પ્રાચીન નગરીની અર્વાચીન કથા – ભારતી રાણે

Married to a Bedouin – Marguerite Van Geldermalsen

Vergo Press, London, 2006, 2014

ઓગણીસમી સદીની શરૂઆતની વાત. જોન વિલિયમ બર્ગોન નામના ખ્રિસ્તી ધર્મગુરુએ ‘પેટ્રા’ શીર્ષકવાળું સોનેટ લખ્યું. કાવ્યમાં કવિએ એક વિસ્યમકારક નગરીનું કલ્પનાચિત્ર દોર્યું – જેના વિશે તેમણે ખૂબ સાંભળ્યું તો છે, પણ ક્યારેય તેને જોઈ નથી. કાવ્યની અંતિમ પંક્તિઓમાં કવિ લખે છે:

But rose-red as if the blush of dawn,

that first beheld them were not yet withdrawn;

The hues of youth upon a brow of woe,

which Man deemed old two thousand years ago,

Match me such marvel save in Eastern clime,

a rose-red city half as old as time.

(જ્યાં ગુલાબના ફૂલની લાલિમા જેવી પ્રભાતની સુરખી/પહેલીવાર ઢોળાઈ ત્યારની અકબંધ છે./વ્યથાની ભ્રમર પર યૌવનના રંગો/માણસે બે હજાર વર્ષ પહેલાં અનુભવેલા તેવા જ છે./પૂર્વની દુનિયામાં એની સાથે સરખાવી શકાય તેવું એક સ્થાન તો બતાવો!/સમયથી અડધું પુરાણું આ ફૂલ-ગુલાબી નગર(પેટ્રા))

ત્યારથી ‘સમયથી અડધું પુરાણું’ એવું વિશેષણ પેટ્રાની ઓળખાણ બની ગયું. આ કાવ્યને ઓક્સફર્ડ યુનિવર્સિટીનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ન્યુડિગેટ પારિતોષિક મળ્યું, અને એમ જોર્ડનનું આ ગોપિત નગર પેટ્રા જગવિખ્યાત થઈ ગયું. પ્રાગ્ઐતિહાસિક કાળથી રહસ્યમય અને ગોપિત એવા આ નગરમાં હમણાં છેક અઢારની સદી સુધી બહારના કોઈ ઈન્સાનને પ્રવેશસુધ્ધાં મળતો નહોતો. આજે તો એ વર્લ્ડ હેરિટૅજ સાઇટ હોવા ઉપરાંત આધુનિક વિશ્વની અજાયબી પણ છે.

આદિકાળથી રણપ્રદેશમાં વિચરતા બેદૂઈન પ્રજાતિના આરબ વણજારા- ઓના પૂર્વજો નેબેટિયનો કહેવાતા. પેટ્રા આ નેબેટિયનોનું આદિમ પાટનગર. આ નેબિટિયનો પાણીની શોધમાં રખડતાં અહીં આવી પહોંચ્યાં, ત્યારે તેમણે અહીં પાણીનો સંચય કરવાની શક્યતા જોઈ, અને આ પર્વતો વચ્ચે ગુફાઓ કોતરીને એક આખેઆખું નગર વસાવ્યું.

