‘સ્વ’-નું સંગીત અને સત્તાનો ઘોંઘાટ – ભક્તિ વૈષ્ણવ

The Noise of Time – Julian Barnes

Penguine Random house, London, 2010

 

Russia, my cherished mother,

She doesn’t take anything by force;

She only takes things willingly surrendered

While holding a knife to your throat.

(Turgnev, quoted from Barnes, 70)

(રશિયા, મારી વ્હાલી માતા,/જે કશું બળજબરીપૂર્વક લેતી નથી;/તે માત્ર ઇચ્છાપૂર્વક સમપિર્ત કરો એ જ લે છે – જ્યારે તે તમારી ડોક પર ચાકુ મૂકે છે.)

‘What could be put up against the noise of time? Only the music inside ourselves – the music of our being – which is transformed by some real music. Which, over the decades, if it is strong and true and pure enough to drown the noise of time, is transformed into the whisper of history. ‘ (Barnes, 125)

(સમયના ઘોંઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે. આપણા અસ્તિત્વનું સંગીત – જે કોઈ ખરા સંગીતથી જ રૂપાંતરિત થાય છે, જે સૈકાઓ બાદ, જો એ શક્તિમંત, સાચું અને શુદ્ધ હશે તો એ સમયના ઘોંઘાટને ડુબાડી દે છે અને એ ઘોંઘાટને ઇતિહાસના ક્ષીણ અવાજમાં પલટી દે છે.)

0

ઇતિહાસ, ખાસ કરીને બાજુએ ખસેડલો(માર્જીનલાઇઝ્ડ) ઇતિહાસ, ઐતિહાસિક-રાજકીય ઉથલ-પાથલ અને વિશ્વનું નવનિર્માણ કરતી ઐતિહાસિક ઘટનાઓ દરમ્યાન વ્યક્તિગત ઇતિહાસ – આ વિષયો સમકાલીન અંગ્રેજી સાહિત્યકારો જેવા કે અમિતાવ ઘોષ, માઈકલ આંદાન્તજે અને જુલીયન બાર્ન્સ દ્વારા આલેખવામાં આવી રહ્યા છે.

જુલીયન બાર્ન્સની પ્રસિદ્ધ નવલકથા ‘એ સેન્સ ઓફ એન્ડીંગ’ને 2011નું બુકર પ્રાઇઝ એનાયત થયું છે. આ ઉપરાંત ‘લેવલ્સ ઓફ લાઇફ’, ‘એ હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ ઇન 10.1/2 ચેપ્ટર્સ, ‘કિપીંગ એન આઇ ઓપન’ અને ‘પલ્સ’ પણ તેમની સુપ્રસિદ્ધ કૃતિઓ છે. જાન્યુઆરી 2016માં પ્રકાશિત ‘નોઇઝ ઓફ ટાઇમ’ (સમયનો ઘોંઘાટ) એ દિમીત્રી શોષ્ટકોવિચનું કાલ્પનિક જીવનચરિત્ર છે. બાર્ન્સ આ લઘુનવલકથા દ્વારા સુપ્રસિદ્ધ સંગીતકાર શોષ્ટકોવિચના જીવનના કપરા સમયનું તાદૃશ વર્ણન કરે છે. સ્ટાલીન-શાસિત સોવિયત રશિયામાં બદલાયેલામાપદંડોના વાવાઝોડામાં સપડાયેલા શોષ્ટકોવિચની મૂલ્યચિંતા, એક કલાકાર તરીકેનો સંઘર્ષ, એમની ગૂંગળામણ અને જીવિત રહેવા માટે કરવાં પડેલાં સમાધાનો આ નવલકથાનાં મુખ્ય પાસાં છે. જુલિયન બાર્ન્સ આ નવલકથાને Clash of Art & Power (કલા અને સત્તા વચ્ચેની અથડામણ) ગણાવે છે.

