વેદાર્થનિર્ણયના ઇતિહાસલેખનનો પ્રશસ્ય પ્રયત્ન – હેમન્ત દવે

ચંતિન વેદાર્થનિર્ણયાચા ઇતિહાસ – મધુર અનંત મેહેંદળે

ભાણ્ડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર, પૂણે, 2006

ઐતિહાસિક ભાષાવિજ્ઞાનના મોટા વિદ્વાન મધુર અનંત મેહેંદળે (જ. 1918) વડોદરા અને મુંબઈમાં ભણ્યા, પીએચ.ડી. પૂણેની ડેક્કન કોલેજમાંથી કર્યું અને એ જ કોલેજમાં સંસ્કૃતનું અધ્યાપન કર્યું. પ્રાકૃત ભાષાઓના ઊંડા અભ્યાસથી શરૂ થયેલી એમની વિદ્યાયાત્રા ‘એન એન્સાઇક્લોપીડિક ડિક્શનરી અવ સંસ્કૃત લેગ્વંજિ’ના સહસંપાદનકાર્ય સુધી વિસ્તરેલી.

0

બ્રાહ્મણગ્રંથોની રચના થઈ ત્યારથી માંડીને વેદોની નિગૂઢ વાણીનો ખરેખરો અર્થ શો એની મીમાંસા થતી આવી છે. ભારતમાં યુરોપીય પ્રજાના આગમન પછી એમના ભારતીય સંસ્કૃતિવિષયક અભ્યાસોથી વેદના અર્થઘટનનો એક નવો અધ્યાય શરૂ થાય છે. પ્રાચીન ભારતીય તેમજ અર્વાચીન પાશ્ચાત્ય વિદ્યાતપનો ટૂંકો આલેખ અહીં ચર્ચેલા પુસ્તકનો વિષય છે. એના પહેલા ભાગમાં ભારતીય પરંપરાના અને બીજા ભાગમાં પાશ્ચાત્ય વિદ્વાનોના અભ્યાસનો ઇતિહાસ આલેખાયો છે. વેદના અર્થઘટનના પ્રશ્નોની ચર્ચામાં ઋગ્વેદ કેન્દ્રસ્થાને આવે છે. અહીં પણ લેખકે ઋગ્વેદના અર્થને લગતા પ્રયત્નોનો જ ઇતિહાસ આલેખ્યો છે.

‘ભારતીય પરંપરા’ના પ્રથમ ભાગમાં લેખકે બ્રાહ્મણગ્રંથો, ઉપનિષદો, શ્રૌતસૂત્રો તેમજ ગૃહ્યસૂત્રો, શાકલ્યના પદપાઠ, નિઘંટુ, નિરુક્ત, શૌનકો બૃહદ્દેવતા ગ્રંથ, અને ઋગ્વેદના પ્રાચીન અને મધ્યયુગીન ભાષ્યકારોનો સમાવેશ કર્યો છે. પ્રારંભે લેખકે ઋગ્વેદસંહિતાના વર્તમાન પાઠની શાસ્ત્રીય વ્યવસ્થાનો ખ્યાલ આપ્યો છે. એમણે સંહિતાના મૂળ પાઠ – એને તેઓ ઋષિપાઠ કહે છે – અને હાલ આપણને ઉપલબ્ધ પાઠ – એને સંહિતાપાઠ કહે છે – વચ્ચે ભેદ કર્યો છે. એમણે સાધાર બતાવ્યું છે તેમ મૂળ ઋષિપાઠમાં સ્વરસંધિ નહોતી; એ પાછળથી દાખલ થઈ, ઘણે ભાગે બ્રાહ્મણગ્રંથોની રચના થઈ એ પછી. સંધિ કરવાથી કેટલીક ઋચાઓમાં છંદોભંગ થાય છે એનું કારણ આ છે. આ રીતે જોતાં બ્રાહ્મણગ્રંથો ઋગ્વેદના પાઠને, કેટલાક અંશે, એના મૂળ રૂપે સમજવા માટે ઉપયોગી છે. આ ગ્રંથો સૂક્તોના ઇતિહાસસંદર્ભને પણ સમજવા માટેની ચાવી પૂરી પાડે છે, જેમ કે, પુરૂરવા અને ઉર્વશીના સૂક્તની કે શુન:શેપની કથાની. શ્રૌતસૂત્રો અને ગૃહ્યસૂત્રોમાં વેદમંત્રોનો વિનિયોગ કરવામાં આવતો હોવાથી ક્યારેક ઋચાઓમાં પ્રયોજાયેલા કઠિન શબ્દોના અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. શાકલ્યનો સંહિતનો પદપાઠ મંત્રોના અર્થને સમજવા માટે એ રીતે ઉપયોગી છે કે તેમાં પ્રત્યેક પદને છૂટું પાડવામાં આવ્યું છે. જેમ કે, वक्ष्यन्तेदा (ઋ.6.75.3) એ શબ્દમાં वक्ष्यन्तीडव+इत्+आ એમ જે સંધિ છે તે કેવળ પદપાઠથી જ સમજી શકાય છે. આમ છતાં, શાકલ્યનો પદપાઠ એ ઋગ્વેદનો એકમાત્ર પદપાઠ નથી; યાસ્કાચાર્ય કેટલીક વાર ભિન્ન પદપાઠ આપે છે તેનો લેખકે નિર્દેશ કર્યો છે.

