ભયાનક ‘નૂતન વાસ્તવિકતા’નો ચિતાર – વીનેશ અંતાણી

Two Years Eight Months and Twenty-Eight Nights – Salman Rushdie

Penguin group, London, 2015

સલમાન રશ્દી સર્જક-વિચારક તરીકે સાર્વજનિક જીવનમાં અને અંગત જીવનમાં ધર્મઝનૂન-પ્રેરિત આતંકનો અનુભવ કરતા રહ્યા છે. એમણે ‘સેતાનિક વર્સિસ’ નવલકથા લખી ત્યારે એમને ‘ઇસ્લામવિરોધી’ જાહેર કરવામાં આવ્યા હતા અને ઈરાનના વડા આયાતોલ્લા ખોમૈનીએ ફતવો જારી કરીને એમને મૃત્યુની સજા ફરમાવી હતી. રશ્દીને કડક સુરક્ષાવ્યવસ્થા વચ્ચે ઘણાં વરસો ગુપ્તવાસમાં રહેવું પડ્યું હતું. કટ્ટરપંથીઓ અને આતંકવાદનો અંગત અનુભવ એમના સર્જકચિત્તમાં કલવાતો રહ્યો હતો. એના પરિણામસ્વરૂપે એમણે ‘ટુ ઇયર્સ એઇટ મન્થ્સ એન્ડ ટ્વેન્ટી એઇટ ડેય્ઝ’ (હવે પછી ‘ટુ ઇયર્સ’) નવલકથા લખી.

સલમાન રશ્દીએ કહ્યું છે તેમ સર્જકે એવા પાગલ અને અવિચારી જગતનો સામનો કરવો પડે છે, જેમાં સર્-રિયાલિઝમ નૂતન વાસ્તવિકતા બની ગયું છે. રશ્દીને દેખાયેલી ‘નૂતન વાસ્તવિકતા’નાં અનેક કારણો છે. એમાંનું એક કારણ સમગ્ર વિશ્વને આંતકના ખપ્પરમાં હોમી દેનારી ધર્મઝનૂની કટ્ટરપંથી વિચારધારા પણ છે. રશ્દી ‘ટુ ઇયર્સ’માં આતંકવાદી પ્રવૃત્તિઓની ભયાનકતાનો ચિતાર આપવા માગે છે, પરંતુ વાસ્તવિકતાના સ્તર પર આલેખનથી દૂર ખસીને. એમણે વિશ્ર્વવ્યાપી આતંકવાદની કથા કહેવા માટે ફેન્ટસીનો આધાર લીધો છે. એમણે જિન્નસૃષ્ટિનાં નર-જિન્ન અને માદા-જિન્ન, અર્ધ જિન્ન માનવો તથા સાદાં માનવોનાં પાત્રો દ્વારા કથા નિરૂપી છે. દરેક પાત્રની એક કથા છે. એ કથાના તાણાવાણા એકબીજા સાથે ગૂંથાતા રહે છે અને ગૂંચવાતા રહે છે. નવલકથાનાં કાલ્પનિક પાત્રોમાંથી કેટલાંકના ચહેરામહોરા, એમની પ્રવૃત્તિઓના સંદર્ભો, આપણા વાસ્તવિક સમયમાંથી પારખી શકાય છે.

