‘નક્ષત્રહીન સમય’માં કવિનું હોવું – રઘુવીર ચૌધરી

નક્ષત્રહીન સમય મેં – અશોક વાજપેયી

રાજકમલ પ્રકાશન, દિલ્હી, 2016

હિન્દીના વરિષ્ઠ કવિ-સમીક્ષક, સંસ્કૃતિચંતિક અશોક વાજપેયીનો પંદરમો કાવ્યસંગ્રહ ‘નક્ષત્રહીન સમય મેં’ વાંચતાં ઊર્જાનો અનુભવ થયો. પછી પ્રશ્ન થયો: અશોકજી જીવનભર કવિતાને બલ્કે કલામાત્રને નક્ષત્ર માનતા રહ્યા છે, કાલજયી કલાની એમને ઊંડી સમજણ છે, તો વર્તમાન સમયમાં એમને કોઈ બીજા પ્રકારના નક્ષત્રની અપેક્ષા બલ્કે અનિવાર્યતા કેમ અનુભવાઈ રહી છે?

વર્તમાન સાંસ્કૃતિક સંકટ કલારૂપી નક્ષત્રને ઓલવી દેશે? શક્ય નથી. પરંતુ વિવેક ક્ષીણ થઈ શકે છે. આ વિવેકની મૂર્ચ્છા તૂટે, ચતુરાઈભરી ચુપકીદી તૂટે એ જ ઇચ્છે છે કવિ-મનીષી.

એક ઐતિહાસિક અનુભવ છે કે નકારાત્મક સમયમાં – ઉધાર જમાનામાં કલાની ઊર્જા સતેજ થઈ છે.

સિદ્ધાન્ત વગરના, પરિણામલક્ષી રાજકારણે સમાજને વિભાજિત કરવામાં કશી મણા રાખી નથી ત્યારે અશોકજી જેવા કર્મશીલ સારસ્વતને – કલાસંવર્ધક આયોજકને પીડા તો હોય જ. આ પીડા પત્રકારત્વ અને હાસ્યવિનોદ દ્વારા સહેલાઈથી વ્યક્ત કરી શકાય, એ માટેનો મનોરંજનનો માર્ગ અશોકજી પસંદ ન કરે, મનોમંથન કરે, એની અભિવ્યક્તિ સંકુલ બને કે સપાટ પણ કવિતાની અવેજી ન શોધે. કવિતા સિદ્ધ થાય કે ન થાય, પણ લક્ષ્ય તો ઊંચું જ હોય. જોખમ ઉઠાવે. એ માટેની નિર્ભયતા અને સાહસની મૂડી અશોકજીમાં પહેલાંથી છે. પચાસ વર્ષથી લખે છે, જાણે છે:

‘આપણો સમય કવિતા માટે અનુકૂળ નથી, પરંતુ એ ય સાચું છે કે મોટે ભાગે કોઈ પણ સમય કવિતા માટે અનુકૂળ નથી હોતો. કવિતા આ અનુકૂળતાના અભાવમાં જ મોટે ભાગે સંભવે છે: એ સમયની સઘળી પ્રતિકૂળતાઓ સામે ઝઝૂમીને એને અતિક્રમી જવાનું દુસ્સાહસ કરતી રહે છે.’

(પૃ. 7, એક અડધી સદી)

માત્ર કવિતા જ નહીં, સાહિત્યના બધા પ્રકારો વિષમ પરિસ્થિતિમાં વધુ સક્રિય દેખાય છે, ઉપલબ્ધિઓ જે કંઈ પ્રાપ્ત થાય, એ કાલજયી હોય છે.

અજ્ઞેય, મુક્તિબોધ, શમશેરને અશોકજી કવિતાના ત્રણ દરવાજા માને છે. આ કાવ્યસંગ્રહની સમાન્તરે હું એ ગ્રંથ પણ વાંચતો હતો. આ પરંપરા વારસારૂપે મળી છે અશોકજીને.