ઉપર જણાવેલા ગ્રંથનો પ્રતિપાદ્ય વિષય વેદના અર્થનો નિર્ણય કરવાનો નથી; એમાં શબ્દના કે ઋચાના અર્થની ચર્ચા સંદર્ભવશાત કરવામાં આવી છે. આ ગ્રંથો કરતાં નિઘંટુ અને નિરુક્ત એ રીતે જુદાં પડે છે કે એનો ચર્ચ્ય વિષય જ વૈદિક શબ્દોના અર્થનિર્ધારણનો છે. વળી, સમયની દૃષ્ટિએ પણ અન્ય કૃતિઓની સરખામણીએ આ કૃતિઓ વેદની નિકટવર્તી છે. એ નાતે નિરુક્ત વેદાર્થનિર્ણય માટે ખૂબ ઉપયોગી છે.

યાસ્ક ઘણી વાર વેદોના કાલગ્રસ્ત શબ્દોનો એમના સમયે પ્રચલિત અર્થ આપે છે. પણ યાસ્કના ભાષ્યની અગત્ય કેવળ એટલી જ નથી. ઋગ્વેદની દેવતાઓનું અને મંત્રોનું વર્ગીકરણ, દેવતાઓનો સ્વરૂપવિચાર, તત્કાલે પ્રચલિત વેદોના અભ્યાસ અંગેના અન્ય વિચારોની જાણકારી, વગેરે માટે પણ એ ઉપયોગી છે. ઋચાઓના અર્થસંબંધે વિવિધ મતોનો તેમણે સોદાહરણ નિર્દેશ કર્યો છે. યાસ્કે શાક્ટાયન, શાકપૂણિ, ઔપમન્યુ, ઔર્ણવાભ, આગ્રાયણ, ગાલવ, તૈટિકિ, જેવા નિરુક્તના પૂર્વસૂરિઓના મત પણ ટાંક્યા છે. કૌત્સ જેવા વેદવિરોધી વિદ્વાનના મતની પણ એમણે ચિકિત્સા કરી છે.

શૌનકના બૃહદ્દેવતાનો હેતુ ઋગ્વેદના સૂક્તોની, ઋચાઓની, કે મંત્રના પદ સુધ્ધાંની દેવતાઓ કઈ છે એ નિર્ધારિત કરવાનો છે. આમ એનો સીધો સંબંધ ઋચાઓનો અર્થ નિશ્ચિત કરવાનો નથી, છતાં ઘણે સ્થળે આવશ્યકતા-અનુસાર એ માટેનો પ્રયત્ન જોઈ શકાય છે; એમ કરવા માટે, સામાન્ય રીતે, એમાં નિરુક્તનું અનુસરણ કરાયું છે પરંતુ કેટલીયે વાર નિરુક્તથી ભિન્ન મત પણ એમાં મળે છે.