ઊંચાણ પરથી એ પુરાતન સ્થાન પર નજર નાખીએ ત્યારે ત્યાં કોતરો અને કંદરાઓ સિવાય બીજું કાંઈ હોઈ શકે,તેની કલ્પના કરવી પણ મુશ્કેલ બની જાય, પરંતુ અંદર છુપાયેલી આ નગરી અત્યંત સમૃદ્ધ અને સુવિકસિત હતી. આ નગરની નજીકથી પસાર થતા કાફલાઓને સલામત પાર ઉતારવાના કામ સાથે સાથે માલસામાનની દલાલીમાં નેબેટિયનોએ અઢળક કમાણી કરી. આ સંપત્તિ તેમણે પેટ્રાની આ ગોપિત પુરાતન નગરીમાં સાચવી. લૂંટારાઓથી સંપત્તિને સાચવવા નગરને ગોપનીય રખાયું. નેબેટિયનોના વંશજ બેદૂઈનો હજી હમણાં સુધી અહીં આ ગુફાઓમાં જ વસતા, થોડાંક વર્ષો પૂર્વે આ સ્થાનને વર્લ્ડ હેરિટૅજ સાઇટનો દરજ્જો અપાયો, ત્યારે ગુફાઓમાં વસતાં તમામ બેદૂઈનોને સામ-દામ-દંડ-ભેદથી વિસ્થાપિત કરાયાં. વિસ્થાપિતો હવે દિવસે પેટ્રામાં કામ કરવા આવે છે અને ઢળતી સાંજે પોતાની નવી વસાહતમાં ચાલ્યાં જાય છે. આ બેદૂઈનોની વચ્ચે એક સ્ત્રી રહે છે. ન્યૂઝીલેન્ડથી અહીં પ્રવાસે આવેલી એક ડચ મૂળની યુવતી બેદૂઈનને પરણીને આજીવન અહીં જ રહી જાય છે, અને પછી પોતાની આત્મકથા લખે છે: ‘મેરીડ ટૂ અ બેદૂઈન.’

એક વાર પ્રવાસમાં અમે ‘સમયથી અડધા પુરાણા નગર’ને ઉંબરે જઈ ઊભાં ત્યારે સંસ્કૃતિ પ્રત્યેના વિસ્મયની સાથેસાથે એક વિસ્મયકારક વારતાને તેના ઘટનાસ્થળના પરિપ્રેક્ષ્યમાં તાદૃશ કરવાની તથા તેને અદ્ભુત રીતે જીવી જનારી આ લેખિકાને મળવાની ઉત્સુકતા ભળેલી હતી.

નગર તરફ લઈ જતો રસ્તો અનોખો હતો. પાંચસો-છસો ફૂટ ઊંચી ભેખડોની વચ્ચે છુપાયેલો એક અત્યંત સાંકડો માર્ગ! એ માર્ગ ઉપર દોઢેક કિલોમીટર ચાલ્યાં, પછી એક વળાંકને અંતે અચાનક એક અવર્ણનીય મહાલય દેખાયું. આખેઆખું એક પર્વતમાંથી કોતરીને એ બનાવેલું હતું. મહાલયની પાછળ એક આખેઆખું ગુફાનગર વિસ્તરેલું છે, જ્યાં સામાન્ય રહેઠાણો,રાજભવનો, પ્રેક્ષાગૃહ, કબરગાહ બધું પર્વત કોતરીને બનાવેલી સુંદરતમ ગુફાઓમાં સમાયેલું છે. ‘ધ ટ્રેઝરી’નામના એ મહાલયને જોતાં જ લેખિકાની આત્મકથા ચાક્ષુષ થઈ આવી. ‘મૅરિડ ટુ અ બેદૂઈન’ પુસ્તકનો ઊઘાડ આ રીતે થાય છે:

ટ્રેઝરીના મહાલયના પથ્થરમાંથી કોતરી કાઢેલા પગથિયા ઉપર પુરાતન સ્તંભને અઢેલીને બે બહેનપણીઓ બેઠી હતી. એકનું નામ હતું એલિઝાબેથ અને બીજીનું નામ હતું માર્ગરાઈટ વૅન ગેલ્ડરમાલ્સન. બંને બહેનપણીઓ ગ્રીસ અને ઇજિપ્તમાં પ્રવાસ કરી આવ્યા પછી એકાદ અઠવાડિયાથી અહીં જોર્ડનમાં ફરી રહી હતી. છેલ્લા કેટલાય દિવસોથી પ્રાચીન સંસ્કૃતિઓના વાતાવરણમાં પ્રવાસ કરતાં, બંને પુરાતન અવશેષો, ખંડિયરો, તથા સંગ્રહાલયોથી કંટાળી ગઈ હતી. હવે વધારે કોઈ માહિતી અથવા ઇતિહાસ સાંભળવાની હોંશ તેમના મનમાં બાકી રહી નહોતી. આગલા દિવસે સાંજે જેરાશના ખંડિયરોમાં ફરતાં મોડું થઈ ગયેલું,ને અમ્માન પરત લઈ જતી છેલ્લી બસ નીકળી ગઈ હતી, તેવામાં એક અમેરિકન ટૂરિસ્ટ ગ્રુપે પોતાની ખાનગી બસમાં લિફ્ટ આપેલી, અને તે જ અમેરિકન જૂથ સાથે આજે બંને પેટ્રાની પુરાતન નગરીના દ્વારે પહોંચી હતી. આગળની યોજના વિચારતી બંને મહાલયના ઓટલે બેઠી હતી, તેવામાં તેમની મુલાકાત મોહમ્મદ અબ્દુલ્લાહ નામના બેદૂઈન યુવક સાથે થઈ. મોહમ્મદે પૂછ્યું, ‘વ્હેર યુ સ્ટેઇંગ? વ્હાય યુ નોટ સ્ટે વીથ મી ટુનાઇટ ઇન માય કેવ?’ માર્ગરાઈટ લખે છે, ‘એલિઝાબેથ વિચારમાં પડી, પરંતુ હું એ પ્રસ્તાવ સ્વીકારી ચૂકી હતી; કારણ કે, મોહમ્મદ ઉત્સાહી હતો, અને અમે બંને કોઈ સાહસની શોધમાં હતાં!’

માર્ગરાઈટ નામની આ ડચ યુવતીની જીવનકથા વિસ્મયકારક તથા રોમાંચક છે. ડચ મૂળની માર્ગરાઈટ ન્યૂઝીલેન્ડમાં જન્મી અને મોટી થઈ. સત્તરમા વર્ષે ઘર છોડ્યા પછી નસિર્ંગનો અભ્યાસ કરી,ટ્રેઇન્ડ નર્સ બની. ત્યાર બાદ ઇંગ્લેંડ આવી, ત્યાં અલ્પવિકસિત બાળકો વચ્ચે નર્સ તરીકે કામ કરતાં અવકાશ મળ્યે દુનિયાનાં વિવિધ સ્થળોનો પ્રવાસ કરતી રહી. તેમ કરતાં એક વાર પશ્ચિમ એશિયામાં આરબ રાષ્ટ્ર જોર્ડન પહોંચી. અહીં તેની જિંદગી બદલાઈ ગઈ. નસીબની બલિહારીની તથા સાચા પ્રેમની કથા માર્ગરાઈટે પોતાના આ પુસ્તકમાં સાદા પરંતુ હૃદયસ્પર્શી શબ્દોમાં કહી છે. પુસ્તક નેબેટિયન પૂર્વજોની પરંપરાઓ, પેટ્રાસ્થિત બેદૂઈનોની જીવનરીતિ, વિચારો, સામાજિક રીતરિવાજો, ઉત્સવો, લગ્નસંસ્થા, ધાર્મિકતા, વગેરેનો ચિતાર તો આપે જ છે, સાથે સાથે જોર્ડનના ઇતિહાસને, તેના લોકજીવનને તથા સામાજિક માન્યતાઓને પણ સ્પર્શે છે. વળી આ ઘટના વીસમી સદીનાં અંતિમ વરસોમાં બનેલી છે, તેથી આપણે અનુભવેલા સમય સાથેય એ સુસંગત લાગે છે; અને એટલે જ વધારે રસપ્રદ લાગે છે.

