કપરી વાસ્તવિકતાનું પ્રભાવક વાર્તારૂપ – ઓમપ્રકાશ શુક્લ

રાત બાકી એવં અન્ય કહાનિયાઁ – રણેન્દ્ર

રાજકમલ પ્રકાશન, નવી દિલ્હી, 2010

છેલ્લા કેટલાક દાયકાઓથી સાહિત્યજગતમાં જળ, જંગલ અને જમીન અંગેની ચિંતા વ્યક્ત થતી રહી છે. જોકે, પ્રારંભે એ ચિંતા મુખ્યત્વે નારીચેતના, દલિતચેતના અને આદિવાસી ચેતનાના પ્રવાહમાં અભિવ્યક્તિ પામી. હાથમાં અંગારા લેવા જેવી સચ્ચાઈની તુલનાએ જળ, જંગલ, જમીનના દોહન તથા એના મૂળ માલિકોના શોષણ વિશે લખવું વધારે મુશ્કેલ હોય છે – ક્યારેક તો, કેટલાક માટે તો અસંભવ પણ.

ग्लोबल गाँव के देवता (વૈશ્વિક ગ્રામદેવતા)થી જાણીતા થયેલા વાર્તાકાર રણેન્દ્રના આ વાર્તાસંગ્રહ रात बाकी एवं अन्य कहानियाँ –માં બેહાલ-લાચાર આદિવાસીઓ, એમની રૂઢિગ્રસ્ત સમાજવ્યવસ્થા, હોંસિયામાં ધકેલાયેલો આમ આદમી, નિરક્ષરતા, ગરીબી, શાસનવ્યવસ્થાની લાપરવાહી, ક્રૂરતા, સ્વાર્થપરાયણતા, તકવાદીપણું, વગેરે ઉપર ઊપસી આવ્યાં છે.

આ સંગ્રહમાં સાત વાર્તાઓ છે. એમાં रात बाकी એ માત્ર લાંબી વાર્તા જ નથી પણ નવલકથા જેવું કાઠું ધરાવતી લેખકની એક લાક્ષણિક વાર્તા છે. રણેન્દ્રની વાર્તાઓમાં ઝારખંડ-બિહારના નકસલ-પ્રભાવિત પ્રદેશો, ત્યાંના આદિવાસી-વનવાસી અને પછાત વર્ગની સામાજિક-આર્થિક સ્થિતિની સાથે સાથે જ એ લોકોની વિચારસરણી અને એમાં આવતાં પરિવર્તનો પ્રગટ થાય છે. રાજનેતાઓની પ્રપંચલીલા અને એમની જાળમાં ફસાતા શોષિતો આ વાર્તાઓના કેન્દ્રમાં છે. રણેન્દ્રની વાર્તાઓ માજિર્નલાઇઝેશનની પ્રક્રિયાનું મૅટાફર રચે છે. એક બીજી રીતે આ વાર્તાઓ વાસ્તવના અંગારા પર સીઝતી વાર્તાઓ છે.

रात बाकीમાં લેખકે કથક સી. ઓ. નરેન્દ્રની આંખે જ કથાને આકાર આપ્યો છે. દુર્ગાવતી જળાશય પરિયોજનામાં ડૂબમાં આવતાં ચેરો આદિવાસીઓનાં ગામ, એમના વિસ્થાપન અને પુનર્વસન માટે આયોજિત ઓપરેશન ‘બ્લેક કોબરા’ માટે નિયુક્ત કરાયેલા એ. એસ. પી. સિદ્ધાર્થની પત્ની દીયા જે. એન. યુ.માં ભણેલી છે. વાસ્તવમાં તો એ ચેરો પ્રધાનરામાવતાર સિંહની અલ્લડ દીકરી સોમારી છે. આજે એ જ સોમારી ઉર્ફે

દીયા દુર્ગાવતી બંધને કારણે ડૂબમાં આવતાં તેર ગામોના પુનર્વસવાટ માટે યોગ્ય જમીન ઉપલબ્ધ કરાવવા યોજાયેલી રેલીનું નેતૃત્વ કરી રહી છે. આદિવાસી વિસ્તારોમાં જ્યારે પણ આવી યોજનાઓ આકાર ધારણ કરે છે ત્યારે સ્થાનિક લોકોને કેટલું જતું કરવું પડે છે ને વેઠવું પડે છે એ બધાની પૂરી જાણકારી હોવા છતાં નોકરશાહી બાબુઓને તો પોતાની રગશિયા રીતિથી કામ ચલાવવામાં જ રસ હોય છે. ક્યારેક વળી કોઈ સંવેદનશીલ, સમજુ અધિકારી સરકાર અને સ્થાનિક લોકો વચ્ચે કડીરૂપ ભૂમિકા નિભાવીને જનહિતમાં કામ કરવા ઇચ્છે તો પણ રાજનેતાઓ અને તકસાધુ બળો એવું થવા દેતાં નથી. સમસ્યાઓ જેમની તેમ રહે તો જ નેતાઓ અને સરકારી અધિકારીઓની ઉન્નતિ થાય ને!

