નવતર નારીવાદી સંદેશ અને લોકપ્રિયતા – હિમાલી શિંગ્લોત

One Indian Girl – Chetan Bhagat

Rupa Publication, New Delhi, 2016

ફાઇવ પોઇન્ટ સમવન (2004), વન નાઇટ એટ ધ કોલ સૅન્ટર (2005), ધ થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઇફ (2008), ટૂ સ્ટેટ્સ– ધ સ્ટોરી ઓફ માય મૅરેજ (2009),રિવોલ્યુશન 2020 (2011), વોટ યંગ ઇંડિયા વોન્ટ્સ (2012) અને હાફ ગર્લફ્રૅન્ડ (2014) જેવી યુવામાનસ-ભોગ્ય નવલકથાઓ લઈ આવનાર ભારતીય લેખક ચેતન ભગત તાજેતરમાં જ તેમની નવી નવલકથા ‘વન ઇન્ડિયન ગર્લ’ લઈને યુવાનો સમક્ષ પ્રસ્તુત થયા છે. ચેતન ભગતે છેલ્લા દોઢેક દસકાથી નવલકથાકાર, કટારલેખક, પટકથાકાર તથા પ્રેરણાદાયી વક્તા તરીકે ઘણી નામના પ્રાપ્ત કરી છે. તેમની વાર્તાઓ ઉપરથી ‘થ્રી ઇડિયટ્સ’ અને ‘ટૂ સ્ટેટ્સ’ જેવી હિંદી ફિલ્મો પણ બની ચૂકી છે.

ચેતન ભગત નવતર શૈલીની પ્રણયકથાઓના કસબી મનાય છે. એમની નવલકથાનું નામ સાંભળતાંની સાથે જ યુવાનોના માનસપટ ઉપર સૌથી પહેલું દૃશ્ય આવે એક યુવક અને યુવતીના પ્રણયમિલનનું. ‘વન ઇંડિયન ગર્લ’માં પણ એમણે આજ કરામત અજમાવી છે; અલબત્ત જરા નવા અંદાજથી. એમની આ પહેલાંની નવલકથાઓમાં નાયક પ્રથમ પુરુષમાં વાચક સાથેના સંવાદના રૂપમાં પોતાની વાત માંડતો, જ્યારે ‘વન ઇન્ડિયન ગર્લ’માં વાર્તાના કથયિતવ્યનું સૂત્ર એની નાયિકા રાધિકા સંભાળે છે. એ અર્થમાં આ વાર્તા નારીપ્રધાન છે. ચેતન ભગત નારીવાદને તદ્દન આધુનિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. એમની રજૂઆતની શૈલી પણ એવી છે કે કથા વાંચતી વેળાએ વાચક નિષ્ક્રિય રહી શકતો નથી અને એને આધુનિક નારી વિશેનાં પોતાનાં વિચારો-મંતવ્યોને સ્પષ્ટ કરવાની ફરજ પડે છે.

