ત્રીજા સત્યની શોધ – પોરી હિલોઈદરી

ફ્રેમોર બાહિરોર જોનાકી પોરુવા બોર – મૌશુમી કન્દાલી

ગુઆહાટી, આસામ, 2015

મૌશુમી કન્દાલી એકવીસમી સદીની અસમિયા ટૂંકી વાર્તાનાં જાણીતાં સર્જક છે. વીસમી સદીના નવમા દાયકામાં એમનો પહેલો વાર્તાસંગ્રહ પ્રસિદ્ધ થયો ત્યારથી એમણે પોતાની વિશિષ્ટ ઓળખ રચી હતી અને પછી ત્રણ વાર્તાસંગ્રહ આપીને ટૂંકી વાર્તાના ક્ષેત્રે પોતાનું સ્થાન દૃઢ કર્યું છે. ફ્રેમોર બાહિરોર જોનાકી પોરુવા બોર (ચોકઠાની બહારના આગિયા) વાર્તાસંગ્રહની વાર્તાઓ એમાં વ્યક્ત થતા વર્તમાન રાજકીય અને સામાજિક સંદર્ભો અને તેની કલાકીય માવજતને લીધે ઘણી પ્રસંશા પામ્યો છે. સમાજે ઘડી આપેલી ચીલાચાલુ ધાર્મિક, રાજકીય, જ્ઞાતિગત, લૈંગિક અને ભૌગોલિક સીમાઓમાં બંધાઈ રહેવાને બદલે આ સર્જક, એ બધા વિશે મૂળગામી તપાસ આદરી જેમને સમુચિત સ્થાન આપવામાં ઇનકાર થયેલો તે બધાં માટે સ્થાન સર્જીને ત્રીજું જ પરિમાણ રચે છે. આ ત્રીજા પરિમાણને સ્થાપિતો ધિક્કારવાયોગ્ય અને આક્રમણ કરવા ઉશ્કેરનારું ગણે છે પણ એ બહુવિધ અને લવચીક છે; જડ અને કહેવાતી પવિત્ર ઓળખનો એ નિષેધ કરે છે. આ વાર્તાઓ એ વાતનું પ્રતિપાદન કરે છે કે માનવજાતિનો ઇતિહાસ એ વ્યક્તિનાં અસંખ્ય સાંસ્કૃતિક પરિબળોનો સરવાળો છે, નહીં કે સમાજે ઘડી આપેલી જડ ઓળખનો. શીર્ષકમાં યોજાયેલો શબ્દ ‘ચોકઠું’ એ મુખ્ય ધારા તરફ સંકેત કરે છે જેમાં ‘આગિયા’ હાંસિયામાં ધકેલાઈ જાય છે. જે લોકો ચંદ્રને જ પ્રકાશનો અધિકૃત સ્રોત ગણે છે તેઓ, આગિયા સ્વયં-પ્રકાશિત હોવા છતાં તેમની અવગણના કરે છે. અહીં મોટા ભાગની વાર્તાનું થિમ આગિયા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા મનુષ્યો વચ્ચેનું સામ્ય ચીંધે છે. લેખિકાના અગાઉના વાર્તાસંગ્રહ ત્રિતીયાત્વર ગલ્પ (ત્રીજા પરિમાણની વાર્તાઓ)ની એક વાર્તા ‘બ્રહ્માદિત્ય બ્રહ્મજળ’માં કહ્યું છે તેમ –

‘ઇતિહાસ અને સમયના મિલનસ્થાને – ચાર રસ્તે – તો દરેક વસ્તુ સંયોજિત હોય છે. લોહી પણ. એવી કોઈ વસ્તુ બચી છે જેને શુદ્ધ કે મૌલિક કહી શકાય? આ સંયોજિતતા પ્રેમ અને સહઅસ્તિત્વનું ત્રીજું પરિમાણ છે. એ ત્રીજું સત્ય છે.’

