નાયકકેન્દ્રી કુટુંબકથાનું અસરકારક આલેખન – બિપીન પટેલ

Family Life – Akhil Sharma

Hemish Hemilton, Imprint of Penguine Books, 2014

ભારતીય અમેરિકી લેખક અખિલ શર્મા (જ.1971) અમેરિકામાં સર્જનાત્મક સાહિત્યના અધ્યાપક છે. વર્ષ 2001માં એમણે ‘એન ઓબિડિયન્ટ ફાધર’ નવલકથા લખી જેને હેમિંગ્વે સાથે જોડાયેલું ઇનામ મળ્યું હતું . એમણે વાર્તાઓ પણ લખી છે.

‘ફેમિલી લાઇફ’’(કુટુંબની વાત’) એમની બીજી નવલકથા છે.’ ન્યુયોર્ક ટાઇમ્સ’ સહિત તમામ સમીક્ષકોએ અને લેખકે પોતે નોંધ્યું છે તેમ આ અર્ધ-આત્મકથનાત્મક નવલકથા છે. અંગત જીવનમાં બનેલા બનાવોને કથાસાહિત્યમાં તદ્દન બિનંગત થઈને ઢાળવા એ કોઈ પણ લેખક માટે પડકાર બની રહે. એમણે એક મુલાકાતમાં કહ્યું છે તેમ, નવલકથા લખવી શરૂ કરી ત્યારે હું જુદી જ વ્યકિત બની ગયો અને તેથી જ મને લાગે છે યુવાનીનાં બહુમૂલ્ય વર્ષો છિન્નભિન્ન થયાં છે. એમના જીવનમાં બનેલી દુર્ઘટનાથી તેમના સહિત માતા-પિતાની જિંદગી જે રીતે તબાહ થઈ ગઈ હતી તેને નવલકથાબદ્ધ કરવામાં તેમણે 12 વર્ષ લગી જહેમત કરી છે અને માનસિક તાણ અનુભવી છે. એમની આ નવલકથાને 2015ના વર્ષનો ‘ફોલિયો પુરસ્કાર’ તથા 2016માં ‘આંતરરાષ્ટ્રીય ડબ્લીન પુરસ્કાર’ મળ્યો છે.

અખિલ શર્મા અમેરિકાનિવાસી ભારતીય છે પરંતુ એમની આ નવલકથામાં વતનરાગ કે કોઈક મનપસંદ પાત્ર માટેનો રાગ નથી જોવા મળતો. અમેરિકા જઈને સમૃદ્ધ થવાનાં સપનાં જોતું કુટુંબ રાજીન્દર મિશ્રા, પત્ની શુબા અને પુત્રો બીરજુ અને અજય દિલ્હીથી અમેરિકા પહોંચે ત્યારે કેવી સંઘર્ષપૂર્ણ જિંદગી જીવે છે તેની કથા છે.

બે દીકરાઓમાં મોટો બીરજુ વધારે પ્રતિભાશાળી છે તેથી માને વધારે ગમે છે. નાનાભાઈ, કથાનાયક અજયને ટી.વી. અને એમાં દેખાતી સુંદર સ્ત્રીઓ ગમી જાય છે. પિતા કરતાં એનું સપનું જુદું છે:

‘I decided that I was married, I would be very serious and any silence would lead to misunderstanding between me and my wife. we would have a fight and later make up and kiss. she would be wearing a blue swimm suit as we kissed. ‘(મેં નક્કી કર્યું કે મારાં લગ્ન થશે, પછી હું ગંભીર થઈ જઈશ અને મારા મૌનથી પત્ની સાથે ગેરસમજ ઊભી થશે. પછી અમે બંને ઝઘડીશું ને સમાધાન થતાં ચુંબન કરીશું. હું જયારે એને ચૂમીશ ત્યારે એણે વાદળી રંગનો સ્વીમસ્યુટ પહેર્યો હશે.) અજય એના ભાઈથી સાવ જુદો છે, કલ્પનાશીલ છે. એ જુએ છે કે એનો ભાઈ અભ્યાસમાં ઝળકી ઊઠે છે.

