માંદગીનું નહીં, મૃત્યુની ઓળખનું પુસ્તક – મધુસૂદન કાપડિયા

When Breath Becomes Air – Paul Kalanidhi

Random House, New York, 2016

આ એક અસાધારણ પુસ્તક છે – પ્રેરક, ઉદ્બોધક, હૃદયસ્પર્શી અને કરુણાર્દ્ર. એક વાર વાંચવાનું શરૂ કરો પછી તે તમને જકડી રાખે છે. મેં મોડી રાત સુધી જાગીને એક જ બેઠકે પૂરું કર્યું. છેલ્લાં પાનાં વાંચતી વખતે મારી આંખમાં આંસુ હતાં. પુસ્તક અત્યંત લોકપ્રિય પણ છે. એના પ્રકાશનવર્ષ 2016માં એની દસ લાખ નકલ વેચાઈ. આજે પણ (ફેબ્રુઆરી 18, 2017) ન્યુયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલર્સ લિસ્ટ પર 50 અઠવાડિયાંથી છે. અલબત્ત, પુસ્તક ઉદાત્ત અને ઉત્તમ છે પરંતુ એની લોકપ્રિયતાનાં બે વધુ કારણો છે. પુસ્તકના પ્રકાશન પહેલાં ન્યુયોર્ક ટાઇમ્સના ઓપ-એડ વિભાગમાં બે લેખો પ્રકટ થયા – એક પોલ કલાનિધિનો How Long Have I Got Left અને પોલના અવસાન પછી એમની પત્નીનો My Marriage Didn’t End When I Became a Widow. ઇન્ટરનેટ ઉપર બન્ને લેખો હજારો-લાખોની સંખ્યામાં વંચાયા. લોકો પુસ્તકની આતુરતાથી રાહ જોતાં હતાં.

કૃતિની શરૂઆત નાટ્યાત્મક છે. પોલ લખે છે, ‘મેં CT Scanની ઇમેજ એક પછી એક જોઈ. રોગનું નિદાન સ્પષ્ટ હતું. ફેફસાં કૅન્સરની અનેક ગાંઠથી ગંઠાઈ ગયેલાં. કરોડ વિકૃત થઈ ગયેલી, લીવરનો એક ભાગ ગ્રસ્ત થઈ ગયો હતો. કૅન્સર સાવ પ્રસરી ગયેલું. ન્યુરોસર્જરીના વિદ્યાર્થી તરીકે અને છેલ્લા વર્ષમાં રેસિડન્ટ તરીકે છ વર્ષમાં આવા તો અનેક સ્કેન મેં જોયેલા, એક જ ઉદ્દેશથી કે કોઈક દર્દીને ક્યારેક કદાચ કામ લાગે. પણ આ સ્કેન જુદો હતો – તે મારો પોતાનો હતો!

0

અને પછી પશ્ચાદ્દર્શન (flashback)થી આ સ્મરણયાત્રા શરૂ થાય છે.

જ્યારે પોલે એના મિત્રને મે 2013માં ઇ-મેઈલ મોકલ્યો કે એને મરણાંત કૅન્સર છે, ત્યારે લખ્યું કે, ‘સારા સમાચાર એ છે કે બે બ્રોન્ટે, કીટ્સ, સ્ટીફન ક્રેન કરતાં હું લાંબું જીવ્યો છું. ખરાબ સમાચાર એ છે કે મેં કંઈ લખ્યું નથી.’ આ એનો વિનોદ હતો પણ આ એની મહત્ત્વાકાંક્ષા હતી. તેણે ઉમદા અને ઉત્કૃષ્ટ જીવન ગાળ્યું હતું. તેને આલેખ્યા વિના એ જવા માગતો ન હતો. શું અભૂતપૂર્વ જીવન. સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્ય સાથે બી. એ. અને એમ. એ. પછી થયું કે સાહિત્ય સંવેદનશીલતાની સમજ આપે છે પણ બુદ્ધિની, મનની, મગજની સૂક્ષ્મતા અને આંટીઘૂંટીને જાણવા ન્યુરોલોજીનો અભ્યાસ કરવો ઘટે. યેલ મેડિકલ સ્કૂલમાં એમ.ડી.ની ડિગ્રી મેળવી. અરે, એ પહેલાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓવ ફિલોસોફીની ડિગ્રી મેળવી.

અને છેલ્લે સ્ટેન્ફર્ડમાં ન્યુરોલોજિકલ સર્જરીમાં રેસિડન્સી. કૅન્સરના નિદાન પછી તેની સામે પોલ અને લ્યુસી બન્નેએ સખત લડત આપી. આજકાલ કરતાં બાવીસ મહિના સુધી પોલે ટક્કર ઝીલી. આ સમય દરમિયાન જ્યાં સુધી તબિયત ચાલી ત્યાં સુધી ન્યુરોસર્જન તરીકે સેવા આપી, એક ઉમદા ડોક્ટર તરીકે દર્દીઓ અને તેમનાં કુટુંબીજનોને સલાહ સૂચના અને સ્નેહ આપ્યાં.