ઋગ્વેદના ભાષ્યકારોમાં સ્કંદસ્વામી સૌથી જૂના છે. એમનું ભાષ્ય પહેલા, પાંચમા અને છઠ્ઠા મંડળનાં કેટલાંક સૂક્તો ઉપર જ મળે છે. બીજા ભાષ્યકાર ઉદ્ગીથ કર્ણાટકની પ્રાચીન રાજધાની બનબાસીના વતની હતા. એમનું ભાષ્ય માત્ર દસમા મંડળનાં કેટલાંક સૂક્તો ઉપર જ ઉપલબ્ધ છે. દક્ષિણ ભારતના વેંકટમાધવ (માધવભટ્ટ) અને વિજયનગરના મંત્રી સાયણાચાર્ય એ રીતે જુદા પડે છે કે એ બન્નેની ટીકા સમગ્ર ઋગ્વેદ ઉપર મળે છે. આ ચારે આચાર્યોના ભાષ્યની વિશેષતાઓ લેખકે સોદાહરણ, તુલનાત્મક પદ્ધતિએ ચર્ચી છે. સાથે જ એમણે સાયણે સ્વીકારેલો ઋગ્વેદનો પાઠ વર્તમાન પાઠથી જુદો હતો કે કેમ એની તથા સાયણભાષ્યનું કર્તૃત્વ માત્ર સાયણાચાર્યનું કે એના અન્ય કોઈ કર્તા પણ હતા એની પણ વિગતે વાત કરી છે. ઋગ્વેદ ઉપરનું છેવટનું ભાષ્ય મુદ્ગલાચાર્યનું છે પણ એ સ્વતંત્ર ન હોતાં અગાઉનાં ભાષ્યોનો સાર છે.

પાશ્ચાત્ય વિદ્વાનો દ્વારા વેદના અભ્યાસનો પ્રારંભ કોલબ્રુકે (Henry Thomas Colebrooke) 1805માં લખેલા ‘ઓન ધ વેદઝ, ઓર સેક્રિડ રાઇટિઙ્ઝ અવ ધ હિન્દુઝ’ લેખ દ્વારા થાય છે. ત્યાર બાદ ફ્રીટ્રિશ રોઝને (Friedrich Rosen) ઋગ્વેદના પાઠનું સંપાદન કરવાની તેમજ એવા અનુવાદની હામ ભીડી. એ અનુવાદ અલબત્ત લૅટિન ભાષામાં હતો. કમનસીબે, એમના અકાળ અવસાનને કારણે અનુવાદ પ્રથમ અષ્ટક સુધી જ થયો, જે 1838માં એમના અવસાન પછી મૂળ સંસ્કૃત સાથે પ્રકાશિત થયો. ઋગ્વેદના પ્રથમ સંપૂર્ણ ભાષાંતરનું શ્રેય એચ. એચ. વિલ્સનને ફાળે જાય છે. એમણે સાયણાચાર્યના ભાષ્યને અનુસરીને છ ખંડોમાં અંગ્રેજી અનુવાદ આપ્યો (1850–1888). ત્યાર બાદ ગ્રિફિથનો અંગ્રેજી અનુવાદ 1889 અને 1896માં બે ભાગમાં આવ્યો. ગ્રિફિથે સાયણનો આધાર લીધો હોવા છતાં ઘણે સ્થળે એમણે સ્વતંત્ર રીતે પણ અર્થ આપ્યા છે.