નવલકથા શરૂ થતાં પહેલાં એક પ્રસંગનું નિરૂપણ છે જેમાં વિશ્વયુદ્ધના સંકજામાં ઘેરાયેલા રશિયન રેલવે સ્ટેશનનું વર્ણન છે. આ વર્ણન ભૌગોલિક વિગતો ઉપરાંત ઉપસ્થિત પાત્રોની મનસ્થિતિને લીધે વેધક છે. ત્રણેય પાત્રો અનાયાસે ભેગાં થાય છે. એમાંનો એક ચશ્માંવાળો મુસાફર વોડકાની બોટલ અને ત્રણ ગ્લાસ કાઢે છે અને બે મુસાફરો અને ભિખારી વોડકા પીએ છે. ચશ્માધારી યુવાન મુસાફર કંઈક બોલે છે અને બીજો મુસાફર તેના પર થોડું હસે છે. પ્રસ્તાવના સમાન આ પ્રસંગ નીચેના વાક્ય સાથે પૂરો થાય છે:

The one who heard had almost forgotten what he had said. But the one who remembered was only at the start of his remembering (Barnes, 3)

(જેણે સાંભળ્યું તે આ વાત ભૂલી ગયો. પરંતુ જેને યાદ રહ્યું તે હજુ એેની લાંબી યાદોના આરંભબિંદુ પર હતો.)