‘વન ઇન્ડિયન ગર્લ’નું કથાફલક 280પૃષ્ઠમાં વિસ્તરેલું છે. એમાં એક એવી યુવતી રાધિકા મહેતાની વાત છે જે ભણવામાં ખૂબ જ હોંશિયાર અને કારકિર્દીલક્ષી, પરંતુ દેખાવે તદ્દન સામાન્ય અને શ્યામવર્ણી છે. સામાન્ય રીતે અત્યંત સ્વરૂપવાન નાયિકાઓનું વર્ણન કરનારા કથાલેખકોમાં ચેતન ભગત આ રીતે કદાચ નવી છાપ છોડે છે. રાધિકા નારીવાદી વિચારશૈલી ધરાવનારી છે. કથાનો પ્રારંભ રાધિકા મહેતા અને બ્રિજેશ ગુલાટીના લગ્નના પાંચ દિવસ પહેલાં થાય છે. બન્નેનાં લગ્નોત્સુક પરિવારો ગોવામાં એકત્રિત થયાં છે. લગ્નની ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે ત્યાં જ રાધિકા ઉપર એના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ડેબુનો ફોન આવે છે. ફોનની સાથે જ વાર્તાપ્રવાહનો કૅમેરો ભૂતકાળમાં સરી પડે છે અને ન્યૂયોર્ક શહેરમાં રાધિકા અને ડેબુની દોસ્તી, પ્રણયસંબંધ તેમજ અપેક્ષા મુજબના મુક્ત શરીરસંબંધનું વર્ણન આવે છે. જોકે રાધિકા અને ડેબુનું આ પ્રેમપ્રકરણ ઝાઝું ટકતું નથી, કેમકે રાધિકા એક ખૂબ જ સફળ બિઝનેસ વુમન છે અને ડેબુ કરતાં ત્રણ ગણું વધારે કમાય છે. ડેબુ આ સાંખી શકતો નથી અને પરિણામે બન્ને વચ્ચે ખટરાગનાં મંડાણ થાય છે. ડેબુ રાધિકા પાસે પરંપરાગત ભારતીય પુરુષની જેમ જ એક સફળ પત્ની અને માતા થવાની અપેક્ષા સેવે છે. દેખીતું જ છે કે આ રીતે બન્નેના તાર મળે નહીં અને તેથી બન્ને છૂટાં પડે છે અને પ્રેમપ્રકરણનો અકાળે અંત આવે છે. પ્રેમમાં નાસીપાસ રાધિકા ડેબુ અને ન્યૂયોર્ક બન્નેને છોડીને હોંગકોંગમાં જઈ વસે છે. અહીં એની મુલાકાત નીલ સાથે થાય છે, જે એક સફળ બિઝનેસમૅન હોવા ઉપરાંત રાધિકાનો બોસ પણ છે. નીલ પરિણીત છે; એક સંતાનનો પિતા છે, છતાં સ્માર્ટ અને કારકિર્દીલક્ષી રાધિકા તરફનું ખેંચાણ ખાળી શકતો નથી. અગાઉ ડેબુથી પ્રેમભગ્ન થયેલી રાધિકાના અંતરમાં પણ નીલના સંગાથમાં નવી આશાઓ અને નવાં સપનાંઓ જાગી ઊઠે છે. આ રીતે વાર્તામાં નવા અધ્યાયની શરૂઆત થાય છે. જોકે નીલ અને રાધિકાનો સંગ બિલકુલ બાહ્ય સ્તરનો અને અતિ-આધુનિકતાના રંગે રંગાયેલો છે. બન્ને થોડી ઘડીઓના શારીરિક સાહચર્ય સિવાય કોઈ વધારાનું સુખ ભોગવી શકે તેમ નથી. નીલ પરિણીત છે અને પોતાનાં પત્ની-બાળકને છોડવા હરગીજ તૈયાર નથી. ન જ હોય! એ રાધિકાનું લગ્ન કરવાનું સપનું પૂરું કરી શકતો નથી. પરિણામે આ સંબંધનો પણ અપેક્ષિત અંત આવે છે. ફરી વાર પ્રેમમાં ભગ્ન રાધિકા નીલને ભૂલવા હોંગકોંગ છોડી લંડન જઈ પહોંચે છે. અહીં એ ભૂતકાળના તમામ અનુભવોને વિસારે પાડીને એક સારો જીવનસાથી શોધી ઠેકાણે પડી જવાનું નક્કી કરે છે. બ્રિજેશ અને રાધિકા લગ્નની એક વેબસાઇટ ઉપર મળે છે અને એકમેકને પસંદ કરે છે.

