જાપાની/હિંદી બાળવાર્તા – વર્ષા દાસ

દસ્તાને – યોકો ઇમોતો, હિંદી અનુ. વર્ષા દાસ

કોદાન્શા,જાપાન, 2014;

નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, દિલ્હી, 2015

જાપાનની એક જાણીતી પ્રકાશનસંસ્થા છે કોદાન્શા લિમિટેડ. એની સ્થાપના 1909ના નવેમ્બરમાં થઈ હતી. કોદાન્શાના અધ્યક્ષ યોશિનોબુ નોમા કહે છે કે કોદાન્શાની દરેક વ્યક્તિ બે મુખ્ય મૂલ્યો કેન્દ્રમાં રાખીને કામ કરે છે. એક, પુસ્તકના સર્જન-પ્રકાશનનો આનંદ, અને બીજું, વાંચનારા લોકો સુધી એ પુસ્તકો પહોંચાડવાનો આનંદ.

પુસ્તકો ભારતનાં બાળકો સુધી પહોંચાડવાની ઇચ્છાથી કોદાન્શાએ સચિત્ર વાર્તાઓથી શરૂઆત કરી છે. ભારતમાં ભાષાઓ ઘણી છે એટલે સૌ પ્રથમ દસ બાળ-પુસ્તકોના હિંદીમાં અનુવાદો કરવામાં આવ્યા. એમાંનું એક છે આ ‘દસ્તાને’, એટલે કે હાથમોજાં. આ પુસ્તકનાં લેખિકા અને ચિત્રકાર છે યોકો ઈમોતો. ચિત્ર-વાર્તા છે એટલે ચિત્રો મોટાં, રંગીન અને આકર્ષક છે. વાર્તાનાં વાક્યો નાનાં, સરળ અને ઓછાં છે. ખૂબ સહજતાથી, સરળતાથી સંપીને રહેવાની, જરૂરિયાતો ઓછી કરવાની, સૌને સાથે લઈને આગળ વધવાની એમાં વાત કરી છે. પ્રાણીઓની વાર્તામાં મહત્ત્વપૂર્ણ માનવમૂલ્યોની વાત વણી લેવામાં આવી છે.

વાર્તાના સૌથી પહેલા ચિત્રમાં બે સસલી બહેનો સ્કૂલેથી ઘરે આવે છે. રસ્તામાં કરા પડે છે. મોટીબહેને હાથમોજાં પહેર્યાં છે. નાનીના હાથ ઠરી જાય છે. એ એની દીદીને કહે છે, તમારાં મોજાં આપો ને? દીદી એને એક હાથમોજું આપે છે. નાની બેન ખુશ થઈ જાય છે, પણ એનો બીજો હાથ ઠરી જાય છે. એ બીજું હાથમોજું માગે છે. મોટીબહેન એનો ઠંડો હાથ પોતાના હાથમાં પકડીને પૂછે છે, ‘હવે હાથ ગરમ થઈ ગયો ને?’ બાળકોને ઘરે આવતાં જોઈને દાદીમા બહાર આવ્યાં. એમના હાથમાં મોજાં નહોતાં. બંને બહેનોએ દાદીમાને વચ્ચે રાખીને એમના હાથ પકડી લીધા. હાથમોજાંની એક જ જોડી હતી પણ ત્રણેના છએ હાથ ગરમ થઈ ગયેલા! પછી રસ્તે ચાલતાં શિયાળભાઈ, ઉંદરભાઈ, બિલાડીબેન જે જે મળતાં ગયાં, એકબીજાનો હાથ પકડીને, ઉષ્માનો અનુભવ કરતાં કરતાં આગળ ચાલતાં ગયાં.

હજી પણ હાથમોજાંની એક જ જોડીથી કામ ચાલતું હતું. બે છેડાના બે જણના એક-એક હાથમાં મોજાં ને બાકી બધાંએ એકબીજાના હાથ પકડીને ગરમી મેળવી લીધી હતી. પુસ્તકના છેલ્લા ચિત્રમાં બંને પાના પર વિસ્તરતા મોટા લંબગોળમાં જાતજાતનાં પશુ-પક્ષીઓ અને માનવ-બાળકો પણ છે. બધાંએ એકબીજાના હાથ પકડ્યા છે. એ જોઈને દીદી કહે છે, ‘આખી દુનિયામાં જો બધાં એકબીજાનો હાથ પકડી લે તો આપણે હાથમોજાં જોઈએ જ નહીં!’

કોદાન્શાના ભારત પ્રોજેક્ટના નિયામક યોશિયાકી કોગા માટે આ વાર્તા અને ચિત્રો વિશેનો ભારતીય બાળકોનો પ્રતિભાવ જાણવાનું જરૂરી હતું. ભારતીય સમાજની સામાજિક-આર્થિક વિષમતાને ધ્યાનમાં રાખીને અમે બે પ્રકારની અને બે જુદા જુદા વર્ગો માટેની શિક્ષણવ્યવસ્થા પસંદ કરી. એક, પ્રમાણમાં ગરીબ બાળકો માટેની અનૌપચારિક શિક્ષણની સંસ્થા અને બીજી મધ્યમ ને ધનવાન વર્ગનાં બાળકો માટેની ઔપચારિક શિક્ષણની શાળા. બાળકો પૈસે ટકે સુખી હોય કે ગરીબ, સંવેદનશીલતા, ભાવપ્રવણતા તો બધામાં સમાન જ હોય છે. બંને જગ્યાએ બહુ સરસ પ્રતિભાવ મળ્યો. બાળકોએ વાર્તાના વાચનની સાથે સાથે એકબીજાના હાથ પકડીને ઉષ્મા અનુભવી. શિક્ષકોએ પણ તેમાં ભાગ લીધો. બધાંને મજા આવી. કોદાન્શાના અધ્યક્ષે જે આનંદની વાત કરી છે તે સૌએ માણ્યો.

આ ચિત્રવાર્તા જાપાની ભાષામાં 2014માં છપાઈ. 2015માં મેં તેનો હિંદીમાં અનુવાદ કર્યો. 2015-16માં દિલ્હીની જુદી જુદી શાળાઓમાં જઈને તેનું વાચન કર્યું. સકારાત્મક પ્રતિભાવ જોઈને હવે કોદાન્શાની સાથે જાપાની સરકાર પણ આ પ્રોજેક્ટમાં જોડાઈ છે અને નેશનલ બુક ટ્રસ્ટ, ઇંડિયા કુલ દસ પુસ્તકોમાંથી કેટલાંકને હિંદીમાં છાપવા માટે તૈયાર છે. આશા રાખીએ કે ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓનાં બાળકોને પણ તેનો લાભ મળશે.

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.