‘નક્ષત્રહીન સમય મેં’ના આરંભે અગિયાર ગદ્યખંડ છે, જે ચિંતનાત્મક હોવાની સાથે ક્યાંક ક્યાંક કાવ્યાત્મક પણ છે. કેટલાંક વાક્યો રેખાંકિત કર્યાં

‘કવિતા સચ્ચાઈ પર ખૂલે છે…

કવિતા ભાષામાં ખૂલે છે…

દરેક કવિતા અધૂરી સચ્ચાઈનું આખ્યાન છે…. (2)

કવિતા હિંસાનો પ્રતિરોધ કરે છે. (4)

કવિતા એકલદોકલને સમુદાય સાથે જોડે છે અને સમુદાયમાં એ એકલા માટે જગા ઊભી કરે છે. (5)

કવિતા રસ્તો નથી બતાવતી કેમકે મોટે ભાગે તો એને પોતાને રસ્તાની ખોજ હોય છે. (10)

(પૃ. 9 થી 13)

અશોકજીની કેટલીક પૂર્વવર્તી કાવ્યકૃતિઓમાં શુદ્ધ સૌંદર્યબોધ પ્રત્યે પક્ષપાત વરતાય છે. મારા પીએચ.ડી. વિદ્યાર્થી અમૃત પ્રજાપતિ ત્રણેક દાયકા પહેલાં અશોકજીની કવિતાઓનું અધ્યયન કરી રહ્યા હતા એ દરમિયાન હું એમનાં કલ્પનોથી પ્રભાવિત થયો હતો. ‘એ નાહી રહી છે’ શૃંગારના ભાવતલ પર અપૂર્વ કલ્પનો રચે છે:

મારો પ્રેમ સ્પર્શે છે જળને

જળ એની કાયાના દિગંબર વૈભવને –

પ્રાચીન તન્વંગી, અનંતની ઓસરીમાં

કવિતાના ગવાક્ષ નીચે લજ્જારુણ જલથી.

અંગત દૃષ્ટિપાત પરલક્ષી બનીને સમય અને સ્થળને વિસ્તરે છે. સ્નાનાગાર નદીતટ બને છે.

128 પૃષ્ઠના આ સંગ્રહમાં અશોકજીનો મુખ્ય પ્રશ્ન આ છે:

આ ઘેરાતા ગાઢ થતા અંધારામાં

શું ક્યાંય કોઈ રોશની, એની એક નાનકડી તિરાડ

સાદ પાડે છે?

રોશની ક્યાંય દેખાતી નથી – એવું કથન નર્યું ગદ્ય બની રહેત. કવિતા બને છે એ નાનકડી તિરાડના સાદના અંકનથી. દૃશ્ય બારીક થઈ શ્રાવ્ય અનુભવ કરાવે છે. આ કલ્પન બે ઇન્દ્રિયોના સમવેત કાર્યનું સંકેતક છે. એક નાનકડી કવિતામાં આવાં એકબે કલ્પન કવિના કથ્ય સાથે સાંકળે છે, કવિ પ્રત્યે વિશ્વાસ જગવે છે. ‘વધતી લાચાર કે ચતુર ચુપકીદી’ના ઉલ્લેખથી અશોકજી સાંસ્કૃતિક સંકટનો નિર્દેશ કરે છે. એના ભાગ તરીકે આજની રાજકીય પરિસ્થિતિ પ્રશ્નાકુલ કરે છે. ભારતના રાજકીય પક્ષોના ચારિત્ર્ય વિશે એમને ઘણું કહેવાનું છે, પરંતુ સરવાળે એમની કવિતા ભાવકને સાંકડા વિસ્તારમાં બાંધતી નથી. રોશનીની નાનકડી તિરાડની ધારથી ગાઢ અંધકારને – નક્ષત્રહીન અંધકારને કાપવાનું આહ્વાન આપે છે:

કંઈક તો થઈ શક્યું છે/હું વિચારી પણ ન શક્યો/કે ઝટપટ કંઈક તારા અને નક્ષત્ર મારા થેલામાં/ભરી શક્યો હોત/જેમાં મેં શબ્દો ભરી લીધા હતા./એટલું વળી ઠીક થયું કે/ઉતાવળમાં ય હું થોડા શબ્દો તો લઈ આવ્યો/નહીંતર ખાલી હાથ આવત/ખાલી હાથ જાત.)

કવિ નક્ષત્રને બદલે શબ્દ લઈ આવે એ પણ કંઈ નાનુંસૂનું આશ્વાસન નથી. કેમકે ખબર નથી શબ્દ ક્યારે નક્ષત્ર બની જાય. શબ્દને શક્તિ અર્પે છે સમય. શબ્દ મામિર્ક સંકેત ખોઈ બેસે છે ત્યારે એની ખોવાએલી શક્તિ સમય પાછી અપાવે છે.