 અહીંથી લેખકની કલમનો કૅમેરો ફરી પાછો વર્તમાન ક્ષણ પર આવીને મંડાય છે. રાધિકા અને બ્રિજેશના લગ્નને ત્રણ દિવસ બાકી છે અને ડેબુ તથા નીલ બન્ને રાધિકાને પુન: પામવા ગોવાના લગ્નસ્થળે પહોંચી જાય છે. બન્નેને રાધિકાની કિંમત સમજાઈ છે. બન્ને એને પાછી મેળવવા માટે પોતપોતાની રીતે મરણિયા પ્રયત્નો કરી રહ્યા છે. આખી જિંદગી લગ્ન બાબતમાં અનિર્ણિત રહેનાર, સંબંધોના ઝંઝાવાતમાં અટવાતી રહેનાર રાધિકા આ ખરી કસોટીના સમયે ખૂબ જ બહાદુરીભર્યો અને સમજણપૂર્વકનો નિર્ણય લે છે. એને લાગે છે કે ડેબુ અને નીલ સાથેના સંબંધો ઉતાવળભરેલા હતા, તો બ્રિજેશ સાથે લગ્ન કરવાનો નિર્ણય પણ એને પૂરેપૂરો જાણ્યા વિના અને એ પોતાનાં સઘળાં સપનાં પૂરાં કરી શકે તેમ છે કે નહીં એનાં પારખાં કર્યાં વિના ઉતાવળે લેવામાં આવ્યો છે. આમ કરવું બરાબર નથી. માટે એ એકત્રિત થયેલાં બન્ને કુટુંબો તેમજ સગાં-સંબંધીઓ સામે લગ્ન ફોક કરી દે છે. બધાં કુટુંબીજનો રાધિકાના આ નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ જાય છે અને રાધિકા સામે ચિંતા વ્યક્ત કરે છે કે લગ્ન વિના, કોઈ પુરુષના સાથ અને સહકાર વિના એકાન્ત જીવન કેમ કરીને વ્યતીત કરશે? રાધિકાના પ્રત્યુત્તરમાં આખી વાર્તાનો સાર આવી જાય છે, એ કહે છે: ‘કોઈપણ છોકરી કે સ્ત્રીને પોતાની જાતને વ્યાખ્યાયિત તેમ જ અભિવ્યક્ત કરવા માટે પુરુષની જરૂર હોતી જ નથી. કુદરતે એને પૂરતી સ્વતંત્ર અને શક્તિશાળી બનાવી છે. ખરેખર તો એને જરૂર હોય છે એક એવા જીવનસાથીની, હમસફરની કે જે એને સાથ આપે, ને સમજે, એના માટે પ્રેરણારૂપ બને અને એની પ્રગતિમાં પ્રોત્સાહક બને. સાચો જીવનસાથી તો એવો હોવો જોઈએ કે જે સ્ત્રીને ઇચ્છિત કારકિર્દી ઘડવામાં મદદરૂપ થાય; પછી એ કારકિર્દી સફળ બૅન્કર બનવાની હોય કે ઉત્તમ ગૃહિણી બનીને પોતાનાં પતિ, સંતાનો તેમ જ કુટુંબનું ધ્યાન રાખવાની હોય. પતિ, કુટુંબ અને સમાજે સ્ત્રીની કારકિર્દીમાં અવરોધક બનવાનું માંડી વાળવું જોઈએ.’