રાજકારણીઓની જેમ સરકારી અધિકારીઓને પણ છેવટે પોતાનાં હિત હોય છે. ગરીબો, દલિતો પર અનુકંપા હોવા છતાં એમની પોતાની એક ભૂખ હોય છે – જરૂરિયાતો હોય છે. ગામનો મુખી એમ. એલ. સી. ની ચૂંટણી લડવા ઇચ્છે છે તો ધારાસભ્યને એમ.પી. બનવું હોય છે. અધિકારીને પ્રમોશન જોઈએ છે. એ.એસ.પી. સિદ્ધાર્થ શાહીને આ ઓપરેશન બ્લેક કોબરામાંથી પોતાનું નામ દૂર કરાવવું હતું. એથી જ, એમની પત્ની આ મામલામાં રસ લઈ રહી હતી. ધારાસભ્ય રામજી આ ચળવળના જોરે જ ચૂંટણી લડવા ઇચ્છતા હતા અને સી. ઓ. નરેન્દ્રને જોઈતી હતી ઇચ્છિત જગાએ નિમણૂક.

સૌ પોતાપોતાનાં સોગઠાં બિછાવવા ને રોટલી શેકવામાં પડ્યા છે.

જોકે રણેન્દ્રની વાર્તાઓ કેવળ આદિવાસીઓ-વનવાસીઓની તરફેણમાં સવર્ણો વિરુદ્ધની પ્રતિક્રિયારૂપ જ નથી. તેમણે એકતરફી ચિત્રણ નથી કર્યું. ઘણા આદિવાસી અધિકારીઓ પણ બીજા સવર્ણ અધિકારીઓની જ નીતિ-રીતિથી કામ કરતા હોય છે. વળી આવા પરિવેશની વચ્ચે લેખકે ઘટના અને પાત્રોનાં મનોવૈજ્ઞાનિક પાસાં પણ આલેખ્યાં છે. जल रहे हैं हरसिंगार આવી એક વાર્તા છે. દારોગા રણજિતનો પૈસા ભરેલા પટારા તરફનો પ્રેમ, લગાવ અસાધારણ છે. એ કારણે રણજિત અને ઊમિર્નું લગ્નજીવન એકદમ ઠંડું પડતું ગયું. લેખક કહે છે કે, ધનિક પરિવારમાંથી આવેલી ઊમિર્ની વધતી જતી વૈભવી માંગણીઓ અને એ માટે રણજિતની પૈસા ભેગા કરવા વધ્યે જતી પ્રવૃત્તિ-’પ્રેક્ટિસ’-ને કારણે ‘बिस्तर में धीरे धीरे बर्फकी सिल्ली होता चला गया।’ (શય્યા પણ ધીમેધીમે બરફની પાટ બનતી ગઈ).

એક એક્ઝીક્યુટિવ અવિનાશ ફિલ્ડ વિઝિટ પર આવ્યો ત્યારે એને જાણ થઈ કે, આ દારોગો રણજિત તો એના ગુરુનો જમાઈ છે. અને એમ, એનું ઊમિર્ને મળવાનું સ્વાભાવિક બનતું ગયું.

રણજિતને એ ખબર પડી કે ગુરુના આદેશથી અવિનાશે ઊમિર્નું ગણિત પાકું કરાવેલું. મળવાનું ચાલતું રહ્યું. લોકોના મોઢે તાળું ન મારી શકાય – રણજિત એ જાણતો હતો. પૂરું પરિવારસુખ ન મળ્યું. વળી, દારોગાથી કંઈ આઈ.પી.એસ. ન થઈ શકાય. એ અધૂરપો બીજા રસ્તા શોધી લે છે. જોરજુલમથી પૈસા ભેગા કરવાની એની આદત એને માનસિક વિક્ષિપ્તતા તરફ દોરી જાય છે. ‘એને પત્ની અને દીકરી કરતાં ય પૈસાના પટારા માટે વધારે પ્રેમ છે.’ આગળ લેખક કહે છે: ‘अलमारी से रुमस्प्रेयर निकाला और ट्रंक के इर्द-गीर्द स्प्रे किया… उंगलियाँ बडे प्यारसे ट्रंक के किनारों को सहला रही थी| अंदर नोटोंकी गड्डी सजी थी… शरीर ट्रंक से चिपक गया| धीरे धीरे उनकी साँसे तेजा हो रही थी और पलकें बंद| … रंजीतबाबु अब उंगली के पोरोंसे रुलको सहला रहे थे| फिर धीरेधीरे उसे होठोंके पास ले गए और उसे होंठोसे सहलाने लगे|… उसे चूमना शूरू किया| अब उनकी छाती धौंकती हो चली थी | (पृ. 114)

