સ્પષ્ટ કથન અને પ્રતીતિકર ઉકેલનું સંયોજન – અશોક ગો. વિદ્વાંસ

Heretic – Ayaan Hirsi Ali

Harper Collins Publisher, New York, 2015

છેલ્લાં બાર-પંદર વર્ષથી આયાન હીર્સી અલીનું નામ અમેરિકામાં અને પશ્ચિમમાં જાણીતું છે. એ અગ્રણી વક્તા અને પત્રકાર છે અને હાલ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ફેલો છે. તેમણે લખેલાં ‘નોમેડ’ (Nomad) અને ‘ઇનફીડાલ’ (Infidel) પુસ્તકો અગાઉ પ્રકાશિત થયાં છે. તેમનો જન્મ મુસ્લિમ કુટુંબમાં થયો હતો અને આશરે વીસ વર્ષની ઉંમર સુધી તેઓ પૂરી શ્રદ્ધાથી મુસ્લિમ ધર્મનું પાલન કરતાં હતાં; દિવસમાં પાંચ વાર નમાજ પઢતાં, અને ધર્માચરણમાં પોતાની જરા પણ ભૂલ થશે તો અલ્લા પોતાને કાયમ માટે જહન્નમમાં મોકલશે, એમ ચોક્કસપણે માનતાં. પરંતુ જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓએ તેમને અશ્રદ્ધ બનાવ્યાં. માત્ર મુસ્લિમ ધર્મ જ નહીં પણ જગતના તમામ ધર્મોમાંથી એમની શ્રદ્ધા ચળી ગઈ અને તેઓ સંપૂર્ણપણે નિર્ધર્મી બની ગયાં. અંગત અનુભવોને આધારે તેઓ માને છે કે ઇસ્લામ ધર્મમાં અત્યંત પાયાના સુધારાની આવશ્યકતા છે. અને પોતાનો આ અભિપ્રાય હાલ પ્રવર્તમાન ધાર્મિક ઝનૂનવાળી પરિસ્થિતિમાં પણ તેઓ દૃઢપણે જાહેરમાં રજૂ કરે છે.

આયાન હીર્સી અલી (હવે પછી સરળતા ખાતર એમનો ઉલ્લેખ હું માત્ર ‘આયાન’ નામથી જ કરીશ.) Heretic ‘(પાખંડી’)માં સ્પષ્ટપણે માને છે કે ઇસ્લામમાં સુધારાની આવશ્યકતા છે.

લેખક કહે છે કે, ઇસ્લામનો ઉદય આશરે 1400 વર્ષ પહેલાં થયો. કુરાન, શરિયા અને હડીથ ગ્રંથોમાં જે ધર્મ આદેશેલો છે તે એ સમયનો સમાજ અને પરિસ્થિતિ નજર સામે રાખીને થયેલો છે. એ પછીના ચૌદ સૈકામાં દુનિયા ઘણી બદલાઈ ગઈ હોવા છતાં ઇસ્લામના ધર્માચાર્યો ધર્મગ્રંથનું અર્થઘટન કરવામાં આ પરિવર્તનો સ્વીકારતા નથી, અને ધર્માજ્ઞાનું અક્ષરશ:, જેમ છે તેમ જ, પાલન કરવાનો આગ્રહ રાખે છે. પણ આમ કરવામાં ઇસ્લામ અને આજે દુનિયાના વિકસિત દેશોએ સ્વીકારેલાં માનવીય મૂલ્યો (દા.ત., લોકશાહી, વ્યક્તિસ્વાતંત્ર્ય, સ્ત્રીદાક્ષિણ્ય, વગેરે) વચ્ચે વિસંગતિ ઊભી થાય છે. ઇસ્લામી જગતને બાકીના વિશ્વની સાથે સ્થાન મળે એ માટે આ વિસંગતિ દૂર થવી જરૂરી છે; અને માટે ઇસ્લામમાં સુધારાની આવશ્યકતા છે.