નવલકથાની શરૂઆત થાય છે 1936માં શોષ્ટકોવિચના ઘરની બહાર લિફ્ટ પાસે, જ્યાં ભયભીત માનસિક સ્થિતિમાં શોષ્ટકોવિચ એક સૂટકેસ સાથે તૈયાર રહીને પોતાની ધરપકડ થવાની ભીતિમાં તૈયાર ઊભા રહી પોતાના જીવનની સ્મૃતિઓ, આવી પડેલ આપદા અને આપદા માટે કારણભૂત પરિબળો વિષે મનન કરે છે. લિફ્ટ પાસે ઊભેલા સંગીતકારની ખંડિત મનોદશામાં તેમના જીવનની સારી અને ખરાબ યાદોનું ઘોડાપૂર ચાલે છે, નાયક પોતાના ઘરની બહાર આવી ભયભીત મનોદશામાં અનેક રાતો ગાળે છે તે સ્ટાલિનશાસિત રશિયાની વાસ્તવિકતાનું નિરૂપણ છે. એ સમય દરમ્યાન જે નાગરિક સ્ટાલિન અને તેમના સાથીદારોની રહેમ નજરથી ઊતરી ગયો હોય અથવા તો જે નાગરિક દ્વારા સ્ટાલીન અને તેમના ખુશામતખોરોને કોઈપણ જાતની શંકાનું/અસલામતીનું કારણ મળ્યું હોય, તેવા નાગરિકોને જીવનું જોખમ રહેતું. આપણી નવલકથાના નાયકને પણ એ જ ભીતિ છે અને તેમની પત્ની નીતા અને બાળકી ગાયલાને આ દુ:ખદ ઘટનાનાં સાક્ષી બનવું ન પડે તેવી ભાવનાથી તેઓ ઘરની બહાર જ ઊભા રહે છે. નાયકના ભય માટે બે કારણો છે. (1) શોષ્ટકોવિચ-રચિત ઓપેરા ‘લેડી મેકબેથ ઓફ મટસેન્ક’ પર ‘પ્રાવદા’ (સ્ટાલીનની દેખરેખ હેઠળ પ્રકાશિત એક સામાયિક)માં પ્રકાશિત જલદ અને વખોડતો લેખ અને (ર) માર્શલ તુખચેવ્સ્કી સાથે શોન્ટાકોવિચની મિત્રતા. આ માર્શલ તુખચેવ્સ્કીને એન. કે. વી. ડી. દ્વારા ઈ.સ. 1937માં મિલિટરી પર્જના નામે સ્ટાલીનની હત્યાના કાવતરા માટે દોષિત ઠરાવી ગોળી મારીને ઠાર કરવામાં આવ્યા હતા. નવલકથા સંપૂર્ણપણે ઐતિહાસિક તથ્યોને અને ઘટનાક્રમને તાદૃશ રજૂ કરે છે. રશિયામાં સામ્યવાદનો ઉદય અને સામ્યવાદના નામે સ્ટાલીનવાદની સરમુખત્યારશાહીના દમનકારી સંકજામાં ફસાયેલા શોષ્ટકોવિચના જીવનના ત્રણ મુખ્ય પ્રસંગો આ નવલક્થાનું ફલક છે: 1) ઈ.સ. 1936માં શોષ્ટાકોવિચના સંગીતની સત્તાધીશોપ્રેરિત અવહેલના અને અપમાન, શોષ્ટકોવિચની માનસિક, વૈયક્તિક અને સંગીતકાર તરીકેની દુર્દશા અને શોષ્ટકોવિચનું પરિસ્થિતિ-અનુસાર વર્તન પણ એક કલાકારની પોતાની કલા પરત્વેની તેમની દૃઢ પ્રતિબદ્ધતા. 2) શોષ્ટકોવિચનો ઈ.સ. 1949નો અમેરિકાનો પ્રવાસ અને ત્યાં તેમણે કરલું ભાષણ. શોષ્ટકોવિચના જીવનનો આ બીજો અને વધુ અપમાનજનક પ્રસંગ હતો. આ પ્રવાસમાં સ્ટાલીન દ્વારા કલાકારોનું એક પ્રતિનિધિમંડળ મોકલવામાં આવ્યું હતું. આ મંડળમાં શોષ્ટકોવિચને બળજબરીપૂર્વક ધકેલવામાં આવ્યા હતા. પરંતુ સૌથી અપમાનજનક બાબત એ હતી કે, તેમને રશિયન કલા અને સંગીત અને વૈશ્વિક સંગીતની સમીક્ષા પર એક ભાષણ લખીને અપાયું હતું. આ ભાષણમાં રજૂ થયેલા વિચારો સાથે તેઓ સૈદ્ધાંતિક રીતે સદંતર અસહમત હતા. પરંતુ વિશ્વસમક્ષ એ ભાષણ બળજબરીપૂર્વક તેમની પાસે કરાવવામાં આવ્યું હતું. આ ભાષણને લીધે શોષ્ટકોવિચની વિશ્વસ્તરે સમકાલીન કલાકારો દ્વારા ઘણી આલોચના થઈ હતી. 3) સ્ટાલીનના મૃત્યુ બાદ આવેલા નિકિતા ખૃશ્ચેવ હેઠળના શાસન દરમ્યાન ઈ.સ. 1960માં શોષ્ટકોવિચ પર રાજકીય દબાણ, જેના પરિણામે શોષ્ટકોવિચને કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવાની ફરજ પડી.