અમેરિકામાં અજયને મજા પડે છે. એ પુસ્તકોની દુનિયામાં ડૂબી જાય છે. એક દિવસ બીરજુને અમેરિકાની પ્રતિષ્ઠિત ‘બ્રોન્ક્સ હાઈસ્કૂલ ઓફ સાયન્સ’માં એડમિશન મળે છે. તે પછી તરત સ્નાનાગારમાં ડૂબકી મારતાં બીરજુને માથામાં ઈજા થાય છે. અજયનો તરતનો પ્રતિભાવ બાળસહજ અને માનવસહજ છે: ‘I wonder whether Birju had stepped on a nail. I wondered if he was dead. This last one was thriiling. If he was dead, I would get to be the only son….. I imagined Birju getting to be in the hospital while I had just another ordinary day.’ (મને થયું કે બીરજુએ કોફીન ભણી ડગ માંડયાં કે શું? મને તો એમ પણ થયું કે એ મરી ગયો હશે. હું રોમાંચિત થયો. એ મરી ગયો હોય તો પછી હું એક જ દીકરો. મને વિચાર આવ્યો કે બીરજુ જ્યારે હોસ્પિટલના બિછાને પડ્યો હશે ત્યારે રોજની જેમ મારો બીજો દિવસ ઉગશે.)

અજયના મનમાં જાગેલો ભાવપલટો સરસ રીતે મુકાયો છે.

બીરજુ હોસ્પિટલમાંથી તરત ઘેર ન આવ્યો. એને માથામાં થયેલી ઈજા ગંભીર હતી. એ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો હતો.

બીરજુના અકસ્માતે કુટુંબ પર મોટો આઘાત સર્જ્યો. સમૃદ્ધિ, મુક્તિ અને સુખનું સપનું સંજોગની એક ફૂંકમાં અદૃશ્ય થઇ જાય છે. હોસ્પિટલના ફેરા, આર્થિક ખેંચ, વકીલો અને વીમા કંપનીઓ સાથે સંઘર્ષને કારણે રાજીન્દર દારૂમાં આશરો શોધે છે અને અંતે નશાખોર થઈ જાય છે. આથી કારણ વગર પત્ની સાથે ઝઘડ્યા કરે છે. શુબા ઘરની સંભાળ, બીરજુની કાળજી, નાના અજયના શિક્ષણની ચિંતા, ભારતીય પડોશીઓની સલાહો અને ચિત્રવિચિત્ર નુસખા, અને પતિની નશાખોરી છુપાવવાની મથામણ – એમ અનેક મોરચે લડતાં લડતાં કંતાઈ જાય છે. સીધી સાદી સ્ત્રી, બીરજુ એક દિવસ તો સાજો થશે એવી શ્રદ્ધાથી લોકોના નુસખા અને ધર્મમાં શરણ શોધે છે.

નવલકથાનો કથક અજય કેન્દ્રમાં છે. બાકીનાં બધાં પાત્રો એની નજરે જ જોવાયાં છે.

ભારત કરતાં અમેરિકાની સુખ સગવડો, સમૃદ્ધિ અજયને ચકિત કરતાં રહે છે. પણ જાદુઈ અમેરિકાને માણતા અજયની જિંદગી બીરજુના અકસ્માત પછી બદલાઈ જાય છે. બીરજુની સારવાર કરવામાં મદદ કરતાં કરતાં, બીરજુ બધું સમજતો હોય, બોલતો પણ હોય તેમ તેની સાથે સતત સંવાદ કર્યા કરે છે. એનાં માતાપિતાની જેમ એની જિંદગી પર પણ માત્ર આંખોથી બોલતા ભાઈનો ઓળો પથરાયેલો રહે છે.

અજય આ દુર્ઘટનાનો કેવી રીતે મુકાબલો કરે છે? દિવાસ્વપ્ન જુએ છે, ભગવાન સાથે વાતો કરે છે. એ અમેરિકામાં છે તેથી ક્લાર્ક કેન્ટ જેવું ભૂખરા રંગનું કારડીગન પહેરેલા ભગવાન એને ટૂંકો ઉપદેશ આપે છે. વાંચતાં વાંચતાં એને હેમિંગ્વેની કૃતિઓમાં રસ પડે છે. એમની જ શૈલીમાં બીરજુની ઘટનાની વારતા શક્ય તેટલા તાટસ્થ્યથી તે લખે છે. સ્કૂલમાં છોકરીઓને પ્રેમનું નિવેદન કરે છે. પહેલી બે વાર નિષ્ફળ જાય છે. છેવટે મીનાક્ષીનો પ્રેમ પામે છે. મીનાક્ષી મળતાં એની દુનિયા બદલાઈ જાય છે. માની સાથે એ પણ પડોશીઓ અને સંબંધીઓ દ્વારા બીરજુ માટે દર્શાવાતા ભાવનું ખોખલાપણું અનુભવે છે. આમ દેખીતી રીતે એવું લાગે કે વ્યક્તિગત બનતી કોઈ પણ ઘટના-દુર્ઘટના સાથે નિસબત ન હોય તેમ દુનિયા પોતાની ચાલનાએ ચાલ્યા કરે છે તેમ અજય પણ નિજી જિંદગી જીવે છે. પરતું એના દેખીતા જીવાતા જીવન પર સતત બીરજુની વિવશતાનો બોજ પડ્યા કરે છે અને તેથી એ પોતે જીવતો છે એનો અપરાધભાવ અનુભવે છે. આમ માતા-પિતા સાથે અજયની જિંદગી પણ અ-સ્વાભાવિક ગતિએ ચાલે છે.