0

એકવીસમી સદીમાં લખાયેલી આ નવલકથાનું દીર્ઘ નામ એને ‘અરેબિયન નાઇટ્સ’ની સાથે જોડી આપે છે. સામ્ય માત્ર એટલું જ નથી, કથાનિરૂપણની પદ્ધતિ પણ ‘અરેબિયન નાઇટ્સ’ પ્રકારની છે. એક વાર્તા-એક ઘટનામાંથી બીજી વાર્તા-ઘટના ઊઘડતી જાય છે અને કથા આગળ વધતી રહે છે. ત્રીજું સામ્ય પણ જોઈ શકાય છે. ‘અરેબિયન નાઇટ્સ’માં દર રાતે વાર્તા કહેનાર શહરઝાદ હજાર-હજાર રાત સુધી મૃત્યુના ભય સામે ઝઝૂમતી રહી હતી. મૃત્યુદંડના ફતવા પછી ઘાતકી આતંકવાદીઓના હુમલાનો ભય ખાળી રહેલા રશ્દી પણ મૃત્યુના ભય સામે ઝઝૂમતા રહ્યા હતા. રશ્દીને પણ શહરઝાદની જેમ રસપ્રદ વાર્તા કહેતાં આવડે છે. ‘ટુ ઇયર્સ’માં આવતાં પાત્રોનાં મૂળ ‘અરેબિયન નાઇટ્સ’ની કથાઓમાં પડેલાં છે.

રશ્દીએ આપણા વર્તમાનને ‘વાસ્તવિકતાના ટુકડેટુકડા કરી નાખતી અથડામણોના સમય’ તરીકે ઓળખાવ્યો છે. ‘ટુ ઇયર્સ’માં એમણે એકબીજાથી વિપરીત વિચારધારાની અથડામણમાંથી ઊભી થતી વિનાશક પ્રક્રિયાને તાગવાનો મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન કર્યો છે. સદ્ અને અસદ્ કે પ્રકાશ અને અંધકાર વચ્ચેનો સંઘર્ષ નવી વાત નથી, પરંતુ રશ્દીએ એને આતંકવાદ અને તેના પ્રતિકારના યુદ્ધ તરીકે આલેખીને આપણા સમયની મહાભયાનક સમસ્યાને સર્જનાત્મક રૂપ આપ્યું છે.

‘ટુ ઇયર્સ’ની કથા સમયના ત્રણ સ્તરે ચાલે છે. વીસમી-એકવીસમી સદીમાં આકાર લેતી આ નવલકથાની ઘટનાઓ આજથી એક હજાર વરસ પછીના ભવિષ્યમાં વસતા લોકો દ્વારા કહેવાઈ છે. એટલે કે રશ્દી સાંપ્રતને એક હજાર વરસ પછીના સમયમાંથી જુએ છે. મૂળ કથાપ્રવાહ આપણા વર્તમાનમાં થઈને વહે છે તે એનું બીજું સ્તર. એનાં મૂળ છેક બારમી સદીમાં જાય છે તે ત્રીજું સ્તર. આ ત્રણેય સમય અનેક સદીઓના અંતરાલથી વિભાજિત થયેલા છે,પરંતુ કથાપ્રવાહ સળંગ-સાદ્યંત વહે છે. એક હજાર વરસ પૂર્વે પૃથ્વી પર લડાયેલા ભયાનક યુદ્ધની કથાના કથક – માનજાતના ભાવિ વંશજો – ઘટનાઓની ક્રમાનુસાર વિગતો આપે છે. તેઓ તે ઘટનાઓ ઇતિહાસ છે, પૌરાણિક કથા છે, દંતકથા છે, લોકકથા છે કે કેમ તે અંગે ચોક્કસ નથી. કથા કહેતાં કહેતાં વચ્ચે ખૂટતી કડીઓ જોડવામાં પણ એમને મુશ્કેલી પડે છે. તેઓ જે સમયની વાત કરે છે તેને એક હજાર વરસ વીતી ચૂક્યાં છે. એથી ઘટનાઓનું આલેખન કરતાં વચ્ચે-વચ્ચે ‘એવું કહેવાય છે’ કે ‘એવું માનવામાં આવે છે’ જેવા ઉલ્લેખો અનિવાર્યપણે આવતા રહે છે. ‘ટુ ઇયર્સ’ની મૂળ કથાને અંતે એપિલોગમાં કહેવાયું છે: ‘આ ઘટનાક્રમ લખતી વખતે અમે સ્પષ્ટ જાણીએ છીએ કે એની ઘણી વિગતો વાસ્તવમાં બનેલી ઘટનાઓથી ‘ડિજનરેટ’ થઈ દંતકથા, પૌરાણિક કથા, અનુમાન કે ફિક્શન બની ગઈ છે.’