શબ્દ બોલે છે હજીય

કવિતાની ઘટતી જતી જગાઓથી,

શબ્દોમાં મંદ પડતાં જતાં અંત:કરણથી (પૃ. 26)

શબ્દગત અકર્મણ્યતા પણ આ કાવ્યસંગ્રહની અંતરંગ ગુંજ છે. ‘શબ્દ ઘણા દૂર ખસી ગયા છે.’ નામની રચના દ્વિમાર્ગી છે. આપણા શબ્દોએ આપણને છોડી દીધા છે કે પછી આપણે જાણી જોઈને ચૂપ છીએ. પરિસ્થિતિજન્ય ભયથી કે સ્વાર્થવશ? વૃક્ષના રૂપકમાં બારીકી છે:

અમે વૃક્ષો આજકાલ પ્રગટેલી

લાલાશ પડતી હરીતિમાને

એના પર બેઠેલા પક્ષીની નીલવર્ણી કાયાના સુગઠનને,

એના પર સરકી રહેલા કીટકોની કતારને

પૂરેપૂરી જોઈ નથી શકતાં (પૃ. 33)

આપણે જોવા છતાં પૂરેપૂરું જોઈ નથી શકતા, આપણી અંતરંગ સૃષ્ટિને પરખી નથી શકતા. જોવાનો-પામવાનો સંકલ્પ ગુમાવી બેઠા છીએ. અહીં કલ્પન અને કથ્યનું અદ્વૈત છે.

અજ્ઞેયજીએ કહેલું: દુ:ખ સહુને માંજે છે – અજવાળે છે. પણ આજના સમાજને – કારકિર્દી પાછળ દોડતા માણસને દુ:ખ દ્વારા શક્ય આંતરિક વિકાસ નથી ખપતો. ‘પોતાના હિસ્સા’ રચના ઉપભોક્તા સભ્યતાનું વિવેકપૂર્ણ મૂલ્યાંકન છે.

હમણાં અહીં સુખે એટલી બધી જગા

પચાવી પાડી છે

અને દુ:ખને એટલું પાછળ ધકેલી દીધું છે

કે એવો ભ્રમ બધે ફેલાઈ ગયો છે

કે સુખ વધી રહ્યું છે, દુ:ખ ઘટી રહ્યું છે!

સુખ-દુ:ખ આટલાં શત્રુ નહોતાં પહેલાં

પરંતુ હવે સુખ આતતાયી છે

અને દુ:ખને હંમેશાં તગેડતું રહે છે.

અર્થાન્તરન્યાસ જેવી શૈલીની રચનાને અંતે જે નિષ્કર્ષ છે એમાં પણ વૈચારિક તાજગી છે: ‘થોડુંક સુખ, થોડુંક દુ:ખ, એમની વચ્ચે ઘણું બધું.’ જેને આપણે નામ આપી શકતા નથી.

અવ્યાખ્યેયનો સંકેત પણ કવિતાનું એક લક્ષણ છે. નામ આપી ન શકાય એ પણ ભાવવિસ્તારની પ્રક્રિયા છે.

‘નક્ષત્રહીન સમય મેં: પાંચ કવિતાયેં’ – આ ઉધાર જમાનાની ઝાંખી કરાવતી રચના છે. તેમ છતાં એનો સમયનિરપેક્ષ પાઠ પણ શક્ય છે. કવિ કે કોઈ પણ સર્જક કલાકાર આ રીતે પોતાની વિવશતા સ્વીકારે એમાં આત્મીયતા વરતાય:

આપણે એવો રસ્તો નથી

જેના પર ચાલીને કોઈ ભૂલો પડેલો

પોતાને ઘેર પહોંચી શકે. (પૃ. 43)

કવિતાનો આરંભ વાંચતાં લાગે છે કે કવિ અહીં વિચાર કે કથ્યની ઘોષણા નહીં કરે. સર્જનના આરંભે અશોકજી કલાત્મક કલ્પન રચતા હતા એનું અહીં સાતત્ય છે.

અમે ધ્યાન ન આપ્યું.

પાંદડીઓ ધીરે ધીરે પોતાના લયમાં ખરી રહી હતી.

આછો આછો વરસાદ હતો

એમાં પગરવ સંભળાતો ન હતો.

ખરતી પાંદડીઓ, આછી ઝરમર, પગરવ વિનાની નીરવતા દ્વારા એક સાથે ઇન્દ્રિય-વ્યત્યય જગવતાં કલ્પનો રચાય છે. કવિતાના પાંચમા ચરણનો અંત મુખર છે:

‘અમે તો પોતાના નક્ષત્રહીન

ઓલવાયેલા તારા અને અસ્વચ્છ રંગવાળા સમયમાં

કવિતામાં વધ્યાઘટ્યા રંગ શોધી રહ્યા છીએ.’

