1 અંગ્રેજી (ઇન્ટરનેટ) ભાષા – મેઘના ભટ્ટ-દવે

Txtng: The Gr8 Db8 – David Cristal

New York, 2009

કેટલીક પ્રાચીન ભાષાઓ અને એના અર્થ હજુ પણ વણઉકેલ્યા છે એનું કારણ છે બદલાતો રહેતો સમય. દરેક ભાષાનો એક યુગ હોય છે એ યુગ પૂરો થતાં એ ભાષા સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે અથવા તો અપભ્રંશિત થઈ કોઈ બીજી જ ભાષાને જન્મ આપે છે. આજના યુગમાં ટૅક્નોલોજીએ જ્યારે હરણફાળ ભરી છે ત્યારે એની સાથે તાલ મેળવવા માટે એક નવી જ ભાષા ઊભરી આવી છે. જેને આપણે ટેક્સ્ટસ્પીક, નેટસ્પીક, ચેટસ્પીક, ટેક્સ્ટીંગ લેંગ્વેજ, ટેક્સ્ટ અથવા SMS લેંગ્વેજ કહીએ છીએ.

સામાન્યપણે ખૂબ જ લાંબી વાતને જ્યારે ટૂંકમાં લખવી હોય ત્યારે કઈ રીતે લખવી? થોડા દાયકાઓ પહેલાં કોઈ જો આ જ સવાલ પૂછે તો તરત જ જવાબ મળતો શોર્ટહેન્ડ કે સ્ટેનોગ્રાફી છે ને! આજની પેઢીને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે હજુ થોડા સમય પહેલાં તો આવી પણ કોઈ ભાષા હતી અને એટલી હદ સુધી સમાજમાં સ્વીકૃત હતી કે તેનો સમાવેશ અભ્યાસક્રમમાં પણ થતો હતો અને એના આધારે નોકરીઓ પણ મળતી હતી. બસ ટૂંકાણમાં વાત પતાવવાની આવી જ પગદંડી પર આજની પેઢી આગળ વધી રહી છે, અને SMS કે WhatsApp દ્વારા વાત કરતાં લાંબું વૃત્તાંત ન લખવુ પડે કે ટૂંકમાં પતાવવું હોય ત્યારે ટેક્સ્ટસ્પીક કેનેટસ્પીક વ્હારે આવે છે. રોજિંદા જીવનમાં જેમ-જેમ મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો છે તેમ-તેમ ટેક્સ્ટસ્પીક કે નેટસ્પીક લેંગ્વેજનો પ્રયોગ પણ દેખીતો જ છે. ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનની ટૅક્નોલોજીના પરિણામે અંગ્રેજી ભાષામાં દાખલ થયેલી આ નવી શબ્દાવલી છે.

વિખ્યાત ભાષાશાસ્ત્રી ડેવિડ ક્રિસ્ટલે ઇન્ટરનેટની ભાષાનો ઊંડો અભ્યાસ કરીને તે અંગે અનેક પુસ્તકો લખ્યાં છે. Txting:TheGr8 Db8 એ ટેકસ્ટીંગ લેંગ્વેજ અને એની અસરોની છણાવટ કરતું પુસ્તક છે.

શીર્ષક માત્રથી જ આ પુસ્તકના વિષયપ્રતિપાદનનો ખ્યાલ આવી જાય છે. અહીં લેખકે શીર્ષકમાં જ લોગોગ્રાફ કે લોગોગ્રામનો ઉપયોગ કર્યો છે. લોગોગ્રામ એ એક અક્ષર, શબ્દ કે ચિહ્ન હોય છે જે કોઈપણ લિખિત શબ્દ કે વાક્યનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે જાપાની અને ચીની ભાષામાં મુખ્યત્વે લોગોગ્રામ કે લોગોગ્રાફનો જ ઉપયોગ થાય છે. Txting:TheGr8 Db8 એટલે કે Texting: The Great Debate.

આવો જ બીજો એક જાણીતો દાખલો વિખ્યાત ઔદ્યોગિકગૃહ ESSARનો છે. આ કંપનીના વડા શશી રુઇયાના નામના બે પ્રથમાક્ષરો S Rને ભેગાં કરીને તેમના ઉચ્ચાર પ્રમાણે ESSAR નામ નક્કી કરાયું છે.

