ડાયસ્પોરા સમજની એક નવી દિશા – રંજના હરીશ

The Magic of Saida – M. G. Vasanji

 Penguin Book Ltd., London, 2012

મોયેઝ ગુલામહુસેન વાસનજીની આ નવલકથા એક મલ્ટીડાયસ્પોરિક અનુભવ ધરાવતા લોકપ્રિય સમકાલીન કેનેડિયન લેખકની કૃતિ છે. વાસનજીના વડવાઓ મૂળ ગુજરાતના – ઈસ્માઈલી ખોજા સમુદાયના. તેમના પરદાદા સૌરાષ્ટ્રની ધરતી છોડીને સફળતાની ખોજમાં કેન્યા તથા તાન્ઝાનિયા આવીને વસેલા. મોયેઝ વાસનજીનો જન્મ (1950) તથા બાળપણ કેન્યામાં. પ્રારંભિક શિક્ષણ પણ ઇસ્ટ આફ્રિકામાં જ મેળવ્યું. 20વર્ષની વયે તેઓ અમેરિકાની અતિ ખ્યાતનામ એમ.આઈ.ટી.માં પ્રવેશ મેળવીને બોસ્ટન પહોંચ્યા. ન્યૂક્લિયર ફિઝિક્સમાં પીએચ.ડી. કર્યું અને ત્યારબાદ પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં ફેકલ્ટી તરીકે જોડાયા. થોડાં વર્ષો બાદ અમેરિકા છોડીને કેનેડાના ટોરેન્ટો નગરમાં આવીને યુનિવર્સિટીમાં ન્યૂક્લિયર ફિઝિક્સ ભણાવવાની સાથે સાથે તેમણે પોતાનું લેખનકાર્ય પણ પ્રારંભ્યું. 1989થી આજદિન સુધીમાં નવ નવલકથાઓ તેમજ બે ટૂંકી વાર્તાના સંગ્રહો આપનાર મોયેઝ વાસનજી વિવિધ પુરસ્કારોથી સમ્માનિત છે.

*

ભારતીય મૂળ ધરાવતા મોયેઝ વાસનજીના નવલકથા લેખનની વિશેષતા તેમની વૈશ્વિક ડાયસ્પોરિક જીવન દૃષ્ટિ તથા વિવિધ ભાષાઓની છાંટ ધરાવતું ભાષાકર્મ છે. પ્રમાણમાં ક્લિષ્ટ એવી નેરેટિવ ટૅકનિક પણ તેમના લેખનનું એક વિશેષ અંગ રહી છે. વાસનજીએ પ્રારંભિક સમયમાં એક આફ્રિકાવાસીને થયેલ અમેરિકા તેમજ કેનેડાના અનુભવના આધારે પોતાનું લેખનકાર્ય કર્યું. ગની સેક (1989), ધ બુક ઓફ સિક્રેટ (1994), ઇન બિટવીન ધ વર્લ્ડ ઓફ વિક્રમલાલ (2003) જેવી તેમની કૃતિઓ ઇન્ડો આફ્રિકન ડાયસ્પોરિક એવા લેખકના નોર્થ અમેરિકન અનુભવોને વાચા આપે છે. 1993માં વાસનજી પ્રથમવાર સ્વદેશ, એટલે કે ભારત, આવેલા. બાબરી મસ્જિદકાંડ તેમજ ગોધરાકાંડે તેમને હચમચાવી મૂક્યા હતા, જેણે પ્રથમવાર તેમને પોતાની ધાર્મિક આઈડેન્ટિટી વિશે વિચારતા કરી મૂક્યા હતા. સાતેક વર્ષના તેમના વિચારવલોણાનું નવનીત એટલે તેમની અતિ લોકપ્રિય બનેલી કૃતિ ‘ધ એસેસીન્સ સોંગ’ (2007)આ કૃતિને નોર્થ અમેરિકાનો મહત્ત્વપૂર્ણ ‘ગીલર એવોર્ડ’ પણ મળ્યો હતો. વાસનજીને મન તેમનું લેખન એટલે ‘વર્તમાનનો ભૂતકાળ સાથેનો સંવાદ’. તેમણે આપેલા એક ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે, ‘આફ્રિકાનું મારે મન શું મહત્ત્વ છે તે શબ્દોમાં કહેવું અશક્ય છે. ત્યાંનો સમાજ અમારા જેવા બહારથી આવીને ત્યાં વસેલાને પ્રેમથી સ્વીકારતો.