પોતાની વાત કરતાં આયાન કહે છે: ‘જ્યારે જ્યારે ધાર્મિક આતંકવાદના બનાવ બને છે ત્યારે રાજકીય નેતાઓ હંમેશાં આપણને સલાહ આપે છે કે, ‘નાનકડી સંખ્યામાં આવા આતંકવાદીઓ જે કત્લેઆમ કરે છે તે ઇસ્લામની પ્રેરણાથી કરે છે એમ માનવું ભૂલભરેલું છે.’ પરંતુ પાછલાં પંદરેક વર્ષથી હું સતત કહી રહી છું કે આમ માનવું અને કહેવું એ મૂર્ખામી છે. હકીકત તો એ છે કે આ બધા પાછળ એક રાજકીય ફિલસૂફી જવાબદાર છે અને એ ફિલસૂફીનાં મૂળ ઇસ્લામમાં છે. ઇસ્લામના ધર્મગ્રંથ કુરાનમાં છે, અને પયગંબરસાહેબના જીવનની વાતો જેમાં વર્ણવી છે એ પુસ્તક – હડીથ–માં છે. (બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું તો ઇસ્લામ શાંતિપ્રિય ધર્મ નથી. ‘ઇસ્લામ-પ્રણિત હિંસાનાં મૂળ પ્રવર્તમાન સામાજિક, આર્થિક કે રાજકીય પરિસ્થિતિમાં નહીં પણ ઇસ્લામના ધર્મગ્રંથમાં છે.’ – એમ કહેવા બદલ મને ચૂપ કરવાનો, બદનામ કરવાનો, અને દબાવી દેવાનો સતત પ્રયત્ન થયા કરે છે. મને ધર્માંધ અને પાખંડી ઠરાવવામાં આવી છે. એવું લાગે છે કે આજે તો ઇસ્લામ અંગે સાચી વાત કહેવી એ પણ ગુનો છે. પણ અહીં એક બહુ મહત્ત્વની સ્પષ્ટતા જરૂરી છે. હું જ્યારે ભારપૂર્વક જણાવું છું કે ઇસ્લામ શાંતિપ્રિય ધર્મ નથી ત્યારે એનો એવો અર્થ નથી કે ઇસ્લામમાં શ્રદ્ધા મૂકનાર પ્રત્યેક મુસ્લિમ હિંસક છે. દુનિયામાં કરોડો શાંતિચાહક મુસ્લિમો છે. મારે એટલું જ કહેવું છે કે કુરાનમાં પવિત્ર સંદેશની સાથે સાથે જ હિંસાનો આદેશ છે, અને એવી હિંસા યોગ્ય છે એમ ઠસાવતી દલીલ પણ છે. એટલું જ નહીં, કોઈ પણ વ્યક્તિ સામે આવી ધર્મ-માન્ય હિંસા આચરવા માટે વ્યભિચાર, ધર્મદ્રોહ, ધર્મની નિંદા કે અનાદર, અગર તો કુટુંબની કે ઇસ્લામની આબરૂ – આમાંનો કોઈપણ ગુનો પર્યાપ્ત ગણાય છે.

ઇસ્લામના મૂળની વાત કરતાં લેખક કહે છે: ઇસ્લામનો અંદરનો ગાભો કુરાન છે. દેવદૂત ગ્રેબિએલ પાસેથી પયગંબરસાહેબે જે દેવવાણી સાંભળી એનો સંગ્રહ કુરાનમાં છે; ‘હડીથ’માં મહંમદ સાહેબના જીવનના પ્રસંગો તથા તેમણે કહેલી વાતો છે. આ બે પુસ્તક એ ઇસ્લામનો અર્ક અથવા ધર્મ-સાર છે. કેટલાક સાંપ્રદાયિક ભેદ હોવા છતાં આ ધર્મ-સાર સહુ મુસ્લિમોને એકજૂથ રાખે છે. ઇસ્લામમાં જેને ‘શહદા’ કહે છે એ ઉદ્ઘોષ, એક પણ અપવાદ સિવાય, તમામ મુસ્લિમોને મોઢે યાદ હોય છે. શહદાના શબ્દ છે, ‘મને ખાતરી છે કે એક માત્ર અલ્લા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી; અને મહંમદસાહેબ એના પયગંબર છે.’ શહદા સહુ મુસ્લિમોની શ્રદ્ધા અને પ્રતિજ્ઞા છે. પહેલી નજરે તો શહદા માત્ર ધાર્મિક ઘોષણા જ લાગે છે, પણ હકીકતમાં એમાં ધાર્મિક તત્ત્વની સાથે જ રાજકીય તત્ત્વ પણ વણાયેલું છે.