આ પુસ્તકમાં લેખક ટેક્સ્ટીંગ મેસેજીસના લીધે ભાષા અને તેની લેખન-વાંચન પર પડતી અસરની ઝીણવટભરી તપાસ કરી છે. કાળજીપૂર્વકનાં સંશોધન, અભ્યાસ તથા ભાષાને લગતા પ્રયોગો કર્યા બાદ તેઓ SMS લેંગ્વેજમાં વપરાતા સંક્ષેપાક્ષરોને લીધે બાળકોનાં શિક્ષણ પર અને એમની ભાષા પરની પકડ પર ખરાબ અસર કરશે એવી દહેશત પાયાવિહોણી હોવાનું કહે છે. (SMS પોતે જે એક સંક્ષેપાક્ષર છે – Short Message Service) .

ટેક્સ્ટીંગને લીધે સાક્ષરતા, સમાજ અને ભાષા પર પડતી અસર અંગે અહીં તેઓ ઊંડાણપૂર્વક વિચારણા કરે છે. યુવાન વયના લોકો ટેક્સ્ટીંગમાં એટલો સમય પસાર કરે છે કે તેમાં એટલા ગળાડૂબ હોય છે કે તેઓ લખવાની બાબતમાં આળસુ બની જાય છે.

શું યુવાનો ખરેખર એટલું ટેક્સ્ટીંગ કરે છે જેટલું સમાજ વિચારે છે? કે પછી પુખ્તવયના લોકોનો ઉપયોગ વધારે છે? શું ટેક્સ્ટીંગના લીધે ભાષાની ગહનતા નાશ પામશે? બસ, આ જ બધા સવાલોના જવાબ શોધે છે ભાષાવિદ્ ડેવિડ ક્રિસ્ટલ. ટેકસ્ટીંગની શરૂઆત કઈ રીતે થઈ? કોણ તેનો ઉપયાગ કરે છે? કેમ? અને કઈ રીતે કરે છે? વગેરેની છણાવટ કરતાં કરતાં લેખક પિક્ટોગ્રામ, લોગોગ્રામ, સંક્ષિપ્ત રૂપો, સંકેતો વગેરે સાથે ટેક્સ્ટીંગમાં જુદી-જુદી ભાષાઓમાં શબ્દરમતો કેવી રીતે રમાય છે એ પણ દર્શાવે છે.

લેખકનાં તારણો રસપ્રદ છે:

ભાષાના માત્ર 10% કે તેથી ઓછા શબ્દોનું જ સંક્ષિપ્તકરણ થાય છે.

શબ્દો કે વાક્યોને સંક્ષિપ્ત રૂપ આપવું એ કોઈ નવી ભાષા નથી પરંતુ આ કળા તો ઘણા દાયકાઓથી અસ્તિત્વમાં છે.

બાળકો અને પુખ્તવયનાં – બંને SMS લેંગ્વેજનો ઉપયોગ કરે છે, ખાસ કરીને પુખ્તવયનાં લોકો આ વાતમાં આગળ છે.

વિદ્યાર્થીઓ નિયમાનુસાર એમનાં ગૃહકાર્ય કે પરીક્ષામાં સંક્ષિપ્ત શબ્દોનો ઉપયોગ નથી કરતા.

ટેક્સટ મેસેજ મોકલતાં પહેલાં તેનો સ્પેલીંગ જાણવો અનિવાર્ય થઈ જાય છે કારણ કે જો આખો સ્પેલીંગ ખબર હોય તો જ એને ટૂંકુ રૂપ કેવી રીતે આપવું એ નક્કી થાય છે આથી સ્પેલીંગની બાંધણી ટેક્સ્ટ મેસેજનાં લીધે બગડે એ શક્ય નથી.

ઊલટું ટેકસ્ટ મેસેજીસનાં લીધે લોકોની સાક્ષરતા વધે છે કારણ કે આ લખાણને લીધે લોકો ભાષા સાથે લેખન તથા વાચન દ્વારા ખરા અર્થમાં જોડાઈ શકે છે. અને ખાસ તો વિદ્યાર્થીર્ઓ માટે એ ખૂબ જ ઉપયોગી છે.

જુદા-જુદા સમયમાં કે યુગમાં ટેક્સ્ટીંગની જેમ જ કોમ્યુનિકેશન માટે અવાજ અને સંકેતોનો ઉપયોગ કરવામાં આવતો અને ખરી રીતે તો બસ ત્યારથી જ લખાણની શરૂઆત થઈ એવું કહી શકાય. અને અંતે ડેવિડ ક્રિસ્ટલ એ નિષ્કર્ષ પર આવે છે ટેકસ્ટીંગ ભાષાને મારી તો નહીં જ શકે પણ તારી જરૂર શકે એમ છે.

*

મેઘના ભટ્ટ-દવે

વર્તમાનપત્રમાં પત્રકાર, અમદાવાદ

hr.meghnabhatt@gmail.com 9998830588

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.