નવલકથા ઉપર જણાવ્યા મુજબના ત્રણ પ્રસંગોને અનુક્રમે (1) ઓન ધ લેન્ડીંગ (ર) ઓન ધ પ્લેન અને (3) ઇન ધ કાર – એમ ત્રણ પ્રકરણોમાં રજૂ કરે છે. સમગ્ર નવલકથા જેને સ્ટ્રીમ ઓફ કોન્શીયસનેસ શૈલી ગણવામાં આવે છે તેવી અવિરત, ક્યારેક અસંગત એવી શોષ્ટકોવિચની મનસ્થિતિને વાચા આપતી શૈલીમાં રજૂ કરવામાં આવી છે. નવલકથા હકીકતો અને કાલ્પનિકતાનો સમન્વય રસાળ અને કાવ્યાત્મક શૈલીમાં કરે છે. સત્તાસમક્ષ એક કલાકારની લાચારી, વ્યક્તિગત સંઘર્ષ અને ટકી રહેવા માટેનાં સમાધાનોનું વર્ણન બાર્ન્સ અતિ સૂક્ષ્મ રીતે કરે છે. શરૂઆતના પ્રકરણમાં શોષ્ટાકોવિચની બીગ હાઉસની પૂછતાછ સ્ટાલીનની નિર્મમ શાસનપદ્ધતિનું સચોટ ચિત્ર રજૂ કરે છે. સત્તા સાથેના કલાના આ સંઘર્ષના વર્ણન દ્વારા સામ્યવાદી સરમુખત્યારશાહીમાં પિસાતા એક કલાકારની મનસ્થિતિની સાથે સાથે સાંપ્રત રશિયન સમાજમાં પિસાતા અને કચડાયેલા અનેક નિર્દોષ નાગરિકોની દશા પણ જાણવા મળે છે. નવલકથા સ્ટાલીનવાદી વિચારસરણીને લીધે સમાજમાં વ્યાપક ગૂંગળામણ અને અસલામતીની ભાવનાને તાદૃશ રીતે રજૂ કરે છે. તે સમયે રશિયામાં કોઈપણ વ્યક્તિ કાવતરાખોર પુરવાર થાય તો તેની સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ રાતોરાત પૃથ્વી પરથી અદૃશ્ય થઈ જતી. તુખચેવ્સ્કીની ધરપકડ પછી શોષ્ટાકોવિચને જ્યારે બિગ હાઉસમાં ઉલટતપાસ માટે બોલાવવામાં આવે છે ત્યારે તે સમયના સત્તાના દમનકારી અને હઠાગ્રહી વલણને લેખક નીચે મુજબ વર્ણવે છે:

‘તેને પ્રતીત થયું કે તુખચેવ્સ્કી ચોક્કસ પકડાઈ ગયો હશે. અને આ તપાસ માત્ર શરૂઆત હતી, તેની નિર્દોષતા અપ્રસ્તુત હતી. તેના જવાબો પણ અપ્રસ્તુત હતા. જે નિર્ણય લેવાનો હતો તે લેવાઈ ગયો હતો. (what had been decided had been decided) તેમને જરૂર લાગશે તો તેઓ એવું પણ સાબિત કરશે કે જે કાવતરું તેમણે પકડી પાડ્યું હતું અથવા તો ઉપજાવી કાઢ્યુ હતું તેમાં દેશનો સૌથી વિખ્યાત – અલબત્ત, હમણાં કલંકિત – સંગીતકાર પણ સામેલ હતો.

લેનિન દ્વારા અપાયેલ સૂત્ર Art belongs to peopleના સંકુચિત અર્થઘટનને માપદંડ બનાવી શોષ્ટકોવિચના ઓપેરાને ‘પ્રાવદા’ સામયિકમાં Muddle Instead of Music (સંગીત નહીં પણ ડહોળાટ) તરીકે જલદ રીતે વખોડવામાં આવ્યું હતું. કલાકારનાં રાષ્ટ્ર પરત્વેનાં નિષ્ઠા અને પ્રેમ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકનાર આ લેખને લીધે શોષ્ટકોવિચની કારકિર્દીર્ અને ખ્યાતિ સંપૂર્ણપણે રોળાઈ ગયાં હતાં. તેમના મિત્રો અને હિતેચ્છુઓએ તેમને સ્ટાલીનની માફી માગવા માટે સલાહ આપી હતી અને લેડી મેકબેથ પરનું તેમનું ઓપેરા એમની યુવાવસ્થા અને કલા માટે કલાની ઘેલછાને પરિણામે થયેલી ગંભીર ભૂલ છે તેવું સ્વીકારવાની સલાહ પણ અપાઈ હતી. નવલકથાકાર આ સમયે શોષ્ટકોવિચના માનસમાં ચાલતા આક્રોશ અને દ્વંદ્વનું સુંદર નિરૂપણ કરે છે. છાપાં અને સામયિકોમાં તેમના સંગીતની સમીક્ષાઓ પરત્વે સદંતર ઉદાસ શોષ્ટકોવિચ હવે તેમના વિશે લખાતી તમામ સમીક્ષાઓની એક સંગ્રહપોથી બનાવે છે. આ સમયે તે વિચારે છે કે,

Now they were not just reviewing his music, but editorializing about his existence (39)

(હવે તે લોકો એના સંગીતની સમીક્ષા કરી રહ્યા નથી, પણ એના અસ્તિત્વની કાપકૂપ કરી રહ્યા છે.)