અહીં આક્રોશ, હતાશા અને આશ્વાસન મળીને સંમિશ્ર કથ્ય નિવેદિત કરે છે. ન હોવામાં પણ જે હોય છે. કવિ જાણે પ્રતિકાર ભૂલીને તાત્ત્વિક ભૂમિકાની નજીક પહોંચે છે.

‘અમે છીએ અને નથી વચ્ચે/ઝીણી રેત છે.

જે ધીરે ધીરે સમયની પેલી પાર ખસતી ખરી રહી છે.’

ફકીરો કહેશે: બધું હવી છે, ધુમાડો છે. પરંતુ કવિ ધરતી સાથે જોડાયેલો છે. તેથી હોવા ન હોવા વચ્ચે ઝીણી રેતનું હોવું એને લક્ષિત થાય છે. ‘અબ ઇતના’ની છેલ્લી પંક્તિ છે: ‘અને કવિતા કશુંક સંભાળવા – બનાવવાની કોશિશ કરી રહી છે.’ (પૃ. 47)

‘એક પંક્તિની તેર કવિતાઓ’ નોંધપાત્ર છે. અહીં અશોકજી વક્રતાની મદદથી ચંતિનને કાવ્યાત્મક બનાવી શક્યા છે. ‘શબ્દમાં સમાઈ નથી શકતો સંસાર, સંસારથી અળગો ન હોઈ શકે શબ્દ.’ (9) અને છેલ્લી કૃતિ: ‘પ્રાર્થના એક વૃક્ષ છે જેની દરેક પાંદડી ગણગણે છે પણ પોતાના માટે કશું માગતી નથી.’ (પૃ. 49)

આ સંગ્રહનાં કેટલાંક લઘુકાવ્યો સ્મૃતિમાં અંકિત થઈ જાય છે. દેવતા મંદિરના ગર્ભગૃહના અધિપતિ છે, બહારના સૌંદર્યથી અણજાણ છે. કવિ દેવતાનું આંતરિક અસ્તિત્વ સ્વીકારવા પૂર્વે બાહ્ય સૃષ્ટિનું સૌંદર્ય જુએ છે, વધુ ભાગ્યશાળી છે:

મંદિરની ચોખૂણિયા છત પર

છવાઈ ગઈ છે શિરીષનાં ફૂલોની લીલી-પીળી ચાદર

અંદર બેઠેલા દેવતાઓને એની કશી જાણ નથી.(પૃ. 51)

અનુગામી કવિતા ‘એક પંખી લીલી ડાળી પર બેઠું છે’ ગીતની આવર્તન શૈલીમાં લોકદર્શન કરે છે. અશોકજીની એ વિશેષતા છે કે એમની રચનામાં અનુગામી વાક્યનું અનુમાન નથી કરી શકાતું. એથી પણ તાજગીનો અનુભવ થાય છે.

‘હવે બચ્યું છે શું?’નું પહેલું ચરણ છે:

‘સમય વધુ બચ્યો નથી

સપનાં તો બચ્યાં છે!’ (પૃ. 55)

‘પૂછવા માંગું છું’ રચનાનો આારંભ જુઓ:

‘હું પૂછવા માગું છું સૂર્યાસ્તને

એ બાળકી વિશે જે કાટમાળ નીચે દબાએલી રહીને પણ

બચી ગઈ.’

‘ઊંચકી છે પૃથ્વી’ દીર્ઘ કવિતા છે. અહીં પ્રત્યક્ષ રૂપે તો પૃથ્વી જ છે, સંકલ્પના રૂપે પણ પૃથ્વી છે. એક સમર્થ કવિ જ આવા વ્યાપક પરિપ્રેક્ષ્યમાં આટલાં બધાં ક્રિયાપદોનો વિનિયોગ કરી શકે. અહીં ત્રણેય કાળ અને સમગ્ર બ્રહ્માંડ ચંતિનશીલ દૃશ્યાત્મકતા દ્વારા સંયોજાય છે અને એક નિષ્કર્ષ સુધી પહોંચે છે.