અમારા જેવા કેટલાય ભારતીય મૂળવાળાઓને તે ધરતીએ પોતીકા કરી લીધેલા. સ્વદેશનાં મૂલ્યોની માવજત કરવાની ભાવના છતાં અમે બધાંએ ત્યાંની સ્વાહિલી ભાષા આપમેળે અપનાવી લીધેલી.’ આ શબ્દો જેટલા વાસનજીના છે, તેટલા જ તેમના દરેકે દરેક નાયકના પણ છે. વાસનજીના લેખનનું મૂળ કથ્ય ડાયસ્પોરિક મનુષ્યની આત્મખોજ છે.

*

‘ધ મેજિક ઓફ સાયદા’નો પ્રારંભ સમગ્ર નવલકથાના ઘટનાક્રમના અંતથી થાય છે. પુસ્તકની ભૂમિકા ‘પ્રોલોગ’માં નવલકથાનો પીઢ નાયક ડો. કમલ પૂંજા આફ્રિકાના દારેસલામની એક હોસ્પિટલના બેડ પર પડ્યો છે. કેનેડાથી ઇસ્ટ આફ્રિકા આવેલ ભારતીય મૂળ ધરાવતા પરંતુ અશ્વેત દેખાતા કમલ પૂંજાને અનાયાસે મળી ગયેલ માર્ટિન કિગોમા તાન્ઝાનિયન પ્રકાશક જે કાંઈ બની રહ્યું છે તે જોઈ રહ્યો છે. કમલનો પુત્ર તથા પુત્રી કેનેડાથી દારેસલામ આવીને પિતાની ખબર કાઢીને પાછાં ચાલી ગયાં છે. પિતાને સાથે લઈ જવાનો તેમણે આગ્રહ કરેલો પરંતુ પિતાએ તે સ્વીકાર્યો નહીં. તેમનું કહેવું હતું કે,જો મોત આવવાનું હોય તો તેમની પોતાની ધરતી પર, એટલે કે આફ્રિકામાં, જ ભલે આવે. પરંતુ કમલ ક્યાં આફ્રિકન છે? દેખીતી રીતે તે અહીંનો છે જ નહીં. કિગોમાને આશ્ચર્ય થાય છે. કેનેડાના આલ્બર્ટા નગરથી આ ડોક્ટર 35વર્ષ બાદ અહીં આફ્રિકા આવ્યો છે, આવીને માંદો પડ્યો છે અને તેને પાછા જવું નથી! છેવટે તે કમલને પૂછી નાખે છે, ‘શું થયું તમને?તમે કેનેડા છોડીને અહીંયાં, આ પછાત દેશમાં, કેમ આવી ચઢ્યા?’ જવાબમાં ડો. કમલ હસીને કહે છે, ‘મારા આ બેહાલ કોઈ વન્ય વનસ્પતિના અર્કને લીધે થયા છે… પેલીએ મને એ પીણું પરાણે પાઈ દીધું. હું અહીંયાં સાયદાની ખોજ માટે આવ્યો છું. મેં તેને વર્ષો પહેલાં પ્રોમીસ આપેલું કે હું પાછો ફરીશ.. પણ પાછા ફરતાં ઘણું મોડું થઈ ગયું… નાનપણમાં હું સાયદાને ઓળખતો હતો. પણ 11વર્ષની ઉંમરે મને ઇન્ડિયન બનવા માટે મોકલી દેવાયો… આટલા વર્ષે હું તેને શોધવા પાછો ફર્યો છું.’ (પ્રોલોગ, 5-6).

ત્યારબાદ કુલ ચાર ખંડોમાં વહેંચાયેલી નવલકથાનો પ્રથમ ખંડ પ્રારંભાય છે. ખંડનું શીર્ષક છે ‘બોય એન્ડ ગર્લ’. આ ખંડ ભારતીય પિતા ડો. અમીન તથા સ્વાહિલી માતા હમીદાનું હાફબ્રિડ સંતાન કમલ તેમજ સ્વાહિલી છોકરી સાયદાના નાનપણની વાત લઈને આવે છે. ઇસ્ટ આફ્રિકાના કિલવા ગામમાં મોટાં થતાં આ બંને બાળકો તથા તેમની દોસ્તી મનમોહક છે. સાયદાના નાનાજી ઝી બિન ઓમારી તાન્ઝાનિયાના લોકપ્રિય ઋષિતુલ્ય કવિ છે. તથા કમલના દાદા પૂંજા દેવરાજના તેઓ સારા મિત્ર હતા. પૂંજા દેવરાજ મૂળ સૌરાષ્ટ્રનો હતો. અને એ સ્વદેશ છોડીને ઇસ્ટ આફ્રિકા આવીને વસેલો. પરણેલો આફ્રિકન સ્ત્રી સાથે. ભારતીય હોવા છતાં તે આફ્રિકાના રંગે એવો રંગાયેલો કે જર્મન શાસકોની ગુલામીમાંથી માતૃભૂમિસમા આફ્રિકાને છોડાવવા માટે તેણે હામ ભીડેલી. છેવટે જર્મન શાસકોએ ગુપ્તવાસમાં રહેતા પૂંજા દેવરાજને ફાંસીની સજા કરેલી!