આ તબક્કા દરમ્યાન શોષ્ટકોવિચ પોતાનું મૌલિક ઓપેરા સંગીત મૂકી, ફિલ્મોમાં સંગીત આપવાનું શરૂ કરે છે. ‘ફોર્મલીઝમ’ની વિચારધારાને વિરામ આપવાનું યોગ્ય ઠરાવી તેમની ‘ફિફ્થ સિમ્ફની’ નામની રચનાને લોકો સમક્ષ મૂકવાનું મુલતવી રાખવામાં આવ્યું. આંતરિક રીતે ઝૂરતા નાયકનું નિરૂપણ વાચકને પણ હચમચાવી મૂકે તેવું છે અનાયાસે જ, જે સ્ટાલીન પેરેનોઈઆને લીધે સંગીતકારને જોખમ ઊભું થયું છે તે જ શાસનપદ્ધતિની કઢંગી અને બેહૂદી કાર્યશૈલીને લીધે જ સંગીતકાર ઊગરી જાય છે.

નવલકથા દ્વારા બાર્ન્સ શોષ્ટકોવિચના અમેરિકા-પ્રવાસને પરિણામે થયેલું જગવ્યાપી અપમાન અને તે ઘટના પાછળ ધરબાયેલું સત્તાનું વરવું સત્ય બહાર લાવે છે. આ પ્રવાસ દરમ્યાન શોષ્ટકોવિચને તેમની સંગીત-કાર્યશૈલીથી વિરુદ્ધ પ્રવચન આપવા મજબૂર કરવામાં આવ્યા હતા. નવલકથા ખૂબ જ બારીકાઈપૂર્વક સમગ્ર ઘટનાના વર્ણન દ્વારા આ મુજબના મુદ્દા રજૂ કરે છે:

(1) તત્કાલીન કલાકારો વચ્ચેનું શીતયુદ્ધ, કલાકારોની પરસ્પર પરત્વેની ઈર્ષ્યા. (2) કલા-સંક્રમણને નામે ચાલતી રાષ્ટપ્રેરિત રાજનીતિ. (3) લોકશાહી રાષ્ટ્રનું સામ્યવાદી વિચારસરણી પરત્વેનું શંકા-કુતૂહલ અને અમેરિકાને શ્રેષ્ઠ સાબિત કરવા માટેની પ્રતિબદ્ધતા.

કલા, વિચારસરણીઓ અને રાષ્ટ્રોના શીતયુદ્ધની વચ્ચે મહોરું બનેલા શોષ્ટકોવિચની પરિસ્થિતિને બહુ તલસ્પર્શી રીતે નીચે મુજબ રજૂ કરવામાં આવી છે.

આ એક પૂરેપૂરો ચુસ્ત ફાંસો હતો, ખાસ તો એટલે કે એના બન્ને ભાગો એકતરફી જોડાયેલા ન હતા – એક તરફ સામ્યવાદીઓ અને બીજી તરફ મૂડીવાદીઓ અને બન્ને વચ્ચે તે પોતે. અને આંજી નાખતા પ્રકાશવાળી લાંબી, કોઈ નુસખા માટેની, પરસાળમાં સતત ભાગતા રહેવા સિવાય બીજું કંઈ કરી શકાય એમ પણ ન હતું – જે પરસાળમાં સતત તેની સામે બારણાં ખૂલતાં જતાં હતાં ને પાછળનાં બંધ થતાં જતાં હતાં. (as a series of doors opened in front of him and closed immediately behind him. (Barnes. 67)