માર્ગરાઈટ લખે છે કે, ‘એલિઝાબેથ ન મળી હોત તો હું ક્યારેય અહીં આવી ન હોત. મધ્યપૂર્વના દેશો ક્યારેય મારાં સપનાંનું ગંતવ્યસ્થાન નહોતા જ. એ તો હું બ્રિટનની ઠંડીથી કંટાળી હતી, એટલે સંગાથ શોધતી એલિઝાબેથનો પ્રસ્તાવ મને હૂંફાળો લાગ્યો. કદાચ મારામાં ઊંડે ઊંડે ક્યાંક એક વણજારણ વસતી હતી! […] એલિઝાબેથ મારા કરતાં થોડી મોટી અને ઠરેલ સ્વભાવની હતી. અમે પેટ્રામાં પહેલી વાર પગ મૂક્યો, ત્યારે એલિઝાબેથ તો આખાય શરીરને ઢાંકતાં લાંબી બાંયનાં કપડાંમાં સજ્જ હતી. મેં તો ટૂંકા હાફપેન્ટની ઉપર બાંય વગરનું ટોપ પહેરેલું હતું. મારા પગ પુષ્ટ હતા. પણ મને તેની કે મારા પહેરવેશની લેશમાત્ર પરવાહ નહોતી. તે માનતી હતી કે મુસ્લિમ દેશોમાં મુસાફરી કરીએ, ત્યારે વિવેક દાખવવા માટે ઢાંકેલાંઢૂબેલાં રહેવું જોઈએ. જ્યારે હું કહેતી કે, ત્યાંની મહિલાઓને શરીર ઢાંકવું ગમતું હોય, તો સારું જ છે, પણ મારે કોઈને ખાતર શા માટે બદલાવું પડે?’

આવી વિલક્ષણતા પુસ્તકમાં ઠેર ઠેર વર્ણવાયેલી છે. આ પ્રકારની એક શિક્ષિત યુરોપિયન સ્ત્રી બે હજાર વર્ષ પુરાણી ગુફામાં બેદૂઈનોની જેમ જીવન વિતાવે જ્યાં બાથરૂમ પણ ન હોય,ગધેડા પર બેસીને દૂર ખીણમાં વહેતા વહેળા પર પાણી ભરવા જાય, કે પછી કપડાં ધોવા જાય, ખચ્ચર ઉપર બેસીને દૂર પર્વતો વચ્ચે જાતરા કરવા જાય, સાવ પ્રાથમિક કક્ષાની સગવડ વચ્ચે ત્રણ ત્રણ પ્રસૂતિઓ કરાવે, ટાંચી સામગ્રીમાંથી પોતાનું ભોજન જાતે બનાવે, ત્રણ બાળકોને ભણાવે તથા ઉછેરે, સ્ત્રીઓ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ ધરાવતા સરકારી તંત્ર સમક્ષ માનવીય અભિગમથી પોતાની વાત રજૂ કરીને પેટ્રામાં ક્લિનીક શરૂ કરવામાં સફળ થાય, અત્યંત શ્રમ લઈને એકાદ ગુફામાં સારવારકેન્દ્ર શરૂ કરી લોકોની સેવા કરે, એમ કરતાં એટલી બધી વિખ્યાત તથા લોકપ્રિય થઈ જાય કે, પેટ્રાની મુલાકાતે આવેલ ઇંગ્લેન્ડનાં રાણી ક્વિન એલિઝાબેથ પણ તેને મળવા મોહમ્મદની ગુફામાં આવે! પેટ્રામાં એ સ્થાનિક લોકજીવન સાથે ઓતપ્રોત થઈને રહી,તે પણ સાવ સાહજિક! આખાય પુસ્તકમાં એક પણ જગ્યાએ ફરિયાદ કે અસ્વીકારનો એક શબ્દ પણ દેખાતો નથી. આદિમ પ્રકારની બેદૂઈન જીવનશૈલીના બિનશરતી સ્વીકારનું કારણ માત્ર અને માત્ર પ્રેમ છે, તે વાત હૃદયને સ્પર્શી જાય. આ પ્રેમ થયો શી રીતે, લગ્ન સુધી આ વાત પહોંચી શી રીતે, અને લગ્ન આટલું બધું ટક્યું શી રીતે – તે બધા પ્રશ્નોની જિજ્ઞાસા ભાવકને થાય જ. પેટ્રાની મુલાકાતે આવનાર દરેક પ્રવાસીને પણ આ જ વાતનું આશ્ચર્ય થતું. પરંતુ માર્ગરાઈટ તો ભાવુકતામાં સરી પડ્યા વગર હળવી શૈલીમાં લખે છે: ‘I would consider it in order to get rid of my complicated Dutch Surname […] I really liked the idea of no mortage or electricity bills, and only one room to clean.’ (કદાચ હું મારી અટપટી ડચ અટકથી છુટકારો મેળવવા માગતી હતી, [એટલે મેં મોહમ્મદ સાથે લગ્ન કર્યું. મને ખરેખર ગુફામાં રહેવાનો વિચાર ગમ્યો કારણ કે] એક તો લોનના હપ્તા તથા વીજળીનાં બીલ ભરવાની ચિંતા નહીં ને માત્ર એક જ ઓરડો સાફ કરવાનો!) ખરેખર આ જવાબ મજાકમાં લખ્યો છે તેટલો ઉપરછલ્લો નથી. લગ્નનો નિર્ણય ખૂબ ઊંડાણથી વિચાર્યા પછી લેવાયો હતો, તે વાત પણ માર્ગરાઈટ આગળ જતાં કરે છે. પુસ્તકના પૂર્વાર્ધમાં પરિચય તથા પરિણયની વિગતો માર્ગરાઈટે પ્રસન્નતાથી બહુ ઓછા શબ્દોમાં આપી છે. જાણે પ્રેમ થવો ને અહીં રહેવું તેને માટે સહજ અને અપેક્ષિત ન હોય!