પરંતુ અજય એનાં માતા-પિતાની જેમ અટકી નથી જતો. સારી સ્કૂલમાં અને અમેરિકાની પ્રસિદ્ધ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ભણે છે. સારી નોકરી મળે એવા ગ્રેડ્સ લાવીને એના ભાઈને આપેલું વચન પાળે છે. ઘણા પૈસા કમાઈને માતા-પિતાને મોકલે છે. નવલકથાને અંતે, મૂડીવાદી અમેરિકામાં ગોઠવાયેલો નાયક બહુ ન ગમે તેવી જાડી સ્ત્રી સાથે સંબંધ બાંધે છે અને નીરસ જીવનનો બોજ વહન કરે છે. અંતના કેટલાક અંશ જોઈએ:

For about seven years I did not date in any sort of regular way. The stress of work was enormous that I lost my temper easily. If I had dinner with a woman at a restaurant and she went to the bathroom, I became panicked. I felt that I had almost no time and the little I had was being wasted…

(લગભગ સાત વર્ષ સુધી નિયમિત મળતાં રહીએ તેમ કોઈ પણ સ્ત્રીને ડેટ ન કરી. કામનું ભારણ એટલું બધું હતું કે સહેજમાં હું ગુસ્સે થતો. કોઈ સ્ત્રી સાથે ડીનર માટે જતો ત્યારે ડીનર વખતે એ સ્ત્રી બાથરૂમ જતી તો પણ અકળાઈ ઊઠતો. મને થતું કે મારી પાસે શ્વાસ લેવાનો સમય નથી ને આ બાઈ સમય બગાડી રહી છે…)

પછી એ કહે છે, હું જાણતો પણ ન હોઉં તેવી સ્ત્રીનો વિચાર આવતાં ઉશ્કેરાઈ જતો… હેમા વકીલ હતી. ભારતીય યુવા પ્રોફેશનલ્સના મેળાવડામાં એને મળ્યો હતો. એ સહેજ નીચી અને જાડી હતી. એના નિતંબ ભરાવદાર હતા અને એ મ્યુઝિયમમાં મૂકેલી પ્રજનનની દેવીના માટીના પૂતળા જેવી દેખાતી હતી. હવે મને સમજાઈ ગયું હતું કે અમારા સમયમાં જોવા મળતી સ્ત્રીઓ મને ગમતી અને એમને જોઈને હું ઉશ્કેરાઈ જતો.

હું હેમાને બરાબર જાણતો ન હતો, પણ હું એને મેક્સિકોના એક રીસોર્ટમાં લઇ ગયો… મેં હેમાને જોઈ અને સ્વિમિંગ પુલની એક બાજુ ઊભા રહી હાથ હલાવી એનું ધ્યાન દોર્યું. તે તરતી તરતી મારી તરફ આવી… એનો દેહ મજબૂત ને માંસલ હતો. એ મારા તરફ નમી. ‘મને દારૂ ચડ્યો લાગે છે’ (I am tipsy.) એ અર્ધી ઘેનમાં બબડી. એની કીકી પહોળી થઈ ગઈ હતી. હું એને નજીકના ટેબલ તરફ ખેંચી ગયો. એણે બધો ભાર મારી પર નાખ્યો હતો. એ ઘેરાતા આકાશને તાકી રહી, એની ચળકતી આંખો વિસ્ફારિત હતી. એ સુંદર દેખાતી હતી. મને સુખનો અનુભવ થયો. બધું બરાબર ગોઠવાઈ ગયું છે એવો ન માની શકાય તેવો ભાવ જાગ્યો. હું પાછો દૂર ગયો.