નવલકથા બીજા તત્કાલીન રશિયન સંગીતકારોની વાત પણ કરે છે. કપરા સમયે શોષ્ટકોવિચની પડખે ઊભા રહેલા મિત્રો અને સમય-અનુસાર પોતાની વિચારસરણી બદલી કલાના નામે ખુશામતખોરીના પ્રચારક બનેલા તિખોમ ખ્રેમ્નીકોવ વિષે પણ બાર્ન્સ પુરાવા સહિત રજૂઆત કરે છે. નિકોલસ નોબોકોવ સાથેની શોષ્ટકોવિચની ઐતિહાસિક મુલાકાત અને તેની પાછળ સી.આઈ.એ.નો દોરીસંચાર બાર્ન્સ બખૂબી રજૂ કરે છે. શોષ્ટકોવિચની તુલના તત્કાલીન રશિયન પણ અમેરિકામાં સ્થાયી થયેલ સંગીતકાર સ્ટ્રાવીન્સ્કી સાથે હંમેશાં થતી રહે છે. આ તુલનાને બહુઆયામી રીતે સમજી શકાય તે માટે બાર્ન્સ સામ્યવાદી વિચારસરણીમાં લાચાર શોષ્ટકોવિચનાં વિચારો અને મનોમંથન સુંદર રીતે પ્રસ્તુત કરે છે.

ખૃશ્ચેવના શાસન દરમ્યાન તેમના પર પાર્ટીમાં જોડાવા માટે ખૂબ દબાણ થાય છે. તેઓ જ્યારે તેમની ઇચ્છાવિરુદ્ધ પાર્ટીમાં જોડાય છે ત્યારે સુંદર વ્યંગ પોતાની પરિસ્થિતિ પર કરે છે અને કહે છે:

‘Life was the cat that dragged the parrot downstairs by its tail; his head banged against every step.’ (Barnes, 167)

(જિંદગી એવી હતી જાણે કે કોઈ બિલાડી પોતાની પૂંછડીથી પોપટને દાદર પરથી નીચે ઘસડી જતી હોય; એનું (નાયકનું) માથું દરેક પગથિયે અફડાતું જતું હતું.)

તથા –

Since he was already commiting moral suicide what would be the point of phyisical suicide? It wasn’t evena quistion of lacking the courage to buy and hide and swallow the pills. It was rather that now, at this juncture. He lacked even the self- respect that suicide required.’. (Barnes, 156).

(જ્યારે એણે નૈતિક આત્મહત્યા તો કરી જ લીધેલી છે, ત્યારે હવે શારીરિક આત્મહત્યાનો મતલબ જ શો? (ઝેરી) ગોળીઓ ખરીદવાની, છુપાવવાની ને ગળી જવા માટેની હિંમતનો સવાલ જ ન હતો. ખરું જોતાં, અત્યારે, આ મુકામ પર, એનામાં આત્મહત્યા કરવા માટે જરૂરી સ્વમાનનો જ અભાવ હતો.)

કલાનું સર્જન શેના માટે એ પ્રશ્ને પાશ્ચાત્ય સમાજમાં એક મોટો વિવાદ રહ્યો છે. ‘Art for Life’s sake’ અને ‘Art for art’s sake’ એ બે વિચારધારાઓને અનુસરતા અનેક સર્જકો વચ્ચે ચાલતો આ વિવાદ હજી સુધી વણઉકેલાયેલો છે. પરંતુ વિષમતા ત્યારે સર્જાય છે જ્યારે એક કલાકારની કલા અંગેની વિચારસરણીમાત્રથી તેને રાષ્ટ્રદ્રોહી પુરવાર કરવામાં આવે.