પુસ્તકમાં માર્ગરાઈટે દોરેલાં કેટલાંક શબ્દચિત્રો ચિરસ્મરણીય છે. હોટેલ છોડીને ગુફામાં રહેવા આવતાં જ મોહમ્મદ બંને બહેનપણીઓને ટેકરી ઉપર સૂર્યાસ્ત જોવા લઈ જાય છે. મોનાસ્ટ્રી નામના સ્થાપત્ય ઉપર આથમતાં સૂર્યકિરણોની આભા જોઈને માર્ગરાઈટ અભિભૂત થઈ જાય છે. ગુફામાં પાછી ફરીને તે પોતાની બહેનને પત્ર લખે છે. એમાં તે દીવા વિશે લખે છે જેના અજવાળે પોતે પત્ર લખી રહી છે, અદ્ભુત સૂર્યાસ્ત વિશે લખે છે, અને પેલા બેદૂઈન આરબ મોહમ્મદ વિશે લખે છે, જે માર્ગરાઈટ અને એલિઝાબેથ માટે રસોઈ બનાવી રહ્યો છે! બીજા દિવસે બંને બહેનપણીઓ ગુફાવાસી યજમાનની વિદાય લઈને અકાબાના બંદર તરફ ચાલી જાયછે. અકાબાની હોટેલની અગાશીમાં તળેલી માછલી ખાતાં એ બંને આગળ સિરિયા તથા લેબેનોન જવાની યોજના વિચારી રહી હતી,એટલામાં એક ટૅક્સી ડ્રાઇવર આવીને કહે છે: ‘મને મોહમ્મદે મોકલ્યો છે. એક બેદૂઈન લગ્ન જોવા માટે તમને પાછાં બોલાવ્યાં છે.’ માર્ગરાઈટ નોંધે છે: ‘તે દિવસે મોહમ્મદે અમને પાછાં બોલાવવા ટૅક્સી ન મોકલી હોત તો કદાચ હું આજીવન નિરુદ્દેશ રખડતી રહી હોત. પેટ્રા મારા સ્મૃતિપટ ઉપર માત્ર પેલો અદ્ભુત સૂર્યાસ્ત મૂકીને ધૂમિલ થતું ભૂંસાઈ ગયું હોત. બેદૂઈનો જેને ‘ગિસ્મીહ ઓ નસીબ’ અર્થાત્ નસીબનો ખેલ કહે છે, તે મારા જીવનમાં ભજવાઈ રહ્યો હતો.’

