ખુમારીની ગઝલો – ચિનુ મોદી

રાસ્તા યે કહીં નહીં જાતા – શીન-કાફ-નિઝામ

વાગ્દેવી પ્રકાશન, જયપુર, 2010

મોગલ બાદશાહ બાબર અન્ય મુસ્લિમ આક્રમણખોરોની માફક હિંદુસ્તાનને લૂંટી પાછા વતન ચાલ્યા ન ગયા અને સૈન્ય સાથે આ દેશમાં વસવાનું નક્કી કર્યું. સૈન્યને હિંદીભાષી વતનીઓ સાથે ફારસીમાં વહેવાર ચલાવતાં ફાવતું નથી. હિંદીભાષીઓને પણ ફારસી સમજાતું નથી. એટલે તત્સમ શબ્દ યુક્ત હિંદી અને ફારસી બેય જબાનના મિશ્રણથી જે ભાષા જન્મી તે ઉર્દૂ. અંગ્રેજીની જેમ ઉર્દૂ પણ આપણા દેશનાં વિધ વિધ રાજ્યોમાં સ્થાનિક ભાષાના શબ્દો અને લહેકા સાથે બોલાય છે.

આજે આપણે, રાજસ્થાનમાં ઉર્દૂ બોલાય છે, લખાય છે એના એક પ્રતિનિધિ કવિ શીન-કાફ-નિઝામના ગઝલસંગ્રહ વિશે વાત કરવાના છીએ.

0

શીન કાફ એટલે શિવ કિશન અને ‘નિઝામ’ એ શિવ કિશન બિસ્સાએ રાખેલું તખલ્લુસ છે. એમનો જન્મ 26 નવેમ્બર 1945નો છે. એ માત્ર ગઝલકાર નથી, એમણે નઝમો પણ કહી છે. પદ્ય ઉપરાંત ગદ્યમાં વિવેચનક્ષેત્રે પણ એમણે કામ કર્યું છે. સંપાદન પણ કર્યું છે. ‘રાસ્તા યે કહીં નહીં જાતા’ એ નિઝામનો ચોથો કાવ્યસંગ્રહ છે. ઉર્દૂ અને દેવનાગરી બન્ને લિપિમાં એમના કાવ્યસંગ્રહો પ્રગટ છે. રાજસ્થાન ઉર્દૂ અકાદમીનો સર્વોચ્ચ એવોર્ડ ‘મહેમુદ શિગના એવોર્ડ’, ભારતીય ભાષા સંસ્થાનનું ‘ભાષા ભારતી સન્માન’ તથા મધ્યપ્રદેશથી ‘રાષ્ટ્રીય ઇકબાલ સન્માન’ પણ નિઝામને મળી ચૂક્યાં છે. હું જેની વાત કરવાનો છું, એ કેવળ ગઝલસંચય છે.

ગઝલનું ચાલક બળ કાફિયા છે; પણ એના અનુભૂતિના સંદર્ભોનું નિર્ણાયત્મક બળ રદ્દીફ છે. એ પહેલી બન્ને પંક્તિમાં ગઝલમાં ઉપસ્થિત હોય છે. પહેલી બે પંક્તિથી કાફિયા (વારંવાર પલટાઈ-અદલાઈ-બદલાઈ આવનાર) ચુસ્ત કે આઝાદ – એની પસંદગી ગઝલકાર કરી લે છે. દા.ત. નિઝામની એક ગઝલની પહેલી બે પંક્તિ જોઈએ:

બૂંદ બન બન કે બિખરતા જાયે

અક્સ આઈને કો ભરતા જાયે.

‘બિખરતા’, ‘ભરતા’ એ કાફિયા છે. ‘-રતા’ની આગળનો લઘુ બદલાય છે. (અરતા/ભરતા). આ ચુસ્ત કાફિયા કહેવાય. નિઝામે ‘મુકરતા’ ‘ઠહરતા’, ‘ઊતરતા’ એવા કાફિયા સાત શેરની ગઝલમાં ઉપયોગમાં લીધા છે. નિઝામ કહે છે, ‘બૂંદ બૂંદ થઈને વિખરતો જા, બંબિ અરીસાને (એના ખાલીપાને

ભરતા જાય. ગઝલમાં ઘણુંખરું આઝાદ કાફિયા રાખી, બહુ કૃતક થવામાંથી ગઝલકાર જાતને ઉગારી લેતો હોય છે. દા.ત.

વહી ન મિલને કા ગમ ઔર વહી ગિલા હોગા

મૈં જાનતા હૂં તુઝે ઉસને ક્યા લિખા હોગા

અહીં ‘ગિલા’ સાથે ‘લિખા’નો પ્રાસ મેળવવામાં આવ્યો છે. અર્થાત્ ‘આ’કારાંત શબ્દ આખી ગઝલમાં કાફિયા તરીકે વપરાશે. ‘ઢૂંઢતા’ ‘દેખતા’ ‘દિયા’ એવા આઝાદ કાફિયા લઈને નિઝામે આ ગઝલ કહી છે.

નિઝામના કેટલાક મકતઅ આ સંદર્ભે જોઈએ:

ગલી કે મોડ સે ઘર તક અંધેરા ક્યૂં હૈ ‘નિઝામ’

ચિરાગ યાદ કા ઉસને બૂઝા દિયા હોગા.

0

એક પરિન્દા રાત કી ચૌખટ પે આયેગા ‘નિઝામ’

દેખના હૈ દેગા ક્યા ઔર હમ સે ક્યા લે જાયેગા.

0

બારિશને જાતે જાતે પલટ કર કહા ‘નિઝામ’

તેરી પર ઉમ્ર હૈ કિ સુલગતી કપાસ હૈ!