સત્તા સામેની સંપૂર્ણ લાચારી અને ગૂંગળામણને લીધી શોષ્ટકોવિચ અસ્તિત્વ, કલા અને રાજનીતિ એ વિષય પર ખૂબ મનન કરે છે તેઓ પોતાની જાતને કાયર માનવા લાગે છે. પરંતુ નવલકથાના અંતમાં કાયરતા બાબતે એક નવીન વિચાર પણ રજૂ કરવામાં આવ્યો છે. શોષ્ટકોવિચની વ્યંગાત્મક શૈલીને અનુરૂપ ભાષામાં બાર્ન્સ કહે છે:

But it was not easy being a coward. Being a hero was much easier than being a coward… But to be a coward was to embark on a career that lasted a lifetime. You couldn’t ever relax. (Barnes, 158)

(પરંતુ કાયર બનવું સહેલું ન હતું. એક વીર થવું કાયર બનવા કરતાં સહેલું હતું. કાયર બનવું એટલે એવી કારકિર્દી પસંદ કરવી કે જે જીવનભર ચાલ્યા જ કરે. તમને સહેજ પણ આરામ ન મળે.)

સંગીતકારનો સંગીત પ્રત્યેનો અપાર પ્રેમ અને વિશ્વાસ અને તે જ સંગીતને લીધે અવિરત સંઘર્ષ આ નવલકથાનું કેન્દ્રબિંદુ છે. કથાના અંતમાં નવલકથાકાર, શરૂઆતમાં આવેલી ત્રણ વ્યક્તિઓ દ્વારા સ્ટેશન પર વોડકા પીવાની ઘટના ફરીથી રજૂ કરે છે અને આ વખતે ત્રણેય પાત્રોનાં નામ જણાવે છે. ખાસ કરીને વોડકા પીવડાવનાર શોષ્ટકોવિચ જ્યારે ત્રણેય પ્યાલા અથડાય છે ત્યારે શું બોલ્યા એ વાર્તાકાર હવે જણાવે છે. આ પ્રસંગ તે વેળાનો છે જ્યારે શોષ્ટકોવિચને તેમના સંગીત પર થયેલ આકરા પ્રહારોની જાણ થઈ ચૂકી હતી અને તેમનું અસ્તિત્વ જોખમમાં હતું. આવા કપરા સમયે પણ ગ્લાસ ટકરાવવાના રણકારમાં તેમને ‘ટ્રાયડ’ સંભળાય છે. આ ઘટના જ શોષ્ટકોવિચની જીવનપર્યંત ચાલેલી કસોટીઓ, અવહેલનાઓ અને જોખમો સામે ઝઝૂમતા રહેવા માટેની શક્તિ – એમનો સંગીતપ્રેમ દર્શાવે છે. નવલકથા દ્વારા આપણને એક એવા સંગીત અને સંગીતપ્રેમીના જીવનની ઝલક પ્રાપ્ત થાય છે કે જેઓે તત્કાલીન દમનશાહી સમયના ઘોંઘાટની સામે પોતાના સર્જનના સુમધુર સૂર રેલાવતા રહ્યા.

આ નવલકથા તેનાં ઐતિહાસિક પ્રમાણો, તત્ત્વચંતિન અને તથ્યોની સાથે કાલ્પનિકતા સાહજિકતા અને સંવેદનશીલતાના સુભગ સમન્વયને લીધે એક ઉત્કૃષ્ટ સાહિત્યિક સર્જન બને છે. જુલિયન બાર્ન્સની અનુભવી અને સાહિત્યિક પરિણતિનાં શિખર સર કરી ચૂકેલી શૈલી ‘નોઇઝ ઓફ ટાઇમ’ ને કોમ ટોબીન્સની ‘ધ માસ્ટર’ (હેન્રી જેમ્સ પર આધારિત) અને મુઆલા ઓ’કોનરની ‘મિસ એમિલી’ ‘(એમિલી ડિકન્સન’ પર આધારિત) સમકક્ષ વિશ્વકક્ષાની અને પ્રથમ હરોળની (ફિક્શનલ બાયોગ્રાફી)ની શ્રેણીમાં પ્રસ્થાપિત કરે છે.

*

ભક્તિ વૈષ્ણવ

સંશોધક.

અંગ્રેજીનાં અધ્યાપક, પાટણ.

અમદાવાદ.

vaishnavbhakti@gmail.com

99094 79988

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.