નવલકથાનો આરંભ જિન્નસૃષ્ટિના પરિચયથી થાય છે. જિન્નયોનિનાં નિવાસીઓ પૃથ્વીથી દૂર એમના વિશ્વમાં રહે છે. રશ્દીએ જિન્નલોકને ‘પરિસ્તાન’ નામ આપ્યું છે. ધુમાડા કે અગ્નિથી બનેલા જિન્ન સામાન્ય રીતે માનવલોકની ગતિવિધિઓમાં દખલ કરતા નથી, પરંતુ ક્યારેક બે લોક વચ્ચે આવેલી દીવાલ તૂટી જાય અને જિન્નસમુદાય પૃથ્વી પર ઊતરી આવે તો તેઓ ભયાનક ખાનાખરાબી સરજી શકે છે. રશ્દી આતંકવાદીઓને જિન્નસ્વરૂપે કલ્પીને એમની મનોવૃત્તિને સ્પષ્ટ કરી દે છે. એવા જિન્ન સામે લડવા માટે એેવી જ માયાવી, જાદુઈ તાકાતની જરૂર પડે. એ માટે એમણે માનવજાત માટે સહાનુભૂતિ ધરાવતી માદા-જિન્નનું પાત્ર કલ્પ્યું છે. ‘ટુ ઇયર્સ’ દુષ્ટ જિન્નોએ મચાવેલા ભયાનક આતંકની સામે લડતી એક માદા જિન્નની કથા છે. બે વરસ, આઠ મહિના અને અઠ્ઠાવીસ દિવસ ચાલેલા આ યુદ્ધને રશ્દી ‘વોર ઓફ વર્લ્ડ્સ’ (War of Worlds) તરીકે ઓળખાવે છે.

કથાનો પ્રારંભ કરતાં રશ્દીએ કહ્યું છે કે આ વાર્તા વીજળીના ગોળા વરસાવવામાં નિપુણ, ‘લાઇટનિંગ પ્રિન્સેસ’ તરીકે ઓળખાતી, જિન્નલોકની રાજકુમારીની, એણે બારમી સદીના એક મર્ત્ય માણસ સાથે કરેલા પ્રેમની અને એનાથી એને જન્મેલાં વંશજોની છે. આ કથા ઊડતાં, લથડતાં, સારાં, ખરાબ, નૈતિકતામાં રસ ન ધરાવતાં અનેક નર અને માદા જિન્નની છે. આ કથા માનવજાતના કટોકટીભર્યા સમયની પણ છે. રશ્દી એ સમયગાળાને ‘ટાઇમ ઓફ સ્ટ્રેન્જનેસ’ કહે છે.

0

બારમી સદીના મહાન ફિલોસોફર ઇબ્ન રશ્દને એમની ઉદાર ધાર્મિક વિચારધારાને લીધે દેશનિકાલની સજા કરવામાં આવી હતી. એ એમના વિચારોમાં ‘રિઝનિંગ, ‘લોજિક’, ‘સાયન્સ’ જેવા શબ્દોનો પ્રયોગ કરતા, જેનો એમના કેટલાય સમકાલીનોએ વિરોધ કર્યો હતો. એમનાં પુસ્તકો અને લખાણો બાળી નાખવામાં આવ્યાં હતાં. એમની ફિલોસોફીને વાચા આપવાની સ્વતંત્રતા એમની પાસેથી છીનવી લેવામાં આવી હતી. (એક મહત્ત્વની આડવાત: ઇબ્ન રશ્દના ઉદારમતવાદી વિચારોથી આકર્ષાયેલા સલમાન રશ્દીના પિતાએ પોતાના અને વંશજોના નામ સાથે ‘રશ્દ’ જોડ્યું હતું. ‘સેતાનિક વર્સિસ’ પછી સલમાન રશ્દીને કટ્ટરપંથી મુસ્લિમો સામે જે ‘યુદ્ધ’ લડવું પડ્યું તે વિશે તેઓ એમની સ્મૃતિકથા ‘જોસેફ એન્ટોન’માં લખે છે: ‘હું યોગ્ય નામ લઈને આ યુદ્ધમાં ઊતરી રહ્યો છું.’)

