સંવેદના-ભાવાભિવ્યક્તિનો ઉત્સવ – જેઠો લાલવાણી

ચૅક બુક – વાસદેવમોહી સિદ્ધાણી

લેખક, અમદાવાદ, 2012

વાસદેવ મોહી હિંદ-સિંધના સિંધી સાહિત્યના એક મહત્ત્વના કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, અનુવાદક, સંપાદક છે. સાહિત્ય અકાદેમી એવોર્ડ ઉપરાંત ઘણા સાહિત્યિક પુરસ્કારોથી સન્માનિત વરિષ્ઠ લેખક છે. બધાં સ્વરૂપોમાં 25 જેટલાં પુસ્તકો એમણે લખ્યાં છે.

એમનો જન્મ 2, માર્ચ 1944માં મીરપુર ખાસ સિંધમાં. એમ. એ., એમ. એડ્. થઈને સરકારી નોકરીમાં જોડાયેલા, એ પછી અધ્યયન-અધ્યાપન કરતાં દુબઈમાંથી અંગ્રેજી ભાષાના અધ્યાપક, અધ્યક્ષ પદેથી નિવૃત્ત થયેલા.

એમની કૃતિઓ વિવિધ ભારતીય ભાષાઓમાં અનુવાદિત થયેલી છે. ‘મણકૂ’ એમનો વિશિષ્ટ પ્રતિષ્ઠિત કાવ્યસંગ્રહ. એના ગુજરાતી અને હિંદીમાં અનુવાદ થયા છે.

0

‘ચેક બુક’ વાર્તાસંગ્રહમાં 13 વાર્તાઓ ગ્રંથસ્થ છે. એમાં સિંધી સમાજની સાથે અન્ય ભારતીય સમાજોમાંથી એમણે કથાવસ્તુ અને પાત્રો પસંદ કરેલાં છે. જે રાજ્ય-જાતિ-ધર્મની વિવિધતા સાથે એકતાનાં દર્શન પણ કરાવે છે. સામાજિકતાના આલેખન સાથે એમાં પાત્રસંવેદનોનું નિરૂપણ છે એ સઘન અને સરળ શૈલીમાં સચોટ રસાનુભવ કરાવે છે.

આ વાર્તાઓમાં ‘ફેરો’(બદલાવ) દક્ષિણ ભારતના મલયાલી સમાજના વાતાવરણની છે, ‘હિકુ ખણ’(એક ક્ષણ) ઈસાઈ સમાજની ગોવાના વાતાવરણની છે, ‘બલ’(બલિ, ભોગ) આસામના ગોહાટીની, ‘દાવત’ પારસી સમાજની તેમજ ‘ચેકબુક’ ગુજરાતી સમાજના પરિવેશમાં રચિત – એમ ભિન્ન પરિવેશોની આકર્ષક વાર્તાઓ છે. ‘મેક અપ’ નાન્યતર જાતિ – વ્યંઢળો – પર આધારિત વાર્તા છે. ‘ફેંસલો’ (નિર્ણય)માં દુબઈનું ચિત્રણ છે. ‘ભંડારો’માં સિંધી પરિવેશની સાથે રુશ્વત, ભ્રષ્ટાચારનું આલેખન છે. ‘લોટરી’ ઈમાનદાર શ્રમશીલ નવયુવતીની ભલમનસાઈની કથા છે. ‘કારણ’ એબ્સ્ટ્રેક્ટ (અમૂર્ત) કથાસૂત્રોનું પ્રદર્શન કરે છે. ‘એલબો’, ‘તલાક’ સામાજિક મનોવિજ્ઞાનની સાથે સેક્સ (કામ) વિષયને આલેખે છે.

‘બલ’માં આસામના સ્થાનિક તેમજ આસપાસના પરિવેશમાં થયેલું મામિર્ક ચિત્રણ છે. કામાખ્યા મંદિર દુનિયાનું પ્રસિદ્ધ મંદિર છે જેની સાથે દેવીની પૌરાણિક કથા સંકળાયેલી છે. મંદિરનાં દેવીને ખુશ કરવા લોકો પૂજા કરતા હોય છે એનું વર્ણન મોહીએ ધાર્મિક-સામાજિક માનસિકતાને મર્મવેધી દૃષ્ટિકોણથી આલેખીને કલાત્મક રીતે કરેલું છે. બલિના બકરાના પૂજાપાનું નિરૂપણ એક તરફ તાંત્રિક વિદ્યાના ખંડનને સૂચવે છે તો બીજી બાજુ બકરાનો બલિ અને માનવબલિ એવી કરુણદર્શી સંવેદના અસરકારક રીતે નિરૂપણ પામી છે.