મૌસમી પોતાના આ ચોથા વાર્તાસંગ્રહની વાર્તાઓમાં પણ વિવિધ સાંસ્કૃતિક પરિસ્થિતિઓ વચ્ચેના સંઘર્ષને તાત્ત્વિક વિચારણા રૂપે રજૂ કરે છે. આ સંગ્રહની નામધારી વાર્તા ‘ચોકઠાની બહારના આગિયા’માં પણ વિવિધતા વચ્ચેના સંઘર્ષ નિમિત્તે આ ત્રીજા સત્યની વાત છે જે કહેવાતી ભારતીય મુખ્યધારા અને પૂર્વોત્તર વચ્ચેના ભેદ સંદર્ભે રજૂ થયું છે. આ ત્રીજું સત્ય મુખ્યધારાનાં રાજ્યો બની બેસવાના ગાંડપણની અને તેને શરણે થવાની પૂર્વોત્તરનાં રાજ્યોની મજબૂરીની ચિકિત્સા કરે છે. ભારતનાં આવાં મુખ્યધારાનાં રાજ્યોએ પૂર્વોત્તરનાં રાજ્યો વિશે રૂઢ ધારણા અને મિથ રચી દીધાં છે જે આ બંને ભૌગોલિક પ્રદેશો વચ્ચે રાજકીય સંઘર્ષ અને અસ્પૃશ્યતાનાં બીજ વાવે છે. પૂર્વોત્તરના પહાડી પ્રદેશમાં વસતાં મનુષ્યો અને તેમની સંસ્કૃતિને ઇતિહાસની આગેકૂચ દરમ્યાન હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. વાર્તાનો કથક નોંધે છે તેમ વૈશ્વિકીકરણના યુગમાં આપણને અલગતા નહીં પણ એકરૂપતા જ બચાવી શકશે. વાર્તા બૌદ્ધિકોને અપીલ કરે છે કે ઉછીના અજવાળે પ્રકાશતા ચંદ્રને બદલે સ્વયંપ્રકાશિત આગિયાઓને રાષ્ટ્રીય ધારામાં સામેલ કરવાની તાતી જરૂર છે. આ વાર્તામાં લેખિકા આઝાદી પછી પૂર્વોત્તરનાં રાજ્યોને રાષ્ટ્રનો એક ભાગ ગણવાને બદલે એનો પેટાપ્રદેશ હોય તેવાં વલણ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરે છે.

0

‘ધ બેલડ ઓન ધ બેડસ્ટેડ(શૈયાગીત’) વાર્તામાં સ્ત્રી-પુરુષનો સંબંધ ફક્ત શારીરિક કક્ષાએ રહી જાય છે તેની ચિકિત્સા કરી છે. લોકોની માન્યતા છે કે પુરુષ સ્ત્રી સાથેના સંબંધમાં ફક્ત શરીરપૂરતો જ મર્યાદિત રહી જાય છે અને પથારી એ આ સંબંધનું પ્રતીક બની રહે છે. જો શૈયા આવી પ્રાકૃતતાનો સંકેત કરતી હોય તો સ્ત્રી અને પુરુષની મૈત્રીને આવી સંકીર્ણતામાંથી મુક્ત કરવા શૈયાના ભૌતિક સંકેતને ઓગાળી નાખવો જોઈએ. પ્રેમ અને આકર્ષણ જેવી ભાવનાઓને પોતાનામાં સમાવી લે એવી કોઈ અમૂર્ત દિવ્ય શૈયાની આપણે પરિકલ્પના ન કરી શકીએ? જે રીતે મચ્છરદાની મચ્છરના ડંખથી બચાવે તે રીતે આવી ભૌતિકતામાંથી દરેક યુગે, દરેક માનવીને બચાવે એવી કોઈ શૈયાની ધારણા સાકાર થવી જોઈએ. પથારી જેવા ભૌતિક પદાર્થને મૌસમી જે રીતે રૂપક તરીકે યોજે છે તે વાચકની કલ્પનાને બૌદ્ધિક અને વૈચારિક રીતે સમૃદ્ધ કરે છે.