ઇબ્ન રશ્દની વિચારધારાના આત્યંતિક છેડે ધર્મ અને ભગવાનને નામે લોકોને ભયભીત કરવામાં માનતા અલ ગઝાલી નામના મહાન ધર્મગુરુ છે. તેઓ ભય ફેલાવીને લોકોને ઈશ્વર તરફ વાળી શકાય એવું માનતા હતા. ઇબ્ન રશ્દ અને ગઝાલી મૃત્યુ પછી પણ એમની કબરમાંથી એકબીજાની વિચારધારાનો વિરોધ કરતા રહે છે અને એમની વિચારસરણીને અનુસરતા અનુયાયીઓને દોરતા રહે છે.

ઇબ્ન રશ્દ દેશનિકાલ થયા પછી નાનકડા ગામમાં રહેતા હતા. એક દિવસ સોળ વરસની યુવતી એમના ઘેર આવી. એણે પોતાની ઓળખાણ અનાથ છોકરી તરીકે આપી. એણે ઇબ્ન રશ્દ સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. એનું નામ ‘દુનિયા’ હતું. વૃદ્ધ ફિલોસોફરે આવા વિચિત્ર નામ માટે કારણ પૂછ્યું તો એણે જવાબ આપ્યો: ‘કારણ કે મારામાંથી દુનિયાનો પ્રવાહ વહેશે અને તે પ્રવાહ આખી દુનિયામાં ફેલાઈ જશે.’ ઇબ્ન રશ્દ જાણતા નહોતા કે એ જિન્નલોકની ‘લાઇટનિંગ પ્રિન્સેસ’ છે. ઇબ્ન રશ્દે દુનિયાને હાઉસકીપર અને પ્રેમિકા તરીકે આશરો આપ્યો. એણે અનેક બાળકોને જન્મ આપ્યો. એ એટલી બધી ફળદ્રુપ હતી કે દર વખતે એકીસાથે સાત,અગિયાર કે ઓગણીસ બાળકોને જન્મ આપતી રહી હતી. એનાં સંતાનોને કાનની બૂટ નહોતી. પાછળથી આખા વિશ્વમાં જુદાં જુદાં સ્થળે વસેલાં સંતાનોનાં સંતાનો અને એમનાં પણ કેટલીય પેઢી સુધી વિસ્તરેલાં વંશજોને ‘દુનિયાઝાત’ તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. સમય જતાં ઇબ્ન રશ્દને રાજ્ય દ્વારા ફરી સ્વીકારવામાં આવે છે અને એ પ્રેમિકાને છોડીને ફરી પોતાના ક્ષેત્રમાં સક્રિય થઈ જાય છે. કહેવાય છે કે ઇબ્ન રશ્દના મૃત્યુ પછી એમનો આત્મા દુનિયા પાસે આવ્યો અને વધારે સંતાનો પેદા કર્યાં. એક દિવસ કોઈને ખબર પડે નહીં તેમ દુનિયા પરિસ્તાનમાં પાછી ફરે છે.

