જેને આધારે ઘડ્યું છે તે બજારવાદની સંસ્કૃતિના સકંજાથી મુક્તિ.ખરીં મુક્તિ.

પ્રસ્તુત સંપાદનગ્રંથમાં ખાસ કરીને અનુઆધુનિક ટૂંકીવાર્તાની સ્વરૂપગત વિચારણા ચોથા પ્રકરણમાં વિસ્તારથી ચાર લેખોમાં થઈ છે. તેમાં ખાસ કરીને ડોનાલ્ડની બાર્થેલ્મની વાર્તાઓની વિચારણા અગત્યની છે.

અનુઆધુનિક ટૂંકીવાર્તા વિષયવસ્તુ અને રચનારીતિ બાબતે એકપંથી નહિ પણ અનેકપંથી છે તેનું કારણ છે વાર્તાકારની પોતાની જીવનભાવના અને સાહિત્યભાવનાને અનુસરવાનો કલાકીય સંકલ્પ. તેથી દેશીવાદ કે અનુસંસ્થાનવાદી વિભાવનાને અનુસરતી વાર્તાઓની એક નૂતન પરંપરા બની છે. તો અનુકારક(mimetic) કથાસાહિત્યની વિભાવનાથી મુક્ત એવી વાર્તાઓ સાતત્યભંગ, ક્ષણભંગુરતા, છીછરાપણું (જીવનસંદર્ભે), આંતરકૃતિત્વ અને સાંસ્કૃતિક ખંડિતતાનો પરિચય આપે છે. અર્થ નિષ્પન્ન કરવાની પરંપરાગત પદ્ધતિઓનો અંત લાવી દે છે. તેમાં ખાસ કરીને કોલાજની પ્રયુક્તિનો હેતુ અનુકારક કાવ્યશાસ્ત્ર સામે પડકારો ઊભા કરવાનો છે. યાદચ્છિકતા, ખુલ્લી વ્યવસ્થા જે નિશ્ચિત સીમાઓને તોડી નાખે છે. આ વાર્તાઓની ઓળખ માટે ત્રણ સંજ્ઞાઓ છે: Rhizomatic, intertexual અને anti-mimetic. તેમાંથી Rhizomaitc સંજ્ઞા થોડી નવી છે.

Rhizomaitc = A horizontal, usually under grounded stem that often sends out roots and shoots from its nodes. (જમીનની અંદર પેટાળમાં ઊંડે ઊગેલું એવું ઝાડ કે જે વારંવાર તેનાં મૂળ, અંકુરો બહાર ધકેલે છે.)

અનુઆધુનિક ટૂંકીવાર્તા દર્શનની કટોકટીને નિરૂપે છે. જેમાં આત્મલક્ષિતાનો અસ્ત જોવા મળે છે.

પરંપરાગત, આધુનિક અને અનુઆધુનિક એમ ત્રણ તબક્કાની ટૂંકીવાર્તાની સ્વરૂપગત વ્યાવર્તકતા વર્ણવતો આ આલેખ ખરી રીતે તો વાર્તાસર્જનની સમૃદ્ધિ દર્શાવે છે.

છેલ્લે સમાપનમાં નોંધું કે એકવીસમી સદીનું મનુષ્યજીવન બહુરંગી અને બહુપરિમાણી છે. આપણા વાર્તાકારોએ આ અનુઆધુનિક જીવનસંદર્ભના બહુરંગી અને બહુપરિમાણી સ્વરૂપને ટૂંકીવાર્તા વડે મૂર્ત કર્યું છે. પરંતુ એમની વાર્તાઓની સ્વરૂપવિચારણા હજુ થઈ નથી. તેથી આપણી અનુઆધુનિક વાર્તાનું કાવ્યશાસ્ત્ર રચે એવા સિદ્ધાન્તકારની પ્રતીક્ષા છે.

*

જયેશ ભોગાયતા

વિવેચક.

ગુજરાતીના પૂર્વ-અધ્યાપક,

મ. સ. યુનિવર્સિટી, વડોદરા.

વડોદરા.

tathapi2005@yahoo.com

98240 53272

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.