માક્સ મ્યૂલરે સર્વ પ્રથમવાર ઋગ્વેદને સાયણભાષ્ય સાથે સંપાદિત કરીને છપાવ્યો. આને કારણે દુનિયાભરમાં ઋગ્વેદના અભ્યાસને ભારે વેગ મળ્યો. એમનાં ધર્મવિષયક વ્યાખ્યાનોમાં પણ એમણે ઋગ્વૈદિક ધર્મ વિશે વિચાર કર્યો છે. સેક્રિડ બુક્સ અવ ધિ ઇસ્ટ શ્રેણીમાં એમણે કેટલાંક સૂક્તોનો અનુવાદ કર્યો છે; રોટની જેમ એ પણ માનતા કે ઋગ્વેદના અનુવાદમાં સાયણાદિ ભાષ્યકારોનું અવલંબન કરવું વ્યર્થ છે.

રુડોલ્ફ ફોન રોટે (Rudolf von Roth) ઋગ્વેદ વિશે કેટલાક લેખો લખ્યા છે પણ એમનું સૌથી મહત્ત્વનું કાર્ય બ્યોટલિંક (Ottoa von Bohtlingk) સાથે મળીને બનાવેલા સંસ્કૃત વ્યોર્ટરબુખમાં (Sanskrit Worterbuch, 7 ગ્રંથ) વૈદિક શબ્દોના અર્થનું નિર્ધારણનું. એમણે શબ્દોના અર્થ ઋચાઓના સંદર્ભ ઉપરથી કે પરવર્તી સાહિત્યમાં એના પ્રયોગ ઉપરથી કે ગ્રીક, લૅટિન, જેવી અન્ય સમાંતર ભાષાઓના શબ્દોને આધારે આપ્યા છે. એમણે સ્થાનિક વિદ્વાનોએ આપેલા અર્થ ઉપર પણ આધાર રાખ્યો હોવા છતાં એમનો સામાન્ય અભિગમ ભારતીય વિદ્વાનોના અનાદરનો હતો. એમના મતે ઋગ્વેદનો અર્થ સમજવા માટે પરંપરાપ્રાપ્ત ભાષ્યોની કોઈ ઉપયોગિતા નથી. એ સમયે ઋગ્વેદ કે અથર્વવેદ કે પરવર્તી વૈદિક સાહિત્યની કૃતિઓ છપાઈ નહોતી એ ધ્યાને લેતાં એમણે માત્ર હસ્તપ્રતોને આધારે જ કેવડો પ્રચંડ ઉદ્યમ કર્યો હતો તેનો ખ્યાલ આવે છે.

હેરમાન ગ્રાસમાને (Hermann Grassmann) સંપૂર્ણ ઋગ્વેદનો જર્મનમાં બે ગ્રંથોમાં અનુવાદ કર્યો (1876–77). આ અનુવાદ કરતાં પહેલાં એને લાગ્યું કે ઋગ્વેદના શબ્દોનો કોશ બનાવવાથી કાર્ય સરળ બનશે, અને એથી એમણે ઋગ્વેદનો શબ્દકોશ બનાવ્યો: વ્યોર્ટરબુખ ત્સુમ ઋગ્વેદ (Worterbuch zum Rigveda, 1873). એમાં ઋગ્વેદમાં પ્રયુક્ત દરેક શબ્દના અર્થ અને એ શબ્દ ક્યાં ક્યાં પ્રયોજાયો છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. અલબત્ત, એમાં સંદર્ભ મંડળ, સૂક્ત અને ઋચા એ જાણીતા ક્રમ પ્રમાણે ન હોતાં સૂક્તના સળંગ ક્રમ (1થી 1028 સુધી) પ્રમાણે છે. ગ્રાસમાને ઋગ્વેદના પાઠમાં ઘણી વાર મનસ્વી રીતે ફેરફાર કર્યા છે અને એમનો અનુવાદ મૂળ પાઠનો નહીં પણ એમણે ‘સુધારેલા’ પાઠનો છે. વળી, આ અનુવાદ એમણે ઋગ્વેદની ઋચાઓની અક્ષરસંખ્યાને જાળવી રાખીને પદ્યમાં કર્યો છે, એટલે ઘણી જગ્યાએ એમાં કૃત્રિમતા પ્રવેશી છે. એમનો અનુવાદ આજે મહત્ત્વનો ગણાતો નથી.