0

‘આઠસોથી પણ વધારે વરસો પહેલાં અને હવે એક હજારથી પણ વધારે વરસો પહેલાં’ ન્યૂયોર્કમાં મહાવિનાશક વાવાઝોડું બોમ્બની જેમ ત્રાટકે છે અને એની સાથે જ સમગ્ર માનવલોકમાં ‘સ્ટ્રેન્જનેસ’ની શરૂઆત થાય છે. અકલ્પ્ય ઘટનાઓ બનવા લાગે છે. ગેરોનિમો નામના સાદાસીધા માળીના પગ થોડા ઈંચ ઊંચકાઈને જમીનને અડકતા બંધ થાય છે. કોઈ અદૃશ્ય વ્યક્તિ રહસ્યમય રીતે મેયરની ઓફિસમાં એક બાળકીને મૂકી જાય છે. એ બાળકી એની એક નજરથી ભ્રષ્ટાચારી લોકોને પારખી લે છે અને ભ્રષ્ટાચારીઓનાં મોઢાં પર લાંછનના ફોલ્લા ઊઠી આવે છે. આ અને બીજી અનેક વ્યક્તિઓના કાનની બૂટ નહોતી. એ બધાં જાણતાં નહોતાં કે તેઓ દુનિયાની દુનિયાઝાતના વંશજ છે. બીજી પણ વિચિત્ર ઘટનાઓ બનવા લાગે છે. આઠ વરસની છોકરી ટ્રેનમાંથી નીચે પડે છે, તે જ વખતે લોખંડના પાટા બરફ જેમ પીગળી જાય છે. અજાણ્યા લોકો વોલ સ્ટ્રીટની બેંકના દરવાજા, સેઇફ, વોલ્ટ અને પેટીઓને કોઈ ગરમ હથિયારથી ઓગાળીને અબજો ડોલરની ચોરી કરી જાય છે.

પ્રચંડ વાવાઝોડાને કારણે પૃથ્વી અને જિન્નલોકને અલગ પાડતી વ્યવસ્થા તૂટી પડી હતી. અનેક દુષ્ટ જિન્ન માનવલોક પર ઊતરી આવીને હાહાકાર મચાવે છે. અર્થવ્યવસ્થા ભાંગી પડે છે, ન્યૂક્લિયર રિએક્ટર તૂટી પડે છે, સ્ત્રીઓ પર સામૂહિક બળાત્કાર થાય છે. સલમાન રશ્દી ગ્રેબ્રિયલ ગાર્સિયા માર્કવેઝ અને થિયેટર ઓફ ધી એબ્સર્ડના કેટલાક સર્જકોનાં સર્જનની યાદ અપાવે તેવી વિચિત્ર ઘટનાઓની યાદી આપે છે: રોમાનિયાના ગામમાં એક મહિલા ઈંડાં મૂકવા લાગી હતી, ફ્રાન્સના એક શહેરના નાગરિકો રાઇનોસોરમાં પરિવર્તિત થવા લાગ્યા હતા. આઇરિશ વૃદ્ધ લોકો કચરાપેટીમાં રહેવા લાગ્યા હતા. એક બલ્ગેરિયન માણસને આયનામાં એના માથાનો પાછળનો ભાગ દેખાય છે. …

હ્યુગો કેસ્ટબ્રિજ નામના બ્રિટિશ કમ્પોઝરે લખ્યું: ‘સ્ટ્રેન્જનેસ વધતી જાય છે. આ બનાવો બનવા માંડ્યા તે પહેલાં પણ વિશ્વ વિચિત્ર જગ્યા તો હતું જ. તેથી બની રહેલા બનાવો જૂની,સામાન્ય, સ્ટ્રેન્જનેસનાં ઉદાહરણો છે કે નવા, અસાધારણ, બનાવો છે તે સમજવું મુશ્કેલ છે.’ એણે ક્લાઇમેટ ચેન્જની પણ નોંધ લીધી. હ્યુગો કેસ્ટબ્રિજના કાનની પણ બૂટ નહોતી. એ ટીવીના ટોક શોમાં કહે છે તેમ માનવજાત મોટામાં મોટા પડકારનો સામનો કરી રહી હતી. ‘આપણું વિશ્વ, આપણા વિચારો, આપણી સભ્યતા, આપણાં જ્ઞાન અને કાયદા બધાં પર આક્રમણ થઈ રહ્યું છે.’