કમલ તથા સાયદાની વિશેષ પ્રકારની મૈત્રીનું ચિત્રણ કરતો આ ખંડ ઇસ્ટ આફ્રિકામાં પ્રચલિત અંધશ્રદ્ધાઓ તથા માન્યતાઓની વાત પણ કરે છે. કમલ અને સાયદા બંને નાનાં હતાં ત્યારે સાયદાના દાદા લગભગ દર અઠવાડિયે રાત્રે છૂપા વેશે ગધેડા પર જીવન-જરૂરિયાતની વસ્તુઓ લાદીને ક્યાંક જતા. પાછળથી ખબર પડેલી કે તેઓ પોતાના સગા મોટાભાઈ અબ્દુલ કરીમ પાસે જતા હતા. તેની જીભે સરસ્વતી વસતી. તેના કાવ્યથી મડદાં પણ ઊભાં થતાં! પણ એમ કહેવાતું કે એ માણસને કવિતા કરતાં સ્વદેશ વધુ વહાલો હતો. અજ્ઞાતવાસમાં જીવતા આ ભાઈને નાનોભાઈ દર અઠવાડિયે રેશન આપી જતો. અને મોટાભાઈ અબ્દુલકરીમે રચેલાં કાવ્યો તે પ્રેમથી સાંભળતો. અને સાંભળતાં સાંભળતાં ચોરી પણ જતો. આગલી રાત્રે સાંભળેલાં કાવ્યોને કિલવા ગામ પાછા ફરીને તે પોતાના નામે કાગળ પર ઉતારીને વાંચતો અને ગામના લોકો તેનાં કાવ્ય સાંભળીને વારી વારી જતા. એવું કહેવાતું કે મહાકવિ ઝી બિન ઓમારીની કલમે આફ્રિકાનો ઇતિહાસ જીવંત રાખેલો. પરંતુ સાચી વાત તો એ હતી કે આ કાવ્યો તેનાં હતાં જ નહીં.

નવલકથાનો બીજો ખંડ ‘ઓફ ધ કમિંગ ઓફ ધ મોર્ડન એજ’ કહેવાતા કવિ ઝી બિન ઓમારીની કલમે લખાયેલ ઇસ્ટ આફ્રિકન ઇતિહાસના તાણાવાણા વણે છે. ઝી બિન ઓમારી સતત એક ગિલ્ટ સાથે જીવે છે. કેમ કે જે કાવ્યો માટે તે સમ્માન પામે છે તે કાવ્યો તેનાં છે જ નહીં. છેવટે ઝી બિન ઓમારીનો ભાઈ અબ્દુલકરીમ પકડાય છે. જર્મન શાસકોની દૃષ્ટિએ અપરાધી એવા સ્વતંત્રતાસેનાની અબ્દુલકરીમ તથા પૂંજા દેવરાજને ફાંસી થાય છે. આ ફાંસી સાયદાના દાદા ઝી બિન ઓમારીને લગભગ ગાંડા કરી મૂકે છે. એક રાતે તેઓ પોતાના સઘળા સાહિત્યને એક સંદૂકમાં મૂકીને ગામની મધ્યે આવેલ ‘મૃત્યુવૃક્ષ’ નીચે દફનાવી દે છે. તેમને હતું કે આમ કરવાથી તેમના દુષ્કૃત્યનો પાર આવી જશે પરંતુ તેમ બનતું નથી. કવિ હવે કલમ છોડી દે છે. નાનકડાં ભૂલકાં સાયદા તથા કમલ શું જાણે કે સાચી વાત શું છે? તે બંને પોતાની નોટોના કાગળ ફાડીને દાદાને આપવા જાય છે. તોય દાદા કવિતા લખતા નથી! કાવ્ય ન લખી શકનાર દાદા અને તેથી અત્યંત ઉદાસ બનેલી સાયદા તથા તેના પરિવારને છોડીને લગભગ આ જ વખત દરમિયાન કમલની મા કમલને કોઈ અજાણ્યા સગાઓ સાથે ક્યાંક મોકલી આપે છે. મા કહે છે કે એ લોકો કમલના સગા છે. તથા દારેસલામ લઈ જઈને તેઓ કમલને પૂરેપૂરો ઇન્ડિયન બનાવી દેશે! કમલને ઘણી તકલીફ થાય છે. તે બોલી ઊઠે છે, ‘હું આફ્રિકન છું. મા, હું નથી ઇન્ડિયન બોલતો કે નથી ઇન્ડિયન ખાતો. ઇન્ડિયનો તો દાળ ખાય. હું ક્યાં દાળ ખાઉં છું?’ ‘ના તું ઇન્ડિયન છે… સાંભળ દીકરા, ઇન્ડિયન બને તો સુલતાન બનાય. પરદાદા પૂંજા દેવરાજની જેમ મોટા માણસ બનાય.’ (27) એમ કહીને મા તેને પટાવીને વિદાય કરે છે.