ઋગ્વેદનો બીજો સંપૂર્ણ જર્મન અનુવાદ આલ્ફ્રેટ લુટવિશે (Alfred Ludwig) કર્યો (6 ગ્રંથ, 1876–1888). આ અનુવાદ એમણે ઋગ્વેદના પરંપરિત ક્રમ પ્રમાણે નહીં પણ દેવતાઓ અનુસાર કર્યો છે. એટલે કે, જે રીતે નવમા મંડળમાં સોમને લગતી ઋચાઓ છે તે જ રીતે લુટવિશે ઇન્દ્ર, અગ્નિ, વગેરે દેવતાઓની તમામ ઋચાઓને એક સાથે મૂકી એમનો અનુવાદ કર્યો છે. એમણે પણ ગ્રાસમાનની જેમ ઋગ્વેદના પાઠમાં ફેરફાર કરેલા છે.

હેરમાન ઓલ્ડેનબેર્કે (Heramann Oldenberg) વૈદિક ધર્મ ઉપર અને ઋગ્વેદના છંદ અને પાઠ ઉપર ગ્રંથો લખ્યા છે. મૂળ ઋષિપાઠ અને સંહિતાપાઠ વચ્ચે કેવો અને કેવી રીતે ભેદ પડ્યો એ તેમણે સોદાહરણ સ્પષ્ટ કરી આપ્યું. પરવર્તી સાહિત્યમાં જ્યાં ઋચાઓનો પાઠ જુદો મળે છે ત્યાં એ પરિવર્તન ઉત્તરકાલીન છે એ અને એથી એવા સંજોગોમાં ઋગ્વેદનો પાઠ જ વધુ આધારભૂત અને પ્રાચીન મનાય એ પણ એમણે બતાવ્યું. એમણે ઋચાઓ ઉપર વિસ્તૃત ટિપ્પણીઓ લખીને ઋગ્વેદનો અર્થ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. દા.ત., પ્રથમ મંડળની સાતમી ઋચામાં दोषावस्तर् (दोषाडवस्त:) શબ્દ આવે છે. સાયણાચાર્ય એનો અર્થ રાત અને દિવસ (रात्रौ अहनि च) કરે છે. ઓલ્ડેનબેર્કના મતે ઋગ્વેદમાં રાતદિવસ જેવા સમાસ નથી એથી અહીં દ્વન્દ્વ સમાસ હશે એમ માનવું કઠણ છે. આશ્વલાયન શ્રૌતસૂત્રમાં અગ્નિને दोषावस्तर् અને प्रातर्वस्तर् કહ્યો છે (3.12.4). વસ ધાતુનો અર્થ ‘પ્રકાશવું, ચમકવું’ એવો છે, એ ઉપરથી ઓલ્ડેનબર્ક બતાવે છે કે दोषावस्तर्નો અર્થ ‘રાત્રે ચમકનાર’, ‘રાત્રે પ્રકાશ આપનાર’, એમ કરવો જોઈએ. એટલે કે, અહીં दोषावत्सर् સંબોધન એકવચન છે, સાયણાચાર્ય ઘટાવે છે તેમ દ્વન્દ્વ સમાસ નહીં.