‘ચેકબુક’ વાર્તા નિમ્ન મધ્યમ વર્ગની આર્થિક-સામાજિક સ્થિતિને પ્રભાવક રૂપે રજૂ કરે છે. વ્યક્તિગત સ્વાર્થને તજીને વિશ્વાસપૂર્વક દૃઢતાથી હસ્તાક્ષર કરીને ચેક બુક પોતાના પૂર્વ પતિના પુત્રને આપી દેવામાં પાત્રની તથા માનવીય સંબંધોની ગરિમાની જુદા પ્રકારની ઓળખ મળે છે.

‘દાવત’ વાર્તા પ્રેમની ઊંચાઈનું, મહાનતાનું દર્શન કરાવે છે.

લેખક દરેક વાર્તામાં એની સ્થૂળતાને અતિક્રમીને એની મામિર્ક મુદ્રા મન પર અંકિત કરવાની પ્રતિભા છે. વળી એમના કથાવસ્તુ વિવિધ સંસ્કૃતિઓનો તથા લોકજીવનનો પણ પરિચય આપે છે. સ્થળ, દૃશ્ય, પ્રસંગ, વ્યક્તિ કે કોઈ અનુભૂતિનું, ચેતનાને સ્પર્શી ગયેલી સ્મૃતિઓનું સુંદર નિરૂપણ આ વાર્તાઓમાં છે.

વાર્તાઓમાં એક આગવું ભાવજગત ઊઘડે છે. જે લેખકની સંવેદનશીલતાની વિશિષ્ટ ભાત ઉપસાવે છે. લેખકની અભિવ્યક્તિની લાક્ષણિક છટાથી અને મસ્ત મિજાજ, ખુલ્લાપણું, તાજગી વગેરેથી વાર્તાઓ નોખી તરી આવે છે – ખરેખર તો સંગ્રહમાં સંવેદનાની ભાવાભિવ્યક્તિનો એક મોટો ઉત્સવ રચાયો છે જેમાં પાત્રો, પરિસ્થિતિઓનું વર્ણન રોચક બન્યું છે. વિવિધ પ્રાદેશિક સ્થાનોની વાર્તાઓ પ્રત્યક્ષ અનુભવ મેળવીને રચી હોવાથી એમાં પ્રામાણિકતાનો અનુભવ થાય છે. વાર્તાઓમાં શહેર તેની આધુનિકતા સાથે ખડું છે તો બીજી તરફ ગ્રામ્ય પરિવેશનાં દર્શન પણ થાય છે – બંને પરિસ્થિતિઓ સાથે મનુષ્યો જીવી રહ્યાં છે એની અનેક ભૂમિકાઓનું માનવીય આલેખન થયેલું છે.

મોહી કુશળ લેખક છે. પ્રત્યેક કૃતિમાં એક જ અસર ઉપજાવવાનું લક્ષ એમણે રાખ્યું છે. એકાગ્રતાથી, બીજી ઝાઝી લપછપ કર્યા વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડીને વાંચનારની આસપાસ એક નવી જ કલ્પનાસૃષ્ટિ લેખકે ઘડી કાઢી છે. એટલે આ વાર્તાઓ લેખકને જે કહેવું છે એનો માત્ર ધ્વનિ જ, તણખો જ મૂકે છે.

માનવમનના ઉતાર-ચડાવને ઉજાગર કરવા મથતી દૃશ્યાત્મક ભાષા અને લેખકની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ વાર્તાઓને સંકુલ બનાવે છે. મોહીની ભાષામાં ક્યાંય ગાંઠો-ગૂંચ કે ખચકો નથી. સિંધી બોલચાલની, વ્યવહારની ભાષાની એકદમ નજીક રહીને લેખકે વાર્તાનું ગદ્ય નિપજાવ્યું છે. આ રીતનું ગદ્યપોત સિંધી સાહિત્યમાં મહત્ત્વનું ઉમેરણ છે. અતિશયોક્તિની જરા પણ બીક રાખ્યા વગર કહી શકાય કે સારું કથાનક ધરાવતી પ્રત્યેક કૃતિને ઉત્તમ ને યાદગાર બનાવવામાં લેખકે કોઈ કસર છોડી નથી.

પાત્રો જીવાતા જીવનની કેટલીક વાસ્તવિકતાઓ પ્રગટ કરે છે. એ પાત્રો મોટેભાગે મધ્યમવર્ગનાં છે. એમનો સંઘર્ષ, સંબંધોના આટાપાટા રસપ્રદ છે તથા નાનામાં નાની, સૂક્ષ્મ માનવીય સંવેદનાઓને કારણે આ વાર્તાઓ નીવડી આવી છે. ભાષામાં સાદગીની સાથે સચોટપણાનો પણ અનુભવ થાય છે.

આ વાર્તાઓએ વિશાળ લોકચાહના તેમજ આવકાર પ્રાપ્ત કરેલાં છે.

*

જેઠો લાલવાણી

સિંધી વિવેચક.

પૂર્વ-શિક્ષક, અમદાવાદ.

અમદાવાદ.

jetholalvani@gmail.com

98795 63312

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.