બેદૂઈન લગ્નમાં હાજરી આપ્યા બાદ લેખિકા તો આગળના પ્રવાસે સિરિયા ચાલી ગઈ. ત્યાંથી આગળ જવા માટે સરહદ પરથી લેબનિઝ વિઝા ન મળ્યા, અને દમાસ્કસમાં લેબનિઝ રાજદૂતાવાસ નહોતો, એટલે જોર્ડન પાછાં ફરવું પડ્યું. એલિઝાબેથની ટિકિટ લેબેનોનથી હતી, એટલે તે તો વિઝા લઈ લેબેનોન ગઈ, પરંતુ માર્ગરાઈટે બચેલો એક મહિનો પેટ્રામાં પસાર કરવાનું વિચાર્યું. આ એક મહિનામાં તો નસીબ બદલાઈ ગયું! સ્થાનિક લોકોમાં વાયકા વહેતી થઈ કે, મોહમ્મદ આ યુરોપિયન સાથે પરણવાનો છે, ત્યારે ય માર્ગરાઈટ એ વિશે સભાન નહોતી. તેને થતું, અહીં રહેવું ગમે છે, અહીંની જીવનશૈલી મજાની લાગે છે, મોહમ્મદનો સાથ ગમે છે, બધીય વાત સાચી, પરંતુ તેમાં લગ્નની વાત ક્યાંથી આવી? મોહમ્મદના મિત્રો મજાકમાં કે પછી સીધા પ્રશ્નો પૂછવા લાગ્યા, ત્યારે તે અકળાઈ પણ ખરી. ગુસ્સે પણ થઈ. પરંતુ મોહમ્મદે સમજાવ્યું કે, એ તો બેદૂઈનોની સામાન્ય રીત છે. તેમને મન લગ્ન એ જ જીવનનું સૌથી અગત્યનું લક્ષ્ય હોય છે. પછી એ પૂછી બેઠો કે,મારી સાથે લગ્ન કરવામાં તને વાંધો શું છે? જવાબમાં માર્ગરાઈટ પૂછે છે: હું બુઢ્ઢી થઈ જઈશ, ચહેરો કરચલીવાળો કુરુપ થઈ જશે ત્યારે? તો મોહમ્મદ કહે છે: ‘So will I, but you will be my wife so I’ll love you any way.’ ‘(ઘરડો તો હું પણ થઈશ. પણ તું મારી પત્ની હશે, એટલે તું જેવી પણ હશે, તને પ્રેમ કરીશ.’) લોકોને શંકા પણ થઈ આવી કે, લગ્ન નથી કરવાની તો પછી આ કોઈ જાસૂસ તો નહીં હોય? અંતે પોતાનું જ મન જ્યારે મોહમ્મદ તરફ ખેંચાવા લાગ્યું, ત્યારે શાંતિથી વિચારવા તથા સ્વજનો-મિત્રોનું માર્ગદર્શન લેવા તે ઘરે પાછી ફરી. મનની દ્વિધા આલેખતાં માર્ગરાઈટ લખે છે ‘Mum and Dad had set a good example which I would like to live up to. Marraige was a commitment, meaning us together for ever and I wasn’t sure that Mohmmad, who was always so busy joking and laughing (and I loved him for it), appriciated that.’

‘(મારા મનમાં મારાં માતા-પિતાનો આદર્શ હતો. હું માનતી હતી કે, લગ્ન એક પ્રતિબદ્ધતા છે. જીવનભરના સંગાથ માટેની પ્રતિબદ્ધતા. મને ખબર નહોતી કે, મસ્તી-મજાકમાં મસ્ત રહેતો મોહમ્મદ આ વાત સમજી શકશે કે કેમ?’)

બહુ સરળ શબ્દોમાં લાઘવપૂર્વક વ્યક્ત થયેલું મનોમંથન આસ્વાદ્ય હોવા સાથે શૈલીની મહત્તા પણ સિદ્ધ કરે છે. માર્ગરાઈટ એની પણ ચોક્કસાઈ કરી લે છે કે, કાલે ઊઠીને ન જ ફાવે, તો છૂટાછેડા લઈ શકાય ખરા? આ વિશે માર્ગરાઈટ સરસ ઉદાહરણ આપે છે. લખે છે: ‘હવાઈ પ્રવાસ દરમ્યાન જેમ આપણે વિમાનનું આપાતકાલીન દ્વાર ધ્યાનમાં રાખીએ, એવી આશા સાથે કે, તેનો ઉપયોગ ન કરવો પડે તો સારું, પણ એ છે, તેમ!… ત્રણ અઠવાડિયાં લંડનમાં તથા ત્રણ અઠવાડિયાં હોલેન્ડમાં સ્વજનો સાથે વિચારણા કર્યા બાદ હું પાછી ફરી. એક સ્પષ્ટ વિચાર સાથે કે, મારું સ્થાન વિશ્વમાં બીજે ક્યાંય નહીં, પરંતુ મોહમ્મદ પાસે અહીં પેટ્રામાં જ છે.’

