અમેરિકન ફિલ્મવિચાર – અમૃત ગંગર

Projections of Memory – Recahrd I. Suchensky

Oxford Uni. Press, New York, 2016

ઉત્તર અમેરિકાની બાર્ડ કોલેજમાં ફિલ્મ એન્ડ ઇલેક્ટ્રોનિક આર્ટ્સના એસોસિએટ પ્રાધ્યાપક રિચર્ડ આઈ. સૂચેન્સ્કી, સેન્ટર ફોર મૂવીન્ગ ઇમેજ આર્ટ્સના સ્થાપક પણ છે અને તેમણે બાર્ડ કોલેજ તેમજ અગાઉ યેલ યુનિવર્સિટીના તેમના અધ્યયનકાળમાં ફિલ્મ કાર્યક્રમો તેમજ સેમિનારો પણ ક્યૂરેટ કર્યાં છે. પ્રોજેક્શન્સ્ ઓવ્ મેમરી: રોમેન્ટીસિઝમ, મોડર્નીઝમ એન્ડ ધ એસ્થેટિક્સ ઓવ ફિલ્મ પુસ્તકમાં તેઓ લાંબી

અવધિની ફિલ્મોનું ખૂબ રસપ્રદ પૃથક્કરણ તેમજ નિરીક્ષણ કરે છે. દા.ત., એન્ડી વોર્હોલની ફિલ્મ એમ્પાયર(1964, આઠ કલાક પાંચ મિનિટ), એબેલે ગાન્સ દિગ્દશિર્ત નૅપોલિયન (1927, સાડા પાંચ કલાક), ગ્રિફિથની ફિલ્મ ઇન્ટોલરન્સ (1916, 210 મિનિટ), બેલા ટારની ફિલ્મ સૅતાનટૅન્ગો (1994, સાડા સાત કલાક) કે ફ્રેન્ચ દિગ્દર્શક યાક રિવેતીની દીર્ઘ અવધિની ફિલ્મકૃતિઓ.

સામાન્ય રીતે પ્રજાનું એકાગ્રતા-ફલક (એટેન્શન સ્પૅન) ટૂંકું થતું જાય છે એવી ઘોંઘાટમય દલીલો થતી રહે છે ત્યારે સૂચેન્સ્કીનું પ્રોજેક્શન્સ્ ઓવ્ મેમરી આપણું ધ્યાન ખેંચે છે. ફિલ્મકૃતિઓનાં તેમનાં દૃષ્ટાંતો બળુકાં છે અને દલીલો દૃઢ. તેમણે પસંદગી કરેલી દીર્ઘ અવધિની ફિલ્મો એક પ્રકારની મોન્યૂમેન્ટાલિટી સર્જે છે. અને આ અવધિમાં આપણી નીરખવાની અનુભૂતિ (પર્સેપ્શન) તેમજ સંવેદનમાં પરિવર્તન આવતાં જાય છે અને આ પ્રક્રિયાનો અનુભવ સૂચેન્સ્કી આપણને ખૂબ સૂક્ષ્મ રીતે કરાવે છે. અને એ રીતે તેઓ આ પુસ્તક દ્વારા સિનેમા પ્રત્યેના આપણા વલણમાં સંપૂર્ણ રીતે અભિનવ કે પરિવર્તનાત્મક ચેતનાનું સિંચન કરે છે. અને કોઈ પણ ફિલ્મના દૃશ્ય કે દૃશ્યાવલીની કે ફિલ્મસર્જકની વાતની માંડણી તેઓ ખૂબ સૂઝ-સમજપૂર્વક અને સંવેદનશીલતાથી કરે છે. તેમની ભાષા પણ ખૂબ વિશદ્ (લ્યૂસિડ) છે.

અહીં હું ભારતમાં ફિલ્મ રસિક વર્ગમાં વધારે પ્રિય થયેલા હંગેરીયન ફિલ્મ દિગ્દર્શક બેલા ટારની અને તેમની 1994ની દીર્ઘ (સાત કલાક) ફિલ્મકૃતિ સૅતાનતોન્ગોનો નિર્દેશ કરીશ કારણ કે સુચેન્સ્કી તેની રસપ્રદ વાત કરે છે. તેઓ બેલા ટારની આ ફિલ્મને ‘મોડનિર્સ્ટ એપિક’ કહે છે. કથન અને પ્રયોગ વચ્ચે રહીને બેલા ટાર આ ફિલ્મકૃતિને નવું સ્વરૂપ આપે છે જેમાં ટેમ્પોરલ એક્સપિરિયન્સ કે શુદ્ધ કાલીય અનુભૂતિની નિમિર્તિ છે. 1994માં પણ તેઓ 35 મીમી સૅલ્યૂલોઈડ શ્વેતશ્યામ ફિલ્મ સર્જે છે એ પણ સાત કલાકની અવધિની.

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.