‘ચર્ચામ્ રચય ચારુમતે’ કારણ કે ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ:’ – વિદ્યુત જોશી

Debating India – Bhikhu Parekh

Oxford University Press, New Delhi, 2015

ભારતીય સમાજની એક ખાસિયત એ છે કે અહીં જ્ઞાતિ, ધર્મ, ભાષા, પેટા- સંસ્કૃતિ દરેક બાબતમાં વિવિધતા છે. આ વિવિધતાસભર સ્વરૂપ એકહથ્થુ વિચારથી કદી ન ટકી શકે. અહીં વાદ-વિવાદ હોવાથી જ મોટા ભાગના કિસ્સાઓમાં મતભેદનું નિવારણ ચર્ચાથી થાય છે. માટે જ આ પરંપરા ટકી રહે છે. કદાચ આથી જ ભારતમાં એક-વ્યક્તિ-સ્થાપિત ધર્મ કરતાં બહુલતામાંથી ઉદ્ભવેલો ધર્મ વધુ અનુકૂળ રહ્યો છે. તેની સમૃદ્ધ વૈચારિક વાદ-વિવાદ પ્રણાલીમાં ભારતીય તત્ત્વદર્શનમાં છ આસ્તિક અને ત્રણ નાસ્તિક શાખાઓ એમ કુલ નવ શાખાઓ વચ્ચે કેટકેટલી ચર્ચાઓ થઈ હશે અને તેમાંથી વેદાંતે અન્ય વિચારશાખાઓ પર પોતાનો વિજય કઈ રીતે સ્થાપિત કર્યો હશે તે વિચારોનો ઇતિહાસ આપણે માટે અજ્ઞાત જ છે. પરંતુ ભારતની આ સમૃદ્ધ કાળ-પ્રણાલીનું આધુનિક સ્વરૂપ એટલે લોર્ડ ભીખુ પારેખનું આ ‘ડિબેટંગિ ઇન્ડિયા’ પુસ્તક.

400 જેટલાં પાનાંનો આ દળદાર ગ્રંથ અતિ સુંદર બ્રિટિશ અંગ્રેજીમાં લખાયેલો છે. આ વિગતો એટલા માટે આપવી પડે છે કે ગુજરાતીમાં છપાતાં પુસ્તકોમાં શૈલી જરા જુદી હોય છે. તેમાં સંશોધન(અભ્યાસ) કરીને ટાંચણો અને સંદર્ભો અપાતા નથી અને પુસ્તકને અંતે વિષયની વિગતવાર સૂચિ તો ભાગ્યે જ અપાય છે. જેમણે ગંભીર વિષયો પર પુસ્તકો લખવાં છે તેમણે લેખનશૈલી માટે પણ આ પુસ્તક વાંચી જવા જેવું છે.

ભારતની વૈચારિક વાદ-વિવાદ પ્રણાલીમાં અગાઉ મેક્સમૂલર જેવા પાશ્ચાત્ય વિદ્વાનોને પણ રસ પડ્યો હતો. ભારતમાંથી પશ્ચિમમાં જઈ જાણીતા બનેલા બે સારસ્વતો – અમર્ત્ય સેન અને ભીખુ પારેખને પણ આ બાબતમાં રસ પડ્યો. નોબેલ ઇનામ વિજેતા અને જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને ‘ધ આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન’ નામનું પુસ્તક (પેંગ્વિન, 2005) લખ્યું હતું. અને તેણે પશ્ચિમના જગતને ભારતની સમૃદ્ધ ચર્ચા-પ્રણાલીનો પરિચય આપ્યો હતો. ભીખુ પારેખ પણ અમર્ત્ય સેનની ઘણી બાબતોમાં સંમત થાય છે, એવું તેમણે પોતાના આ પુસ્તકમાં લખ્યું છે. ખેર, અહીં આપણે માત્ર ભીખુ પારેખના પુસ્તકની વાત કરવી છે.