માર્ગરાઈટની જીવનકથા પ્રસન્ન પ્રેમની વારતા માત્ર હોત તો સારું હતું. પરંતુ ‘ગિસ્મીહ ઓ નસીબ’માં કાંઈક બીજું જ નિર્માયું હતું! સન 2001માં અચાનક મોહમ્મદને ફેફસાં પર સોજો આવી ગયો. ડાયાબિટીસની પરવાહ વિનાની તથા પરેજી વગરની જીવનશૈલીને કારણે તેની બંને કિડની કામ કરતી અટકી ગઈ. જીવતા રહેવા માટે તેણે અઠવાડિયામાં બે વાર ડાયાલિસીસ કરાવવું પડતું. અંતે ફેબ્રુઆરી 2002માં મોહમ્મદ મૃત્યુ પામ્યો. માર્ગરાઈટ એ દિવસ વિશે લખે છે –

‘જે દિવસે મોહમ્મદ મૃત્યુ પામ્યો, ખીણમાં રેતાળ પવન ફૂંકાઈ રહ્યો હતો. તે મારા કરતાં વહેલો ઘરે ગયો,અને અમારા હૂંફાળા દીવાનખંડમાં બપોરની નીંદરમાં જ મૃત્યુ પામ્યો. મને ઘરે લાવવામાં આવી, ત્યારે ઘર આખું લોકોથી ભરેલું હતું. તેના મિત્રોએ તેને નવડાવીને સફેદ કફન પહેરાવી દીધું. કોઈએ મને તેની લગ્નની વીંટી આપી, જે મારી મધ્યમામાં સહેલાઈથી સરકી ગઈ. મને યાદ આવ્યું, આ એ જ વીંટી છે, જેને મોહમ્મદ મારું માપ લીધા વગર લઈ આવેલો, છતાં તે મને બરોબર બંધ બેસી ગઈ હતી!’ એ દિવસની ઘટનાઓનું વર્ણન માર્ગરાઈટે બહુ નિરપેક્ષ ભાવથી કર્યું છે. જાણે પોતાના મનની વ્યથા કોઈને પણ કહેવા ન માગતી હોય, તેમ. શોક મનાવનારા સમુદાયની, અંતિમ વિધિમાં મદદ કરનારાઓની, કે પછી સાંત્વન આપવા આવનારાઓની કમી નહોતી. આ તમામ માટે રસોઈ બનાવનારાં તથા પીરસનારાં પણ હાજર હતાં. ઈ-મેઇલનો ધોધ વરસ્યો. સંદેશાઓ પ્રિન્ટ કરીને હું ભીંતે લગાડવા લાગી, તો બધી ભીંતો ભરાઈ ગઈ. સહાનુભૂતિમાં વ્યવસાય પણ વધારે ચાલવા લાગ્યો. માર્ગરાઈટ લખે છે: ‘પેટ્રામાં બધું સલામત હતું, પરંતુ હું અહીં રહેવા પાછળનું પ્રયોજન ગુમાવી બેઠી હતી.’

એ તબક્કે નિરાશ માર્ગરાઈટ પોતાના ભાઈ-બહેન પાસે રહેવા સિડની ચાલી ગઈ. જે પ્રશ્ન જોર્ડનના લોકો તથા જિજ્ઞાસુ પ્રવાસીઓ તેને પૂછતા રહેતા, તે જ પ્રશ્ન તેનું મન સતત પૂછતું રહ્યું: ‘તને ક્યાં વધારે ગમે વિદેશમાં કે પેટ્રામાં?’ માર્ગરાઈટ ઘડીક સમાધાન શોધે છે: ‘જ્યાં હોઈએ, ત્યાંની સારી વસ્તુઓ તરફ નજર રાખવી સારી!’ પણ તેનું મન સતત પેટ્રા તરફ ખેંચાતું રહ્યું. તેણે વિચાર્યું, ‘ચાલ, ફરી એક વાર પેટ્રા જઈને રહું, અને જોઉં કે,મોહમ્મદની ગેરહાજરીમાં મને કાયમ માટે રહેવાનું કારણ આપવા માટે પેટ્રા પાસે કાંઈ છે કે નહીં?’