ત્રીજા ખંડ ‘ગોલો’માં કમલ પોતાના પિતાના સાવકા ભાઈ તથા દાદીના કુટુંબમાં આવીને વસે છે. તેને અહીં લાવવાનું કારણ વિચિત્ર છે. ઘરડાં દાદીની તબિયત સારી નથી અને તેમને બચાવવા માટે અનુભવી મોગેન્ગોએ (ભૂવાએ) સલાહ આપી છે કે પરિવારનું લોહી ધરાવતા કોઈ ગરીબ બાળકને જો આ કુટુંબ સ્વીકારી લે અને તેને ભણાવી-ગણાવીને મોટું કરે તો માજી બચી જશે. અને આ કારણસર સાવકા પુત્રના અશ્વેત સ્ત્રી દ્વારા જન્મેલ સંતાન કમલને આ ઘરમાં આશરો મળે છે. અહીં તેને ભારતીય બનતાં શીખવાડાય છે. પરંતુ તેનું નામ તો ‘ગોલો’ (નોકર) જ છે. આ પરિવાર સાથે રહીને ‘ગોલો’ ભારતીય બનતાં શીખે છે અને પોતાની જાતને ઘસી ઘસીને ધૂએ છે તોય તેની અંદર વસેલું આફ્રિકનપણું જતું જ નથી! ચામડીની નીચેથી ઘઉંવર્ણો રંગ દેખાતો જ નથી. ‘આ આફ્રિકનપણું જાણે મારું ભાગ્ય છે.’ ગોલો બબડે છે ‘તમે બધા મને ઇન્ડિયન કહો છો, પણ ઇન્ડિયનો મને ઇન્ડિયન કહેતા નથી.’ નાનકડો કમલ કહેતો. મા હંમેશાં હસીને કહેતી, ‘એવું એટલા માટે છે કે અહીંનો કોઈ પણ ઇન્ડિયન તારા જેટલો આફ્રિકન નથી… અને અહીં વસતા સઘળા બનિયા દુકાનદારોમાં તારા કરતાં સારો ઇન્ડિયન કોઈ નથી.’ (136) કમલના જીવનનો મુખ્ય કોયડો તેની માએ તેને નાનપણમાં જ જણાવી દીધેલો.

નિષ્ક્રિય કવિ ઝી બિન ઓમારીના દુ:ખનું અન્ય એક કારણ તેમણે જર્મન શાસકની તરફેણમાં લખેલ પ્રશસ્તિકાવ્ય પણ હતું. છેવટે એક કાળી રાત્રે કવિ ઝી બિન ઓમારીએ ગામ વચ્ચે આવેલ ‘મૃત્યુવૃક્ષ’ પરથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી! લોકોનું માનવું હતું કે કવિ મહાશયની ‘ઇન્દ્રીસે’ (રક્ષણ કરનાર મૃતાત્માએ) જ તેમને આમ લટકાવી દીધેલા. તો વળી કોઈ કહેતા હતા કે કવિનો ‘ડાઈજી’ (અંતરઆત્મા) આ મૃત્યુ માટે જવાબદાર હતો.

હવે ઘરમાં આવકનું કોઈ સાધન ન રહેતાં સાયદાની માતાએ સાયદાને મોગેન્ગો બનાવી દેવાની યુક્તિ ઘડી. તેણે ગામમાં ખબર ફેલાવી દીધી કે આ છોકરી પાસે કોઈ મેજિક પાવર હતો કે જેથી તે લોકોનાં જીવનની મુશ્કેલીઓ દૂર કરી શકતી હતી. જોતજોતામાં નાનકડી સાયદા મોગેન્ગો બની ગઈ. અને પછી તેનાં લગ્ન ગામના એક મોટા મોગેન્ગો સાથે થઈ ગયાં. એ મોટો ગુંડો પણ હતો.