દુષ્ટ જિન્નો આતંક મચાવી રહ્યા હતા કારણ કે એ એમના સ્વભાવમાં હતું. એમના વિનાશક હેતુને પામી ગયેલી દુનિયા પોતાના વંશજોને બચાવવા કાનની બૂટ વિનાના લોકોને વિશ્વભરમાંથી શોધી કાઢે છે અને એમને તેઓ કોણ છે તેની માહિતી આપવા લાગે છે. એ સદીઓ પહેલાં જન્મેલાં એનાં અર્ધ જિન્ન સંતાનોની વર્તમાન પેઢીના વંશજોમાં છુપાયેલા સદ્ જિન્નને જગાડી એમને પ્રકાશ તરફ દોરવા માગે છે.

સૌથી ભયાનક જિન્ન ઝુમુર્રદ્ પૃથ્વી પર આવે છે પછી ‘વોર ઓફ વર્લ્ડ્સ’નો આરંભ થાય છે. ધર્મગુરુ ગઝાલીએ ઝુમુર્રદ્ જિન્નને સદીઓ પહેલાં બોટલની કેદમાંથી બહાર કાઢ્યો હતો. જિન્ન પરંપરા પ્રમાણે ઝુમુર્રદે્ ગઝાલીને એની કોઈ પણ ઇચ્છા પૂરી કરવાનું વચન આપ્યું હતું. ગઝાલીએ તે સમયે કશું માગ્યું નહોતું. હવે આતંક ફેલાવીને માનવજાતને ઈશ્વર તરફ ધકેલવા માગતા ગઝાલી પોતાની કબરમાંથી ઝુમુર્રદ્ને એનું વચન પાળવા જણાવે છે. ઝુમુર્રદ્ બીજા ત્રણ ભયાનક જિન્ન ઝબરદસ્ત, ર’ઈમ બ્લડ ડ્રિન્કર અને શાઇનિંગ રૂબી સાથે મળીને માનવલોકમાં આતંક ફેલાવે છે. એકબીજાની સત્તા અને પ્રભુત્વનો સ્વીકાર ન કરતા ચારેય જિન્ન પોતપોતાની વિવિધ જિન્નશક્તિઓથી પૃથ્વી પર આતંક મચાવી દે છે. જળ અને આકાશમાર્ગે વાહનવ્યવહાર બંધ થઈ જાય છે. સ્ટોક માર્કેટ, બેંકો, સુપરમાર્કેટ ખોટમાં જવા લાગે છે. ઝેરીલા સાપનાં ટોળેટોળાં છોડવામાં આવે છે. સમગ્ર માનવલોક પર દુષ્ટ જિન્નોનું સમ્રાજ્ય સ્થાપાઈ જાય છે.

ઇબ્ન રશ્દ માટેના પ્રેમને લીધે માનવો માટે સદ્ભાવ ધરાવતી અને પોતાનાં વંશજોને બચાવવા માગતી દુનિયા એક સમયના એના ચારેય સાથીદારો સામે જંગે ચડે છે. તે વચ્ચે જિન્ન દુનિયાના પિતા અને પરિસ્તાનના રાજાને ‘વાર્તા’ઓ અને ‘શબ્દો’નું ઝેર આપીને મારી નાખવામાં આવે છે. દુનિયાની લડાઈમાં અંગત દુશ્મનાવટ ઉમેરાય છે. એ ઝુમુર્રદ્ સિવાયના ત્રણેય અનિષ્ટ જિન્ન નેતાઓને, જિન્નને સહજ એવી પ્રયુક્તિઓથી, મારી નાખે છે. ત્યાર પછી દુનિયાનું ધ્યાન ઝુમુર્રદ્ પર કેન્દ્રિત થાય છે. એ એની શોધ આદરે છે. ઝુમુર્રદ્ને શોધવા માટે દુનિયાએ કરેલા પ્રયત્ન અમેરિકાએ ઓસામા બિન લાદેનને શોધવા કરેલા પ્રયત્નોની સાથે જોડી શકાય છે.