‘ઓહ રંગેરાજા’ વાર્તાનો યુવાન નાયક સાંસ્કૃતિક એકતાના ત્રીજા સત્યથી સભાન છે. અહીં નાયક એક સત્રિય નૃત્ય(એક અસમિયા શાસ્ત્રીય નૃત્ય)નો યુવાન નૃત્યકાર છે. એ પરંપરિત આસામી નૃત્ય અને સૂફી સંગીતને જોડવાનો પ્રયત્ન કરે છે. અહીં નાયકને પ્રતીતિ થાય છે કે બંને કલાસ્વરૂપો એક જ દિવ્ય તત્ત્વની આરાધના કરવા ચાહે છે. બંને એક જ દિવ્યાત્મામાં લીન થવા ઇચ્છે છે. સત્રિય નૃત્ય દરમિયાન એ સૂફી ગીત ગાય છે ત્યારે કલાની શુદ્ધતાના આગ્રહીઓ આઘાત પામે છે પણ એના ગુરુને પ્રતીતિ થાય છે કે આ પરમ્પરાભંજનનો હેતુ સાંસ્કૃતિક એકતા સાધવાનો છે. આ પ્રયોગ એકબીજાના વિરોધી ભાસતા સાંસ્કૃતિક અને રાજકીય ધ્રુવોને એક કરવા માટે છે. અહીં પ્રાદેશિકતા અને વૈશ્વિકતાનો એકબીજામાં સુમેળ સધાય છે. કલા વૈશ્વિક પરિબળોથી અસ્પૃશ્ય હોય છે એવી માન્યતા એક અવાસ્તવિક ધારણા છે. લેખિકા નોંધે છે કે સ્થાનિક સાથે વૈશ્વિકતાનું સંયોજન અનિવાર્ય જ નહીં ઇચ્છનીય પણ છે. આ એક સર્જકે કલ્પેલું સામાજિક અને રાજકીય પરિસ્થિતિનું ત્રીજું પરિમાણ છે.

મૌસમીની વાર્તાઓ માનવ અને માનવીય મૂલ્યોને બજારુ વસ્તુ બનાવી દેવાની હાલની કલા અને સાહિત્યની સ્થાપિત ધારણાઓને પડકારે છે. કેટલાક લોકો એવી છાપ ઊભી કરે છે કે સર્જકને રોજબરોજના જીવનને ચિત્રિત કરવાને બદલે કોઈ અમૂર્ત વિચારણા રજૂ કરવામાં રસ છે પણ આવી માન્યતા આ વાર્તાઓનું યોગ્ય મૂલ્યાંકન નહીં ગણાય. મૌસમીની સર્જકતા આવા માનવીય અને સાંસ્કૃતિક સંદર્ભોમાં વિહરે છે એનું ઉદાહરણ આ સંગ્રહની ‘મયૂરવિહાર’ વાર્તા છે. અહીં એક યુવાન એક યુવતીને વિચિત્ર પદ્ધતિએ પ્રેમનું નિવેદન કરે છે. એના એક હાથમાં સ્વાદિષ્ટ ફળ અને બીજા હાથમાં થોર લઈને એ છોકરીની પાસે પ્રેમનો એકરાર કરવા જાય છે. વાર્તાના કથકની દૃષ્ટિએ આ ક્રિયા આપણી સાંસ્કૃતિક પરંપરામાં રહેલા શાંતિમય સહઅસ્તિત્વની દ્યોતક છે. ભગવાન શ્રીકૃષ્ણના એક હાથમાં સુદર્શન ચક્ર અને બીજા હાથમાં વાંસળી છે એ પણ આ વિચારસરણીનો સંકેત છે. આ સાંસ્કૃતિક સમન્વય બહારથી આયાત કરેલો છે એવું નથી પણ આપણા વારસાનો એક અભિન્ન એવો એક ભાગ છે. આ વાર્તાઓના વાચકને સાહિત્યવિવેચનની વર્તમાન વિચારધારાઓનો અને તેમાં રહેલી ક્ષતિઓનો પણ પરિચય મળી રહે છે. એ જાતે જ પ્રશ્ન પૂછતો થઈ જાય છે અને ઉપરછલ્લી વિરોધાભાસી વાતોનો છેદ ઉડાડતાં પણ શીખે છે. મૌસમીની વાર્તાઓ વાર્તા અને પ્રતિવાર્તાનો સમન્વય છે. કૃષ્ણનું પૌરાણિક રૂપ અહીં વિકાર, દોલાયમાન માનસિકતા, વિવિધ અને છિન્ન વ્યક્તિમત્તા ધરાવતા સર્વકાલીન મનુષ્યનું પ્રતીક બની રહે છે.