ફ્રેન્ચ વિદ્વાન આબેલ બેર્ગેઞ (Abel Bergaigne) માનતા હતા કે વેદોનો અર્થ કરવા માટે પ્રથમ એ યજ્ઞ સંબંધિત કૃતિ છે એ ધ્યાનમાં રાખવું પડે; યજ્ઞ સાથેનો એનો સંબંધ વિચ્છેદીને ઋગ્વેદને સમજી શકાય નહીં; કારણ, કેટલીય ઋચાઓની રચના યજ્ઞ માટે જ કરવામાં આવી છે. બીજું, વૈદિક શબ્દોના એક કરતાં વધુ અર્થ કરવાની રોટ અને ગ્રાસમાનની પદ્ધતિની પણ ટીકા કરતાં તેઓ કહે છે કે શબ્દનો એક જ અર્થ હોય છે એમ માની ચાલવું શ્રેયકર છે. એ અર્થ બંધબેસતો ન થાય તો અને તો જ બીજા અર્થની વિચારણા કરવી જોઈએ. પોતાના આ મતના પ્રતિપાદન માટે તેમણે ઋગ્વેદની ઋચાઓને આધારે વૈદિક ધર્મ વિશે ત્રણ ખંડમાં ગ્રંથ લખ્યો.

સાયણાચાર્યાદિ ભાષ્યકારોનો એકડો કાઢી નાખતા પાશ્ચાત્ય અભિગમની સખત ટીકા રિશાર્ટ પિશલ (Richard Pischel) અને કાર્લ ગેલ્ડનર (Karl Geldner) તેમના વૈદિક અભ્યાસના બે ગ્રંથમાં કરે છે. બન્નેના મતે સાયણાદિ આચાર્ય કોઈ સ્થળે શબ્દનો ખોટો અર્થ આપે છે એ ખરું પણ એથી કરી એમના ભાષ્યની સર્વથા ઉપેક્ષા કરવી એ સંદતર અયોગ્ય છે. સાયણ વગેરે પૂર્વસૂરિઓના મતનો નિર્દેશ કરે છે તે સ્પષ્ટ બતાવે છે કે ભારતમાં વેદનો અર્થ કરવાની પ્રાચીન પરંપરા હતી અને આ પરંપરામાં તૈયાર થયેલા આચાર્યોને એની માહિતી હતી. એમણે આપેલા અર્થ કાલ્પનિક છે એવી રોટની માન્યતા પૂર્વગ્રહપીડિત છે. બીજું, રોટે માત્ર ઋગ્વેદને જ આધાર માની અર્થ કરવાનો પ્રયત્ન કર્યો એથી પરવર્તી સાહિત્યમાં એના અર્થની ઉપેક્ષા કરવાની ભારે ભૂલ કરી. ગેલ્ડનરે ઋગ્વેદનો કરેલો અનુવાદ દાયકાઓ સુધી સૌથી આધારભૂત તરીકે પોંખાયો હતો.

હાઇનરિસ લ્યૂડર્સ (Heinrich Lટders): એમનું વેદવિષયક મુખ્ય કાર્ય એટલે વરુણ વિષયક અભ્યાસ, જેને એમના શિષ્ય લુટવિશ આલ્સડોર્ફે (Ludwig Alsdorf) સંપાદિત કરી બે ખંડોમાં પ્રકાશિત કર્યું (1951, 1959). વરુણ સંબંધે લ્યૂડર્સ એવી ધારણા રજૂ કરે છે કે વરુણ એ મુખ્યત્વે સંધિ અથવા કરારના અમૂર્ત દેવ છે, એટલે કે શપથદેવતા છે. પહેલા ખંડ ‘વરુણ અને જળ’માં તેઓ બતાવે છે કે કરાર અથવા શપથ સામાન્ય રીતે હાથમાં પાણી લઈને લેવામાં આવે છે: વરુણનો પાણીમાં વાસ હોવાથી પાણી એમનું પ્રતીકાત્મક સ્વરૂપ છે. બીજા ખંડમાં વરુણનો ઋત એટલે કે સત્ય સાથેનો સંબંધ સ્પષ્ટ કરવામાં આવ્યો છે, કેમ કે, કોઈ પણ કરાર સત્યના પાલન વિના શક્ય નથી. કરારનું સત્યતાપૂર્ણ રીતે પાલન થાય એ માટે વરુણ દરેક ઉપર પોતાની દૃષ્ટિ રાખે છે; જે કોઈ કરારનો કે શપથનો ભંગ કરે તેને વરુણ સજા કરે છે. આ રીતે જોતાં વરુણ ન્યાય તોળતા હોવાથી એ રાજા છે. ત્રીજા ખંડમાં વરુણ અને રાજા વચ્ચેનો આ સંબંધ એમણે સ્પષ્ટ કરી આપ્યો હતો, જે દુર્ભાગ્યે નાશ પામ્યો. આ રીતે લ્યૂડર્સે વરુણનો પાણી, સત્ય અને રાજા એ ત્રણે બાબતો સાથેનો સંબંધનો ઉકેલ લાવી આપ્યો. આ બન્ને ગ્રંથમાં એમણે વરુણસંબંધિત અનેક ઋચાઓના અર્થ નક્કી કરી આપ્યા છે.