બે વિભાગોમાં વહેંચાયેલા આ પુસ્તકમાં પ્રથમ ભાગમાં 7 પ્રકરણો છે, જે ભારતીય સંસ્કૃતિની ચર્ચાપ્રણાલી વિશે ચર્ચા કરવા ઉપરાંત કેટલીક ઐતિહાસિક ચર્ચાઓ પર પ્રકાશ પાડે છે. પ્રથમ પ્રકરણ ‘ઇન્ડિયન ટ્રેડિશન ઓફ પબ્લિક ડિબેટ’માં ભારતની 3000 વર્ષ કરતાં વધુ વર્ષોથી અસ્તિત્વ ધરાવતી ચર્ચા-પ્રણાલી અને તેના ઐતિહાસિક સાતત્ય વિષે જણાવ્યું છે. તેનાં અનેક સ્વરૂપોની ચર્ચા પણ કરી છે. આ લાંબા સમયગાળાની ચર્ચાનો પરિચય આપતાં ભીખુ પારેખ વિવિધ વિષયો અને વિવિધ વિદ્વાનો વચ્ચે થયેલી ચર્ચાઓનો ઉલ્લેખ કરે છે. ભારતમાં પ્રવર્તમાન ષડ (આસ્તિક) દર્શનો અને ત્રણ નાસ્તિક દર્શનોની ચર્ચા-પરંપરાનો અછડતો ઉલ્લેખ ભીખુ પારેખ કરે છે. આ સમય માત્ર દાર્શનિક ચર્ચાઓનો જ નહોતો, પરંતુ સાહિત્ય, આયુર્વેદ, વિજ્ઞાન વગેરે બાબતો પણ ચર્ચામાં આવતી અને વિવિધ શાખાઓના વિદ્વાન આચાર્યો ચર્ચા દ્વારા કયો વિચાર વધુ સાચો તે નક્કી કરતા. અલબત્ત, આ ચર્ચા ચાલે ત્યારે તેમાં કોનો જય થયો તે નક્કી કોણ કરે તે કાયમ સ્પષ્ટ નહોતું રહેતું. આ છ આસ્તિક દર્શનો અને ત્રણ નાસ્તિક દર્શનો વચ્ચેની ચર્ચાઓ કેવી ભવ્ય રહી હશે તેની તો માત્ર કલ્પના જ કરવી પડે, કારણ કે બધી જ ચર્ચાઓ માટે સાબિતીઓ નથી મળતી. પરંતુ આ બધાં દર્શનોમાંથી વેદાંત સહુથી આગળ કઈ રીતે નીકળી ગયું તે જાણવું કદાચ રસપ્રદ રહે. ખાસ કરીને લોકાયત, જૈન અને બૌદ્ધ દર્શનો શા માટે નબળાં પડ્યાં તે જાણવું કોઈ પણ વિચારવંત વ્યક્તિ માટે અગત્યનું બની રહે. પરંતુ આ વિગતો આપણને નથી મળતી. અલબત્ત, આ બધી ચર્ચાઓમાં સત્ય સ્થાપિત કરવા માટેની ચર્ચાઓ કઈ અને જીતવા માટેની ચર્ચાઓ કઈ તે જાણવું મહત્ત્વનું છે.

ભારતની આ ચર્ચાની પદ્ધતિઓ પણ અલગ અલગ હતી. ક્યારેક રાજા પોતાના દરબારમાં વિદ્વાનો વચ્ચે ચર્ચા ગોઠવતો. ક્યારેક બે પંડિતો પોતાનો મત સાચો છે તે સાબિત કરવા અન્ય પંડિતને પડકાર આપતા અને ચર્ચા થતી તેને અંતે કોઈ એક જીતે અથવા તો બે મતોનો સમન્વય થતો. ક્યારેક એક જ સંપ્રદાયની બે શાખાના પંડિતો જુદા પડતા તો નવા સંપ્રદાય કે શાખાનો ઉદ્ભવ થતો. આ રીતે થતી ચર્ચાઓમાં વ્યક્તિગત બાબતો ન આવી જાય તે માટે નિયમો નક્કી થતા. વળી ચર્ચાની પરંપરાઓમાં બુદ્ધ, મહાવીર અને બ્રાહ્મણો પોતપોતાની રીતે અલગ પડતા તે વાત ભીખુ પારેખે વિગતે કહી છે. ત્યાર બાદ છઠ્ઠી સદીથી દસમી સદી સુધી ભક્તિસંપ્રદાય કઈ રીતે વિકસ્યો, શંકરે હિન્દુ ધર્મને કઈ રીતે સંગઠિત કર્યો, શંકર-મંડનમિશ્રની ઐતિહાસિક ચર્ચા કેવી હતી. ભારતમાંથી જૈન અને બૌદ્ધ ધર્મનું મહત્ત્વ ઓછું થવામાં ભક્તિ-સંપ્રદાયની શી ભૂમિકા રહી – અને વિવિધ ચર્ચાઓમાં ભક્તિ-સંપ્રદાય કઈ રીતે મજબૂત થયો તે વાત કદાચ ભીખુ પારેખ ચૂકી ગયા છે. અલબત્ત, ઇસ્લામના આગમન પછી અને ખ્રિસ્તીઓના આગમન પછી ચર્ચાનું સ્વરૂપ કેવું રહ્યું તેની વિગતો ભીખુ પારેખ આપે છે. સમગ્ર ઐતિહાસિક સમયને આવરી લેવામાં આવ્યો હોવાથી આ પ્રકરણ પ્રમાણમાં લાબું થયું છે.