ठीक बानू सायराबानू-માં હાસ્ય-વ્યંગના માધ્યમથી શાળાજીવનમાં બાળમાનસ, પ્રેમ, જીવનની નિષ્ઠુર વાસ્તવિકતા, રાજનીતિ વગેરે વિષયો એવી રીતે રજૂ થયા છે કે વાર્તા ક્યાંય ભારઝલ્લી બનતી નથી. બિહાર-ઝારખંડના ઘણા વિસ્તારોમાં પહેલાં ડોલી પ્રથા હતી. પરણીને આવતી નવવધૂની ડોલી સૌથી પહેલાં રજપૂત-ભૂમિહાર જમીનદારોને ઘેર ઊતરતી, દુલ્હને પોતાની પહેલી રાત જમીનદાર સાથે વીતાવવી પડતી. આ વાર્તાની મહતિન દઈ અને એના પતિએ આ વાતનો વિરોધ કર્યો. એ સંઘર્ષમાં પતિ મરાયો તો મહતિન દઈ એની પાછળ સતી થઈ. વાર્તાના પૂર્વાર્ધમાં શાળામાં ભણતાં છોકરા-છોકરીઓ વચ્ચે સહજ આકર્ષણની સાથે કિશોરમનના સર્વ ઉલ્લસિત ઉમંગો, લીધેલા કામ માટેનો જુસ્સો, ને એવું ઘણું બધું સુંદર અભિવ્યક્તિ પામ્યું છે.

ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જ્યાં કોમી તોફાનો નહોતાં થયાં ત્યાં પછીથી તોફાનો થયાં. એથી મુસ્લિમોમાં એક પ્રકારના તણાવની, ભારની, ભયની અને પરાયાપણાની માનસિકતા પેદા થઈ. વિભાજનનું આવું દર્દ ‘रफीक भाई को समजाईए’ વાર્તામાં વિલક્ષણ આલેખન પામ્યું છે. રફીકના અબ્બુ એક સમયે સફળ વેપારી, એમનું બે માળનું મકાન, ઘર પાછળના બગીચામાં અબ્બુ સુગંધી ચાની ચુસ્કીઓ લીધા કરે. શિક્ષિત અમ્મી મૅગેઝિન વાંચ્યા કરતી. ચચ્ચુ હોકીના સ્ટેટ લેવલના ખેલાડી. પરંતુ સન સડસઠના કોમી રમખાણમાં રફીક જેવા અનેક મુસલમાનોનું સર્વસ્વ લુંટાઈ ગયું. દુકાનમાં આગ ચંપાઈ ત્યારે રફીકભાઈ સાત-આઠ વર્ષના. ચારેબાજુ અફરાતરફી. ભાગતી અમ્મીને ઘરેણાંની પેટી અને તેડેલી બેટીને લેવા સિવાય કંઈ ન સૂઝ્યું, બીજી બહેન અબ્બૂની ગોદમાં હતી, રફીક તરફ કોઈનું ધ્યાન ન ગયું. મા-બાપની આવી લાપરવાહી જોઈ રફીક આઘાતથી અવાક્. બરાબર એ જ વખતે કોઈ સ્ટાફવાળાએ સામાનની સાથે રફીકને પણ બીજે માળેથી નીચે ફેંક્યો. એના હોશ ઊડી ગયા.

અમ્મી અને બહેનનો કશો પત્તો નહીં. અબ્બૂ અને રફીક ઝૂંપડપટ્ટીમાં. અબ્બૂને તદ્દન ગંદા વિસ્તારમાં છાપરાવાળા ઘરમાં રહીને કપડાંનાં પોટલાં ઊંચકી ફેરી કરવાની ફરજ પડી. અસહ્યતાએ એમને બીડીના વ્યસનમાં ઉતાર્યા, રફીક પણ સિગારેટના રવાડે. પણ ભણે છે. પ્રોફેસર બને છે. પરંતુ ‘ભૂંડની ખોલકી’ જેવી ઝૂંપડપટ્ટીનો આતંક મન પર રહ્યો. કહે છે – માણસોની ભીડ, મળથી ઉભરાતાં ગંદાં નાળાં, કચરાના ઢગ અને માખી-મચ્છરો વચ્ચે કૂતરાની જિંદગી!’ પછી આક્રોશથી કહે છે: ‘ये बाबरी मस्जिद, रथयात्राएँ, गोधरा सब बहाने है ओम हमें चूहा बनाने और बिल तक खदेडने के |’ (પૃ. 55)