દારેસલામ લઈ જવાયેલો કમલ ભણીગણીને ડોક્ટર બન્યો. ડોક્ટર બનતાંની સાથે પોતાની અશ્વેત પ્રિયતમા સાયદાને મળવા તે ઇસ્ટ આફ્રિકા પાછો ફર્યો. તે હજી કુંવારો હતો. સાયદાને પરણવા તત્પર હતો. પોતાની સાથે તે સાયદા માટે સરસ મજાનો ડ્રેસ અને ઘરેણાં લાવ્યો હતો. પરંતુ કિલવા પહોંચતાં આધેડ મોગેન્ગોને પરણેલી સાયદાને જોઈને તે ગમગીન બની ગયો. સાયદાએ પોતાના પ્રેમી કમલને મળવાની ગજબ હિંમત કરી. દરિયાનાં શાંત જળ બંને પ્રેમીઓની પ્રેમભરી ક્ષણોનાં સાક્ષી બની રહ્યાં. પરંતુ બેચાર વખત થયેલા આ ગુપ્ત મિલનની વાત છાની ન રહી. સાયદાનો પતિ પોતાની ગેંગ સાથે કમલની પાછળ પડ્યો. ને કોઈ રીતે જાન બચાવીને કમલ કિલવા ગામથી સુરક્ષિત પાછો ફરી શક્યો. મોગેન્ગોએ પત્ની સાયદાને ઘસડીને ઘરમાં પૂરી દીધી.

આવી રીતે નિરાશ થઈને પાછા ફરેલા કમલને મેડિકલ સ્કૂલમાં તેની સાથે ભણતી શિરિને ઇદી અમીનના ત્રાસથી ત્રસ્ત આફ્રિકા છોડી કેનેડા જતા રહેવા સમજાવ્યું. શિરિન મૂળ ભારતીય હતી. કમલ તથા શિરિન આફ્રિકા છોડી કેનેડા આવી ગયાં. બંનેએ લગ્ન કરી લીધાં, તથા ડોક્ટર તરીકે કામ શરૂ કરી દીધું. 35વર્ષને અંતે હવે ડોક્ટર કમલ પાસે પોતાનું મોટું ઘર, સફળ પ્રેક્ટિસ તથા ત્રણ ત્રણ ક્લિનિક હતાં. તેમ છતાં આફ્રિકા વિસરાતું નહોતું. શિરિન સાથે વધતા જતા મતભેદોને કારણે અંતે ડિવોર્સ થઈ ગયા. ડો. કમલે પોતાની જૂની પ્રેમિકા સાયદાની શોધમાં તાન્ઝાનિયા જવાનો નિર્ણય કર્યો.

નવલકથાના ચોથા તથા અંતિમ ખંડ ‘સાયદા’માં 1950ની આસપાસ કિલવા છોડીને ઇન્ડિયન બનવા જનાર મિશ્રિત લોહીવાળો એ હાફબ્રિડ છોકરો આજે આટલા વર્ષે ડો. કમલ તરીકે પોતાનાં મૂળ શોધવા પાછો ફરી રહ્યો હતો. જાણે સાયદાનો જાદુ તેને આફ્રિકા પાછા આવવા પોકારી રહ્યો હતો. એ જ ગામ, એ જ રસ્તા. પરંતુ લોકો એ નથી. સાયદાનો કોઈ પત્તો નથી. તેની ભાળ મેળવવા ડો. કમલ ઘણો ખર્ચો કરે છે. અંતે સાયદાની માસી ફાતમા સાથે ભેટો થાય છે. સાયદાના વાવડ આપવા માસી તૈયાર થાય છે પરંતુ સાયદાની વાત કરતાં પહેલાં તે કમલને એક ઉકાળા જેવું પીણું (ઉજી) આપે છે. કમલ પણ આ ગામની જ પેદાશ છે. એ જાણે છે કે આ ઉકાળો પીધા વગર તેને કોઈ માહિતી મળવાની નથી. અને તેથી તે ઉકાળો પીએે છે. પીતાંની સાથે તેની તબિયત બગડે છે અને તેને હોસ્પિટલે જવું પડે છે. સાજો થઈને ફરીથી સાયદાની શોધ આરંભે છે. આ વખતે કોઈ દૂર ગામમાં વસતી કંઈક વિચિત્ર નામ ધરાવતી પરંતુ સાયદા સાથે કંઈક સામ્ય ધરાવતી એવી સ્ત્રીની વાત તેને મળે છે. ત્યાં જઈને તે એ અજાણ સ્ત્રીને મળે છે. શું આ જ એ સાયદા છે જેને મળવા તે આટલો તત્પર છે? પરંતુ એ સ્ત્રીની આંખમાં તો કોઈ ઓળખ દેખાતી નથી! સસ્પેન્સ કથાની જેમ ઊંધા ક્રમથી પ્રારંભાયેલા નેરેટિવનાં રહસ્યો ક્રમશ: ખૂલતાં જાય છે. સાયદાની ખોજ કમલ માટે જાણે એક પ્રતીક બની ગઈ છે. સાયદા એટલે મૅજિક. સાયદા એટલે અમરત્વનો સ્પર્શ, સાયદા એટલે ઉત્કટ પ્રેમ અને સાયદા એટલે મૃત્યુનો પાશ પણ. સાયદા માટે કમલ કંઈ પણ કરવા તૈયાર છે કેમ કે સાયદાની શોધ એટલે ફક્ત વ્યક્તિગત ગંતવ્ય જ નહીં પરંતુ કિલવા આખાનો ઇતિહાસ. જિગ્સોપઝલને બરાબર ગોઠવવાની નાયકની મથામણ એટલે તેની પોતાની આત્મખોજ અને અંતરયાત્રા. ઉકાળો પીવાનું પરિણામ ધાર્યું હતું તેવું જ આવે છે.