 જાણેલું કે માર્ગરાઈટ હજીય વિસ્થાપિતોની વસાહતમાં રહે છે, તથા પુરાતન નગરીનાં ખંડિયેરો વચ્ચે દુકાન ચલાવે છે. પેટ્રામાં ફરતાં આંખો તેની દુકાનને શોધી રહી હતી. હાઇ પ્લેસિઝ નામથી ઓળખાતી ગુફાઓની બહાર ઓટલા પર નાનકડા શામિયાણામાં ચાંદીનાં કલાત્મક ઘરેણાં, સ્મૃતિચિહ્નો તથા રેતકલાની કલાકૃતિઓથી શણગારેલી તેની દુકાન મળી તો ગઈ, પરંતુ માર્ગરાઈટ દુકાનમાં હાજર નહોતી. તેના ભત્રીજાએ જણાવ્યું કે, ‘કાકી આજે બીમાર હોવાથી આવ્યાં નથી.’ તેણે માર્ગરાઈટના દીકરા રામીનું કાર્ડ આપતાં કહ્યું કે, ‘રામી ગાઇડ છે. તમારે કામ હોય તો જરૂર કહેજો.’ પેટ્રાનો પ્રવાસ આજે પૂરો થતો હતો. જે વાર્તાની તલાશ હતી, તે તો મળી. પરંતુ તેની લેખિકાને ન મળી શકવાનો વસવસો મનમાં રહી ગયો. પેટ્રા ઉપર અંતિમ દૃષ્ટિ નાખતાં અંતે કોઈ દબાવી રાખેલું ડૂસકું આર્તનાદ થઈ ગયું હોય તેવા માર્ગરાઈટના શબ્દો મનમાં ગૂંજતા રહ્યા:

‘But I wasn’t in Petra for the mountains of the history – not even for culture. Without Mohmmad to hold me I am no longer Married to be Bedouin and, despite all the things we have accummulated, I have become a nomad once again.’ ‘(હું પેટ્રામાં ક્યારેય પર્વતો માટે કે ગુફાઓ માટે નહોતી. ત્યાંની સંસ્કૃતિ માટે પણ નહીં! મને સાહી લેવા માટે મોહમ્મદનો ટેકો નથી, તો હું હવે કોઈ પણ રીતે ‘બેદૂઈનને પરણેલી’ રહી નથી. અહીંનું બધું જ મનમાં સંઘરેલું હોવા છતાં ફરી એક વાર હું વિચરતી વણજારણ બની ગઈ છું.!)

‘આય હેવ બીકમ અ નોમૅડ વન્સ અગેઇન’ – વાક્ય સાથે પુસ્તક પૂરું થાય છે. આજે માર્ગરાઈટ તથા બાળકો કાયમ માટે પેટ્રા પાછાં ફર્યાં છે. દુકાન હજીય ચાલુ છે. પુસ્તક વિશ્વભરની પંદર ભાષાઓમાં પ્રકાશિત થઈ ચૂક્યું છે. અંગ્રેજી ભાષામાં 2006માં પ્રથમ પ્રકાશન પછી 2014સુધીમાં તેની 11આવૃત્તિઓ થઈ ગઈ છે. માર્ગરાઈટ મન થાય ત્યારે સ્વજનોને મળવા વિદેશ જઈ આવે છે. હવે તેને સાચા અર્થમાં ‘બેદૂઈનને પરણેલી’ કહી શકાય તેમ છે!

*

ભારતી રાણે

કવિ, પ્રવાસલેખક.

વ્યવસાયે તબીબ,બારડોલી.

બારડોલી.

bhartirane1@gmail.com

98251 21020

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.