ઇસ્લામના ઉદયના એક તબક્કે મહંમદસાહેબ મક્કા છોડી મદીના ગયા. આ સ્થિત્યંતર પહેલાંનાં અને પછીનાં એમનાં વિચાર અને વલણમાં ખૂબ ફરક છે. મક્કામાં ધર્મપ્રસારણ માટે એમનું વલણ ‘મવાળ’ હતું જે મદીના ગયા પછી ક્રમે ક્રમે વધીને ‘જહાલ’ થયું. આ વાત સમજાવતાં આયાન કહે છે: ‘ઇસ્લામનાં શરૂઆતનાં વર્ષોમાં પયગંબર સાહેબ મક્કાના બારણે-બારણે ફરીને મૂતિર્પૂજકોને મૂતિર્પૂજા ત્યજવાનું સમજાવી કહેતા કે એક માત્ર અલ્લા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી અને પોતે અલ્લાના પયગંબર છે. પરંતુ, દસ વર્ષ સુધી આવો સમજાવટનો માર્ગ અજમાવી જોયા પછી મહંમદ સાહેબ અને એમના ચુનંદા અનુયાયીઓ મક્કા છોડી મદીના ગયા, અને ત્યારથી એમના કાર્યક્ષેત્રમાં રાજનીતિનો પ્રવેશ થયો. મદીના ગયા પછી પણ, મુસ્લિમ-શ્રદ્ધામાં ન માનનારાને મહંમદસાહેબ અલ્લાના શરણે આવવાનું આમંત્રણ તો આપતા, પણ જો તેઓ એ ન સ્વીકારે તો એમના ઉપર (સશસ્ત્ર) હુમલો કરતા. હારેલા માટે ધર્મ-પરિવર્તન કે મોત એ બે જ વિકલ્પ રહેતા.

‘શહદા એ ઇસ્લામનો આત્મા છે. પણ આજે એ શહદાની માલિકી માટે સ્પર્ધા ચાલે છે. એક પક્ષના મુસ્લિમ મહંમદસાહેબ મક્કા હતા એ વર્ષોમાં ઇસ્લામની જે નીતિ એમણે અંગીકાર કરેલી એ (સમજાવટની) નીતિની તરફેણમાં છે. બીજો પક્ષ મદીના ગયા પછી વિજેતા મહંમદસાહેબે જે (જુલમ અને દમનની) નીતિ અપનાવી એની તરફેણ કરે છે. દુનિયાના કરોડો મુસ્લિમ પહેલા પક્ષે છે. પરંતુ બીજે પક્ષે, મહંમદસાહેબ મદીના ગયા પછી ઇસ્લામની આચારપ્રણાલીમાં ધર્મની સાથે જ જે રાજકીય વિચારસરણીનો ઉમેરો થયો એના હિમાયતી છે. આ બીજો પક્ષ આજે પહેલા પક્ષને બુલંદ અવાજે પડકારી રહ્યો છે.’ આટલી સ્પષ્ટતા કર્યા પછી આયાન દુનિયાના સર્વ મુસ્લિમોનું નીચે પ્રમાણે ત્રણ અલગ જૂથમાં વર્ગીકરણ કરે છે. અગાઉ આયાને આપણને જે કહ્યું જ છે કે ઇસ્લામમાં શ્રદ્ધા મૂકનાર પ્રત્યેક મુસ્લિમ કાંઈ હિંસક નથી, એટલું જ નહીં, દુનિયામાં કરોડો શાંતિચાહક મુસ્લિમો છે. તેઓ કહે છે, ‘દુનિયાના તમામ મુસ્લિમોનો સમાવેશ હું ત્રણ જૂથોમાં કરું છું.’