કમલની અર્ધમૂર્છિત અવસ્થામાં હવે પેલી સ્ત્રી પોતાનું મોં ખોલે છે. હા તે પોતે જ સાયદા છે! વર્ષો પહેલાં દરિયાકિનારે કમલ સાથે એકાકાર થયેલી તેની પ્રેમિકા તે પોતે જ છે. તેમના એ મિલનથી તેને એક પુત્ર થયેલો પરંતુ તેના ક્રૂર પતિએ સાયદાના ભૂંડા હાલ કરેલા અને બે દિવસના બાળકને ગૂમ કરી દેવાયેલું. આવું કરવામાં સાયદાની માએ જમાઈને સાથ આપ્યો હતો. કહેવાય છે કે બાળક મારી નખાયું હતું. હવે તે એકલી-અટૂલી ગામથી ઘણે દૂર આવેલી આ જગ્યામાં મૃત્યુની રાહ જોઈ રહી છે. કમલ પ્રત્યે તે કોઈ લાગણી બતાવતી નથી. કમલને પાવામાં આવેલા પીણાની અસર ઘેરાતી જાય છે. હથિયારધારી અજાણ્યા લોકો આવીને કમલને ઘેરી વળે છે. પરંતુ ત્યાં અચાનક જ કોઈ તેને બચાવી લે છે. અને દારેસલામના દવાખાનામાં દાખલ કરે છે.

તબિયત સુધરતાં કમલ હોસ્પિટલના કર્મચારીઓ સાથે ભળતો થાય છે. એવામાં ત્યાં કામ કરતી એક છોકરીને જોઈને તેને સાયદા સ્મરે છે. 35વર્ષ પહેલાં ડોક્ટર બનીને સાયદાને મળવા આવેલા ડો. કમલ જે ડ્રેસ અને બુટ્ટી સાયદા માટે લાવેલો તેવો જ ડ્રેસ તથા બુટ્ટી આ છોકરીએ પહેરેલાં છે. કમલ પૃચ્છા કરે છે અને પેલી છોકરી સહજપણે જણાવે છે કે કિલવા ગામના કોઈ મોગેન્ગોની પત્ની થોડા દિવસ પહેલાં મૃત્યુ પામી. મૃત પત્નીની સંદૂકમાંથી મળી આવેલી આ બંને વસ્તુઓ તેને દાનમાં મળી છે. સાંભળીને કમલ સ્તબ્ધ બની જાય છે. આનો અર્થ તો એ કે સાયદા મૃત્યુ પામી છે! અને… પોતે એને આપેલી સોગાદો સાયદાએ જીવનભર પોતાની સંદૂકમાં સંઘરીને રાખી હતી! કેનેડાથી કમલને મળવા આવેલાં તેનાં બાળકો તેને કેનેડા પાછો ફરવા સમજાવે છે પણ કમલ તે માટે તૈયાર નથી. તેને જન્મભૂમિમાં જ મરવું છે. તેનો ગમે તેટલો અસ્વીકાર તેમજ તિરસ્કાર થાય તોય આ ધરતી તેને પ્રિય છે. આ જ તેના જીવનનો અંતિમ પડાવ છે. કમલના આ નિર્ણય સાથે નવલકથા વિરમે છે.