ઝુમુર્રદે્ ‘એ’ નામનો દેશ ખરીદી લીધો છે. એણે ત્યાં આવેલી ગુફાઓમાંથી એક ગુફામાં નિવાસસ્થાન બનાવ્યું છે. ત્રણ સાથીદારોના મૃત્યુથી એ વિચલિત બન્યો છે. એ દુનિયાને દ્વંદ્વયુદ્ધનો પડકાર ફેંકે છે. ભીષણ યુદ્ધ થાય છે. બંને એકબીજા પર જાદુઈ જિન્નશક્તિઓનો પ્રયોગ કરે છે. અંતે ઝુમુર્રદ્ને બોટલમાં બંધ કરી દેવામાં આવે છે. ઝુમુર્રદ્ ભવિષ્યમાં કોઈના હાથમાં આવે નહીં તે માટે દુનિયા એ બોટલને દૂર-દૂર કોઈ અજાણી જગ્યામાં ફેંકી આવે છે. દુનિયા પરિસ્તાનમાં પાછી ફરે છે. માનવલોક અને જિન્નલોક વચ્ચેની દીવાલ ફરી સજ્જડ બંધ થઈ જાય છે.

0

‘ટુ ઇયર્સ’ને નવલકથાસ્વરૂપના પ્રચલિત ઢાંચામાં મૂકીને તપાસી શકાય તેમ નથી. એમાં આલેખાયેલા બારમી સદીથી માંડીને આપણા સમયથી એક હજાર વરસ પછીના લાંબા સમયપટને આવરી લેવા કથાને એપિલોગ સહિત આઠ લાંબા ખંડોમાં વિભાજિત કરવામાં આવી છે. મોટે ભાગે કથાનો વિકાસ ક્રમિક રીતે થાય છે, પરંતુ જરૂર પડે છે ત્યાં એક સમયમાંથી બીજા સમયમાં અને એક સ્થળમાંથી બીજા સ્થળમાં, કથાપ્રવાહમાં ખાંચા પાડ્યા વિના, આવાગમન થતું રહે છે. જિન્ન અને માનવલોકનાં મુખ્ય પાત્રોના ભૂતકાળમાં ગતિ થતી રહી છે. મુખ્ય માનવપાત્રોને એમનો ભૂતકાળ છે તો જિન્ન પાત્રોને પણ હજારો વરસ જૂનો – સમયને અતિક્રમી જતો – ભૂતકાળ પણ છે. વિવિધ ઘટનાઓ મુંબઈથી માંડીને ન્યૂયોર્ક અને દુનિયાનાં ઘણાં મહત્ત્વમાં સ્થળોમાં બની છે અથવા બને છે. માયાવી, જાદુઈ, રોમાંચક જિન્નલોક નક્કર સ્થળરૂપે પ્રત્યક્ષ થાય છે. જિન્નોની અનિયંત્રિત સેક્સપ્રવૃત્તિ, ઇચ્છિત રૂપ બદલી શકવાની શક્તિ, ઊડતી શેતરંજી, ક્યારેક માત્ર વ્હિસ્પરિંગથી સંદેશાવ્યવહાર કરી શકવાની ક્ષમતા – એ બધું જ નવલકથામાં તિલસ્મી વાતાવરણ ઊભું કરે છે.