પ્રથમ જૂથને આયાન ‘મદીના મુસ્લિમ’ તરીકે ઓળખાવે છે. જે એમના મતે ધર્માંધ છે અને ઇસ્લામ માટે સૌથી મોટી મુસીબત છે. ‘આ લોકો અતિશય ઉગ્રપણે મૂળતત્ત્વવાદી (fundamentalist) અને ધર્મઝનૂની છે. તેઓ જ્યારે શહદા ઉચ્ચારે છે ત્યારે માને છે, ‘આપણે ધર્મના સિદ્ધાંતોનું ચુસ્ત અને અક્ષરશ: પાલન કરવું જોઈએ.’ અંતમાં, તેઓ એમ પણ માને છે કે શરિયાના કાનૂનનો સખતાઈપૂર્વક અમલ કરાવવો એ પોતાની ધાર્મિક ફરજ છે. તેમનો આશય માત્ર મહંમદસાહેબનું તત્ત્વજ્ઞાન શીખવા પૂરતો મર્યાદિત નથી, પણ પયગંબરસાહેબે મદીના ગયા પછી જે યુદ્ધ-નીતિ અપનાવી હતી તેને પણ અનુસરવાનો છે. ઇસ્લામમાં ન માનનારાનો શિરચ્છેદ કરવાનું, વ્યભિચારીને પથ્થર મારી મારી નાખવાનું, અને સમલિંગકામી લોકોને ફાંસીની સજા કરવાનું; આ બધાં ધોરણ પણ આ મદીના-મુસ્લિમોનાં જ છે. મદીના-મુસ્લિમ-વિચારસરણી જ સ્ત્રીઓને બુરખામાં રાખે છે અને કશા પણ વાંક સિવાય સ્ત્રીઓને ઢોરમાર મારે છે. તેઓ જિહાદને આવકારે છે અને શહીદના મૃત્યુને બિરદાવે છે. અલ-કાયદા, બોકો-હરામ, ઇસ્લામિક-સ્ટેટ, અને સોમાલિયાનું અલ-શબાબ, આ અને આવાં બીજાં સંગઠનમાં જોડાનારા સ્ત્રી-પુરુષ; એ બધા જ મદીના-મુસ્લિમ છે.’

‘એડ હુસેન (Ed Hussain)ના અંદાજ પ્રમાણે વિશ્વના માત્ર 3% મુસ્લિમ (મદીના-મુસ્લિમ) જ ઇસ્લામના આવા લશ્કરી-શાસનને યોગ્ય ઠરાવે છે. પણ આપણે ગણતરી કરીએ કે વિશ્વની કુલ મુસ્લિમ વસ્તી (આશરે એક અબજ સાઠ કરોડ લોકો)ના 3% એટલે આશરે પાંચ કરડો લોકો થાય, ત્યારે એ 3%નો આંકડો પણ ખૂબ મોટો લાગે છે. એટલું જ નહીં, પ્રતિદિન વધુ ને વધુ સંખ્યામાં મુસ્લિમ લોકો આ જહાલ વિચારસરણી પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે અને પરિણામે આ આંકડો સતત વધી રહ્યો છે. મહત્ત્વનું એ છે કે આવી જહાલ વિચારસરણી ધરાવતા મુસ્લિમો પોતાના મત વિષે ચર્ચા કરવામાં માનતા નથી, અને પશ્ચિમના મુક્ત વિચારકો (Western Liberals) કે મુસ્લિમ-ધર્મ સુધારકો સાથે મુક્ત વિચાર-વિનિમય કરવા બિલકુલ તૈયાર નથી. એમની વિચારસરણી આજના સહિષ્ણુ જગત સાથે સુસંગત નથી.’ આયાનને ખાતરી છે કે પોતાનું આ પુસ્તક એ લોકો વાંચશે એવી કોઈ શક્યતા નથી, પણ સાથે સાથે તેઓ ભારપૂર્વક કહે છે કે એ લોકોને કારણે જ આ પુસ્તક લખાયું છે.

‘બીજું જૂથ, ઇસ્લામ ધર્મનું નિષ્ઠાપૂર્વક અને પૂરી શ્રદ્ધાથી પાલન કરનારા બહુસંખ્ય મુસ્લિમોનું છે. આ જૂથમાં નિ:શંકપણે જગતના મુસ્લિમોની ઘણી મોટી બહુમતી સામેલ છે. આ જૂથના લોકો હિંસામાં માનતા નથી કે હિંસાની જરા પણ હિમાયત કરતા નથી.’ આ બીજા જૂથને આયાન ‘મક્કા મુસ્લિમ’ તરીકે ઓળખાવે છે અને આવા મુસ્લિમ સંસ્કારમાં પોતાનો ઉછેર થયો હોવાનું જાહેર કરે છે. કાસાબ્લાન્કાથી જાકાર્તા સુધી પ્રસરેલી સર્વ મુસ્લિમ પ્રજા એમના મતે આવી મવાળ વિચારસરણીની હિમાયતી છે. ‘શ્રદ્ધાપૂર્વક પોતાનો ધર્મ પાળનાર વિશ્વની કોઈપણ પ્રજાની જેમ આ ‘મક્કા મુસ્લિમ’ પ્રજા પણ ખાવાપીવાથી માંડી પોતાના બધા રોજિંદા આચાર અને વ્યવહાર પોતાના ધર્મના આદેશ પ્રમાણે પાળે છે.’