છેલ્લાં રહેલાં છોકરાં પુલમાંથી બહાર નીકળી રહ્યાં હતાં. લોકો હસતાં હતાં. થોડે દૂર એક માણસ અને એનું કુટુંબ દરિયા કિનારેથી પાછાં આવી રહ્યાં હતાં. ઠંડા પવનમાં ભમરા ઉડતા હતા. મને એકસાથે અવસાદ, ખુશી અને સંતોષ થયાં. સૂરજ ડૂબી રહ્યો હતો. પવન ફૂંકાવા માંડ્યો. પામનાં વૃક્ષોનાં પાંદડાં ખુશીમાં ઝૂમી ઊઠ્યાં. મારા ખભા નીચે હેમાના શરીરનો ભાર જણાતો હતો. મને અપાર આનંદ થયો. દૂર દૂર દરિયાકિનારો, ઓટમાં કપાતાં મોજાં અને પાણીમાં ડૂબકી મારતાં નાનાં દરિયાઈ જહાજ (seaplane) દેખાતાં હતાં. સુખનો ભાર લાગતો હતો. મને ત્યારે જ ખબર પડી કે સમસ્યા મને ઘેરી વળી છે.’

સાદા સીધા પણ અર્થગર્ભ ગદ્યમાં નવલકથા પૂરી થાય છે. આવું જ સઘન ગદ્ય આખી નવલકથામાં પ્રયોજાયું છે. ટૂંકી વારતાની જેમ વાક્યે વાક્યે સંકેતો જોવા મળે છે.

અંતનાં જ વાક્યો ઉકેલીએ તો અજયનો ભાઈ બીરજુ સ્નાનાગારમાં ડૂબેલો, ત્યાર પછી એના શરીરનો ભાર, અવસાદમાં ફેરવાતો બીરજુના અકસ્માતનો ઓળો ક્રમશ: આખા કુટુંબને વીંટળાઈ વળે છે. તે જ રીતે સારી નોકરી મળતાં સમૃદ્ધ થયેલો અજય, અમેરિકાની ઝાકઝમાળને માણતો અજય, સરસ દેહાકૃતિ ધરાવતી મીનાક્ષીને ગુમાવી ચૂકેલો અજય સ્ત્રીની ઝંખનામાં જાડી, થોડી બેડોળ હેમાનો ભાર અને કેડો ન મૂકતો બીજો ભાર પણ સહે છે. આમ ખુશી અને અવસાદ માત્ર અજય નહીં પણ આખા કુટુંબ માટે આવી પડેલો સૌને છિન્ન કરતો વાસ્તવ બની રહે છે.

અન્ય વાત એ છે કે સુખની શોધમાં ભારતથી અમેરિકાની સ્થળાંતરકથા જ નહીં પણ સરળ ને સરસ જિંદગી બસર કરતા કુટુંબની દુ:ખના અજાણ પ્રદેશમાં ઘસડાઈ જવાની સ્થિત્યંતરકથા પણ બની રહે છે.

આમ અખિલ શર્માએ કુટુંબવ્યવસ્થાને એનાં તમામ પાસાં સંદર્ભે ઉપરતળે કરી છે. છેવટે દરેક પાત્ર એકલું પડી જાય છે તેથી એકલતાની પીડાની નવલકથા પણ એ બની રહે છે.