‘વન ઇંડિયન ગર્લ’ ચેતન ભગતની આધુનિક મસાલાથી ભરપૂર વાર્તા છે. એમની આ પહેલી એવી નવલકથા છે જેનું મુખ્ય પાત્ર એક યુવતી છે. લેખક તરીકે એ વાર્તાના પ્રવાહમાં જ તેના નાયકના મનોવિશ્વમાં પ્રવેશીને એના મુખેથી વાત રજૂ કરે છે. ચેતન ભગતની આ અગાઉ લખાયેલી નવલકથાઓનું મુખ્ય પાત્ર પુરુષ રહેતો અને એમની કથનશૈલી આત્મકથાનાત્મક જ રહી છે. અહીં પણ એ પોતાની આ જ શૈલીને વળગી રહ્યા છે, પણ ‘નાયક’નું સ્થાન ‘નાયિકા’એ લીધું છે. રાધિકા મહેતાના કંઠે આખી વાત કહેવાય છે: હા, હું રાધિકા મહેતા છું અને આ અઠવાડિયે પરણી રહી છું. હું ગોલ્ડમેન સેક્સ(Goldman Sachs) નામની ઇન્વેસ્ટ્મૅન્ટ બૅન્કમાં કામ કરું છું. મારી વાર્તા વાંચવા બદલ હું તમારો આભાર જરૂર માનું છું. પણ એમાં તમે આગળ વધો એ પહેલાં મારે તમને થોડા સાવચેત કરવા જોઈએ. તમને કદાચ મારું પાત્ર પસંદ નહીં પડે. એનાં ત્રણ કારણો છે. એક, હું ભૌતિકવાદી છું અને ખૂબ પૈસા કમાવામાં માનું છું. બે, હું દરેક બાબતમાં બિલકુલ સ્વતંત્ર અભિપ્રાય ધરાવું છું. પુરુષો કે સમાજ મારા વિશે શું ધારી લેશે એની મને પરવા નથી. ત્રણ, મારે એક બોયફ્રૅન્ડ હતો. ઓ કે, કદાચ બે હતા. મારા તેમની સાથે સૅક્સના મુક્ત સંબંધો હતા એવું કહેવામાં મને જરા પણ સંકોચ નડતો નથી. હવે, કોઈ પુરુષ આ રીતે પોતાની વાત માંડે તો કદાચ તમે આ વાર્તા આગળ વાંચવાનું ચાલુ રાખો. પણ હું છું એક છોકરી – એટલે કે સ્ત્રી. એટલે ઉપર મેં તમને જે ત્રણ કારણો આપ્યાં તે વાંચીને તમારા હૃદયને ચોક્કસ આંચકો લાગવાનો. તમે મને અચૂક જ પસંદ નહીં કરવાના!’