*

વળી વાસનજીની અન્ય નવલકથાઓની જેમ આ નવલકથા પણ ડાયસ્પોરિક પ્રજા તથા લેખકનું પોતાના મૂળ પ્રત્યેનું કુતૂહલ પ્રગટ કરે છે. નવલકથાનો નાયક ડો. કમલ પોતાની આ પ્રકારની પ્રતિબદ્ધતાને બરાબર સમજે છે. તે કહે છે, ‘જેમ જેમ હું મારા પૂર્વજોનો ઇતિહાસ શોધતો જાઉં છું તેમ તેમ તેનાથી પ્રભાવિત થતો જાઉં છું. કેટલું અમૂલ્ય અને સત્ય છે આ બધું. અને વળી મારા માટે અત્યંત જરૂરી પણ ખરું. મારા બાળપણનો પ્રારંભ તથા અંત મારી માના મૃત્યુ સાથે આવ્યો. તે મને મારા ઇતિહાસની નાની-મોટી ઝલક આપ્યા કરતી… મારા પિતાના પૂર્વજોને તેણે જાણે એરેબિયન નાઈટ્સનાં પાત્રો બનાવી દીધેલાં. આખા કિલવા ગામમાં એકમાત્ર કવિ ઝી બિન ઓમારીને જ મારા દાદા પૂંજા દેવરાજના જીવનની માહિતી હતી. પરંતુ એ માહિતીનો એક છેડો કવિના જીવનની શરમિંદગી સાથે બંધાયેલો હતો. એટલે પૂંજાની સઘળી વાત એ મને ક્યાંથી કરે? અમારા પરિવારનો ઇતિહાસ આમ વેરણ-છેરણ, ભિન્ન-ભિન્ન લોકોમાં વહેંચાયેલો પડ્યો છે, ભૂંસાતી જતી સ્મૃતિઓમાં કે પુસ્તકોના પૃષ્ઠોમાં ક્યાંક ધૂળ ખાતો પડ્યો છે. આપણે આ બધા વેરવિખેર પડેલાં સૂત્રોને એકસાથે બાંધીને જિગ્સોપઝલના આ બધા નાના નાના ટુકડાઓને સરખા ગોઠવીને તેમાંથી પરિવારના ઇતિહાસની સ્પષ્ટ આકૃતિ ઉપસાવવાની છે.’ (131)

વાસનજીની નેરેટિવ ટૅકનિક તથા સ્વાહિલી તેમજ ગુજરાતીના મિશ્રણવાળી તેમની અંગ્રેજી ભાષાની પણ નોંધ લેવી ઘટે. પ્રસ્તુત નવલકથામાં કોઈપણ પ્રકારની ‘અર્થસૂચિ’ કે ‘અનુવાદ’ વગર નેરેટીવમાં વણી લેવાયેલા ‘ચોટેરો’, ‘ક્વોટરી’, ‘મોગેંગો’, ‘ઇન્દ્રીસ’, ‘ડાઈજી’ જેવા અગણિત સ્વાહીલી શબ્દો, તથા ‘યુપે નીતામ્ક્યુટા વાપી!’ ‘મન્ગુ ના ન્ટુમે’ જેવાં કેટલાંય વાક્યો અરૂંધતી રોયની નવલકથા ‘દ ગોડ ઓફ સ્મોલ થીંગ્સ’ની યાદ અપાવે છે તો વળી ભારતીય શબ્દો બોલવામાં સ્વાહીલીભાષીઓને પડતી તકલીફની વાત કરતાં નાયક કહે છે ‘અમને બધાંને અમુક ભારતીય શબ્દો બોલવામાં ઘણી તકલીફ રહેતી. એવા શબ્દોને અંતે અમે સ્વાહીલીની જેમ પૂર્ણ સ્વર બોલતા… હું મારી જાતને ‘કચ્છી’ કહેવડાવતો. પણ ‘કચ્છી’ શબ્દ બોલવાનાં ફાંફાં હતાં. હું ‘કચ્છી’ને ‘કીહીન્ડી’ કહેતો! ‘કેમ છો?’ ‘ઠીક છે’ બોલવા જતાં સ્વાહીલી લઢણ આવી જતી. (195).આવું છે વાસનજીનું ભાષાકર્મ.