‘પણ આ જૂથ સામે એક મોટો પ્રશ્ન છે. એમની ધાર્મિક માન્યતાઓ અને વિશ્વની આધુનિક વિચારસરણી – એ બે વચ્ચે એક બેચેન તણાવ છે. પશ્ચિમની આધુનિકતામાંથી ઉદ્ભવેલી તર્કસંગત (Rational), ઇહવાદી (Secular) અને વ્યક્તિ સ્વાતંત્ર્યવાદી (Individualisitc) વિચારસંહિતા; જૂની રૂઢિ-પરંપરા અનુસાર ચાલતી ઉંમર, લિંગ કે જન્મ અને જાત પર આધારિત સમાજવ્યવસ્થા માટે ઘાતક છે.’ આયાનની આકાંક્ષા આ ‘મક્કા-મુસ્લિમ’ સાથે સંવાદ સાધવાની છે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે, ‘પ્રસ્તુત પુસ્તક લખવાનો મારો ઉદ્દેશ આ બીજા જૂથની મુસ્લિમ પ્રજા એ વાંચે એ છે.’

છેલ્લે, આયાન મુસ્લિમ પ્રજાના એક ત્રીજા જૂથનો ઉલ્લેખ ‘વિરોધી’ કે ‘જુદા પાડનારા’ (Dissidents) તરીકે કરે છે. આ જૂથના સભ્યો પણ ઇસ્લામ ધર્મમાં જ જન્મેલા છે પણ પોતાના ધર્મ વિષે તેઓ એકાદ નિપુણ પરીક્ષકની દૃષ્ટિથી જુએ છે અને વિચારે છે. આમાંના થોડા સભ્યોએ તેમના જન્મજાત ધર્મથી ફારગતી લીધી છે. આયાન આ ત્રીજા જૂથને ‘સુધારા માટે ઉત્સુક મુસ્લિમ’ (Modifying Muslims) તરીકે ઓળખાવે છે અને પોતાને આ જૂથનાં સભ્ય ગણાવે છે.

પુસ્તકના બીજા પ્રકરણમાં, આજ સુધી ઇસ્લામમાં ધર્મ-સુધારણા કેમ નથી થઈ – એ પ્રશ્નનો ઉત્તર આપતાં આયાન લખે છે: ઇસ્લામ અંગે એકાદ સરળ પ્રશ્ન પૂછવો એ પણ ઘણો મોટો અપરાધ માનવામાં આવે છે, અને આનું શક્ય કારણ ધર્મ-ધુરંધરોને ડર છે કે ધાર્મિક સિદ્ધાંત કે મત અંગે પ્રશ્નોત્તરી કે વાદ થશે તો લોકો ધર્મ ત્યજી જશે! ઇસ્લામ માત્ર એક ધર્મ નથી, પણ માનવજીવનના વૈયક્તિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક બધાં પાસાંને જકડી લેતું, અને એ બધા પર નિરંકુશ અધિકાર ચલાવતું, એક જટિલ તંત્ર છે. આથી જ, કોઈ મુસ્લિમ ધર્મગુરુ જો રાજ્યશાસન અને ધર્મ (State & Church)ને જુદાં રાખવાની સલાહ આપે તો એને તત્કાલ પદચ્યુત કરી હડધૂત કરવામાં આવે છે અને એનું નામ તથા એણે કરેલાં કામ સદંતર ભૂંસી નાખવામાં આવે છે. આ કારણે જ આજ સુધી ઇસ્લામમાં કશો સુધારો થયો નથી. ઇસ્લામ અને યહૂદી તથા ખ્રિસ્તી ધર્મ વચ્ચે આ મહત્ત્વનો સૈદ્ધાંતિક તફાવત છે.