પોલ કહે છે કે મેં ફરીથી સાહિત્યકૃતિઓનું વાચન શરૂ કર્યું: સોલ્ઝેનિત્સીનનું ‘કૅન્સર વોર્ડ’, બી. એસ. જ્હોનસનનું ‘ધ અનફોર્ચ્યુનેટ્સ’, ટોલ્સટોયનું ‘ઇવાન ઇલિચ’, નેગલનું ‘માઇન્ડ એન્ડ કોસમોસ’, વુલ્ફ, કાફકા, મોન્ટેન, ફ્રોસ્ટ, ગ્રેનવીલ – કૅન્સર દર્દીઓનાં સંસ્મરણો. કંઈ પણ કોઈએ પણ ક્યારેય મૃત્યુ વિશે લખ્યું હોય તે બધું જ. પણ હવે તો પોલના શબ્દો જ ટાંકવા રહ્યા: ‘મને બરાબર યાદ છે એ પળ જ્યારે મારી ભારે ઉત્પીડક ચિંતાનો અંત આવ્યો. સેમ્યુઅલ બેકેટના સાત શબ્દો, અને અનિશ્ચિતતાનો અનુલ્લંઘનીય સમુદ્ર બે ભાગમાં વહેંચાઈ ગયો, ‘I can’t go on. I’ll go on.’ દરરોજ સવારે સાડા પાંચ વાગે જ્યાં એલાર્મ વાગે છે ત્યાં મારું મૃત શરીર જાગે છે, હું ફરીથી મારી જાતને કહું છું: ‘હું આગળ જઈ શકું એમ નથી.’ અને એક મિનિટ પછી હું સર્જરીના લેબાશમાં ઓપરેશન રૂમ તરફ જઈ રહ્યો છું, જીવતોજાગતો. – ‘હું જઈશ જ.’ જેમ પોલની સ્થિતિ વણસતી ગઈ તેમ તેણે સતત અભિનિવેશપૂર્વક લખવાનું ચાલુ રાખ્યું. જ્યાં જાય ત્યાં એનું લેપટોપ એની જોડે જ હોય. ડોક્ટર તરીકે તો ખરું જ પણ દર્દી તરીકે પણ જ્યારે કીમોથેરેપીની ટ્રીટમેન્ટમાં રક્તવાહિનીમાં ટપ ટપ ટપ રસાયણ ત્રણ ચાર કલાક સુધી ટપકતું રહે ત્યારે દર્દી તરીકે એણે સતત લખે રાખ્યું. પોલ મૃત્યુને ચારે બાજુએથી જોઈ શકે છે. એક સિદ્ધહસ્ત ડોક્ટર તરીકે અને એક અત્યંત બીમાર મરણાસન્ન દર્દી તરીકે એ લખે છે. લેપટોપની ચાવીઓએ જ્યારે એની આંગળીઓને ઈજા પહોંચાડવા માંડી ત્યારે ખાસ મોજાં પહેરીને એણે લખવાનું ચાલુ રાખ્યું. મૃત્યુના ત્રણ દિવસ સુધી એણે લખે રાખ્યું. એ કહે છે કે મેં ફરીથી રસ્તો ઓળંગ્યો, ડોક્ટરમાંથી દર્દી તરીકે, નિર્માતામાંથી પ્રેક્ષક તરીકે, કર્તામાંથી કર્મ તરીકે.

પુસ્તકનો અંત અચાનક આવે છે. મૃત્યુ સમયસર ધીર ગતિએ નથી આવતું. પોલ આપણને એની જીવનયાત્રા દ્વારા એ સમજાવે છે. વર્ષો પૂર્વે વાંચેલી નોર્મન કઝિન્સની આવી જ અસરકારક કૃતિ ‘Anatomy of an Illness: As Perceieved by the Patient’ એને યાદ આવે છે. પણ પોલની કૃતિ એનાથી પણ બે ડગલાં આગળ વધે છે. કારણ કે એ માત્ર માંદગીનું પુસ્તક નથી, મૃત્યુનું પુસ્તક છે. પોલ આપણને જીવનનો અને મરણનો મર્મ સમજાવે છે.

પ્રસ્તાવનામાં ડો. એબ્રહામ વર્ગીઝ (પોલની જેમ ભારતીય મૂળના ડોક્ટર, સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં વ્યવસાય અને લેખક – છેલ્લું પુસ્તક My Own Country: A Doctor’s Story જેના પરથી મીરા નાયરે મૂવી ઉતાર્યું છે.) કહે છે તેમ પોલનું ગદ્ય આકર્ષક અને લયાન્વિત છે. કૃતિ જાણે ગદ્યકાવ્ય જ જોઈ લ્યો.

0

કૃતિને અંતે પોલે ટાંકેલા અને અપૂર્ણ કૃતિને પૂર્ણ કરતાં લ્યુસીએ ટાંકેલા બે કરુણમધુર અવતરણથી વિરમીએ:

With what strife and pains we come into the world we know not, but, ‘tis commonly not easy matter to get out of it.

(Sir Thomas Browne’s ‘Religio Medici’)

(આપણે કેટલા સંઘર્ષ અને વેદનામાં દુનિયામાં પ્રવેશ કરીએ છીએ તેની આપણને ખબર નથી. અને તેમાંથી બહાર નીકળવું પણ કંઈ સહેલું નથી.)

You left me, sweet, two legacies

a legacy of love

***

you left me boundaries of pain

Capacious as the sea,

Between eternity and time,

Your consiousness and me

(Emily Dickinson)

(પ્રિયતમ, તેં મારા માટે વારસામાં બે વસ્તુ મૂકી છે: એક, પ્રેમનો વારસો… અને બીજું, વેદનાની સાગર જેટલી વિશાળ સીમાઓ. અનંતતા અને કાળ વચ્ચે, તારી ચેતના અને મારી વચ્ચે.’)

નોંધ: ડો. પોલ કલાનિધિનું આડત્રીસ વર્ષની યુવાન વયે કારકિર્દીના ઉચ્ચોચ્ચ શિખરે માર્ચ 2015માં અકાળ અવસાન થયું.

*

મધુસૂદન કાપડિયા

વિવેચક.

ગુજરાતીના પૂર્વ-અધ્યાપક, મુંબઈ.

અમેરિકા.

mgkapadia@yahoo.com

973-386-0616

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.