આખી વાતને એક સ્ત્રીના દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવી છે તે કારણે થોડી ક્રિયા-પ્રતિક્રિયાઓ સાથે વાચકો એને પસંદ જરૂર કરવાના. જુદા જુદા સમીક્ષકોએ ‘વન ઇન્ડિયન ગર્લ’ અંગે જુદો જુદો પ્રતિભાવ વ્યક્ત કર્યો છે. ગૂડરીડ (Goodread)એને પાંચમાંથી 3.1અને સ્નૅપડીલ (Snapdeal) પાંચમાંથી 4.3સ્ટાર્સ આપે છે. ઇન્ડિયન એક્સ્પ્રેસ એને ‘નારીવાદીઓને પસંદ પડે તેવી હસ્ત પુસ્તિકા (હૅન્ડબૂક’) તરીકે વર્ણવે છે. ચેતન ભગત એમની લેખન સીડીમાં એક પગથિયું ઉપર ચઢ્યા છે અને એમની આગલી નવલકથા ‘હાફ ગર્લફ્રૅન્ડ’ની સરખામણીમાં આ નવલકથામાં એમનો લેખનકસબ જરા વધારે ઘડાયેલો હોય તેવું જણાય છે. વાચકોના મનને ગલગલિયાં કરાવે તેવું લોકરંજક વિષયવસ્તુ પસંદ કરવામાં ચેતન ભગતને ઘણી સારી ફાવટ છે. તેથી જ તો એમની વાર્તાઓ પરથી અગાઉ બે ચલચિત્રો ઊતરી શક્યાં છે. ચેતન ભગત વાચકો ઉપરાંત દર્શકોને દૃષ્ટિ સમક્ષ રાખીને કલમ ચલાવે છે. છતાં એમણે બંધ બારણે કોફીની ચૂસકી લેતાં લેતાં ‘વન ઇન્ડિયન ગર્લ’ લખી છે એવું પણ સાવ નથી. એમણે એના અંગે પૂરતું ગૃહકાર્ય (હોમવર્ક) કર્યું છે, કેમકે પુરુષ વ્યક્તિ અને પુરુષ લેખક થઈને પણ એક સ્ત્રીના દૃષ્ટિબિંદુને અને ભાવવિશ્વને સમજીને, વિચારીને અને સ્વીકારીને વાચકો સમક્ષ પ્રસ્તુત કરવાનું મુશ્કેલ કાર્ય એમણે પસંદ કર્યું છે. પુરુષપ્રધાન સમાજમાં જીવતી આધુનિક મહિલાને કેવા કેવા પડકારો ઝીલવા પડે છે, કેવી પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે એ જાણવા માટે એ જાણીતી અને અજાણી સોથી પણ વધુ મહિલાઓને મળ્યા, એમની સાથે વાર્તાલાપો યોજ્યા,એમના ઇન્ટરવ્યૂ લીધા અને પછી એમની અંતર્વ્યથાને વાચા આપી. મોટાભાગની મહિલાઓએ એમને જણાવ્યું કે એમના માટે સૌથી કપરો પડકાર એમના કૌટુંબિક અને વ્યાવસાયિક જીવનની વચ્ચે સંતુલન જાળવવાનો છે. સમાજ એમને પરંપરાગત રીતે ઘર ચલાવવાના અને બાળક પેદા કરવાના યંત્ર તરીકે જોતો આવ્યો છે. પુરુષો કરતાં સ્ત્રીઓ પાસેથી સમાજની અપેક્ષાઓ અનેકગણી વધારે હોય છે. ઉપરાંત સ્ત્રી પુરુષસમોવડી કે તેનાથી ચડિયાતી નીવડે તો પુરુષપ્રધાન સમાજનો અહંકાર ઘવાય છે. ‘નારીવાદ’ અને ‘સ્ત્રી-શક્તિકરણ’ની સુફિયાણી વાતો કરનારા સમાજનો પ્રત્યેક વર્ગ આ બાબતમાં દંભનો માર્ગ અપનાવે છે. ચેતન ભગત પોતાની વાર્તાનું વિષયવસ્તુ તૈયાર કરી રહ્યા હતા ત્યારે એવી પણ મહિલાઓના પરિચયમાં આવ્યા છે કે જે ‘નારીવાદી (ફેમિનિસ્ટ’) સમાજની રચનાની વિરુદ્ધમાં હતી. તેમના મતે નારીવાદી સમાજ એટલે એવો સમાજ કે જેમાં મહિલાઓને પુરુષોની જરા પણ જરૂર ન પડે. એ સમાજ પુરુષહીન હોય. આવા સમાજની સ્ત્રીઓ મહત્ત્વાકાંક્ષી હોય અને વ્યાવસાયિક સિદ્ધિઓ માટે એમણે પોતાની અંદરના લાગણીના ઝરાને સાવ સૂકવી દીધો હોય. કેમકે ઘોડિયામાં જેનું બાળક રડતું હોય એવી સ્ત્રી નોકરી કે વ્યવસાય માટે ઘરનો ઉંબરો ઓળંગે એ વાતમાં માલ નથી. પુરુષો વ્યવસાયમાં આગળ વધેલા છે,કેમકે એમને સંતાનોની માયા નથી. આધુનિક સ્ત્રીએ પોતાના હૃદયને પાષાણસમ બનાવવું પડે. તો જ એ સિદ્ધિનાં શિખરો સર કરી શકે.