આ નવલકથાને વાસનજીની બહુચચિર્ત નેરેટીવ ટૅકનિકના ઉત્તમ ઉદાહરણ તરીકે લઈ શકાય. થર્ડપર્સન નેરેશન જેવી ચીલાચાલુ ટૅકનિકથી માંડીને મલ્ટીપલ ફસ્ટપર્સન નેરેશન (વિવિધ પાત્રો દ્વારા પ્રથમ પુરુષમાં વાત માંડવાની પદ્ધતિ), સ્ટોરી વિધિન સ્ટોરી, સંવાદો, ડાયરીની નોંધો,દીર્ઘ પદ્યવર્ણનો વગેરે અહીં સુયોગ્ય અને સચોટપણે પ્રયોજાય છે. ક્રમબદ્ધપણે, સમયક્રમે વાર્તા કહેવાને બદલે નવલકથાકાર સ્મરણયાત્રાની વાંકીચૂંકી, આંટીઘૂંટીવાળી પગદંડી પસંદ કરે છે. સ્ટ્રીમ ઓફ કોન્શીયસનેસ ટૅકનિકનો પ્રભાવક પ્રયોગ સ્મરણ પર અવલંબતો હોવાને લીધે વાર્તાક્રમ ન જળવાય તે સ્વાભાવિક છે અને તેથી જ વર્જીનિયા વુલ્ફ કે હેન્રી જેમ્સના વાચકોની જેમ વાસનજીના વાચકો માટે પણ અમુક પ્રકારની સાહિત્યિક સજ્જતા જરૂરી બની જાય છે. વાસનજીને ‘અઘરા’ નવલકથાકાર તરીકે નવાજનાર વિવેચકોનો એ આરોપ પણ તેમની આવી વિશિષ્ટ ટૅકનિકને લીધે જ રહ્યો છે.

પરંતુ વર્તમાન સાહિત્યિક પ્રવાહોથી પરિચિત વાચક માટે આ પ્રકારના પ્રયોગ કરવામાં સક્ષમ વાસનજી ‘કેનેડિયન મોઝેઇક’ના જાણે પ્રતિનિધિ બની રહે છે. 1988માં કેનેડાના બંધારણમાં સ્વીકારાયેલા ‘મલ્ટીકલ્ચરાલિઝમ’ એક્ટની અંતર્ગત કેનેડિયન ઓળખનું રૂપક એટલે ‘મોઝેઇક’. એક એવો મોઝેઈક કે જેમાં પોતપોતાની ભાષા, ધર્મ તથા રીતિરિવાજ જાળવી રાખીને ત્યાં વસતી દરેકે દરેક પ્રજા કેનેડિયન હોવાનું ગૌરવ લઈ શકે. આનાથી તદ્દન વિરુદ્ધ અમેરિકાનો રાષ્ટ્રીય મેટાફર ‘મેલ્ટંગિ પોટ’નો. એવી ભઠ્ઠીનો કે જેમાં તપીને વિવિધ રાષ્ટ્રીયતાઓ ઓગળીને એકસમાન બીબાઢાળ અમેરિકન બની જાય!

ડાયસ્પોરા સાહિત્યની બોલબાલાના વર્તમાન સમયમાં ડાયસ્પોરા થિયરીનો ગજબનો જુવાળ આવ્યો છે. આ થિયરી મુજબ સ્વદેશ છોડી અન્યત્ર વસેલા ડાયસ્પોરિક પ્રજાના વિકાસના ત્રણ તબક્કા નિશ્ચિત થયેલ છે. પહેલો તબક્કો અનિચ્છાએ વિદેશ જઈને વસવાનો તથા ત્યાં જાણે કારાવાસની સજા પૂરી કરી રહ્યા હોય તે રીતે જીવવાનો. બીજો તબક્કો પરદેશના વસવાટને પ્રેમપૂર્વક સ્વીકારીને ત્યાં ગોઠવાઈ જવાના પ્રયત્નનો કે જેમાં એકલતા, ઘરઝુરાપો વગેરે સહજ હોય અને ત્રીજો તબક્કો સ્વેચ્છાપૂર્વક પસંદ કરેલ્જા દેશમાં વસવાટ કરીને તેની સાથે એકાકાર થવાની તૈયારીનો. વાસનજીની અંતિમ બે કૃતિઓ ‘એસેસિન્સ સોંગ’ તથા ‘ધ મેજિક ઓફ સાયદા’ મારી દૃષ્ટિએ એક ચોથા તબક્કાને લઈને આવે છે. જેમાં પરદેશમાં સફળતાપૂર્વક સ્થાયી થયેલો ડાયસ્પોરિક નાયક ત્યાંનું સઘળું છોડીને પોતાના મૂળની શોધમાં સ્વદેશ પાછો ફરે છે. આત્મખોજને પ્રાધાન્ય આપતી વાસનજીની આ બે કૃતિઓ ડાયસ્પોરિક થિયરીની એક નવી દિશા ખોલી આપે છે.

*

રંજના હરીશ

ચરિત્રકાર, વિવેચક.

અંગ્રેજીનાં પૂર્વ-અધ્યાપક,

ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.

અમદાવાદ.

ranjanaharish@gmail.com

98250 00736

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.