આયાન માને છે કે ઇસ્લામમાં સુધારો થાય એ માત્ર મુસ્લિમ પ્રજા માટે જ આવશ્યક છે, એમ નથી; પણ કોઈ પણ ધર્મ પાળનાર કે એકપણ ધર્મમાં શ્રદ્ધા ન રાખનાર, બધા જ લોકો માટે એ જરૂરી છે. આમ થતાં ઇસ્લામ એક એવો ધર્મ બનશે જેને માનવીના મૂળભૂત હક્કોમાં શ્રદ્ધા હશે, જે હિંસાને બદલે સહનશીલતાની હિમાયત કરશે, જે તેના અનુયાયીઓને સ્વતંત્ર વિચાર કરવાની સવલત તથા પ્રશ્ન પૂછવાની છૂટ આપશે, જે શિક્ષણ, વ્યક્તિ-સ્વાતંત્ર્ય તથા કાયદા સામે સહુને સમાનતા બક્ષશે, અને રાજ્ય-શાસનમાંથી લાંચ-રુશવત અને અત્યાચાર દૂર કરશે.

0

પુસ્તકના પાંચમા પ્રકરણમાં આયાન મુસ્લિમ જગતમાં શરિયાની સર્વોપરિતા વર્ણવે છે, અને ઇસ્લામને શરિયાની બેડીમાં જકડાયેલ ધર્મ તરીકે પ્રસ્તુત કરે છે.

લેખક એક દૃષ્ટાંત આપે છે – સુદાનમાં મરિયમ નામની સત્તાવીસ વર્ષની (આઠ મહિનાથી) સગર્ભા યુવતીને વ્યભિચારના ગુના બદલ એક સો ચાબખા મારવાની, અને ધર્મત્યાગ કરવા બદલ મોતની, એમ બેવડી સજા ફટકારવામાં આવી. આ ચુકાદો ઈ.સ. 714 કે 1414નો નહીં, 2014ની સાલનો છે. (એ યુવતીનો અને મારો ગુનો સરખો જ છે. અમારા પર ધર્મત્યાગ અને વ્યભિચારના આક્ષેપ છે. એ યુવતીની જેમ મેં પણ એક નાસ્તિક (પરધર્મી) સાથે લગ્ન કર્યું છે, પરિણામે હું પણ વ્યભિચારી ગણાઉં!)

મરિયમનો કિસ્સો કોઈ એકલદોકલની વાત નથી. આ શરિયા કાનૂન આખા મુસ્લિમ વિશ્વમાં ચોતરફ ચાલે છે, અને એની ઉપર ઇસ્લામના પવિત્ર ધર્મગ્રંથની મંજૂરીની મહોર છે. દુશ્મનનું માથું વધેરવાનો આદેશ આપતાં કુરાનના 47મા પ્રકરણનું 4થું ચરણ કહે છે: ‘(યુદ્ધમાં) તમે જ્યારે કોઈ કાફર (પરધર્મી) સામે લડો ત્યારે એની ગરદન પર ઘા કરજો.’ અલ્લા તથા તેઓના પયગંબર સામે યુદ્ધ કરનારને ક્રોસ પર ચડાવવાની સજા 5:33માં છે, અને ચોરના કાંડા કાપવાનો આદેશ 5:38માં છે. અપરિણીત યુગલ વચ્ચેના સમાગમ બદલ સો ચાબખા મારવાની સજા કુરાનના 24મા પ્રકરણના બીજા ચરણમાં આદેશી છે. શરિયા-કાનૂન પતિને પત્ની પર હાથ ઉપાડવાની ધાર્મિક છૂટ આપે છે, એટલું જ નહીં પત્નીને મારતી વખતે શરીરના કયા ભાગ ઉપર કેટલી અને કેવી ઈજા પહોંચાડવી એ વિષે પણ સ્પષ્ટતા કરે છે.