ખૂબ જ સુંદર વિશ્લેષણ તથા સંદર્ભ વિના કોઈ વાત ન કરવાની પદ્ધતિને લીધે આ પ્રકરણ ખૂબ જ રસપ્રદ અને વિગતસભર બન્યું છે. પશ્ચિમના જે લોકો ભારતને પછાત ગણે છે તેમને માટે આપણી વૈચારિક પરંપરા કેટલી ઉચ્ચ કોટિની હતી તે વાત અહીં સાબિતીપૂર્વક કહેવાઈ છે. એક આડવાત કરવાનું મન થાય છે કે સમગ્ર ચર્ચાની ઐતિહાસિક સફર જોઈએ તો ક્યારેક જ બિનધાર્મિક કે બિનદાર્શનિક ચર્ચાઓ મળી આવે છે. ભારતમાં બ્રિટિશરો આવ્યા તે પહેલાં રાજકીય કે આર્થિક ચર્ચાઓને ખાસ સ્થાન નથી રહ્યું. તે એટલી હદ સુધી કે સનાતન ધર્મમાંથી જૈન અને બૌદ્ધ ધર્મ અલગ પડ્યા તે વાસ્તવમાં કૃષક સમાજ સામે વેપારઆંદોલન હતું. બૌદ્ધ અને જૈન ધર્મમાં અહિંસાનું મહત્ત્વ હતું તેનું કારણ વેપાર હતું! માનવશાસ્ત્રીય ડહાપણ કહે છે કે કૃષક સમાજને હિંસા પોસાઈ શકે કારણ કે જ્યારે હિંસા થતી હોય, માણસોનાં માથાં વઢાતાં હોય ત્યારે પાક તો ઊગી શકે. પરંતુ હિંસા થાય ત્યારે વેપાર અટકી જાય, માટે જ વેપારી ક્રાંતિ આવતાં જૈન અને બૌદ્ધ ધર્મમાં અહિંસાને વધુ મહત્ત્વ મળ્યું છે. આ પ્રકરણને અંતે લેખક મુસ્લિમ અને બ્રિટિશ સમય આવતાં ચર્ચાનું સ્વરૂપ કેવું રહ્યું તેનો અછડતો ઉલ્લેખ કરે છે.

આ ચર્ચાના સ્વરૂપની ચર્ચા કરતાં લેખક સૂચવે છે કે અહીં કોઈ એક સમરૂપ સ્વરૂપ નથી રહ્યું, છતાં પ્રમાણ અથવા જ્ઞાનમીમાંસાના આધાર સાથે જ ચર્ચાના મુદ્દાઓ સ્વીકાર્ય બનતા હતા. તે વાત બહુ ભારપૂર્વક લેખક કહે છે.

પછીનાં છ પ્રકરણોમાં ભીખુ પારેખ આધુનિક સમયની ચર્ચામાં સીધા આવી જાય છે. આમ થવામાં જરા ઐતિહાસિક તાત્ત્વિક કડીઓ ક્યાંક ખૂટતી હોય તેવું પણ લાગે છે. હવેની ચર્ચા ધાર્મિક તથા ઈશ્વરવિદ્યાકીય નહીં પરંતુ રાજકીય-સાંસ્કૃતિક બની જાય છે. એટલું જ નહિ, ભારતમાં અંગ્રેજો આવ્યા બાદ અને ખાસ કરીને 1885માં કોંગ્રેસની સ્થાપના બાદ જ આવી સેક્યુલર ચર્ચાઓની શરૂઆત થઈ છે તેમ કહી શકાય. આ છ પ્રકરણોમાં લેખક રાષ્ટ્રીય પ્રતીકો, ગાંધી-ટાગોર ચર્ચા, આંબેડકર અને ભાતૃભાવની ખેવના, નેહરુના નેતૃત્વ હેઠળ ઊભું થયેલું રાષ્ટ્રીય દર્શન, દર્શનની પુનવિર્ચારણા તથા ભારતીય લોકશાહી પર પોતાની સમીક્ષા આપે છે. સ્વાતંત્ર્ય લડતના ગાળામાં તથા પછીના બંધારણના ઘડતરના ગાળામાં ગાંધીનું વૈચારિક પ્રભુત્વ કેટલા મોટા પ્રમાણમાં હતું તેની વાત લેખક કરે છે. અહિંસા, અસ્પૃશ્યતા, સર્વ-ધર્મ-સમાનતા, રાષ્ટ્રીયતા, ગ્રામવિકાસનું; વગેરે વિચારો પર ગાંધી, તો આધુનિક રાજ્ય, સંસદીય પ્રણાલી, સંઘીય પ્રણાલી, સેક્યુલારિઝમ, વગેરે મુદ્દાઓ પર નેહરુનું પ્રદાન તથા બંધારણના ઘડતરમાં તથા પછાત વર્ગોને ભારતીય પ્રવાહમાં સામેલ કરવા, વગેરે મુદ્દાઓ વિષે આંબેડકરનું પ્રદાન – એમ કરીને લેખક આધુનિક ભારતના ઘડતરના વૈચારિક પ્રવાહોની વાત કરે છે. પ્રથમ ભાગનું છેલ્લું પ્રકરણ પણ રસપ્રદ બન્યું છે. કારણ કે રાજકીય દર્શનના આંતરરાષ્ટ્રીય વિદ્વાન એવા લેખક ભારતીય રાષ્ટ્ર અને રાજ્યના વૈચારિક દેહની સમીક્ષા કરે છે. એક ઐતિહાસિક પરંપરા ધરાવતા, સંકુલ, વૈવિધ્યસભર, ગરીબ પછાત એવા ભારતમાં આધુનિક લોકશાહીનું આરોપણ થાય તો શી સ્થિતિ ઉદ્ભવે તેની સુપેરે ચર્ચા લેખક અહીં કરે છે. અને કેટલાંક ભયસ્થાનો પણ બતાવે છે.

