તાજમહેલ: ‘ટેણ્ડર’થી ‘ઉદ્ઘાટન’ – ભ્રષ્ટાચાર… ભ્રષ્ટાચાર… ભ્રષ્ટાચાર…. – ધ્વનિલ પારેખ

તાજમહલ કા ઉદ્ઘાટન – અજય શુક્લા

રાજકમલ પ્રકાશન, નવી દિલ્હી, 2014

છેલ્લા બે દાયકાથી હિંદી રંગભૂમિ પર અજય શુક્લા લિખિત નાટક ‘તાજમહલકા ટેણ્ડર’ સફળતાપૂર્વક ભજવાતું આવ્યું છે. ઇપ્ટાના બેનર હેઠળ રાકેશ બેદીના દિગ્દર્શનમાં એ સતત ભજવાતું રહ્યું છે. નાટકનું શીર્ષક પોતે જ આકર્ષક છે. તાજમહેલ બાંધવા માટે સરકારી સ્તરે થતા ભ્રષ્ટાચારની એમાં ધારદાર અને કટાક્ષમય રજૂઆતને કારણે એ અત્યંત લોકપ્રિય થયેલું નાટક છે. રાકેશ બેદી ઉપરાંત અન્ય ઘણા દિગ્દર્શકોએ આ નાટક ભજવ્યું છે. અજય શુક્લાને ‘તાજમહેલ કા ટેણ્ડર’(1999)થી સંતોષ ન થયો, એમણે એનો બીજો ભાગ ‘તાજમહાલ કા ઉદ્ઘાટન’(2014) નાટક પણ આપ્યું.

‘તાજમહલ કા ટેણ્ડર’માં શાહજહાંની ઇચ્છા અનુસાર તાજમહેલ કોર્પોરેશનની રચના કરવામાં આવે છે અને આ કોર્પોરેશન 25 વર્ષમાં તાજમહેલ બાંધવા માટે માત્ર ટેણ્ડર જ બહાર પાડી શકે છે. ભ્રષ્ટાચાર કેટલી હદે વકર્યો હશે, એનો અંદાજ આ 25 વર્ષના સમયગાળા પરથી આવી શકે છે!

‘તાજમહલ કા ઉદ્ઘાટન’ બે અંકમાં વહેંચાયેલું નાટક છે. ઔરંગઝેબ સત્તા પર છે અને એનો ભાઈ દારાશિકોહ અને દીકરો ઝફર બંને એના દુશ્મન બન્યા છે. દારાશિકોહે ઔરંગઝેબની સત્તા વિશે, તાજમહેલના બાંધકામ વિશે અને અન્ય ઘણી બાબતો સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં ઔરંગઝેબ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. નાટકના પ્રથમ અંકમાં દરબારની ગતિવિધિ, સત્તા ટકાવી રાખવા માટેના કાવાદાવા, ન્યાયની ઠેકડી, વગેરે સંદર્ભે કટાક્ષ ચાલતો રહે છે. સુપ્રીમ કોર્ટે ઔરંગઝેબની સત્તા અમાન્ય કરી છે અને હવે એણે પણ ચૂંટણી લડવી પડે એમ છે. તાજમહલ કોર્પોરેશનના કર્તાહર્તા મુખ્ય અધિકારી ગુપ્તાજી વચ્ચે વચ્ચે આવીને તાજમહલની (અ)પ્રગતિના સમાચાર આપી જાય છે, એ સિવાય તાજમહલ સંદર્ભે અહીં બહુ ઝાઝી વાતો નથી. નાટકનો પ્રથમ અંક કટાક્ષ અને તીખા સંવાદોથી સભર છે પણ ઘટના ઓછી છે, એ રીતે નાટ્યગતિ મંદ લાગે છે.

બીજા અંકમાં ઔરંગઝેબની સામે ચૂંટણી લડવા માટે ભૈયાજી ઊભા થાય છે. તાજમહેલ બાંધવાનો કોન્ટ્રૅક્ટ આ ભૈયાજીને મળ્યો છે. ચૂંટણીના આ પડધમ વચ્ચે દારાશિકોહની હત્યા થાય છે. ગુપ્તાજી તાજમહેલ વિશે સમાચાર આપે છે, કે મિનારો તૈયાર થઈ ગયો છે, તાજમહેલ ઉદ્ઘાટન માટે

તૈયાર છે. આ જ ગુપ્તાજી સામ, દામ, દંડ, ભેદ-થી ભૈયાજીને ચૂંટણીમાંથી ખસી જવા સમજાવે છે. ઔરંગઝેબની સત્તા સુરક્ષિત રહે છે અને એ તાજમહેલના ઉદ્ઘાટન માટે સક્રિય બને છે.