ચેતન ભગતે ‘વન ઇન્ડિયન ગર્લ’ દ્વારા આવી મહિલાઓના વિચારોને સાચી દિશા અને ‘નારીવાદ’ને સાચી વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે. આજની નારી પુરુષસમોવડી બનવા થનગને છે. સમાન અધિકારોમાં માને છે. સન્માન અને સ્વતંત્રતા ઇચ્છે છે. સ્ત્રી અને પુરુષની રચના કુદરતે વિરુદ્ધ લિંગ (opposite sex) તરીકે નહીં, પણ પરસ્પર પૂરક લિંગ (complimentary sex) તરીકે કરેલી છે. સ્ત્રી-પુરુષની ભૂમિકાઓમાં જે કંઈ વિષમતાઓ આપણે આજે જોઈ રહ્યા છીએ તે તો સમાજે ઊભી કરેલી છે. આ અર્થમાં આપણને જ્હોન ગ્રેના1992માં પ્રગટ થયેલા શકવર્તી પુસ્તક Men Are From Mars, Women Are From Venus યાદ આવ્યા વિના રહેતી નથી. કુદરતે સ્ત્રી અને પુરુષનાં શરીર એકબીજાથી અલગ અને આગવાં બનાવ્યાં છે. એમના સ્વભાવ અને લાગણીતંત્રમાં પણ તફાવત જોવા મળે છે. આમ છતાં જો બન્ને એકબીજાને સમજીને અને પરસ્પર અનુકૂળ બનીને ચાલે તો સંસારરથની યાત્રા ઘણી સુગમ બનાવી શકાય.

‘વન ઇંડિયન ગર્લ’માં ચેતન ભગતે નારીત્વને લગતા બીજા પણ ઘણા અગત્યના મુદ્દાઓ વાર્તાના પ્રવાહમાં વણી લીધા છે. કહેવાતા પ્રગતિશીલ સમાજમાં આજે પણ સ્ત્રીઓને કુટુંબ ખાતર પોતાની મહત્ત્વાકાંક્ષાનો ભોગ આપવાની ફરજ પડે છે. સ્ત્રીઓને એમની આવડત અને લાયકાતના ધોરણે નહીં, પણ ચહેરા મહોરા અને ચામડીના રંગ પરથી લગ્નને યોગ્ય માનવામાં આવે છે. પત્ની પતિથી વધારે સારી કારકિર્દી બનાવે અને ઊંચી કમાણી કરે તો એને અજુગતું માનવામાં આવે છે. કૌમાર્યની પરીક્ષા કન્યાઓ માટે છે; કુમારો માટે નહીં. અગ્નિ પરીક્ષા સીતાને આપવી પડી છે; રામને નહીં! ચારિત્ર્ય સ્ત્રીઓનું જોવામાં આવે છે; પુરુષો પરંપરાથી વ્યભિચારનો અબાધિત અધિકાર ભોગવે છે.

આ પુસ્તક દ્વારા ચેતન ભગતે એક કાંકરે બે પક્ષી માર્યાં હોય એવું લાગે છે. એક બાજુ એમણે પોતાની આગલી સઘળી નવલકથાઓની માફક ભારતીય યુવાપેઢી તથા બોલિવૂડને પોતાની કલમ તરફ મોહિત રાખવાનો સાતત્યપૂર્ણ પ્રયાસ કર્યો છે, તો બીજી તરફ સ્ત્રીઓ પ્રત્યેના સમાજના પરંપરાગત અભિગમ સામે પડકાર ફેંક્યો છે. ‘વન ઇંડિયન ગર્લ’ પણ એમની આગલી નવલકથાઓ, ‘ફાઇવ પોઇન્ટ સમવન’ અને ‘ટૂ સ્ટેટ્સ’ની જેમ વેચાણના આજ પહેલાંના સઘળા આંક વટાવી જનારી તેમજ સિનેમાની ટિકિટબારી છલકાવનારી બીબાંઢાળ સાહિત્યરચના બની રહે છે કે પ્રગતિશીલ સમાજની રચના માટે નવતર સંદેશ લઈને આવી છે એ તો આવનારો સમય કહેશે. કમનસીબે વાચકો ઘણીવાર લેખકની અપેક્ષાએ ઊણા ઊતરે છે. મોટાભાગનો વાચકવર્ગ કેવળ વાર્તાતત્ત્વ વાંચવા તેમજ ફાજલ સમય પસાર કરવાના ઉદ્દેશથી જ પુસ્તકો વાંચતો હોય છે. પુસ્તકની ફિલોસોફીમાં ઊંડા ઊતરવાનું એ પસંદ કરતો નથી. ચેતન ભગતની દરેક વાર્તામાં વાચક માટે અને સમાજ માટે કોઈ હેતુ છુપાયેલો હોય જ છે. એ દૃષ્ટિએ ‘વન ઇન્ડિયન ગર્લ’ ચીલાચાલુ નવલકથા તરીકે એકવાર વાંચીને અભરાઇએ ચડાવી દેવાય તેવું પુસ્તક નથી જ. પોસ્ટ મોડર્નિઝમના આજના આ યુગમાં ચેતન ભગતની નવલકથા સ્ત્રી-પુરુષ સંબંધો અને લગભગ 7000હજાર વર્ષ જૂની પરંપરાગત લગ્નસંસ્થા માટે કંઈક પ્રગતિવાદી વિચાર લઈને આવી છે. લેખકનો આ હેતુ સાવ બાળમરણ ન પામે તે જોવાનું કામ વાચકનું છે.