પ્રથમ ભાગ પૂરો થતાં ડિબેટંગિ ઇન્ડિયાની ચર્ચા પૂર્ણ થાય છે. બીજા ભાગમાં લેખક ભારતના અને ખાસ કરીને ગાંધીના વિચારોની સરખામણી – અમુક અંશે કાલ્પનિક સરખામણી – પાશ્ચાત્ય વિચારો અને તેના ધારકો સાથે કરે છે. અહીં ગાંધીની અહિંસા પર આઇનસ્ટાઈન, ગાંધીની અહિંસાની વ્યાપકતા, ગાંધી અને ઓસામા બિન લાદેન વચ્ચે ચર્ચાની શક્યતા, ગાંધી અને આંતરધર્મચર્ચા, વગેરે બાબતો વિષે વૈચારિક ચર્ચા કરે છે. છેલ્લું પ્રકરણ આમ તો મુખ્ય વિષય કરતાં થોડું જુદું છે અને લેખક પણ આ વાત સ્વીકારે છે – તે પ્રશિષ્ટ ભારતીય વિચારોમાં મૈત્રી પર છે. છતાં આ પ્રકરણ રસપ્રદ બન્યું છે. લેખક બે વ્યક્તિ વચ્ચેના સંબંધોને મિત્ર, સુહૃદ અને સખ્ય એમ ત્રણ સ્તરમાં વહેંચે છે.

સમગ્ર પુસ્તક વાંચતાં ક્યાંક ક્યાંક ઐતિહાસિક કે વૈચારિક સાતત્યની કડી તૂટતી હોય તેવું પણ લાગે છે. ઇસ્લામ આવતાં ચર્ચાનું જે નવું સ્વરૂપ ઊભું થયું અને જે સમન્વય સધાયો તેની વાત દિનાંકરે પોતાના સાંસ્કૃતિક ચાર અધ્યાયમાં સુંદર રીતે કરી છે તે અહીં જરા ખૂટતી હોય તેમ લાગે છે. પરંતુ તમે જ્યારે 3000 વર્ષથી વધુ સમયના વિચારોના ઇતિહાસની છણાવટ કરતા હો અને તેમાં પણ આટલી સંકુલ તથા ક્યારેક વિરોધી વૈચારિક પ્રણાલી હોય અને તમે પ્રમાણ અને તાકિર્ક આધાર વિના ન લખતા હો ત્યારે આવું તો બને. આપણે આભારી છીએ ભીખુ પારેખના કે જેમણે ‘ડિબેટંગિ ઇન્ડિયા’ પુસ્તકને મિષે આપણને ભારતીય વિચારોના વ્યાપક રંગપટનો માત્ર પરિચય જ નહીં, પરંતુ સમીક્ષાત્મક પરિચય કરાવ્યો. ભારતીય વિચારોના ઇતિહાસમાં આ પુસ્તકનું અને તેથી કરીને ભીખુ પારેખનું પ્રદાન અમૂલ્ય રહેશે.

*

વિદ્યુત જોશી

સમાજ, શિક્ષણ વિશે લેખન.

પૂર્વ-અધ્યાપક, ગાંધી શ્રમસંસ્થાન, અમદાવાદ.

અમદાવાદ.

vidyutj@gmail.com

9825064748

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.