એક પછી એક બનતી વિચિત્ર, રહસ્યમય અને દિલધડક ઘટનાઓના ગૂંથણીપૂર્ણ આલેખનમાં ફેન્ટસીના વાર્તારસ નીચે સંતાયેલી વાસ્તવિકતાનાં પડ ખૂલતાં રહે છે. રશ્દીની કલ્પનાશીલ, ચિત્રાત્મક, વિવિધ આવર્તનોમાં રચાતી પદાવલીઓથી ખીચોખીચ શૈલી હાસ્ય, વ્યંગ્ય, ભયાનકતા, જુગુપ્સા, રૌદ્રનું વાતાવરણ જન્માવતી રહે છે. નમૂના માટે મહાભયાનક જિન્ન ઝુમુર્રર્દ્ પૃથ્વીના લોકોને પહેલી વાર દેખાય છે ત્યારને સલમાન રશ્દીએ કરલું એનું વર્ણન જોઈએ: ‘everybody saw the giant jinni who emerged from fireball, born like all male jinn from smokeless fire, toothy, pockmarked, wearing his long flame-like red battle shirt decorated with its ornate golden motifs, with his great black beard tied around his waist like a belt, his sword in its green-and-gold scabbard tucked into hairy waistband on the left side…’ (બધાએ આગના ગોળામાંથી બહાર નીકળતો, અન્ય પુરુષ જિન્નોની જેમ નિર્ધૂમ આગમાંથી જન્મતો, વિકરાળ દાંતવાળો, શીળીનાં ચાઠાંવાળો વિરાટકાય જિન્ન જોયો. એણે આગ જેવા લાલ રંગની,વધારે પડતી સોનેરી ભાતવાળી, યુદ્ધ-કફની પહેરી હતી. ગાઢ કાળા રંગની લાંબી મૂછ એની કમર પર પટ્ટાની જેમ બાંધી હતી. એની ડાબી બાજુ ગુચ્છાદાર કમરબંધ બાંધેલા લીલા અને સોનેરી મ્યાનમાં તલવાર લટકતી હતી…)

0

બે વરસ,આઠ મહિના અને અઠ્ઠાવીસ દિવસ ચાલેલા ‘વોર ઓફ વર્લ્ડ’ની કથા સંભળાવતા એક હજાર વરસ પછીના માનવવંશજોની પેઢી હવે શાંતિપૂર્ણ સભ્ય સમાજમાં જીવે છે. તેઓ એમના બાગબગીચાની જતનથી સારસંભાળ લે છે. હજાર વરસ થઈ ગયાં છે, ઝુમુર્રદ્ હજી બોટલમાંથી બહાર નીકળી શક્યો નથી. તેમ છતાં એમને લાગે છે કે માનવલોક અને જિન્નલોક વચ્ચેનો માર્ગ બંધ થયા પછી એમની સાથે કશુંય રોમાંચક બન્યું નથી. એમની જિંદગી રોબોટ જેવી યાંત્રિક બની ગઈ છે. એમને સપનાં આવતાં નથી. એમના જીવનમાં જાદુઈ અને રોમાંચક ઘટનાઓનો અનુભવ રહ્યો નથી, કલ્પના મરી પરવારી છે. એક હજાર વરસ પછીના માનવંશજો વિમાસે છે: ‘આપણો વર્તમાન ખરેખર ‘રાઇટ’ હોય તો શું એ સ્થિતિ એક પ્રકારનું ‘રોંગ’ નથી?’ કહે છે: ‘મોટા ભાગે અમે સુખી છીએ, અમારી જિંદગી સારી છે, પરંતુ ક્યારેક અમને ઇચ્છા થાય છે કે સપનાં પાછાં ફરે. ક્યારેક,અમને દુ:સ્વપ્નોની ઝંખના જાગે છે.’ સલમાન રશ્દીએ કથામાં ઝુમુર્રદ્ને મારી નાખ્યો નથી, બોટલમાં ક્યાંક કેદ રાખ્યો છે, એ અર્થસૂચક છે.

*

વીનેશ અંતાણી

નવલકથાકાર.

પૂર્વ-કેન્દ્રનિયામક, આકાશવાણી, અમદાવાદ.

હૈદરાબાદ/અમદાવાદ.

vinesh_antani@hotmail.com

77309 09993

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.