આ ત્રણ મક્તઅમાં રહેલો પોતાના મન સાથેનો નિઝામનો વાર્તાલાપ શૅરમાં કેવી બરકત લાવે છે – તે જુઓ. અને એમાંય ત્રીજો અહીં ટાંકેલો મક્તઅ તો અ-પૂર્વ પ્રતીક-આયોજનથી પણ મંડિત છે. વરસાદે જતાં જતાં પાછું વાળી જોયું ને કહ્યું કે ‘નિઝામ’! તારી આ ઉંમરે પણ હજી સળગતો કપાસ ક્યાંથી?

આ બધી તો ગઝલની ખાસ શિસ્તની શરતો હતી. પરંતુ, આ શિસ્ત સચવાય તો સારા શૅર, કાવ્યાત્મક શૅર થવાની વકી વધી જાય છે. ગઝલ માટે અ-નિવાર્ય છે એવાં કેટલાંક લક્ષણોને આધારે ‘નિઝામ’ની ગઝલોને મૂલવીએ:

મિજાજ: મગરૂરી, અભિમાન એવા સામાન્ય અર્થમાં આ શબ્દ ઉર્દૂમાં વાતચીતમાં વપરાય છે; પણ જ્યારે ગઝલનો સંદર્ભ હોય ત્યારે આ શબ્દને કવિગત ખુમારી, સ્વગૌરવના અર્થમાં લેવામાં આવે છે. બધા કવિતા કરનારામાં સ્વાભિમાન તો માપદંડ રહેવાનો જ; પરતુ, ગઝલકાર વાણી અને વહેવાર બેયમાં સ્વાભિમાનની સાચવણી કરતો કલ્પાયો છે. એની બેફિકરાઈ ઈર્ષ્યાપાત્ર થાય એવી છે. ગઝલકારોમાં આ ગુણ વાણી-વહેવારમાં ન ઊતરે તો એ મોટો ગઝલકાર થઈ શકતો નથી. ગાલિબ ઇત્યાદિના આવા પ્રસંગો દોહરાવતો નથી; પણ, આ શિવ કિશન બિસ્સાએ ‘નિઝામ’ તખલ્લુસ રાખેલું છે; જેનો એક અર્થ સૂબો, હાકેમ થાય છે. ફકીર હોય; પણ, ખુમારી શબ્દની સૃષ્ટિના સૂબાની હોય. ‘નિઝામ’માં આવા ઘણા શૅર મળી આવે છે. કેટલાક એમાંથી અલગ તારવી અહીં મૂકું:

ચેહરો કી ચોરી કરતા હૈ

આઈના આસેબજદા હૈ;

જાને ક્યા ઉસને સોચા હૈ

ફિર પત્થર કે પાસ પડા હૈ.

[એ ચહેરાઓની ચોરી કરે છે; અરીસા ભૂતિયા થઈ ગયા છે. એણે શું વિચાર્યું હશે કોને ખબર, પણ એ ફરી પાછો પત્થર પાસે જ ઊભો છે.]

બિછડતે વક્ત કિસીસે યે જી મેં સોચા થા

ભુલાના ચાહા તો સૌ તરહ સે ભુલા દેંગે

0

રહને દે જલતી ધરતી

તૂ સૂરજ કો સાયા દે.

સૂરજને છાંયડો આપવાની ઇચ્છા ગઝલકારની ખુદ્દારી છે.

નિઝામ આજના નવા ગઝલકારોની જેમ નાની બહેરની (ઓછા શબ્દોના છંદમાપવાળી) ગઝલ કહેવામાં ખૂબ સિદ્ધ સાબિત થયા છે. નાની બહેરની ગઝલ એ કવિની કસોટી છે – લાઘવથી શબ્દ-આયોજન કરવાની ફાવટની એ નિશાની છે.

જંગલ જંગલ જાદૂ બોલે

સૌંઘી મિટ્ટી કી બૂ બોલે

*

હવા કૈ ફજા મેં બિખરતી હુઈ

પરિન્દો કે પર કો કતરતી હુઈ.

નિઝામની ગઝલોના કેટલાક દોષની વાત પણ કરવી રહી.

(i) ઘણી ગઝલોમાં એકનો એક કાફિયા એકથી વધુ શૅરમાં એના એ અર્થમાં વાપરે છે. દા.ત. નજ્રે બાની ગઝલમાં ‘પાની’ કાફિયા ચાર વાર કવિને વાપરવો પડ્યો છે.

(ii) ઉર્દૂ જેની માતૃભાષા નથી હોતી એવા શાયરોમાં વારંવાર જોવા મળતો ‘ઇતાએ-જલી’ નામના દોષથી ‘નિઝામ’ બાકાત છે. એક ગઝલમાં બે કાફિયા એવા લેવામાં આવે જ્યારે પાછળના અક્ષરો સરખા હોય; પરંતુ, આગળનો અક્ષર સમસ્વર ન હોય.

અંતે, ડો. નામવરસિંહ સાથે સંમત થઈ હું પણ એમની ભાષામાં કરીશ –

‘મુઝે અચમ્બા હૈ કિ ઇસ ઉમ્ર મેં નિઝામ કો બસીરી

ઔર અહેસાસ કી યહ દૌલત કહાં સે મિલ ગઈ?’

*

ચિનુ મોદી

કવિ, નાટ્યકાર.

ગુજરાતીના પૂર્વ-અધ્યાપક,

ગુજ. યુનિ. અમદાવાદ.

અમદાવાદ.

drchinumodi@yahoo.com

97256 07173

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.