અજય શુક્લા રેલવેમાં ઉચ્ચ અધિકારી હતા એટલે, બાંધકામ ક્ષેત્રે ભ્રષ્ટાચાર કેટલો વ્યાપ્ત છે અને કેવી રીતે ફૂલીફાલી શકે એ એમણે જોયું છે. એ નિરીક્ષણોને એમણે આ બંને નાટકોમાં ખપમાં લીધાં છે. સરકારી અધિકારી, બિલ્ડર અને ઠેકેદારના મેળાપીપણામાં આખા પ્રોજેક્ટની કેવી ધૂળધાણી થાય છે, એ આ બંને નાટકોમાં જોવા મળે છે. ગુપ્તાજી, ગુપ્તાજીનો પીએ સુધીર, ભૈયાજી, શર્માજી – આ ચોકડી એવો ભ્રષ્ટાચાર કરે છે કે શાહજહાં પછી ઔરંગઝેબ પણ તાજમહેલ જોઈ શકતો નથી. જે મિનારો તૈયાર હતા, એ ખરેખર તો મોબાઇલ ટાવર હતા, જે પણ થોડા દિવસમાં ધરાશાયી થઈ જાય છે. તાજમહેલનું બાંધકામ તો બાજુ પર રહ્યું, ગુપ્તાજીએ પોતાની ત્રણ હોટલો આટલાં વર્ષોમાં જરૂર બાંધી દીધી!

આ પ્રકારના વિષયવસ્તુવાળું નાટક લખતી વખતે સંવાદો પ્રભાવક અને ચબરાકિયા હોય એ જરૂરી છે. નાટ્યકારે અહીં દરેક પાત્રને એક આગવું વ્યક્તિત્વ આપવાનો પ્રયત્ન કર્યો છે. ઔરંગઝેબના 6 દરબારીઓની પણ અલગ અલગ ખાસિયત છે. દરબારી-2નો પોતાનો એક તકિયાકલામ છે તો દરબારી 4 કહેવતને જરા જુદી રીતે બોલીને હાસ્ય નિપજાવે છે. જેમકે, ‘न बाँस रहेगा न ढोलक बजेगी.’ (પૃ. 15) આ આખા નાટકની એક ખાસિયત સંવાદયુક્તિ છે. હાસ્ય અને કટાક્ષ પ્રગટાવવા માટે જે સટીક સંવાદો પ્રયોજાયા છે એ ધ્યાનાર્હ છે. બે ઉદાહરણ જોઈએ. (1) દરબારી-2નો ગુપ્તાજી સાથેનો સંવાદ –

दरबारी-2 : अच्छा हुआ, आप आ गए गुप्ताजी! जल्दी चलिए, बादशाह सलामत आपका इन्तजार कर रहे हैं |

गुप्ताजी : देखिए, हम लोग गौरमेंट सर्वेंट है | हमें कोइ भी काम जल्दी में करना शोभा नहीं देता है| (पृ. 76)

(આ ગુપ્તાજી એટલી હળવાશથી કામ કરે છે કે, 25 વર્ષમાં માત્ર તાજમહેલનું ટેણ્ડર બહાર પાડે છે.)

(2) ઔરંગઝેબ અને ગુપ્તાજીનો સંવાદ –

गुप्ताजी : ये मेरी अन्तरात्मा की आवाजा है हुजूर |

औरंगजेब : अन्तरात्मा की आवाज? आप तो सरकारी नौकर है गुप्ताजी! आपको अन्तरात्मा से क्या करना?

गुप्ताजी : मैं भी इन्सान हूं हुजूर |

औरंगजेब : नहीं-नहीं, गुप्ताजी, आप इन्सान नहीं, मात्र एक ब्यूरोक्रेट है | एक गौरमेंट सर्वेंट | आप निलिर्प्त है, निर्वकार, निर्गुण, निरपेक्ष, निराकार, स्वच्छ, ब्रह्मा से तरह है| (પૃ. 52)

– સરકારી અધિકારીઓની કામગીરી અને એના પ્રત્યેકના કટાક્ષ અહીં જોઈ શકાય છે. આ કટાક્ષ આખા નાટકમાંથી માણવા મળે છે.