આપણે ત્યાં લોકમાનસમાં સ્ત્રીને એક મનુષ્ય તરીકે જોવાવાને બદલે કાં તો દેવી સ્વરૂપે યા તો ડાકણ તરીકે જોવાતી રહી છે. લેખિકાએ ‘મેજિક વુમન’(ડાકણ) વાર્તામાં કેટલાંક ઐતિહાસિક તથ્યોના આધારે 19મી સદીનાં યુરોપીય લખાણોમાં સ્ત્રીને કઈ રીતે રજૂ કરવામાં આવી છે તેના સગડ મેળવ્યા છે. આવો એક દસ્તાવેજ છેક ઈ.સ. 1837નો છે જે જ્હોન માકોસ નામના યુરોપીયનનો છે કે જેમાં આસામની સ્ત્રીઓને દોરા-ધાગા કરનારી રહસ્યમયી રમણી તરીકે ચીતરવામાં આવી છે. આ વાર્તામાં એવું બતાવવામાં આવ્યું છે કે વિદેશીઓએ આવું ચિત્રણ તત્કાલીન અસમિયા પુરુષોના સહકાર વગર કર્યું હોય એ શક્ય નથી. સ્થાનિક લોકોની, પોતાના જ પ્રદેશની સ્ત્રીઓ વિષેની આવા પ્રકારની માન્યતા આગળ જતાં સ્થાનિક પિતૃપ્રધાન અને વિદેશી ઉપનિવેશવાદી એમ બંને સંસ્કૃતિઓની સહિયારી માન્યતા બની જાય છે. જોકે લેખિકા આ વાર્તામાં આવી માન્યતાને પડકારવા માટે આધુનિક આસામના સંસ્કારપુરુષ જ્યોતીપ્રસાદ અગ્રવાલનો સહારો લે છે જેમની માનસિકતા આવા ચીલાચાલુ વિચારોથી ઉપર ઊઠીને સમાજસુધારણા માટે આસામી સ્ત્રીઓની અસીમ શક્તિઓને પ્રમાણી શકે છે. આ વાર્તામાં લેખિકા સદીઓથી આપણે સ્ત્રીઓને જે ચીલાચાલુ દૃષ્ટિએ જોતા આવ્યા છીએ તે છોડી દેવા જણાવે છે. તો ‘ધ શોલ ઓફ સલમોન ફિશ મુવિંગ અપસ્ટ્રીમ’ (સામા પ્રવાહે તરતી સલમોન માછલીઓ)નું કથાવસ્તુ આ સંગ્રહની બીજી વાર્તાઓથી એ રીતે અલગ છે કે એમાં મુખ્યપ્રવાહમાં પાછો ફરેલો એક ભૂતપૂર્વ આતંકવાદી ખુદ આતંકનો ભોગ બને છે. થોડા આતંકવાદીઓ શરણે આવી જાય એટલે સમાજમાંથી આતંકવાદનો ખાત્મો બોલી જાય? જે આતંકવાદી સમાજની મુખ્યધારામાં પાછા ફરે છે તેમના માનસિક અને લાગણીના સંઘર્ષો તેમને ક્યાંય સુધી પીડ્યા કરે છે તેનું શું? એક આદિવાસી પાત્રના આત્મમંથન નિમિત્તે જનમાનસની જાણ બહાર રહી જતા આવા લોકોના માનસિક વિકાસ અને આત્મભર્ત્સનાના વિવિધ તબક્કાનું મૌસમીએ નિરૂપણ કર્યું છે. એક યુવાન આતંકવાદી કે જેણે હિંસાનો ત્યાગ કરીને નવી જિંદગી અપનાવી છે એના મનોમંથનની અને સમાજે એના રસ્તામાં બિછાવેલી અનેક પેચીદી જાળોની અહીં વાત કરી છે.

અહીં પોતાની વાતને બળ આપવા માટે લેખિકાએ રેશમના ઝાડનો એક રૂપક તરીકે ઉપયોગ કર્યો છે. આસામના આદિવાસીઓની દંતકથામાં રેશમનું ઝાડ પ્રજનન-શક્તિનું પ્રતીક મનાયું છે. આ ઝાડની ડાળીઓ મૃત બાળકોનાં શબને વીંટળાઈ વળે છે અને ગરમી અને વરસાદની ઋતુઓને લીધે આ શરીરોનાં લોહીમાંસ ઊડી જતાં એ શબને ઉતારી લઈને દાટી દેવામાં આવે છે. લોકોની એવી માન્યતા છે કે આ લોહીમાંસથી પોષણ મેળવીને રેશમનું ઝાડ નવપલ્લવિત થશે અને આમ મોતની ગોદમાં નવજીવનનો સંચાર થતો રહેશે. આવી સરરિયલ કલ્પનામાં આ સુધરેલો આતંકવાદી પોતાને રેશમના આવા એક ઝાડ તરીકે જુએ છે જે પોતાની અસંખ્ય શાખાઓમાં લપેટાયેલાં બાળકોના કિલકિલાટમાં તેમનાં ડૂસકાં સાંભળે છે. પણ એ નક્કી કરે છે કે પોતાનામાં દૂરિતને નહીં પ્રવેશવા દે અને લોકોની નજરમાં મોતનો સોદાગર નહીં બને. એ પોતાની શરણાગતિમાંથી બીજા આતંકવાદીઓની જેમ પૈસા બનાવવાને બદલે ખેતરમાં મજૂરીએ જશે. એ ખુદને શ્રમજીવી તરીકે જુએ છે. એ પોતાને સપનામાં રેશમની ડાળીઓમાં વીંટળાયેલાં બાળકોની સાથે વીંટળાયેલો અનુભવે છે જે નષ્ટ થઈને નવજીવનનો વાહક બને છે.