લ્વી રનૂએ (Louis Renou) અગ્નિ, ઇન્દ્ર, ઉષા, વરુણ, મરુત, વિશ્વેદેવા, સવિતા, વિષ્ણુ જેવી દેવતાઓને લગતાં સૂક્તોનું ફ્રેંચ ભાષામાં ભાષાંતર કર્યું છે. વૈદિક શબ્દાવલિ ઉપરના ગ્રંથમાં એમણે કેટલાક વૈદિક શબ્દોની ઝીણવટભરી તપાસ કરી છે. વૈદિક ભાષાશાસ્ત્રના વિદ્વાનો વિશે લખેલા પુસ્તકમાં એમનાં પ્રદાનોની મામિર્ક સમીક્ષા છે. વેદ વિશે જે કાંઈ અભ્યાસો પ્રગટ થયા એની સંદર્ભસૂચિ એમણે તૈયાર કરી જે વિદ્વાનો માટે સદ્યસહાયક ગ્રંથ તરીકે ખૂબ ઉપયોગી છે.

યન ખોંડા (Jam Gonda) અને પાઉલ ટીમરૂ (Paul Thieme) આ બન્ને વિદ્વાનો વેદના મોટા અભ્યાસી હતા. એમણે કેટલાયે વૈદિક શબ્દો વિશે સવિગત અભ્યાસો લખ્યા છે. ખોંડાએ એ સિવાય વૈદિક ધર્મ અને દેવતાઓને લગતા પણ એકાધિક ગ્રંથો અને લેખો આપ્યા છે.

ભારતીય વિદ્વાનોમાં લેખકે માત્ર હરિ દામોદર વેલણકર અને રામચંદ્ર નારાયણ દાંડેકરનો સમાવેશ કર્યો છે. વેલણકરે ઋગ્વેદના બીજા, ત્રીજા અને સાતમા મંડળનાં તમામ સૂક્તોનું ભાષાંતર કર્યું છે અને એ સિવાય બીજાં કેટલાંક સૂક્તોના પણ એમણે અનુવાદ આપ્યા છે. વૈદિક સમયમાં ભક્તિ હતી એ એમનું વિશિષ્ટ પ્રતિપાદન છે. દાંડેકરનું કાર્ય રનૂએ શરૂ કરેલી વૈદિક સંદર્ભસૂચિને આગળ ધપાવવા સિવાય વૈદિક દેવતાઓ વિશેના કેટલાક સ્વતંત્ર અભ્યાસો પૂરતું મર્યાદિત છે.