નાટકના સંવાદો અને નાટકની ઘટનાઓ ભાવકને સતત ભ્રષ્ટાચારથી ખદબદતા સાંપ્રતની પ્રતીતિ કરાવે છે. એ રીતે પણ નાટ્યકારે ભારતીય રાજકારણનો એક વરવો ચહેરો ઉપસાવ્યો છે. આઝાદી મળ્યા પછી પણ ઔરંગઝેબ જેવા શાસક પણ બોલવા માટેની આઝાદી ઝંખે, કોઈ પણ ચર્ચાસ્પદ-વિવાદાસ્પદ મુદ્દા પરત્વેથી લોકોનું ધ્યાન હટાવવું હોય તો મોટું સેક્સ સ્કેન્ડલ ઊભું કરવામાં આવે, ઔરંગઝેબને પણ મોબાઇલ પર જુદી જુદી કંપનીઓની ઓફર અને કસમયે થતી હેરાનગતિ અને ઔરંગઝેબે કોઈ વ્યક્તિ નથી પણ વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા જ સતત રાજ કરતી રહેશે અને બ્યુરોક્રેટ્સની સાથે રહીને આ દેશનું ધનોતપનોત કાઢી નાખશે, એવો નાટકનો સૂર – આ બધા સાંપ્રત મુદ્દા નાટ્યકારે અહીં કુશળતાથી ગૂંથી લીધા છે. પ્રથમ અંકની તુલનાએ બીજો અંક ઘટનાસભર છે અને એમાં નાટ્યવેગ પણ જોવા મળે છે. સુપ્રીમ કોર્ટ, જુદાં જુદાં સરકારી ખાતાં, સરકારી ડોક્ટર, પત્રકાર, બ્યુરોક્રેટ્સ જે રીતે વર્તે છે એની વેધક, ક્યાંક કટાક્ષ તો ક્યાંક ખડખડાટ હાસ્ય સાથે અહીં રજૂઆત થઈ છે.

‘તાજમહલ કા ટેણ્ડર’ અનેક સંસ્થાઓ દ્વારા ભજવાતું આવ્યું છે. પણ ‘તાજમહલ કા ઉદ્ઘાટન’ ભજવાયું હોય એવું હજી ધ્યાનમાં આવ્યું નથી. ‘તાજમહલ કા ટેણ્ડર’માં લેખકનું જે લક્ષ્ય હતું કે 25 વર્ષે પણ માત્ર તાજમહેલનું ટેણ્ડર જ બહાર પડી શક્યું એ લક્ષ્ય નાટ્યાત્મક રીતે એ સાધી શક્યા હતા. ‘તાજમહલ કા ઉદ્ઘાટન’માં લક્ષ્ય ચુકાયું હોવાની પ્રતીતિ થાય છે. તાજમહલના ઉદ્ઘાટન સંદર્ભે વચ્ચે વચ્ચે ક્યાંક સંવાદમાં એની વાત આવે છે કે પછી ગુપ્તાજી દ્વારા કોઈ સમાચાર મળે, પણ એ આખો મુદ્દો જાણે ગૌણ બની ગયો હોય એવું લાગે છે. નાટ્યકારની આ મર્યાદા બાજુ પર મૂકીએ અને એક સ્વતંત્ર નાટક તરીકે ‘તાજમહલ કા ઉદ્ઘાટન’ને મૂલવીએ તો ભજવનારને એમાં ચોક્કસ જ મજા આવે એવું નાટક તો એ જરૂર છે! ટોટલ થિયેટરની તમામ શક્યતાઓ અહીં છે તો દરબાર, કોર્ટ, ભૈયાજીનું ઘર વગેરે લોકલ્સ અને અનુરૂપ પ્રકાશ આયોજનને કારણે અહીં ભરપૂર તખ્તાલાયકી રહી છે. વળી, ઔરંગઝેબ જેવું પાત્ર ભજવનાર અભિનેતાએ ઇતિહાસનો ઔરંગઝેબ અને સાંપ્રત રાજકારણી –બંનેનો સમન્વય કરવો પડે. એટલે, કોઈ પણ નાટ્યસંસ્થાને ભજવવાની મજા આવે એવું નાટક છે, સિવાય કે એક મોટું નાટ્યવૃંદ હોવું જોઈએ, ત્રીસેક કલાકારોનો કાફલો આ નાટકમાં છે! જુદું ભજવવા માગતા નાટ્યદિગ્દર્શકને એટલે પણ મજા આવે કે, ગુજરાતીમાં આવાં રાજકીય કટાક્ષવાળાં નાટકો કેટલાં?

‘તાજમહલ કા ટેણ્ડર’થી ‘તાજમહલ કા ઉદ્ઘાટન’ સુધી લેખક અજય શુક્લા ભ્રષ્ટાચારને કારણે સડી ગયેલી વ્યવસ્થા અને એમાં સામેલ તમામ કાળા ચહેરાને નાટ્યાત્મક રીતે ઉપસાવે છે. અજય શુક્લા એ રીતે સાંપ્રત હિંદી રંગભૂમિના એક મહત્ત્વના નાટ્યકાર તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરે છે.

*

ધ્વનિલ પારેખ

કવિ, સમીક્ષક.

ગુજરાતીના અધ્યાપક, ગુજરાત વિદ્યાપીઠ, સાદરા.

વાવોલ (ગાંધીનગર).

parekhdhwanil@gmail.com

94262 86261

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.