ચેતન ભગત એમની બધી જ નવલકથાઓમાં સરવાળે પ્રેમસંબંધ, સૅક્સ અને સ્ત્રીપુરુષ સંબંધની ઉપર ઊઠી શક્યા નથી. એમની આ મર્યાદા ‘વન ઇન્ડિયન ગર્લ’માં પણ ઊડીને આંખે વળગે છે. એમની વાર્તાનાં યુવાન નાયક અને નાયિકા પહેલા દિવસે એકબીજાને મળે, બીજા દિવસે મૈત્રી કેળવે અને ત્રીજા દિવસે તો સીધાં બેડરૂમ સુધી પહોંચી જાય; એ કદાચ યુવાન પેઢીને મનગમતું લાગે, પણ સરેરાશ ભારતીય વાચક આટલી હદની અતિ-આધુનિકતાને સ્વીકારી શકે નહીં. ઘણીવાર એવું પણ લાગે છે કે એમની બધી જ વાર્તાઓમાં એ સ્વગતોક્તિ કરી રહ્યા છે; પોતાના જ જીવન અને મનની વાત માંડી રહ્યા છે. ‘ફાઇવ પોઇન્ટ સમવન’માં એમણે જ્યાં શિક્ષણ મેળવેલું તે આઈ.આઈ.ટી.ના જ કૅમ્પસની વાત હોય, કે પછી ‘ટૂ સ્ટેટ્સ’માં એમના જ જીવનની પ્રેમકહાણી કલ્પિત નાયક-નાયિકાની સાથે જોડી દેવાઈ હોય. આ બધું એમની વાર્તાઓમાં ક્યાંક ને ક્યાંક પ્રતિબિંબિત થયા વિના રહેતું નથી. એ આધુનિક યુવાન વાચકને સારી પેઠે પિછાણે છે; એને શું જોઈએ છે કે ભાવે છે એની એમને ખૂબ પરખ છે. માટે જ એ પોતાના વાચકોને ભાવતાં ભોજન પીરસતા લેખક બની ગયા છે. એ સમાજમાં હાલમાં પ્રવર્તી રહેલાં જાતીયતાનાં આધુનિક મૂલ્યોના કેવળ અભિવ્યક્તિકાર અને પક્ષકાર છે કે પછી નવાં મૂલ્યોના પ્રેરક અને ઉદ્દીપક તે તો આપણે, વાચકોએ નક્કી કરવાનું રહે છે.

*

હિમાલી શિંગ્લોત

રિસર્ચ આસિસ્ટંટ,કૅન્સર સેન્ટર,

વેસ્ટ વજિર્નીયા યુનિવર્સિટી, મોર્ગટાઉન.

અમેરિકા.

himzusa2311@gmail.com

1 (201) 707 3833

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.