0

આ ગ્રંથ વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને 1991થી 1998 દરમ્યાન ટિળક મહારાષ્ટ્ર વિદ્યાપીઠમાં આપેલાં વ્યાખ્યાનોનું મુદ્રિત સ્વરૂપ છે. આ પુસ્તક સંસ્કૃતના વિદ્યાર્થીને તો ઉપયોગી થાય જ, પણ એ પ્રાચીન ભારતના વિદ્યાર્થીઓને પણ રસ પડે એવું છે. ઉપર રજૂ કરેલા ગ્રંથના ટૂંકસાર ઉપરથી પણ ખ્યાલ આવ્યો જ હશે કે આ અધ્યયનોમાં સિંહફાળો જર્મન અને ફ્રેંચ પંડિતોનો છે. આ વિદ્વાનોએ લખેલાં પુસ્તકો અને લેખોમાંના બહુ ઓછા અંગ્રેજી ભાષામાં અનૂદિત થયાં છે, એટલે ઋગ્વેદનાં અધ્યયનો વિશે લખાણ એ વ્યક્તિ જ લખી શકે જે ફ્રેંચ અને જર્મન બન્ને ભાષા જાણતી હોય અને જેને વૈદિક સાહિત્યનો પણ ગાઢ પરિચય હોય. કશી જ અતિશયોક્તિ વિના કહી શકાય કે ભારતમાં આ કામ હાલ મેંહેંદળે સિવાય બીજી કોઈ વ્યક્તિ કરી શકે તેમ નથી; આ માટે આપણે આ જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ વિદ્વાનનો જેટલો આભાર માનીએ એટલો ઓછો.

ઉપર આપેલા ગ્રંથના ટૂંકસાર ઉપરથી જોઈ શકાશે કે આ ગ્રંથમાં ભારત અને યુરોપના મુખ્ય કહી શકાય તેવા વિદ્વાનોના કાર્યનો એક વર્ણનાત્મક આલેખ આપવામાં આવ્યો છે. એમાં મૂલ્યાંકનાત્મક વિવેચન ઓછું અથવા નહિવત્ છે. જ્યાં કશા વિવાદની ચર્ચા કરાઈ હોય ત્યાં પણ એમણે પોતાનો મત આપવાનું ટાળ્યું છે. જેમકે, સાયણાચાર્યની ચર્ચામાં ઋગ્વેદના પાઠની વાત કરતી વખતે એમણે ચિં. ગ. કાશીકારના મત આપીને તો સાયણભાષ્યના કર્તૃત્વની ચર્ચા ઉપાડતી વખતે પાં. દા. ગુણેની અભિધારણા રજૂ કરીને સંતોષ માન્યો છે; પોતાનો અભિપ્રાય રજૂ કર્યો નથી.

બીજું, અર્વાચીન અભ્યાસીઓમાં એમણે વેલણકર અને દાંડેકરના અપવાદ સિવાય ભારતીયોનો સમાવેશ કર્યો નથી. પાશ્ચાત્ય વિદ્વાનોની સમાંતરે દયાનંદ સરસ્વતી, આનંદ કુમારસ્વામી, શ્રી અરવંદિ જેવા વિદ્વાનોએ પણ એમને અભિમત વિચારધારાના સંદર્ભમાં વેદોના અર્થઘટન બાબતે આગવું કાર્ય કર્યું છે, પણ એનો નિર્દેશ અહીં નથી.

1998 પછીનાં સંશોધનો આ પુસ્તકમાં દેખીતી રીતે જ આમેજ કરાયાં નથી. જેમ કે, મિશેલ વિત્સલ અને ટોશીફૂમી ગોટોનો ઋગ્વેદના પ્રથમ બે મંડળનો જર્મન ભાષામાં અનુવાદ(2007) અને સ્ટેફાની જેમિસન અને બ્રેરેટની ઋગ્વેદનો સંપૂર્ણ અંગ્રેજી અનુવાદ(2014). ઋગ્વેદની સહાયક સંશોધનસામગ્રી પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રગટ થઈ છે: આલેક્સાંદર લુબોત્સ્કીનો ઋગ્વૈદિક વ્રડ કોંકોર્ડન્સ (1997, બે ભાગ); માયર્હોફરનો ઋગ્વેદનાં વ્યક્તિનામોનો કોશ (2002); ટોમાસ ક્રિશનો ઋગ્વેદ-લેક્સિકન (2 ગ્રંથ, 2012, અપૂર્ણ).

*

હેમન્ત દવે

વિવેચક.

ઇતિહાસના અધ્યાપક,

સ. પ. યુનિ., વલ્લભવિદ્યાનગર.

નડિયાદ.

nasatya@gmail.com

97231 13737

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.