આ વાર્તામાં મૌસમી વાસ્તવિક જિંદગીની હાડમારીઓ અને રાજકારણની કઠોર વાસ્તવિકતા કાવ્યમય પરિકલ્પનાના માધ્યમથી રજૂ કરે છે. આસામને વરસોથી હાથતાળી આપતા આવેલા આતંકવાદી રાજકારણ અને આભાસી આઝાદીની રૂઢિગત માન્યતાઓમાં લેખિકા બંધાઈ નથી જતાં. વિશ્વખ્યાત અશ્વેત લેખિકા ટોની મોરિસન કહે છે કે ‘શ્રેષ્ઠ કલા એ છે જે પોતાને રાજકારણથી અછૂત નથી ગણતી પણ આવાં સાહિત્યે કલાની બધી શરતોનું પાલન કરવાનું છે.’ (Morrison; Rootedness: the Ancestor as Foundation in Literature in the Modern World; p. 307). મૌસમીની વાર્તાઓ કલાની આ બંને શરતો પાળે છે – રાજકીય તેમજ કલાકીય સભાનતા. જોકે કોઈ સાહિત્ય રાજકારણથી પર હોય એવું ન સંભવે પણ દરેક કૃતિ એનું પ્રમાણ અને નિરૂપણની તરેહ બદલાતી રહે છે. ક્યારેક એ અત્યંત મુખર હોય છે તો ક્યારેક નેપથ્યે. મૌસમી પોતાના સર્જનમાં શોષક અને શોષિતોના સંઘર્ષને રાજકીય પરિપ્રેક્ષ્યમાં સચોટ રીતે રજૂ કરે છે. ઓળખનું રાજકારણ, સાંસ્કૃતિક આધિપત્ય અને સંઘર્ષ, શોષિતો દ્વારા થતો પ્રતિકાર, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક વિરુદ્ધ વૈશ્વિક, વાસ્તવ અને અતિવાસ્તવ – એવા અનેક વિષયો મૌસમીની વાર્તાઓના નિમિત્તે સંવાદ રચે છે. સાહિત્યિક વિચારધારાઓ, બૌદ્ધિકતા, પુરાકલ્પનનું નવું અર્થઘટન જેવા રચનાકીય પ્રપંચનો આધાર લઈને લેખિકા આપણી આસપાસના પરિચિત જગતમાંથી એક અજાણી સૃષ્ટિનું નિર્માણ કરીને જે વૃતાંત રચે છે એમાં એવા પ્રકારની રાજકીય સભાનતા છે જેના વડે પરસ્પરવિરોધી બળો અને અરાજકતામાંથી વાચક કોઈ રાજકીય ઉકેલ શોધવા પ્રેરાય છે. એનો ઉકેલ સ્વાભાવિક રીતે જ આ ત્રીજા સત્યની ખોજમાં છે. આ એવું સત્ય છે જેમાં વિરોધી પરિબળો એકબીજાને નકાર્યા વગર શાંતિથી સન્માનપૂર્વક શ્વસી શકે છે.

*

પોરી હિલોઈદરી[1]

અસમિયા વિવેચક, સંશોધક. અંગ્રેજીનાં અધ્યાપક, મહિલા કોલેજ, ગુઆહાટી.

ગુઆહાટી, આસામ.

porih17@gmail.com

98643 27981

*


  1. મૂળ અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ વાર્તાકાર કિરીટ દૂધાત, અમદાવાદ, ફોન 9427306507

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.