નારી-મનના સંઘર્ષો, વ્યથા અને કંઈ ન કરી શકવાની અસહાયતાના તરફડાટની વાર્તા છે – बारिशमें भीगती गौरेया | સમજણી થઈ ત્યારથી જ શ્રીમતી સાધના પ્રસાદના નસીબમાં ‘ના’ અને ‘નકાર’ જ આવ્યાં છે. પિતાનું અવસાન, મોટાભાઈ ગામ છોડી લુધિયાણા ગયા, મોટાબાપાની બીજી પત્ની હતી સાધનાની મા કરતાં નાની, પણ એનું જ ઘરમાં ચાલે. માદા બાજ પક્ષીની જેમ બધું છિનવી લેતી ને મા ગૌરેયા (ગભરુ પંખિણી)ની જેમ ડરતી ફફડતી રહેતી. એનું બધું, ઘરેણાં સુધ્ધાં, પેલી બાજણે પડાવી લીધું. સાધનાનું ભણવાનું બંધ કરાવ્યું, ઘરમાં ગોંધી રાખી. પંદરની વયે તો એનાં લગ્ન એનાથી અગિયાર વરસ મોટા પુરુષ સાથે. એ પણ કેવો? ‘निगाहें, नाक सब बाजा जैसे ही दिखे| ‘उस’ बाजिन की तरह इसके मुँहमें भी बस (પૃ. 92). મુક્ત વાતાવરણ ન જ મળ્યું. બીડી-તમાકુનાં પુષ્કળ કારખાનાં વચ્ચે રહેવાથી સાધનાની તબિયત લથડી. ડોક્ટરની ચેતવણીએ પતિનું મન કંઈક પીગાળ્યું. ભણી. બપોરે મહોલ્લાની છોકરીઓને ભરતગૂંથણ શીખવ્યું. આધેડ સાધના હવે વધુ મુક્ત થવા ચાહે છે. સ્કૂલમાંથી નોકરીનો સંદેશો આવે છે. પતિ ‘ના’ ફરમાવે છે: ‘રોજ દસથી પાંચ બહાર રહેવાનો અર્થ સમજે છે? ઘર રફે-દફે થઈ જશે!’ સાધના એથી ય વધુ ભાંગી પડી જ્યારે એના મોટા થયેલા દીકરાએ કહ્યું: ‘મા, તને ખબર છે – બહાર જતી-આવતી સ્ત્રીઓ સામે લોકો કેટલું ગંદું બોલે છે? ના, તારું રોજ બહાર નીકળવું ઠીક નથી.’

રણેન્દ્ર પોતાની વાર્તાઓમાં પાત્ર, પરિવેશ અને પ્રદેશ તેમજ કથા-સંઘટનને સજીવ બનાવી શક્યા છે. એમનાં પાત્રો જે બોલી-ભાષામાં વાત કરે છે એ એમના અનુભવની ભાષા છે – એ આયાતી કે ચોંટાડેલી નથી. એમની વાર્તાઓમાં રાજકીય કાવાદાવા, નીચેથી ઉપર જવાની રાજકારણી લાલસા, પ્રશાસકીય ભ્રષ્ટાચાર, સામાજિક માળખું અને તેની ઓળખ, તકવાદી પરિબળો – એ બધું, એ પ્રદેશમાં નજરે જોયેલા સત્યથી પણ સવાયું સાબિત થાય છે. પોલિસખાતાની કર્કશતાથી વાત એમણે વ્યંગથી પણ ઉપસાવી છે: ‘पुलिसिया गालीको अपना अलग तेवर है| उसके बिना कोई पुलीस दारोगा काबिल हो ही नहीं सकता …’ (પૃ. 103)

આ સાતેય વાર્તાઓનું વસ્તુ (થીમ) અલગ અલગ છે અથવા તો દરેક વાર્તામાં એક અલગ સમસ્યા આલેખાયેલી છે. જે મહત્ત્વપૂર્ણ છે તે તો લેખકનું કમિટમેન્ટ અને સચ્ચાઈને ખૂબ નિકટથી જોઈને એની કળાત્મક અભિવ્યક્તિ કરવી તે. એમ કહેવું વધારે નહીં ગણાય કે રણેન્દ્રની વાર્તાઓ એક વ્યાપક ફલકને આવરી લેતી પ્રેમચંદની વાર્તાઓની વિકસિત રેખામાં આવે છે.

*

ઓમપ્રકાશ શુક્લ[1]

વિવેચક.

હિંદીના અધ્યાપક, ગુજરાત કોલેજ, અમદાવાદ.

અમદાવાદ.

ohshukla2003@gmail.com

94268 68095

*


  1. લેખનો અનુવાદ કવિ-અનુવાદક રમણીક સોમેશ્વર, વડોદરા. (9429342100)

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.