આ નવલકથાનો કથક બાળક છે. અખિલ શર્માને મતે જ્યારે કથનની પ્રયુક્તિ તરીકે બાળકથકને ખપમાં લો ત્યારે કૅમેરાની જેમ એ તાકી રહે. ઘટનાના ઊંડાણમાં કથક જઈ શકતો નથી પણ વાચકને એવી મોકળાશ રહે છે. એમણે વિવિધ નવલકથાઓ જેવી કે વર્ષ 2001નું નોબેલ પારિતોષિક મેળવનાર નાયપોલ (જન્મ. 17 ઓગસ્ટ, 1932)ની ‘હાઉસ ઓફ મિ. બિસ્વાસ’ કે ઓસ્ટ્રેલીયન જ્યુઈશ નવલકથાકાર જોસેફ રોથ (1894–1969)ની ‘Radetzky March’ની કથનરીતિ અપનાવવાનું વિચારી જોયું. વચ્ચેના ગાળામાં માર્સલ પ્રુસ્ત (1871–1922)ની નવલકથા ‘Remembrance of Things past’ પણ એનાં સ્મૃતિસાહચર્યોની પદ્ધતિ માટે વિચારી જોઈ. છેવટે અખિલ શર્માનું મન ચેખવ (1860–1904)ની કથનકલામાં ઠર્યું કે જેમાં ઘટનાની ચોંકાવનારી રજૂઆતને બદલે એ ઘટના ઘટી રહી હતી ત્યારે આસપાસના, આજુબાજુના વાતાવરણને પ્રકાશ, ગંધ અને સ્પર્શથી આત્મસાત કરવાની એમની કુનેહ અખિલ શર્માને કામ આવી. આમ ઘટનાઓનો ઘટાટોપ ઓગાળીને એક આછા કથાતંતુને આ રીતે વ્યકત કરી શક્યા.

અંતે બીરજુના અકસ્માત સાથે કુટુંબનો મૂળ એજન્ડા જ બદલાઈ ગયો હોય તેમ સંઘર્ષ કરતા કુટુંબના કારુણ્યનું હાસ્ય દ્વારા નિરૂપણ કર્યું છે. હાસ્ય દ્વારા કરુણની નિષ્પત્તિ નવલકથાનો મુખ્ય ભાવ બની રહે છે. અખિલ શર્માએ પણ એક મુલાકાતમાં કહ્યું છે કે,’ મારે મન જીવન પૂર્ણ હાસ્ય અને પૂર્ણ આનંદથી ભરેલું છે.’ વળી આ હાસ્ય પણ ત્રણેય પાત્રો અને એમના અન્ય લોકો સાથેના વ્યવહારની રોજબરોજની ઘટનાઓ જેવી કે બીરજુનું પ્રતિભાશાળી હોવું, અજયનું પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ભણવું, રાજીન્દર મિશ્રાની નશાખોરી, ધાર્મિક મેળાવડા દરમિયાન થતા સંવાદમાંથી ઊભરી આવે છે. હાસ્યના એક બે નમૂના જોઈએ:

‘Mother viewed gloom as unpatriotic’ (નિરાશાને મા રાષ્ટ્રદ્રોહ ગણતી)

અજય ભગવાન સાથે વાતો કરે છે:

‘How famous I will be?’ I finally asked.

‘I can not tell you the future’ God said.

‘Why not?’

Even if I told you something, I might change my mind. ‘(હું કેટલો પ્રખ્યાત થઈશ?’ મેં ભગવાનને પૂછ્યું. ‘હું ભવિષ્ય ન કહી શકું.’ ભગવાને જવાબ આપ્યો. ‘કેમ?’ ‘મેં તને કંઈક કહ્યું હોય ને મારું મન બદલાય તો?’)

પંડિતો આધ્યાત્મિક નહીં પણ કાગળો પર સ્ટેમ્પ મારતા ભ્રષ્ટ કલાર્કની જેમ વિધિવિધાન કરતા એજન્ટ જેવા છે એવી વાત જ્યારે અજય કરે છે ત્યારે મા શુબા કહે છે: ‘Nobody has ever seen the back side of pandit’s hand’ ‘(કોઈએ પંડિતની હથેળીનો ઉપરનો ભાગ ક્યારેય નહીં જોયો હોય’)

બીરજુની ખબર પૂછવા એક ગણિતજ્ઞ આવ્યા હતા. એ હિન્દીના ધર્મગ્રંથોની વાત કરે છે ત્યારે: ‘He chuckled as he spoke, as if he were surprised by his own intelligence’ ‘(પોતાની બુદ્ધિ માટે અચરજ પામતા હોય તેમ એ હરખથી હસતાંહસતાં વાત કરતા હતા.’)

આમ હાસ્યસભર, ચુસ્ત ગદ્યમાં લખાયેલી, મિશ્રા કુટુંબ પર સંયોગવશ આવી પડતી, કુટુંબને વેરવિખેર કરી દેતી નવલકથા unputdownable – હાથમાંથી નીચે મૂકવાનું મન ન થાય તેવી સરસ છે.

*

બિપીન પટેલ

વાર્તાકાર.

પૂર્વ-સરકારી અધિકારી, ગાંધીનગર.

અમદાવાદ.

bipinthereader@gmail

99252 13941

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.