પુસ્તક વાંચતાં આપણા ધ્યાનમાં આવે છે કે શરિયાની નિગાહમાં ધર્મની તુલનામાં વ્યક્તિ ક્ષુલ્લક છે. શરિયાના કાનૂનનું અર્થઘટન ઇમામને હસ્તક હોય છે અને તેઓ એ અર્થઘટન સાતમી સદીના (પયગંબરસાહેબના સમયના) સંદર્ભ પર જ કરે છે. ટૂંકમાં શરિયાની મજબૂત પકડમાં જકડાયેલો મુસ્લિમ સમાજ આજે 21મી સદીમાં પણ સાતમી સદીના કાનૂન હેઠળ જીવે છે.

આયાનના મત અનુસાર ઇસ્લામમાં સુધારાની આવશ્યકતા માટેનું એક સબળ કારણ ઇસ્લામનું સ્ત્રીઓ પ્રત્યેનું વલણ છે. મુસ્લિમ સ્ત્રી શરિયાપ્રણીત સમાજરચનાનો સહુથી મોટો ભોગ બને છે. અનેક બાબતમાં પુરુષની સરખામણીમાં મુસ્લિમ સ્ત્રીના અધિકાર ખૂબ જ સીમિત છે. આ બધું વિચારતાં સહજ પ્રશ્ન થાય છે કે ‘દયાળુ અલ્લા આવું શા માટે કરે? શા માટે દુનિયાની અર્ધી વસ્તીને (સ્ત્રીઓને) એ બાકીની અર્ધી વસ્તી કરતાં ઊતરતી કક્ષાની લેખે? કે આ બધું માણસે જ બનાવ્યું હશે?

પોતાની વાતનું સમાપન કરતાં આયાન કહે છે, ‘આજે હું ઇસ્લામમાં સમૂળ ક્રાંતિની માગણી કરું છું. જ્યાં સુધી એવું નહીં થાય ત્યાં સુધી આજે દુનિયામાં જે રાજકીય-હિંસા ચાલે છે એનું નિરાકરણ અશક્ય છે.’

ઇસ્લામના પાંચ પ્રચલિત ધર્મ-આદેશોની નોંધ લઈ આયાન ઇસ્લામને એ પાંચે આદેશમાંથી મુક્ત કરવાનું કહે છે, અને એ પાંચની જગ્યાએ ભિન્ન પણ પોતાને અગત્યના લાગતા પાંચ આધારસ્તંભ સ્થાપિત કરવાનો આગ્રહ કરે છે. ઇસ્લામના પ્રચલિત આદેશો વિષે સ્પષ્ટતા કરતાં આયાન કહે છે કે એમાં ક્યાંય ‘તું તારા પડોશી પર પ્રેમ અને સદ્ભાવ રાખ’ એવી ડાહી સલાહ, કે યહૂદી ધર્મની જેમ પ્રભુ અને ભક્ત વચ્ચે કરાર, કે દસ આજ્ઞા (Ten Commandments)માં છે એવા સામાજિક સદ્વર્તનના આદેશ નથી.

આયાનની, ઇસ્લામમાં સુધારા અંગે, બહુ સ્પષ્ટ ભલામણ છે, એ કહે છે કે –

1. મહંમદ અને કુરાન બંનેનું અર્થઘટન કરવાની તેમ જ બંને વિષે ટીકા કરવાની છૂટ રાખો;

2. મૃત્યુ પછીના (પરલોકના) જીવનને બદલે અહીંના (પૃથ્વી પરના) જીવનને પ્રાધાન્ય આપો;

3, ‘શરિયા’(ની સત્તા) પર અંકુશ મૂકો અને ધર્મ-નિરપેક્ષ રહીને કરેલા કાયદાને પ્રાધાન્ય આપો;

4. (કેવળ ધર્મના આધારે સૂચવેલા) હકારાત્મક તેમ જ નકારાત્મક આદેશની પ્રથા નાબૂદ કરો;

5. જિહાદ (ધર્મયુદ્ધ)નું એલાન કરવાનું બંધ કરો.

0

પૂરી તાકિર્કતા અને આધારો સાથેનાં સ્પષ્ટ કથનો તેમજ સુધારા સૂચવવામાં દેખાતી પ્રતીતિકરતા આ પુસ્તકને વિચારણીય બનાવે છે.

*

અશોક ગો. વિદ્વાંસ

નિવૃત્ત ઇજનેર, અમેરિકા.

ન્યૂ જર્સી, અમેરિકા.

ashok@vidwans.com

609-336 7239

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.