‘આતતાયીની પ્રતીક્ષા’ પ્રતિકારસૂચક રચના છે. પ્રજાતંત્ર કોઈ આતતાયી દ્વારા નષ્ટ થાય છે? કે પ્રજાજનોની બેજવાબદારીને કારણે? કવિ સ્પષ્ટ છે:

એમ કહેવું મુશ્કેલ છે કે એ પોતે આવી રહ્યો છે

કે પછી લોકો એને લાવી રહ્યા છે? (પૃ. 75)

આ જ ક્રમમાં ‘હવે આપણે’ રચનાની કેટલીક પંક્તિઓ જોઈએ:

‘આપણું ન હોવું સાબિત છે,

આપણા હોવાને સીમિત કરવાની હવે આપણને પડી નથી.

[…]

આમ જુઓ તો આપણને હવે સત્યની જરૂર નથી,

જુઠાણાથી કામ સારી રીતે પતી જાય છે,

એ સત્ય જેવું અડિયલ નથી.’ (પૃ. 79)

અહીં વ્યંગ ભાવકનો સદ્ભાવ જીતી લે છે. ‘તેઓ’ રચનામાં વ્યંગની સાથે અન્યાય અને હિંસા સામે આક્રોશ પણ છે. આપણો સમય માત્ર નક્ષત્રહીન નથી, અપરાધી પણ છે. શોભાયાત્રા બાળકને શબયાત્રા લાગે છે. (પૃ. 82). કેટલીય પંક્તિઓ આગળ વધતાં રોકે છે, વિચારવા વિવશ કરે છે. ‘કવિતા નાના મોંએ મોટી વાત કરીને જ કવિતા બને છે.’

(પૃ. 90)

‘ભલે આપણા બોલવાથી કદાચ કશો ફેર પડ્યો ન હોત,

પરંતુ આપણે ચૂપ રહ્યા એ ચતુરાઈ છે.’ (પૃ. 93)

‘દર વખત સત્ય નથી જીતતું’ (પૃ. 97) કહેતી વખતે પણ કવિની અંતરતમ અભિલાષા તો આ જ હશે: સત્ય જીતે છે – સંગઠિત સત્ય જીતે છે. જુઓ:

‘જરા થાક ઉતારી લઈએ તો પછી એ બાજુ જઈશું…

હારનું પણ કોઈક ગીત તો હશે.’ (પૃ. 104)

‘દરરોજ’ની નાસ્તિવાચક સ્થાપનાઓમાં પણ સંકેત તો વિધાયક છે – જાગ્રત ભાવક માટે. ‘આટલા’ રચનાનું પ્રત્યેક વાક્ય ભોંકાય છે: ‘શબ્દ આટલા ઓછા કેમ? ભય આટલો વધુ કેમ?… આપણી નિષ્ફળતામાં આપણને આટલું ચેન કેમ? (પૃ. 112) ‘સારા દિવસ, ત્યારે આપશે’ ભલે મુખર અને અખબારી લાગે, છે પ્રસ્તુત અને વિચારપૂર્ણ:

‘જ્યારે છાપાં અને ચૅનલો પૂંછડું નહીં પટપટાવે,

જ્યારે પોતાનાથી અસહમતનું સન્માન કરવાની

આદત જાગશે,

[…]

મદદ દરેક વળાંકે વૃક્ષની જેમ મળશે.’ (પૃ. 117)

– છેલ્લી પંક્તિ ભાવને ઊંચા અર્થે લઈ જાય છે.

‘હજી પણ’ જેવી રચનાઓ પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામી શકે.

‘હારેલો પણ આગળ ચાલે છે

‘હારેલો આદમી પણ આદમી બની રહે છે.’ (પૃ. 118)

‘ફરી સાદ પાડો’ – કેવો સાદ? જે સપના પર વિશ્વાસ મૂકવા કહે છે: ‘બારી પાસે સવાર આવી છે.’ (પૃ. 127) પેલા વિશ્વાસનો સંકેત છે:

તમારી બારી પાસે એક પંખી આવ્યું હતું

પોતાની પાંખોમાં સંપૂર્ણ સવાર લઈને.

ઉઘાડો બારી

જેથી ખૂબ નીલવર્ણું ‘પ્રાત નભ’

અંદર આવી શકે.

બારી પાસે સવાર આવી છે.

*

રઘુવીર ચૌધરી

નવલકથાકાર, કવિ.

હિન્દીના પૂર્વ-અધ્યાપક,

ગુજ. યુનિ., અમદાવાદ.

એ/6, પૂર્ણેશ્વર, ગુલબાઈ ટેકરા,

આંબાવાડી, અમદાવાદ.

94285 10438

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.